બનાસકાંઠા : મહિલા પર વારંવાર બળાત્કાર અને ધર્મપરિવર્તનના આરોપો, પોલીસે શું કહ્યું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

બનાસકાંઠાના એક ગામમાં એક મહિલા પર વારંવાર બળાત્કાર અને ધર્મપરિવર્તન કરાવવાનો મામલો સામે આવ્યો છે.

આ મામલે ધાનેરા પોલીસસ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે અને તપાસ ચાલી રહી છે.

આ મામલામાં એક આરોપીની ધરપકડ થઈ છે અને અન્ય આરોપીઓને પોલીસ શોધી રહી છે.

પીડિતાએ નોંધાવેલી ફરિયાદમાં લાંબા સમયથી થઈ રહેલા બળાત્કારો અને મારપીટની વાત છે.

સમગ્ર મામલો શું છે અને પીડિતાનું શું કહેવું છે? આ અહેવાલમાં જોઈએ.

ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો વાચકોને વિચલિત કરી શકે છે

પોલીસ ફરિયાદમાં શું લખાયું છે?

બનાસકાંઠાના એક ગામમાં રહેતાં પીડિતાને એક દીકરો અને બે દીકરીઓ છે અને તેઓ પતિથી અલગ રહેતાં હતાં.

પીડિતાએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું તે અનુસાર, તેમની તબિયત સારી રહેતી નહોતી. આથી તેમના પતિના મિત્રએ તાંત્રિક પાસે જઈ દોરા-ધાગા વિધિ કરવાનું કહેલું. પતિ તેમના મિત્રની વાતમાં આવીને વારંવાર તાંત્રિક પાસે લઈ જતા હતા.

પતિના આ મિત્ર સાથે જ આ મહિલાને મિત્રતા થઈ હતી અને પછી પતિથી આ મહિલા અલગ થઈ ગયાં હતાં. એ પછી આ મહિલા પતિના આ મિત્ર સાથે પાલનપુરમાં અલગ મકાનમાં રહેતાં હતાં.

પીડિત મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનું ધર્મપરિવર્તન કરાવાયું હતું તથા એ યુવક અને તેના બે ભાઈઓ તથા એક મામાનો દીકરો- સહિત ચાર જણાએ તેમની સાથે મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યા હતા.

ફરિયાદ પ્રમાણે, ચારેય જણાએ તેમની સાથે અલગ-અલગ સમયે બળજબરીથી સંબંધ બાંધ્યા હતા, ધર્મપરિવર્તન કરાવ્યું હતું, લોકોને ફસાવવા માટે કૉલ કરવાનુ દબાણ કરાતું હતું તથા તેમની દીકરીઓને પણ ધાનેરા લઈ આવી ધર્મપરિવર્તન કરાવવાનું કહ્યું હતું. એ અંગે પીડિતાએ ના પાડતાં તેની સાથે મારપીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

પીડિતાએ શું કહ્યું?

આ મુદ્દે પીડિતાએ કહ્યું હતું કે, "અગાઉ મેં પાંચ આરોપી સામે પાલનપુર કોર્ટમાં ફરિયાદ આપી હતી. એ સમયે ત્રણ આરોપી પકડાયા હતા અને બે આરોપી બાકી હતા. એ બે આરોપી મને ફોન કરીને મને કેસ પાછો ખેંચી લેવા, જાનથી મારી નાખવા ધમકીઓ આપતા હતા."

તેમણે કહ્યું કે, "એ સમયે હું ચાર મહિનાની ગર્ભવતી હતી. પછી આરોપી છૂટ્યા એ પછી તેણે (જેની સાથે મિત્રતાના સંબંધ હતા એ આરોપીએ) મને બધી રીતે અપનાવવાનું વચન આપ્યું એટલે હું તેની સાથે તેના ગામડે ગઈ હતી. પરંતુ ત્યાં બે દિવસમાં જ વર્તન બદલાઈ ગયું."

પીડિતાનું કહેવું છે કે આ બધા લોકોએ પેટમાં રહેલા બાળકને મારવાનું, અને મારી સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું.

તેઓ કહે છે, "મારો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી આ લોકોએ મારી સાથે ફરી બળાત્કાર કર્યો હતો અને ધર્મપરિવર્તન પણ કરાવ્યું હતું. મારી છોકરીઓને પણ ધર્મપરિવર્તન કરાવવાનું કહ્યું અને તેમને પણ મુસલમાન બનાવવાનું કહ્યું હતું. એ પછી હું ડરી ગઈ હતી. એ પછી પણ વારંવાર મારી સાથે દુષ્કર્મ કરતા હતા અને એમના પરિવાર સાથે મળીને મારી સાથે મારપીટ કરતા હતા."

આ આરોપોનો ઉલ્લેખ પોલીસ ફરિયાદમાં પણ છે.

તેમણે કહ્યું હતું કે મારી એક જ માગ છે કે મને ન્યાય મળે આરોપીઓને જલદી પકડી લેવામાં આવે.

પોલીસનું શું કહેવું છે?

આ મુદ્દે ડીસાના ડીવાયએસપી સી.એલ.સોલંકીએ જણાવ્યું હતું કે, "આ મહિલાની સાથે ઘરની અંદર જ મુખ્ય આરોપી અને તેના ચાર પરિવારના લોકોએ વારંવાર બળાત્કાર અને ધર્મપરિવર્તન કરાવ્યું હોવાની ફરિયાદ મળી છે. આ મુજબ આ ચાર આરોપીઓ સામે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે."

તેમણે જણાવ્યું હતું કે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.

બીએનએસની કલમ 64(2)(h), 64 (2)(m), 351 (3), 115(2), 54 હેઠળ તથા ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ કલમ 4 હેઠળ આ ચારેય આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.

હાલમાં વારંવારનો સંપર્ક કરવા છતાં આરોપીનો પક્ષ જાણવા મળ્યો નથી. આ મામલે જ્યારે આરોપી તરફથી પ્રતિભાવ મળશે ત્યારે અહીં અપડેટ કરવામાં આવશે.

(ઇનપુટ્સ: પરેશ પઢિયાર)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન