સુવેંદુ અધિકારી : મમતા બેનરજીને હરાવીને પશ્ચિમ બંગાળમાં ભાજપને જીત તરફ દોરી જનાર નેતા

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જો તૃણમૂલ કૉંગ્રેસના અભેદ્ય કિલ્લાને ધ્વસ્ત કરીને સત્તા સુધી પહોંચવામાં સફળ રહ્યો હોય તો તેનું ઘણું શ્રેય સુવેંદુ અધિકારીને પણ અપાય છે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીપરિણામોનાં વલણોમાં ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે, એવું મનાઈ રહ્યું છે કે ભાજપ પ્રથમ વખત રાજ્યમાં સરકાર બનાવવા જઈ રહ્યો છે.
રાજકીય સક્રિયતા અને આક્રમક વલણને કારણે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની આંખનો તારો બની ગયેલા સુવેંદુ હવે મુખ્ય મંત્રીપદના મોટા દાવેદાર તરીકે સામે આવ્યા છે.
સુવેંદુને વર્ષ 2020 સુધી મુખ્ય મંત્રી મમત બેનરજીના નંબર ટુ માનવામાં આવતા હતા, પરંતુ પાર્ટીમાં અભિષેક બેનરજીના વધતા પ્રભાવને કારણે તેઓ ધીરે ધીરે હાંસિયામાં ધકેલાઈ ગયા હતા, એ બાદ વર્ષ 2021ની ચૂંટણીથી ઠીક પહેલાં તેઓ ભાજપમાં સામેલ થયા હતા.
જોકે, પાર્ટીના કેન્દ્રીય નેતાઓએ ત્યારે 'અબકી બાર દો સૌ પાર'નો નારો આપ્યો હતો, એ સ્વપ્ન એ સમયે તો પૂર્ણ ન થઈ શક્યું, પરંતુ ત્રણથી 77 બેઠકો સુધી પહોંચવું એ પણ પાર્ટી માટે કોઈ ઉપલબ્ધિથી ઓછું નહોતું.
હવે પાંચ વર્ષ બાદ પાર્ટીએ બંગાળમાં મમતા બેનરજીની 15 વર્ષ જૂની સરકારને સત્તા પરથી હઠાવીને એ આંકડાની નજીક પહોંચવાની સાથે જ પ્રથમ વખત બંગાળમાં સત્તા હાંસલ કરવાની રાહ પકડી છે.
પશ્ચિમ બંગાળમાં 293 વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. અત્યાર સુધીનાં વલણો દર્શાવે છે કે શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ પાછળ ચાલી રહ્યો છે, જ્યારે ભાજપની લીડ લગભગ જળવાઈ રહી છે.

ઇમેજ સ્રોત, Sanjay Das
બપોરે 3.50 વાગ્યા સુધીમાં તૃણમૂલ કૉંગ્રેસ પક્ષ માત્ર 91 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે, જ્યારે ભાજપ 196 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દરમિયાન, ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ દાવો કર્યો છે કે 'પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકાર બનાવશે.'
મતગણતરી વચ્ચે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ તેમના ફેસબુક પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો છે.
તેમણે કહ્યું છે કે, "ચૂંટણીપંચ તેની મનમાની કરી રહ્યું છે. 70-100 બેઠકોની જાણકારી આપી રહ્યું નથી."
મમતા બેનરજીએ આરોપ લગાવ્યો હતો કે, "ભાજપનો આ પ્લાન છે. કેટલીક જગ્યાએ 2-3 રાઉન્ડની ગણતરી બાદ લગભગ 100 જગ્યાએ ગણતરી બંધ કરી દેવામાં આવી છે."
નોંધનીય છે કે સુવેંદુ અધિકારી બે મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમને નંદીગ્રામથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભવાનીપુરમાં તેઓ મુખ્ય મંત્રી મમતા બેનરજીને પણ પડકાર આપી રહ્યા છે.
જમીન પર સુવેંદુ અધિકારી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આનાથી 'અંગ-બંગ અને કલિંગ' (બિહાર, બંગાળ અને ઓડિશા) પર સત્તા સ્થાપવાનું ભાજપનું જૂનું સ્વપ્ન પણ સાકાર થઈ ગયું છે. એ પૈકી અંગ અને કલિંગ પર તો તેનું શાસન પહેલાંથી હતું જ. પરંતુ પ્રથમ વખત બંગ પર પણ તેનો કબજો થઈ ગયો છે.
પાર્ટીના આ સ્વપ્નને પૂર્ણ કરવામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા દિગ્ગજ નેતા તો લાગેલા જ હતા, પરંતુ બંગાળમાં જમીન પર ઊતરીને પાર્ટી માટે પાયો તૈયાર કરવામાં સુવેંદુ અધિકારીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી.
2021ની ચૂંટણી જીત્યા બાદ તેમને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવાયા હતા. એ બાદ પાછલાં પાંચ વર્ષ દરમિયાન તેઓ સતત સરકાર પર હુમલા કરતા રહ્યા અને તૃણમૂલનું ગઢ મનાતા વિસ્તારોમાં પણ તેઓ આંદોલનો મારફતે ભાજપની જમીન સતત મજબૂત કરતા રહ્યા.
ધારાસભ્ય, બે વખત સાંસદ અને બાદમાં નંદીગ્રામ બેઠકથી ગત વિધાનસભાની ચૂંટણી જીતીને મમતા બેનરજી સરકારના બીજા કાર્યકાળમાં પરિવહનમંત્રી બનેલા સુવેંદુ અધિકારીનું નામ ડિસેમ્બર 2020 પહેલાં પશ્ચિમ બંગાળથી બહાર કદાચ જ કોઈ જાણતું હશે.
પરંતુ એ જ મહિને ભાજપમાં સામેલ થવા અને અમુક મહિના બાદ થનારી ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર મુખ્ય મંત્રી મમતા બેનરજીને હરાવ્યા બાદ તેમની ગણતરી પાર્ટીના ટોચના નેતાઓમાં થવા લાગી.

ઇમેજ સ્રોત, Sanjay Das
જોકે, તેમની કાર્યશૈલી પર પણ સવાલ ઊઠતા રહ્યા છે, પાર્ટીમાં પણ તેમના પર સવાલ ઊઠતા રહ્યા અને કેન્દ્રીય નેતૃત્વ તરફથી તેમને મળતી પ્રાથમિકતાને કારણે ઘણા પુરાણા નેતાઓમાં તેમની વિરુદ્ધ નારાજગી પણ વધી.
પરંતુ કહેવાય છે કે સફળતા તમામ અવગુણોને છુપાવી દે છે. ગત પાંચ વર્ષ દરમિયાન કેન્દ્રીય નેતૃત્વે પણ તેમને સતત મહત્ત્વ આપ્યું અને બંગાળ સાથે સંબંધિત પાર્ટીના નીતિગત નિર્ણયોમાં તેમનો મત મહત્ત્વપૂર્ણ રહ્યો.
સુવેંદુ 15મી અને 16મી લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ તમલુક ક્ષેત્રમાંથી ચૂંટાયા હતા.
સુવેંદુ અધિકારીએ 2007માં ટીએમસીની નંદીગ્રામ ચળવળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તેના કારણે પાર્ટીને ડાબેરી મોરચાને સત્તામાંથી ઉખેડવામાં મોટી મદદ મળી હતી. લેફ્ટના દબદબા વચ્ચે પણ સુવેંદુ અધિકારી સીપીઆઈ (એમ)ના કદાવર નેતા લક્ષ્મણ શેઠને હરાવવામાં સફળ રહ્યા હતા.
તેમજ કુખ્યાત 'જંગલમહલ' ક્ષેત્ર એટલે કે મેદિનીપુર, પુરલિયા અને બાંકુરા જિલ્લાઓમાં ટીએમસીને મજબૂત કરી હતી.
બંગાળના રાજકારણમાં સુવેંદુ અધિકારીનું મહત્ત્વ
સુવેંદુ અધિકારીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી. એ સમયે તેઓ કાંથીમાં આવેલી પીકે કૉલેજમાં અભ્યાસ કરતા હતા. વર્ષ 1989માં તેઓ કૉંગ્રેસના વિદ્યાર્થી સંગઠન પરિષદના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા.
રાજકીય ઉદયની વાત કરીએ તો તેમણે 36 વર્ષની વયે સૌપ્રથમ તૃણમૂલ કૉંગ્રેસની ટિકિટ પર કાંથી દક્ષિણ બેઠક પરથી 2006ની વિધાનસભા ચૂંટણી જીતી હતી.
ત્યાર બાદ તેમણે 2009ની લોકસભા ચૂંટણી તામલુક બેઠક પરથી લડી અને જીતી. તેમણે 2014ની ચૂંટણીમાં પણ પોતાની બેઠક જાળવી રાખી.
આ પછી, તેમણે 2016ની વિધાનસભા ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક જીતી અને મમતા બેનરજી મંત્રીમંડળમાં પરિવહન મંત્રી બન્યા હતા. એ પછી તેમને સરકારમાં નંબર ટૂ માનવામાં આવતા હતા.
સુવેંદુના પિતા શિશિર અધિકારી 1982માં કાંથી દક્ષિણ વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
શિશિર અધિકારી યુપીએ સરકારના બીજા કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી બન્યા હતા.
પછી તેઓ તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા અને તેઓ કાંથી લોકસભા બેઠક પરથી સાંસદ પણ રહી ચૂક્યા છે.
તો સુવેંદુ અધિકારીના નાના ભાઈ દિવ્યેંદુ અધિકારીએ વર્ષ 2009, 2011 અને 2016માં વિધાનસભા ચૂંટણી જીતી હતી.
એક સમયે મમતા બેનરજીના અંગત અને બાદમાં વિરોધી

ઇમેજ સ્રોત, Sanjay Das/BBC
પૂર્વ મેદિનીપુર જિલ્લાના કદાવર નેતા સુવેંદુ અધિકારીને એક સમયે પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીના જમણા હાથ ગણાવાતા હતા, પરંતુ પાર્ટી છોડતા તેમના સૂર પણ બદલાઈ ગયા હતા.
જ્યારે તેઓ ટીએમસીમાં હતા ત્યારે કહ્યું હતું, "મમતા બેનરજીએ જંગલમહલમાં ક્રાંતિ લાવી દીધી છે. દિલ્હીથી અહીં આવતા લોકો બહારના છે. આગામી પચાસ વર્ષ સુધી બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસને કોઈ હરાવી નહીં શકે."
"હવે ફરી એક વાર એક બંગાળી મહિલા (મમતા બેનરજી) પાસે કેન્દ્રમાં બિન-ભાજપી સરકારનું નેતૃત્વ કરવાની તક છે."
પણ જ્યારે તેમણે પાર્ટી છોડી એ પછી કહ્યું હતું, "મમતા બેનરજીએ નંદીગ્રામ અને જંગલમહલ વિસ્તારના વિકાસ માટે કંઈ કર્યું નથી. જો હું તેમને નંદીગ્રામમાં કમસે કમ પચાસ હજાર મતોના માર્જિનથી ન હરાવું તો રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લઈશ."
પોતાની રેલીમાં કોઈનું નામ લીધા વિના સુવેંદુએ કહ્યું, તેઓ અને તેમનો પરિવાર "પ્રથમ ભારતીય અને પછી બંગાળી છે. ભારતના કોઈ પણ ખૂણેથી બંગાળમાં આવનારાઓને બહારના ન કહી શકાય."
ઉલ્લેખનીય છે કે મમતા બેનરજી ભાજપના નેતાઓને બહારના કહેતા રહ્યાં છે.
નંદીગ્રામ ચળવળના શિલ્પી

ઇમેજ સ્રોત, Sanjay Das
સુવેંદુની રાજકીય કારકિર્દી ભલે 1990ના દાયકામાં શરૂ થઈ, પરંતુ 2007માં નંદીગ્રામમાં સંપાદન વિરોધી ચળવળ દરમિયાન તેઓ એક કદાવર નેતા તરીકે ઊભરી આવ્યા હતા.
એક લો પ્રોફાઇલ સાંસદ રહેલા સુવેંદુ તેમની સંગઠનાત્મક કુશળતાને કારણે બહુ ઝડપથી ટીએમસીમાં સત્તાનું વૈકલ્પિક કેન્દ્ર બની ગયા હતા.
બંગાળની પૂર્વ મેદિનીપુર જિલ્લાની 16 બેઠકો ઉપરાંત, અધિકારી પરિવાર પશ્ચિમ મેદિનીપુર (18), બાંકુરા (12), પુરુલિયા (9), મુર્શિદાબાદ (22) અને માલદા (12) જિલ્લાઓની મોટા ભાગની બેઠકો પર પણ પ્રભુત્વ ધરાવે છે.
મુર્શિદાબાદ અને માલદા જિલ્લામાં પાર્ટી નિરીક્ષક તરીકે સુવેંદુએ કૉંગ્રેસના અનેક અગ્રણી નેતાઓને તૃણમૂલ કૉંગ્રેસમાં સામેલ કરીને અનેક નગરપાલિકાઓ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સુવેંદુ નંદીગ્રામ ચળવળના મુખ્ય શિલ્પી હતા, જેમણે તૃણમૂલ કૉંગ્રેસને સત્તામાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
2007માં કાંથી દક્ષિણના ધારાસભ્ય તરીકે તેમણે તત્કાલીન ડાબેરી મોરચાની સરકાર સામે 'ભૂમિ ઉછેર પ્રતિરોધ સમિતિ'ના બૅનર હેઠળ સ્થાનિક લોકોને એક કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















