10 ઑક્ટોબરે સીજેપી આંદોલનનું એલાન, વિપક્ષના સાંસદોની કૂચ, અત્યાર સુધીમાં શું થયું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 10 મિનિટ

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ 10 ઑક્ટોબરે દિલ્હીના જંતર-મંતર પર વિરોધપ્રદર્શન એલાન કર્યું છે. દરમિયાન પાર્ટીના સહ-સંયોજક આશુતોષ રાંકાએ કહ્યું છે કે અમે ઇતિહાસ રચીશું.

આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "પ્રિય કૉક્રોચો! મને ગર્વ છે કે આપણે બધાએ અત્યાર સુધી કેટલી લાંબી સફર કાપી છે. કાલે ભલે કંઈ પણ થાય, પરંતુ આપણે ચોક્કસપણે ઇતિહાસ રચીશું!"

તેમણે વધુમાં લખ્યું, "બસ, એક વાત યાદ રાખજો, હાથમાં બંધારણ અને દિલમાં ગાંધી. કંઈ પણ થાય, આપણો હાથ નહીં ઊઠે. ભારત માતાની જય."

બીજી તરફ, સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ કહ્યું છે, "જો કાલે મારી ધરપકડ પણ કરવામાં આવે તો પણ આપણે પોતાની માગણીઓ પર અડગ રહેવાનું છે. આપણે દેશના લોકતંત્રને બચાવવા માટે લડી રહ્યા છીએ. તમે બધા શાંતિપૂર્ણ રીતે કાલના પ્રદર્શનમાં જોડાઓ."

ઉલ્લેખનીય છે કે પોલીસે સીજેપીને જંતર-મંતર પર વિરોધપ્રદર્શન કરવાની મંજૂરી આપી નથી.

સીજેપીએ શું આરોપ લગાવ્યો

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ આરોપ લગાવ્યો છે કે દેશભરમાંથી તેના 10 હજાર સમર્થકોને પોલીસે અટકાયતમાં લઈ લીધા છે.

સીજેપીના પ્રવક્તા આશુતોષ રાંકાએ ઍક્સ પોસ્ટમાં દાવો કર્યો છે કે આ લોકો કૉક્રોચ જનતા પાર્ટીના સમર્થકો અલગ-અલગ વિદ્યાર્થી સંગઠનો, ખેડૂત, દલિત સંગઠનો અને રાજકીય પક્ષો સાથે સંબંધ ધરાવે છે.

તેમણે લખ્યું, "આ ઇમરજન્સી (કટોકટી) છે."

આ સાથે જ આશુતોષ રાંકાની પોસ્ટ શૅર કરતાં સીજેપીના સહ-સ્થાપક સૌરવ દાસે ઍક્સ પર લખ્યું, "ભારતમાં ઇમરજન્સી લગાવી દેવાઈ છે."

તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના સાંસદોની સંસદના સેન્ટ્રલ હૉલમાં યોજાયેલી બેઠક શુક્રવારે સાંજે પૂર્ણ થઈ છે. બેઠક બાદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત વિપક્ષી સાંસદો રાષ્ટ્રપતિ ભવન તરફ માર્ચ કાઢી રહ્યાં છે.

વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કરીને તેમને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરતો પત્ર સોંપવા માગે છે.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પણ આ માર્ચમાં સામેલ હતાં.

કૉંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત કર્યા બાદ તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું, "અમે રાષ્ટ્રપતિને મેમોરેન્ડમ આપ્યું અને કહ્યું કે અમિત શાહ અને જ્ઞાનેશકુમારે દેશની લોકશાહીને ખતમ કરવાનું કાવતરું રચ્યું છે. મને લાગતું હતું કે રાષ્ટ્રપતિ કહેશે કે ચૂંટણીમાં ચોરી થતી નથી."

"પરંતુ રાષ્ટ્રપતિએ અમારી વાતો સાંભળી. તેમણે અમારી વાતોને નકારી કાઢી નથી. અમે આશ્ચર્યચકિત રહી ગયા. તેમણે એવું કહ્યું નહીં કે ભારતમાં ચૂંટણીમાં ચોરી થઈ રહી નથી."

વિપક્ષી સાંસદોએ છેલ્લા ચાર દિવસમાં જ્ઞાનેશકુમાર સામે ત્રીજી વખત માર્ચ કાઢી છે. આ પહેલાં 6 ઑક્ટોબરે સાંસદોએ 'સેવ ડેમૉક્રેસી માર્ચ' કાઢી હતી.

ત્યાર બાદ 7 ઑક્ટોબરે જંતર-મંતર પર પ્રદર્શન માટે જતી વખતે તેમને રસ્તામાં રોકવામાં આવ્યા હતા.

બીજી તરફ, 8 ઑક્ટોબરે વિપક્ષી સાંસદોએ કનૉટ પ્લેસથી રાજઘાટ સુધી માર્ચ કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે 10 ઑક્ટોબરે સીજેપીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ સાથે દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

જ્ઞાનેશકુમાર પર વિપક્ષી પક્ષો, સામાજિક સંગઠનો અને સીજેપીએ એસઆઇઆર દ્વારા મતદારો પાસેથી તેમના મતદાનના અધિકારો છીનવી લેવાનો આરોપ લગાવ્યો છે.

તાજેતરમાં અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલમાં કહેવાયું હતું કે જ્ઞાનેશકુમારે ચૂંટણીપંચમાં અન્ય બે ચૂંટણી કમિશનરોની અવગણના કરીને એસઆઇઆર સંબંધિત ઘણા નિર્ણયો લીધા હતા.

આ અહેવાલ પછી ભારતમાં રાજકીય રીતે ઘણો હોબાળો મચેલો છે. જોકે ચૂંટણીપંચે બાદમાં આ મુદ્દે સ્પષ્ટતા પણ કરી હતી, પરંતુ જ્ઞાનેશકુમાર સામે વિપક્ષના આરોપો સતત ચાલુ જ છે અને વિરોધ પણ.

ધ્રુવ રાઠીએ શું કહ્યું?

તો બીજી તરફ જાણીતા યૂટ્યૂબર ધ્રુવ રાઠીએ પણ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

તેમણે દિલ્હીના ઇન્ડિયા ગેટ સામે ઊભા રહીને એક વીડિયો પોસ્ટ કર્યો છે.

તેમણે કહ્યું, "હું દિલ્હી આવી ગયો છું. મેં જોયું કે આપણા વડા પ્રધાને અહીં શું વ્યવસ્થા કરી રાખી છે. 50થી વધુ મેટ્રો-સ્ટેશન બંધ કરી દીધાં, ટ્રેનો બંધ કરી, બસો કૅન્સલ કરી. અમારા વિરોધપ્રદર્શનને લીધે લગભગ દિલ્હીને લૉકડાઉનમાં નાખી રહ્યા છે. મને તો સમજાતું નથી કે મોદીજી તમે શું કરી રહ્યા છો. એક બાજુ આઇટી સેલવાળા કહે છે કે અમારા વિરોધપ્રદર્શનમાં કોઈ નહીં આવે, કોઈ ભીડ આવતી નથી, તો આવું કેમ કરી રહ્યા છો? મને તો લાગે છે કે તમે (વડા પ્રધાન મોદી) ડરી ગયા છો. ખરેખર તો આખા દેશના લોકો જાગી ગયા છે. મિત્રો, તમે આ જોઈ રહ્યા હોવ તો કાલે 10 ઑક્ટોબરે જંતર-મંતર પર ચોક્કસ આવજો. જય હિન્દ."

દિલ્હીના આ વિસ્તારમાં 24 કલાક માટે ઇન્ટરનેટ બંધ

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રસ્તાવિત વિરોધપ્રદર્શન દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર, જનપથ-કર્તવ્ય પથ ચોકની આસપાસના ચાર કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાઓને તાત્કાલિક ધોરણે સ્થગિત રાખવામાં આવશે.

આદેશમાં જણાવાયું છે, "ઇન્ટરનેટ સેવાઓ પરનો આ પ્રતિબંધ 9 ઑક્ટોબરની રાત્રે 10 વાગ્યાથી 10 ઑક્ટોબરની રાત્રે 10 વાગ્યા સુધી અમલમાં રહેશે."

આ અંગે પ્રતિક્રિયા આપતા સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસે કહ્યું, "ભારત સરકાર જ લૉકડાઉનમાં છે. આ યુવાઓની શક્તિ છે! તમે બધાને કાલે મળીએ."

ઉલ્લેખનીય છે કે આ પહેલાં દિલ્હી મેટ્રોનાં 57 સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

આ સાથે જ ડઝનો ટ્રેનો પણ રદ કરી દેવામાં આવી છે.

જંતર-મંતર સિવાય પ્રદર્શનકારીઓ માટે અન્ય સ્થળ શોધે કેન્દ્ર સરકાર : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે તે શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન માટે જંતર-મંતરના બદલે કોઈ અન્ય યોગ્ય સ્થળ નક્કી કરવાની શક્યતા પર વિચાર કરે.

શુક્રવારે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે અધિકારીઓ શાંતિપૂર્ણ પ્રદર્શન માટે જંતર-મંતર સિવાય અન્ય કોઈ સ્થળની વ્યવસ્થા અંગે વિચારણા કરશે, ત્યારે અદાલતે આ ટિપ્પણી ત્યારે કરી હતી.

લાઇવ લૉના અહેવાલ મુજબ, તુષાર મહેતાએ આ બાબતને અદાલતના આદેશમાં નોંધવાની પણ માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ પણ આ સૂચન સાથે સહમત છે.

અદાલતે પોતાના આદેશમાં જણાવ્યું, "સુનાવણી દરમિયાન આ સૂચન પણ આપવામાં આવ્યું હતું. તમામ પક્ષોના વરિષ્ઠ વકીલો અને વકીલો એ વાત સાથે સહમત છે કે હવે એવા યોગ્ય સ્થળની ઓળખ કરીને તેને નિર્ધારિત કરવાનો સમય આવી ગયો છે, જ્યાં શાંતિપૂર્ણ અને કાયદાની મર્યાદામાં રહીને વિરોધપ્રદર્શન કરનારા લોકોને તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય. સંબંધિત અધિકારીઓ આ સૂચન પર વિચાર કરે અને યોગ્ય નિર્ણય લે."

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ખંડપીઠ આ મામલે દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરી રહી હતી.

આ અરજીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિપક્ષી પક્ષો અને કૉક્રોચ જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલા વિરોધપ્રદર્શન પહેલાં દિલ્હી આવતી ટ્રેનો અને રાજધાનીની મેટ્રો સેવાઓ અટકાવવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.

ટ્રેનો રદ કરવાના નિર્ણય પર ચિરાગ પાસવાનનું નિવેદન : 'ભારતના યુવાઓને કોઈ રોકી શકતું નથી'

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી) દ્વારા 10 ઑક્ટોબરે યોજાનારા પ્રસ્તાવિત વિરોધપ્રદર્શન પહેલાં સરકારે અનેક ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે.

આ મુદ્દે કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને પ્રતિક્રિયા આપી છે.

હરિયાણાના સોનીપતમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં ચિરાગ પાસવાને કહ્યું, "આ ભારતના યુવાનો છે, તેમને કોઈ રોકી શકતું નથી. જે લોકો ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમને હું પૂછવા માગું છું કે આખરે કેટલી ટ્રેનો રોકી શકાશે? કેટલા માર્ગો પરનો સંપર્ક તોડી શકાશે? કેટલા રસ્તા બંધ કરી શકાશે?"

તેમણે વધુમાં કહ્યું, "આ ભારતના યુવાનો છે. તેમની પાસે આખી દુનિયાને માર્ગ બતાવવાની ક્ષમતા છે. તેથી તેમને કોઈ રોકી શકતું નથી."

ઉલ્લેખનીય છે કે આ મામલે સુપ્રીમ કોર્ટે પણ સરકારને જણાવ્યું છે કે જાહેર સેવાઓનું સંચાલન એવી રીતે કરવામાં આવે કે સામાન્ય લોકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે.

સમાજવાદી પાર્ટી (સપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું છે કે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ને તેમનું નૈતિક સમર્થન છે.

શુક્રવારે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં અખિલેશ યાદવને પૂછવામાં આવ્યું હતું કે "શું સપા સીજેપીના વિરોધપ્રદર્શનમાં ભાગ લેશે?"

આના જવાબમાં અખિલેશ યાદવે કહ્યું, "સમાજવાદી પાર્ટી લોકશાહીને બચાવવા અને ચૂંટણીપંચના ભેદભાવપૂર્ણ વલણને ઉજાગર કરવા માટે વિરોધપ્રદર્શન કરી રહેલા લોકોનું સમર્થન કરે છે. અમે 2022માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. સમાજવાદી પાર્ટીએ શપથપત્રો સાથે સૌથી વધુ ફરિયાદો નોંધાવી હતી."

અખિલેશ યાદવે વધુમાં કહ્યું, "સીજેપીને અમારું નૈતિક સમર્થન છે, પહેલાં પણ હતું અને આજે પણ છે."

CJPના પ્રદર્શન પહેલાં સરકારના કયા નિર્ણય અંગે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી?

કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી આવતી-જતી અનેક ટ્રેનો રદ કરવા અને 57 મેટ્રો સ્ટેશનો બંધ કરવાની સરકારની કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા છે.

લાઇવ લૉ મુજબ, સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલની અરજી પર કહ્યું હતું, "સરકાર એ સુનિશ્ચિત કરે કે ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે બંધ ન કરવામાં આવે."

આ સાથે જ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની ખંડપીઠે મેટ્રો સ્ટેશનો બંધ કરવાના મુદ્દે પણ કહ્યું હતું કે સેવાઓનું નિયમન કરવામાં આવે જેથી લોકોને અસુવિધા ન પડે.

આ પહેલાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં એક અરજીમાં કહ્યું હતું, "બધી ટ્રેનો રદ કરી દેવામાં આવી છે, મેટ્રો સ્ટેશનો બંધ છે, તમે ક્યાંય જઈ શકતા નથી. દેશમાં આ શું થઈ રહ્યું છે? આ એક શાંતિપૂર્ણ પ્રદર્શન છે."

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) સૂર્યકાંતે કહ્યું હતું, "દરેક નાગરિક માટે અમે જે અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંતનું પાલન કરીએ છીએ, તે છે આનુપાતિકતાનો સિદ્ધાંત."

તેમણે કહ્યું હતું, "જો તમારે કેટલીક બાબતો પર નિયંત્રણ મૂકવું હોય, તો તેના માટે એટલાં જ પગલાં લેવા જોઈએ જેટલાં જરૂરી હોય. પરંતુ તેનો અર્થ એ નથી કે માખી મારવા માટે હથોડાનો ઉપયોગ કરો. આ સિદ્ધાંત હંમેશાં ધ્યાનમાં રાખવો જોઈએ."

આ પહેલાં રેલવેએ શનિવારે કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શન પહેલાં દિલ્હી આવતી અનેક ટ્રેનો રદ કરી દીધી છે. રેલવેનું કહેવું છે કે 10 ઑક્ટોબરે દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક પર નોંધપાત્ર અસર પડી શકે છે, તેથી ટ્રેનો રદ કરવામાં આવી છે.

ખાસ વાત એ છે કે આવી ટ્રેનો જ્યારે દિલ્હી આવશે જ નહીં, તો તેમની પરત ફરવાની મુસાફરી પણ રદ થવાની શક્યતા છે.

બીજી તરફ, 11 ઑક્ટોબરથી દશેરાનો તહેવાર શરૂ થઈ રહ્યો છે, અને આવા સમયમાં મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેન દ્વારા પોતાના ઘરે જવા રવાના થતા હોય છે, જેના કારણે મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

બીજી તરફ, દિલ્હી મેટ્રોએ પણ પોતાના 57 મેટ્રો સ્ટેશનોને શુક્રવાર રાત્રે 9 વાગ્યાથી જ બંધ કરવાની જાહેરાત કરી છે. આ મેટ્રો સ્ટેશનો 10 ઑક્ટોબર ઉપરાંત આગામી આદેશ સુધી બંધ રહેશે.

આ પહેલાં, મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કૉક્રોચ જનતા પાર્ટીએ 10 ઑક્ટોબરથી દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલનની જાહેરાત કરી હતી.

ટ્રેનો રદ કરવા અંગે CJPએ શું કહ્યું?

સરકારના આ નિર્ણય પર કૉક્રોચ જનતા પાર્ટીએ પણ પ્રતિક્રિયા આપી છે.

એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં અભિજિત દીપકેએ કહ્યું હતું, "અમારા વિશ્વગુરુ, 56 ઇંચની છાતી ધરાવતા મહામાનવે ટ્રેનો બંધ કરી દીધી છે, કારણ કે અમે વિરોધપ્રદર્શન કરવા જઈ રહ્યા છીએ."

તે જ વીડિયોમાં CJPના આશુતોષ રાંકા કહેતા જોવા મળે છે, "જ્યારે બધા દક્ષિણપંથી લોકો કહી રહ્યા છે કે અમારા આંદોલનમાં ભીડ જ નથી, તો સરકાર ગભરાઈ કેમ રહી છે? રેલવે શા માટે બંધ કરી રહી છે?"

CJPના સહ-સંયોજક સૌરભ દાસે ઍક્સ પર લખ્યું છે, "શાસક એટલો ડરી ગયો છે કે તેણે કાલે દિલ્હી આવતી ટ્રેનો જ રદ કરી દીધી છે, પરંતુ તેઓ આખરે આ કેટલા દિવસો સુધી કરી શકશે?"

"જાગી ગયેલો દેશ પોતાનો સંદેશ પહોંચાડવાના દરેક રસ્તા શોધી લેશે. યાદ છે, કોવિડ દરમિયાન તમે દેશભરના પ્રવાસી મજૂરોને સેંકડો કિલોમીટર પગપાળા ચાલવા માટે મજબૂર કર્યા હતા? એ જ લોકો ફરી આવું કરશે, જેથી સરકારમાં બેઠેલા લોકોને પાઠ ભણાવી શકાય."

દિલ્હી પોલીસે શું કહ્યું?

શુક્રવારે દિલ્હી પોલીસની જૉઇન્ટ સીપી નૂપુર પ્રસાદે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું, "કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના સહ-સંયોજક સૌરભ દાસ તરફથી અમને એક અરજી મળી હતી."

"આ અરજી પર વિચાર કરવામાં આવ્યો હતો, પરંતુ જાણવા મળ્યું કે પ્રદર્શનની જાણ ખૂબ ઓછા સમય પહેલાં કરવામાં આવી હતી, જ્યારે નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ પ્રસ્તાવિત પ્રદર્શનના 10 દિવસ પહેલાં જાણ કરવી જરૂરી છે."

નૂપુર પ્રસાદે કહ્યું હતું, "આ વાત જણાવવી પણ જરૂરી છે કે અગાઉ જ્યારે CJPને ત્યાં વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે પાર્ટીએ કાનૂની નિર્દેશોનું પાલન કર્યું નહોતું અને તે સમયે આપેલા પોતાના આશ્વાસનોનું પણ ઉલ્લંઘન કર્યું હતું."

"આ જ બાબતને ધ્યાનમાં રાખીને આ વખતે પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી નથી. નવી દિલ્હીમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ છે. તેના હેઠળ જાહેર વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા માટે યોગ્ય સાવચેતીપૂર્ણ પ્રતિબંધો અમલમાં છે. કોઈ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે, તો તેની સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે."

CJP વિરોધ પ્રદર્શનમાંથી પાછળ હટવા તૈયાર નથી અને તેનું કહેવું છે કે પોલીસ તેના સમર્થકોને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લઈ રહી છે.

CJPના સ્થાપક અભિજીત દીપકેએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે, "10 ઑક્ટોબરે યોજાનારા અમારા વિરોધ પ્રદર્શન પહેલાં ભાજપ સરકારે દેશભરમાં હજારો યુવાનોને અટકાયતમાં લીધા છે. મોદી, તમારી આ ડરાવવાની અને ધમકાવવાની કોશિશ સફળ નહીં થાય. દેશના યુવાનો હવે તમારાથી ડરતા નથી. હું કાલે દિલ્હી પહોંચીશ અને કોઈપણ સંજોગોમાં જંતર-મંતર સુધી કૂચ કરીશ."

CJPના વિરોધપ્રદર્શન પહેલાં આજ રાત્રે 9 વાગ્યાથી દિલ્હીના આ 57 મેટ્રો સ્ટેશનો બંધ રહેશે

10 ઑક્ટોબરના પ્રસ્તાવિત કૉક્રોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન પહેલાં દિલ્હીમાં 57 મેટ્રો સ્ટેશનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દિલ્હી મેટ્રો રેલ કૉર્પોરેશન (DMRC)એ શુક્રવારે આ અંગે માહિતી આપી હતી. DMRCના જણાવ્યા અનુસાર, 9 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 9 વાગ્યાથી આ સ્ટેશનો બંધ કરી દેવામાં આવશે. આ સ્ટેશનો આગામી આદેશ સુધી બંધ રહેશે.

DMRCએ એક્સ પર લખ્યું હતું: "સુરક્ષા કારણોસર, આ મેટ્રો સ્ટેશનો પર 9 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 09:00 વાગ્યાથી પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો બંધ રહેશે. આ પ્રતિબંધ 10 ઑક્ટોબર, 2026ના રોજ પણ આગામી આદેશ સુધી ચાલુ રહેશે. જોકે, નવી દિલ્હી મેટ્રો સ્ટેશનને છોડીને, સંબંધિત તમામ મેટ્રો સ્ટેશનો પર મેટ્રો બદલવાની સુવિધા ઉપલબ્ધ રહેશે."

આ 57 મેટ્રો સ્ટેશનો બંધ રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન