સુમુલ : 'મોટા ભાગનું દૂધ આદિવાસીઓ ભરે, ડાયરેક્ટર કાયમ બિનઆદિવાસી હોય', ચૂંટણી પહેલાં શું વિવાદ થયો?

ઇમેજ સ્રોત, Social Media
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
સુરતસ્થિત સુમુલ ડેરીમાં 15મી જુલાઈએ ચૂંટણી યોજાવાની છે, જેના માટે રાજકીય દાવપેચ તેજ બની ગયા છે. બીજી તરફ પશુપાલકોની ફરિયાદ છે કે દૂધનો વ્યવસાય હવે નફાકારક નથી રહ્યો અને ડેરી તરફથી તેમને જે ભાવ મળે છે તે પોસાય તેમ નથી.
ખાસ કરીને ચોમાસામાં વિલંબ થવાના કારણે ઘાસચારાના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જેના કારણે પશુપાલકો દૂધના ભાવમાં શક્ય એટલી વહેલી તકે વધારો કરવામાં આવે તેવી આશા રાખે છે.
સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘને સુમુલ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લાં 10 વર્ષથી તેનો વહીવટ ભાજપનો ટેકો ધરાવતા લોકોના હાથમાં છે.
2024-25માં સુમલ ડેરીએ કુલ 6276 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાવ્યું હતું. ડેરીના બોર્ડમાં કુલ 19 સભ્યો હોય છે જેમાંથી 16 ચૂંટાયેલા હોય છે અને ત્રણ સભ્યો ગુજરાત કો-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને જિલ્લા રજિસ્ટ્રારની ઑફિસમાંથી હોદ્દાની રુએ હોય છે.
આ વખતે ચૂંટણી અગાઉ જ ભાજપે છ બેઠકો બિનહરીફ જીતી લીધી છે.
17 જુલાઈએ મતગણતરી અને પરિણામ જાહેર થશે.
પશુપાલકોની ફરિયાદ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane/bbc
લગભગ 2.50 લાખ સભ્યો ધરાવતી સુમુલ ડેરીની મંડળીઓના પ્રમુખો પોતાના બોર્ડ ઑફ ડાયરેક્ટર્સની પસંદગી કરે છે. ડેરી દ્વારા પશુપાલકોનાં હિતોનું ધ્યાન આપવામાં નથી આવતું અને તેમણે ખોટના ભાવે દૂધ વેચવું પડે છે એવી ફરિયાદ છે.
સુરતના માંડવી તાલુકાના ચૂડેલ ગામના એક પશુપાલક અમૃતભાઈ ચૌધરીએ જણાવ્યું કે "ચોમાસામાં વિલંબ થયો તેના કારણે અમારે લગભગ બમણા ભાવે ઘાસચારો ખરીદવો પડે છે. અગાઉ જે લીલો ઘાસચારો 50 રૂપિયે મણ હતો તેનો ભાવ વધીને 80થી 90 રૂપિયા થઈ ગયો છે. આના કારણે ઘણા લોકોએ પોતાના ઢોર વેચવાનો વારો આવ્યો છે. અમારા વિસ્તારમાં ઘાસચારાની એવી અછત છે કે ગાડી કરીને ઓલપાડ તરફ જવું પડે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે કે, "સુમુલમાં રાજ્ય સરકાર દ્વારા કસ્ટોડિયન મારફત વહીવટ ચાલતો હોવાથી બહુ ખરાબ સ્થિતિ છે. અમને ભેંસના દૂધ માટે 70 રૂપિયાથી વધારે મળે અને ગાય માટે કમસે કમ 45 રૂપિયા પ્રતિ લિટર મળે તો જ પોસાય તેમ છે. તેની સામે ગાયના દૂધનો ભાવ 35 રૂપિયાથી ઉપર જતો જ નથી."
તેમની ફરિયાદ છે કે "માંડવી, માંગરોળ, ઉમરપાડા એ બધા આદિવાસી વિસ્તારો છે જ્યાંથી મહત્તમ દૂધ મોકલવામાં આવે છે, પરંતુ ડેરીના ડાયરેક્ટર તરીકે હંમેશાં બિનઆદિવાસી હોય છે."
અન્ય એક પશુપાલક મનસુખભાઈ ચૌધરીએ જણાવ્યું કે "આદિવાસી વિસ્તારમાં ઘણા લોકો માટે પશુપાલન કરીને ડેરીને દૂધ વેચવું એ આવકનો મહત્ત્વનો સહારો હોય છે, પરંતુ હાલમાં ડેરીઓના રાજકારણમાં અમને ઓછા ભાવ મળે છે અને પહેલાં જેવી આવક રહી નથી. અમે આશા રાખીએ કે સુમુલમાં નવી બોડી ન રચાય ત્યાર પછી અમારા વિશે કંઈક વિચારાય."
તેઓ કહે છે કે "ગીરની ગાયને બાદ કરતાં જરસી ગાયોના દૂધમાં ફેટ ઓછું હોય છે. તેથી તેમાં 40 રૂપિયાથી પણ ઓછો ભાવ મળે છે. ગામડાંમાં પણ હવે બેથી ત્રણ ગાય-ભેંસ રાખીને ગુજારો કરવો મુશ્કેલ છે, કારણ કે ઘાસચારા અને પશુદાણનો ભાવ ઊંચો છે, જ્યારે દૂધનો ભાવ નીચો છે."
ચૂંટણી અગાઉ રાજકીય સમીકરણો

ઇમેજ સ્રોત, Tushar Chaudhary
સુરતની સુમુલ ડેરીના ચૅરમૅન માનસિંહ પટેલ અને વાઇસ ચૅરમૅન રાજુભાઈ પાઠકની ટર્મ 2025માં પૂરી થઈ ગઈ હતી અને તે સમયે જ ચૂંટણી થવાની હતી, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને એસઆઇઆરની કામગીરીના કારણે ચૂંટણી થઈ શકી ન હતી. તેના કારણે ડેરીનો વહીવટ કસ્ટોડિયનના હાથમાં હતો.
15 જુલાઈએ થનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે અને ચોથી જુલાઈએ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ છે, તે અગાઉ કૉંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ઉમેદવારીપત્ર પાછા ખેંચવા માટે ભાજપ લોકો પર દબાણ કરે છે.
આ વખતે ભાજપે સહકારી ચૂંટણીઓમાં મેન્ડેટ સિસ્ટમ લાગુ કરી છે, જેનો કૉંગ્રેસે વિરોધ કર્યો છે.
કૉંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "જે લોકો પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપ લાગેલા હતા તેવા લોકોને જ ફરી મેન્ડેટ અપાયા છે."
તેમનો આરોપ છે કે "ભાજપે જે ઉમેદવારો પસંદ કર્યા છે તેમને પશુપાલન સાથે કોઈ લેવાદેવા નથી. ડેરીઓ દાણનો ભાવ વધારી રાખે છે અને પશુપાલકોનું શોષણ કરે છે."
તેમણે એમ પણ કહ્યું કે ભાજપે કેટલીક બેઠકો બિનહરીફ મેળવી લીધી છે અને બીજી બેઠકો પર પણ હરીફો પોતાના ઉમેદવારીપત્રકો પાછા ખેંચે તે માટે દબાણ કરે છે.
બિનહરીફ વિજેતા થયેલા ભાજપના પાંચ ઉમેદવારોમાં ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને સુમુલના વાઇચ ચૅરમૅન રાજુભાઈ પાઠક સામેલ છે. ગુરુવારે સુમુલના ભૂતપૂર્વ ડાયરેક્ટર નરેશ પટેલે પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી.
કૉંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે "ડેરીની ચૂંટણીમાં 27 જૂન ફૉર્મ ચકાસણીની છેલ્લી તારીખ હતી અને ત્યાર પછી ફૉર્મ પાછા ખેંચવાની તારીખ છેક ચોથી જુલાઈએ રાખી. આટલા બધા દિવસનો ગાળો વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં પણ નથી હોતો. તેનો અર્થ એ થયો કે તેઓ ફૉર્મ પાછું ખેંચાવવા દબાણ લાવે છે."
ચૌધરીએ જણાવ્યું કે "ચૂંટણીનું પરિણામ ભલે ગમે તે આવે, અમે પશુપાલકો માટે લડત ચાલુ રાખીશું."
'મોંઘવારીના પ્રમાણમાં દૂધના ભાવ નથી વધ્યા'

ઇમેજ સ્રોત, Sandip Desai
દરમિયાન સુમુલની ચૂંટણી માટે ભાજપમાં આંતરિક વિખવાદ પણ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના વરિષ્ઠ ખેડૂત નેતા જયેશ પટેલ (દેલાડ)ને ભાજપે ડેરીની ચૂંટણી માટે મેન્ડેટ ન આપતા તેઓ ગુજરાત ખેડૂત સમાજમાં પરત આવી ગયા છે.
બીબીસી સાથે વાત કરતા જયેશ પટેલે જણાવ્યું કે, "ભાજપે સુમુલ ડેરીમાં જેમણે પાંચ વર્ષ સફળ વહીવટ કર્યો તેમના મેન્ડેટ જ કાપ્યા છે. તેમાં માનસિંહ પટેલ, નરેશ પટેલ અને હું સામેલ છીએ. 2020માં અમે ડેરી સંભાળી ત્યારે 1000 કરોડનું દેવું હતું જે ઘટાડીને અમે 400 કરોડ પર લાવી દીધું હતું. એક કિલો ફેટ પર 55 રૂપિયા વ્યાજ લાગતું હતું જે ઘટાડીને 32થી 33 રૂપિયા પર લાવી દીધું હતું. સુમુલમાં 90 ટકા દૂધ આદિવાસીઓનું આવે છે છતાં માનસિંહભાઈને મેન્ડેટ ન આપીને નાના પશુપાલકોનું અપમાન કર્યું છે. તેની સામે અમે પશપાલક હિતરક્ષક સમિતિ બનાવીને ઉમેદવાર ઊભા રાખ્યા છે."
તેઓ કહે છે કે "અગાઉ પશુપાલકોને દૂધના ભાવ કેટલા મળવા જોઈએ તે તેમના પ્રતિનિધિ નક્કી કરી શકતા હતા, પરંતુ હવે સરકારની મંજૂરી વગર દૂધના બજારભાવ પણ વધારી શકતા નથી અને પશુપાલકોને સહન કરવું પડે છે. છેલ્લાં 10 વર્ષમાં મોંઘવારી વધવાનો દર પાંચથી છ ટકા છે જ્યારે દૂધના ભાવમાં સરેરાશ ત્રણ ટકાનો જ વધારો થયો છે."
દક્ષિણ ગુજરાતના રાજકારણ પર નજર રાખતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નરેશ વરિયા માને છે કે સુમુલની ચૂંટણીમાં માત્ર ખેડૂતો-સભાસદોના પ્રશ્નો નથી, પરંતુ તે રાજકીય વર્ચસ્વની લડાઈ પણ છે.
તેમણે જણાવ્યું કે, "લગભગ સાત હજાર કરોડના ટર્નઓવર અને અઢી લાખ સભ્યો સાથે સુમુલએ દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે સૌથી મોટી સંસ્થા છે. આ ડેરી અગાઉ કૉંગ્રેસ પાસે હતી, પણ છેલ્લા ઘણા સમયથી ભાજપ શાસિત છે. તેમાં પણ ભાજપનો આંતરિક વિખવાદ ચાલે છે. હાલમાં રાજુ પાઠક અને માનસિંહ પટેલના જૂથ અંદરોઅંદર લડે છે. બંને જૂથોએ ભાજપનો મેન્ડેટ મેળવવા પ્રયાસ કર્યા હતા."
મેન્ડેટ ન મળ્યો તેમણે બળવો કર્યો

ઇમેજ સ્રોત, CR Patil Social
જયેશ પટેલ (દેલાડ) એક સમયે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને ઊંચું વળતર અપાવવા આંદોલન ચલાવતા હતા, પરંતુ પછી 2020માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા.
વરિયા કહે છે કે "આ વખતે આંતરિક રાજકારણના ભાગરૂપે જયેશ દેલાડને ઉમેદવારીમાંથી બાકાત કરવામાં આવ્યા છે. તેની જગ્યાએ ગયા વખતે બળવો કરનાર જિગર નાયકને ઉમેદવાર બનાવ્યા છે. એટલે કે જેઓ ભાજપ સામે પડ્યા હતા તેઓ આ વખતે ઉમેદવાર છે, અને ગઈ વખતે ચૂંટણી જીત્યા હતા તેઓ આ વખતે બળવાખોરની સ્થિતિમાં છે."
"અગાઉ મેન્ડેટ ન હતા ત્યારે બંધબારણે બધું નક્કી થતું. હવે મેન્ડેટ લાગુ કરી દીધા છે તેથી વિરોધ થયો છે. હવે જેઓ મેન્ડેટ વગર લડશે તેમણે કદાચ પક્ષ તરફથી પગલાંનો સામનો કરવો પડી શકે."
તેમણે કહ્યું કે "નરેશ પટેલ, રાજુ પાઠક, જયેશ દેલાડ બધાએ મેન્ડેટ માટે પ્રયત્ન કર્યા હતા. તેમાં જેમને મેન્ડેટ ન મળ્યો તેઓ હવે પોતાની રીતે ચૂંટણી લડવાના છે."
જોકે, નરેશ પટેલે પોતાનું ફૉર્મ પાછું ખેંચી લેતા હવે 10 બેઠક માટે જ ચૂંટણી કરવાની રહે છે.
પશુપાલકોને કોઈ ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
રાજકીય વિશ્લેષક નરેશ વારિયા કહે છે કે દક્ષિણ ગુજરાતમાં સહકારી ક્ષેત્રે ડેરી, ખાંડ ઉદ્યોગ અને એપીએમસી એ સૌથી મોટી સંસ્થાઓ છે. અઢી લાખ પશુપાલકોનો અર્થ એવો થયો કે અઢી લાખ પરિવારો ડેરી સાથે સંકળાયેલા છે. તેથી ભાજપે દક્ષિણ ગુજરાતમાં ખેડાણ શરૂ કર્યું ત્યારે તેની શરૂઆત સહકારી સંસ્થાઓથી જ કરી, તેનાથી જ ભાજપ આટલો આગળ આવ્યો છે.
તેઓ માને છે કે આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પશુપાલકોનાં હિત અવગણી શકાશે નહીં. ખેડૂતોના પ્રશ્ને જયેશ દેલાડ અને બીજા આગેવાનો સરકાર સામે પડ્યા છે. પાવરગ્રીડનો મુદ્દો ચાલે છે. ખેડૂતોની બધી માગણીઓ ન સ્વીકારે તો પણ કેટલીક માગણીઓ સ્વીકારવી પડે તેવી શક્યતા છે.
બીબીસીએ સંદીપ દેસાઈ અને રાજુ પાઠકનો સંપર્ક કરવા વારંવાર પ્રયાસ કર્યો, પરંતુ તેમનો સંપર્ક કરી શકાયો ન હતો.
જોકે, સંદીપ દેસાઈએ તાજેતરમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે "સુમુલની ચૂંટણીમાં અમે તમામ 16 બેઠકો જીતવાના છીએ." ભાજપમાં કથિત આંતરિક અસંતોષ વિશે તેમણે કહ્યું હતું કે ભાજપમાં કોઈનાં નામ કપાયાં નથી. અમે સાથે મળીને જ લડીએ છીએ. અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાશે. માનવ સ્વભાવ પ્રમાણે કોઈને ગુસ્સો હોઈ શકે, પરંતુ અંતે પક્ષ જ મહાન છે તેથી બધું સમુસુતરું પાર પડશે."
જ્યારે રાજુ પાઠકે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, અમે (ભાજપ) સુમુલ ડેરીમાં ચોક્કસ સત્તા જાળવી રાખીશું. સુમુલને દૂધ સપ્લાય કરતા ખેડૂતોને કોઈ તકલીફ નથી. અમારા પક્ષના કેટલાક સભ્યો પશુપાલક હિતરક્ષક સમિતિ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























