સંબિત પાત્રાએ કહ્યું, 'રાહુલ ગાંધીમાં આગળ વધવાની શક્તિ નથી, આ સૅટેલાઇટ ક્યારેય લૉન્ચ નહીં થાય'- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ભાજપના સાંસદ સંબિત પાત્રાએ શનિવારે ઇન્ડિયા ગઠબંધનના 'જન મહાઅભિયોગ' કાર્યક્રમ અંગે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

આ દરમિયાન તેમણે કહ્યું, "ભાજપે કોઈ નવો કાયદો બનાવીને આ છૂટ આપી નથી. ભાજપ એવો કોઈ કાયદો લઈને આવ્યો નથી, જે પહેલાંથી અસ્તિત્વમાં ન હોય. રાષ્ટ્રપતિ અને મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ને છૂટ અને સંરક્ષણ પહેલેથી જ બંધારણમાં આપવામાં આવ્યા છે. જોકે, તેના માટે વિશેષ પ્રક્રિયા સ્પષ્ટ રીતે નક્કી કરવામાં આવી નહોતી."

તેમણે કહ્યું, "ઑગસ્ટ 2023માં તેલંગાણાની એક નીચલી વિશેષ અદાલતે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે તરત જ આ આદેશ રદ કર્યો હતો અને કહ્યું હતું કે આ યોગ્ય પ્રક્રિયા નથી. અદાલતે આદેશ રદ કરવાનો નિર્દેશ આપ્યો હતો."

સંબિત પાત્રાએ કહ્યું, "તે સમયે સ્પષ્ટ થઈ ગયું હતું કે રાજકીય દબાણના કારણે કોઈપણ વ્યક્તિ કાયદાની પરવા કર્યા વિના બંધારણીય પદો પર બેસેલા લોકો વિરુદ્ધ પણ કેસ અથવા FIR નોંધાવી શકે છે, જ્યારે બંધારણ તેમને સંરક્ષણ આપે છે."

તેમણે કહ્યું કે રાજકીય પ્રેરણાથી કરવામાં આવતી ખોટી FIRને રોકવા માટે એક પ્રક્રિયા લાવવામાં આવી છે.

આ દરમિયાન સંબિત પાત્રાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું.

તેમણે કહ્યું, "તમે તમારી મૉક સંસદ યોજતા રહો અને રેલીઓ કાઢતા રહો. દુનિયા સમજી ચૂકી છે કે રાહુલ ગાંધીમાં હવે આગળ વધવાની શક્તિ નથી. આ સૅટેલાઇટ ક્યારેય લૉન્ચ નહીં થાય. તેમને આખી જિંદગી માટે તમારા મૉક વડા પ્રધાન બનાવી રાખો. અમને તેનાથી કોઈ વાંધો નથી."

ખડગેના ઘરે વિપક્ષની 'મૉક સંસદ'માં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર લગાવવામાં આવ્યા આ છ આરોપ

વિપક્ષી દળોએ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને આજે 'મૉક સંસદ'નું આયોજન કર્યું હતું.

આ સંસદનું અધ્યક્ષપદ લોકસભાનાં ભૂતપૂર્વ સ્પીકર મીરાકુમારે સંભાળ્યું હતું. મલ્લિકાર્જુન ખડગેએ જ્ઞાનેશકુમાર સામે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે, "આજથી સાત મહિના પહેલાં 193 સાંસદો ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવા મહાભિયોગ પ્રસ્તાવ લાવ્યા હતા પરંંતુ તેને સ્વીકારવામાં નહોતો આવ્યો. અમારે જ્ઞાનેશકુમાર સામે કોઈ વેર નથી. અમે ઇચ્છીએ છીએ કે ગરીબો, યુવાનો સહિત સૌને આ સંસ્થા પર ભરોસો જળવાઈ રહે અને તેમનો અધિકાર જળવાઈ રહે."

"વોટચોરી મુદ્દે આખો દેશ આંદોલિત છે. મોદી સરકારે પ્રદર્શનો રોકવા ઇન્ટરનેટ, મેટ્રો, ટ્રેન બધું બંધ કરી દીધું. આ બધું કોણ કરે છે? દેશમાં અરાજકતા તમે ફેલાવો છો કે અમે?"

"જ્ઞાનેશકુમાર જેવા લોકો જો આવા બંધારણીય પદ પર રહેશે તો દેશની લોકશાહી પર ખતરો વધતો જ રહેશે. અમારી માગ છે કે SIR તત્કાળ રોકવામાં આવે અને 2023નો ચૂંટણી કમિશનરનો કાયદો રદ કરવામાં આવે."

જ્ઞાનેશકુમાર સામે મૂકવામાં આવેલા છ આરોપો આ મુજબ છે -

  • ચૂંટણીની ચોરી માટે ષડયંત્ર કર્યું
  • 13 કરોડથી વધુ મતદારો હઠાવી દીધા
  • સંસદની મંજૂરી વગર ફૉર્મ-6માં સુધારા કર્યા
  • ECINET ઍપ મારફતે મતદારયાદી પર કબજો કર્યો
  • બાકીના બે ચૂંટણી કમિશનરોને ચૂપ કરી દીધાં
  • મોદી અને શાહના કહ્યા મુજબ કામ કર્યું

તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ સાગરિકા ઘોષે કહ્યું કે, "2026ની બંગાળની ચૂંટણી ચોરી કરવામાં આવી છે. જ્ઞાનેશકુમાર પર જે આરોપો છે એ આજ સુધી ભારતના ઇતિહાસમાં લાગ્યા નથી. 27 લાખ મતદારો બંગાળમાં તાર્કિક અસંગતિને કારણે દૂર કરી દેવાયાં. ચૂંટણીપંચને અમે મળવા ગયા ત્યારે જ્ઞાનેશકુમારે અમને કહી દીધું કે 'ગેટ લૉસ્ટ'. તેઓ ખુલ્લેઆમ બારમા ખેલાડી તરીકે બેટિંગ કરી રહ્યા છે."

શિવસેના (યુબીટી) સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે, "મહારાષ્ટ્રમાં છેલ્લા કલાકોમાં 40 લાખ લોકોએ મતદાન કર્યું. કોણે મતદાન કર્યું એના કોઈ પુરાવા ન અપાયા. લોકસભામાં અમારા વિપક્ષી ગઠબંધને 48માંથી 31 બેઠકો જીતી પણ વિધાનસભામાં અમારા મત આટલા ઘટી ગયા. તમને લોકોના મત ડિલીટ કરવાનો અધિકાર કોણે આપ્યો?"

1 નવેમ્બર 2026થી દેશભરમાં અમલમાં આવશે આ નવા નિયમો

1 નવેમ્બર, 2026થી દેશમાં ટેલિકૉમ, બૅન્કિંગ, ટૅક્સ સહિતના અનેક મહત્ત્વપૂર્ણ ફેરફારો લાગુ થવાના છે.

નવેમ્બર 2026ની શરૂઆત સાથે જ સામાન્ય નાગરિકોના દૈનિક જીવન સાથે જોડાયેલાં ક્ષેત્રો જેમ કે બૅન્કિંગ, ટેલિકૉમ અને જીએસટીમાં ઘણા નવા અને મહત્ત્વપૂર્ણ નિયમો લાગુ કરવાની જાહેરાત કરાઈ છે.

ટેલિકૉમ સેક્ટરમાં સ્પામ કૉલ્સ પર નિયંત્રણ લાવવા અને છેતરપિંડી અટકાવવા ટ્રાઈ (ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથૉરિટી ઑફ ઇન્ડિયા)ના નિર્દેશ અનુસાર 1 નવેમ્બર, 2026થી મોબાઇલ ફોન પર આવતા કૉલ દરમિયાન કૉલ કરનાર વ્યક્તિ અથવા સંસ્થાનું સાચું નામ સ્ક્રીન પર દેખાશે, જે તેમના ટેલિકૉમ ડેટાબેઝમાં નોંધાયેલ હશે.

ભારતીય રિઝર્વ બૅન્કની નવી માર્ગદર્શિકા મુજબ, બૅન્ક ખાતાધારકો હવે પોતાનાં ખાતાં અને લૉકરમાં એક કરતાં વધુ, એટલે કે વધુમાં વધુ ચાર વ્યક્તિને નૉમિની તરીકે નોંધાવી શકશે.

આમાં ગ્રાહકો ભાગીદારીનો હિસ્સો નક્કી કરીને અથવા પ્રાથમિકતાના આધારે ચાર સુધીનાં નામ નોંધાવી શકશે.

1 નવેમ્બરથી જીએસટીના નિયમોમાં પણ અનેક સુધારા અમલમાં આવશે. જેમાં ઇ-કૉમર્સ વેચાણકારો માટે ગોડાઉનના સરનામે નોંધણી, પોસ્ટ-સેલ ડિસ્કાઉન્ટ અને સ્ક્રેપ/ઇ-વેસ્ટ પર ટીડીએસ સંબંધિત નવી જોગવાઈ સામેલ છે.

ભારતીય માનક બ્યૂરો (બીઆઇએસ)ના અનિવાર્ય હૉલમાર્કિંગ નિયમો હેઠળ હવે દેશના અનેક જિલ્લાઓમાં છ અંકોના આલ્ફાન્યુમરિક એચયુઆઇડી (હૉલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન) કોડ વગરની સોનાની જ્વેલરીનું વેચાણ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

હવે ગ્રાહકો જ્વેલરી ખરીદતી વખતે તેના પર દર્શાવાયેલા બીઆઇએસ લોગો, શુદ્ધતાનાં ધોરણ અને એચયુઆઇડી કોડની ઑનલાઇન ચકાસણી પણ કરી શકશે.

સમનીષા ભાનવાલાએ ઇતિહાસ રચ્યો, ભારતને મળ્યાં પ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન મહિલા પહેલવાન

કઝાખસ્તાનના અસ્તાનામાં શુક્રવારે મનીષા ભાનવાલાએ ઇતિહાસ રચ્યો છે. તેઓ વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા પહેલવાન બન્યાં છે.

29 વર્ષની મનીષાએ 59 કિલોગ્રામ વજનવર્ગની રોમાંચક ફાઇનલમાં શાનદાર વાપસી કરીને અમેરિકાનાં અબીગેલ નેટને 8-6થી હરાવ્યાં હતાં.

મનીષાએ બિન-ઑલિમ્પિક વજનવર્ગમાં પોતાના અભિયાનની શરૂઆત પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં કૅનેડાનાં લૉરેન્સ બ્યુરેગાર્ડને 'વિક્ટરી બાય ફોલ' દ્વારા હરાવીને કરી હતી.

ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય પહેલવાને મંગોલિયાનાં બોલોરતુઈયા ખુરેલખૂને 6-0થી પરાજિત કર્યાં હતાં.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, સેમિફાઇનલમાં હરિયાણાનાં આ પહેલવાને યજમાન દેશનાં ખેલાડી અલ્ટિન શાગાયેવાને ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી મનીષા બીજાં ભારતીય પહેલવાન છે. અગાઉ સુશીલકુમારે 2010માં મોસ્કોમાં 66 કિલોગ્રામ વજનવર્ગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

હાલની ચૅમ્પિયનશિપમાં મનીષા મહિલા કુસ્તીમાં મેડલ જીતનાર ચોથાં ભારતીય ખેલાડી બન્યાં છે. તેમની પહેલાં નીલમ સિરોહી (સિલ્વર, 50 કિગ્રા), કાજલ ઢોચક (સિલ્વર, 76 કિગ્રા) અને તનુ શર્મા (બ્રૉન્ઝ, 72 કિગ્રા) મેડલ જીતી ચૂક્યાં છે.

ઇસરોએ નેવિગેશન સેટેલાઇટ NVS-03ને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યો

ઇસરોએ શ્રીહરિકોટાથી જીએસએલવી-એફ18 રૉકેટ મારફતે એનવીએસ-03 નેવિગેશન સેટેલાઇટને સફળતાપૂર્વક ઑર્બિટમાં સ્થાપિત કર્યો છે.

શુક્રવારે ઇસરોએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન અવકાશ કેન્દ્રમાંથી જીએસએલવી-એફ18 રૉકેટે એનવીએસ-03 સેટેલાઇટને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો.

જીએસએલવી-એફ18/એનવીએસ-03 મિશન સફળતાપૂર્વક પૂર્ણ થતાં શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ એકબીજાને અભિનંદન પાઠવ્યાં હતાં.

એનવીએસ-03 સેટેલાઇટ આગામી પેઢીની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો ત્રીજો ઉપગ્રહ છે, જેને આઈઆરએનએસએસ સિરીઝની નેવિગેશન સેવાઓને સતત ચાલુ રાખવા માટે વિકસાવવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ઇસરોના પ્રમુખ ડૉ. વી. નારાયણને જણાવ્યું હતું કે, "આ એક સ્ટ્રેટેજિક ઍસેટ છે, જે દેશને પૉઝિશન, નેવિગેશન અને ટાઇમિંગ સેવાઓ સુધી સ્વતંત્ર પહોંચ આપે છે."

તેમણે વધુમાં કહ્યું કે, "નેવિગેશન સેટેલાઇટોનો ઉપયોગ સામાન્ય નાગરિકોના દૈનિક જીવન સાથે જોડાયેલી અનેક સેવાઓ માટે પણ થાય છે. તેના માધ્યમથી ટ્રેનોની રિયલ-ટાઇમ ટ્રેકિંગ કરવામાં આવે છે, તેમજ વાહનો અને સમુદ્રી જહાજોની પણ દેખરેખ રાખી શકાય છે. ઉપરાંત, તે 'વન નેશન, વન ટાઇમ' પ્રોજેક્ટનો પણ મહત્ત્વપૂર્ણ ભાગ છે."

તેમણે જણાવ્યું કે, 'ગગન' સાથે મળીને આ નેવિગેશન સેવાઓ ભારતના વૈશ્વિક નેવિગેશન ઇકૉસિસ્ટમમાં વધતા યોગદાનને દર્શાવે છે.

દિલ્હીના મંગોલપુરીમાં જૂતાંની ફૅક્ટરીમાં લાગેલી આગમાં ચાર લોકોનાં મોત

દિલ્હીના મંગોલપુરી ઔદ્યોગિક વિસ્તારમાં શુક્રવારે જૂતાં બનાવતી એક ફૅક્ટરીમાં લાગેલી આગમાં ચાર લોકોનાં મોત થયાં છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, આ ઘટના શુક્રવારે રાત્રે લગભગ 9:30 વાગ્યે મંગોલપુરી ઇન્ડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-1ની બી-293/294 ફૅક્ટરીમાં બની હતી.

પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. દિલ્હી ફાયર સર્વિસના જણાવ્યા અનુસાર, આગ પર કાબૂ મેળવવા લગભગ 20 ફાયરબ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી હતી.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ફૅક્ટરીની અંદરથી છ લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તમામને તાત્કાલિક સારવાર માટે મંગોલપુરીસ્થિત સંજય ગાંધી મેમોરિયલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ છ લોકોમાંથી ચારને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે લોકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીએ જણાવ્યું હતું કે, "શોધખોળ અને બચાવ કામગીરી ચાલુ છે. કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે."

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં ફાયર ઑફિસર (એડીઓ) પારસકુમારે જણાવ્યું હતું કે, "ફાયર સર્વિસને રાત્રે લગભગ 9:31થી 9:32 વાગ્યાની વચ્ચે મંગોલપુરીની એક ફૅક્ટરીમાં આગ લાગ્યાની જાણ થઈ હતી. ત્યાંથી છ લોકોને બચાવી લેવાયા હતા અને તમામને સંજય ગાંધી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા."

તેમણે જણાવ્યું કે, "અહીં જૂતાં બનાવવાનું એક યુનિટ છે, જ્યાં જૂતાંનું ઉત્પાદન અને સંગ્રહ બંને કરવામાં આવે છે."

ફાયર ઑફિસર પારસકુમારના જણાવ્યા અનુસાર, "આગની શરૂઆત બેઝમેન્ટમાંથી થઈ હતી. અમે આગને બેઝમેન્ટની અંદર જ કાબૂમાં લીધી હતી અને તેને વધુ ફેલાતી અટકાવી હતી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન