વરસાદ અપડેટ : ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ, અનેક લોકો ફસાયા, હજુ અતિભારે વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Rupesh Sonvane
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હીથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. આગાહીને કારણે વહીવટી તંત્રે ચેતવણી પણ આપી છે.
સૌથી પહેલાં વલસાડ, નવસારી, સુરત જિલ્લાના ઘણા વિસ્તારોમાં પડેલા અત્યંત ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ થઈ હતી. બાદમાં હવે વરસાદની પૅટર્ન બદલાઈ છે અને હવે મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.
અમદાવાદમાં એક દિવસમાં 11થી 12 ઇંચ પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત સુરત, નવસારી અને વલસાડમાં પણ પરિસ્થિતિ વધારે ખરાબ છે. ઘણાં લોકોનાં ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
દક્ષિણ ગુજરાતમાં બચાવકાર્યમાં લાગેલી ટીમોએ કેટલાક લોકોને હેલિકૉપ્ટરની મદદથી બહાર કાઢ્યા હતા. તો કેટલાક લોકોને હોડીમાં બેસાડીને સલામતસ્થળે લઈ જવાયા હતા. અમદાવાદમાં સ્થિતિ એટલી ગંભીર બની હતી કે રાજ્યના મુખ્ય મંત્રી ખુદ પૂરની સ્થિતિનો તાગ લેવા માટે નીકળ્યા હતા અને લોકોને મળ્યા હતા. ઘરમાં પાણી ભરાઈ જતાં અનેક લોકોનો તંત્ર પર ગુસ્સો ફાટી નીકળ્યો હતો.
પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે નવસારીમાં એનડીઆરએફની 3, એસડીઆરએફની 3 અને આર્મીની 2 ટીમ તહેનાત કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં એનડીઆરએફની 4, એસડીઆરએફની 4 અને આર્મીની 2 ટીમ રાહત અને બચાવકાર્ય માટે મૂકવામાં આવી છે. રાજ્યમાં કુલ 17 એનડીઆરએફ, 32 એસડીઆરએફ અને 6 આર્મીની ટીમોને તહેનાત કરવામાં આવી છે.
અનેક લોકો પૂરના પાણીના કારણે ફસાઈ ગયા હતા અને સરકારી આંકડા પ્રમાણે 24 જુલાઈ સુધીમાં 5 હજારથી વધારે લોકોને બચાવાયા છે. ઉપરાંત હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
આ ઉપરાંત અત્યાર સુધીમાં 4 હજારથી વધારે ગામોમાં વીજ પુરવઠાને અસર થઈ છે. અતિભારે વરસાદને કારણે રસ્તાઓને પણ ખૂબ અસર થઈ છે અને હજી પણ રાજ્યમાં 1,200 કરતાં વધારે રસ્તાઓ બંધ છે.
સરકારનું કહેવું છે કે તે બચાવ અને રાહત કામગીરી કરી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે અને એકાદ-બે વિસ્તારમાં અતિભારે વરસાદ પણ પડી શકે છે. જેના લીધે હજી પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ થવાની શક્યતા છે.
ગુજરાતમાં 27 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કે તેનાથી વધુ વરસાદ

ઇમેજ સ્રોત, imd
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસી રહેલા વરસાદે ભારે વિનાશ વેર્યો છે, જેના કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં છે.
ગુજરાતમાં 27 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો છે.
ઍક્સપ્રેસ વે અને નૅશનલ હાઈવે સહિત મહત્ત્વના માર્ગો બંધ થઈ ગયા છે, રેલવે માર્ગ ખોરવાયો છે, વેપાર-ધંધાને નુકસાન થયું છે અને મોટી સંખ્યામાં લોકોએ ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે.
આજે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, નવસારી, વલસાડ, ભાવનગર, ખેડા, તાપી, ડાંગ, પંચમહાલ, બોટાદ સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં શાળા, કૉલેજો અને આંગણવાડીમાં રજા જાહેર કરવામાં આવી છે.
શુક્રવારે સવારના છ વાગ્યા સુધી છેલ્લા ચોવીસ કલાકના ડેટા પ્રમાણે ખેડાના મહેમદાબાદ તાલુકામાં સૌથી વધુ 20 ઇંચ વરસાદ પડ્યો છે. ત્યાર પછી અમદાવાદના ધોળકામાં 18.62 ઇંચ, નવસારીના ચીખલીમાં 18 અને ખેરગામમાં 17 ઇંચ, વલસાડના ઉમરગામમાં 17 ઇંચ વરસાદ પડ્યો છે સુરતના ઉમરપાડામાં પણ ચોવીસ કલાકમાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત માતરમાં 16 ઇંચ કરતા વધુ અને ખેડામાં 15 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવી, વાંસદા, ડાંગના વઘઈ જેવા વિસ્તારોમાં પણ 13થી 14 ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
વલસાડમાં પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકૉપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નવસારી અને વલસાડમાં કુલ લગભગ 20 હજાર લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વલસાડમાં ભારે વરસાદના કારણે તમામ કારખાના અને ઔદ્યોગિક એકમોને બંધ રાખવા આદેશ અપાયો છે.
વરસાદના કારણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની શુક્રવારે લેવાનારી ખાતાકીય પરીક્ષા પણ રદ કરવામાં આવી છે.
ખેડામાં કાર તણાવાથી ચારનાં મોત

ઇમેજ સ્રોત, Nachiket Mehta
ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે માતર નજીક એક અત્યંત માર્ગ અકસ્માત સર્જાયો છે.
બીબીસી સહયોગી નચિકેત મહેતાના અહેવાલ પ્રમાણે માતર હાઈવે પર આવેલા મોતીપુરા ગામ પાસે અમદાવાદના એક પરિવારની કાર અનિયંત્રિત થઈને ગરનાળામાં ખાબકી હતી. કારમાં કુલ 6 લોકો સવાર હતા જેમાંથી ચાર લોકોનાં મૃત્યુ થયાં છે જ્યારે બે લોકોને બચાવી લેવાયા છે.
24 જુલાઈના રોજ સાંજના 5 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. પાટણના રાધનપુર અને સાંતલપુરમાં 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જે બાદ વાવ-થરાદના ભાભર અને દિયોદરમાં 6થી 7 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
હજી પણ આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

ઇમેજ સ્રોત, Snehal Patel
અહેવાલ પ્રમાણે ગરનાળા પર જોશથી પાણી વહેતું હતું જેના કારણે કાર તણાઈ હતી અને આ દુર્ઘટના બની હતી.
ખેડામાં ભારે વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાયાં છે. ગુરુવારે મહેમદાબાદમાં આઠ કલાકમાં 14 ઇંચ અને માતરમાં 12 ઇંચ વરસાદ પડ્યો હતો.
પાણીમાં અજગર તણાઈ આવ્યો

ઇમેજ સ્રોત, APurva Parekh
નવસારી અને વલસાડમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પહેલેથી હાજર હતી અને હવે તેમાં મિલિટરીની ટીમો પણ સામેલ કરાઈ છે તેમ વલસાડના સાંસદ ધવલ પટેલે જણાવ્યું હતું.
નવસારીમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
વલસાડ જિલ્લામાં અંભેટી કોપરલી રોડ ખાતે ગુરુવારે એક લક્ઝરી બસ પાણીમાં ફસાતા પોલીસ દ્વારા ગ્રામજનોની મદદ લઈ તમામ મુસાફરોનું રૅસ્ક્યૂ કરી તેમને સલામત જગ્યાએ પહોચાડવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, APurva Parekh
વલસાડથી બીબીસી સહયોગી અપૂર્વ પારેખના અહેવાલ મુજબ વલસાડમાં ભારે વરસાદના કારણે બચવા માટે એક વીજળીના થાંભલા પર ચઢી ગયેલા યુવાનને બચાવવામાં આવ્યો છે.
લગભગ એક દિવસથી યુવાન થાંભલા પર ચઢીને કોઈ બચાવવા આવે તેની રાહ જોતો હતો જેને દમણ કોસ્ટ ગાર્ડ દ્વારા સહીસલામત બચાવવામાં આવ્યો છે.
વલસાડના છીપવાડા વિસ્તારમાં વરસાદના પાણી સાથે એક અજગર પણ તણાઈ આવ્યો હતો.
તાપી નદી બંને કાંઠે વહેવા લાગી
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને આપેલી માહિતી પ્રમાણે તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમની સપાટી હાલમાં 314.71 ફૂટ પર પહોંચી છે.
હાલમાં 21204 ક્યુસેકની આવક છે જેની સામે 800 ક્યુસેક પાણીનો આઉટફ્લૉ છે. હાલમાં શહેરમાંથી પસાર થતી તાપી નદી બંને કાંઠે ધસમસતી વહી રહી છે. સુરત શહેરમાંથી પસાર થતી પાંચ ખાડીઓમાં પણ પાણી ધસમસી રહ્યાં છે. ગુરુવારે ખાડીઓ ઓવરફ્લૉ થવાના કારણે પાણી આસપાસની સોસાયટીમાં ઘૂસી ગયા હતા. આજે સવારથી સુરતમાં વરસાદ અટકી ગયો છે, જોકે આજે પણ ભારે વરસાદની આગાહીના કારણે લોકો ઍલર્ટ પર છે.
લેટેસ્ટ આંકડા પ્રમાણે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 1287 મીમી એટલે કે 50 ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે.
અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રેનો રદ

ઇમેજ સ્રોત, Snehal Patel
નવસારીથી બીબીસી સહયોગી સ્નેહલ પટેલના અહેવાલ પ્રમાણે ગુરુવારે બીલીમોરા રેલવે ટ્રેક પર પાણી ભરાયાં હતાં જેના કારણે બીલીમોરાથી પસાર થતી ટ્રેનો રદ કરવામાં આવી છે.
ગુજરાત માહિતી ખાતાની પ્રેસ રિલિઝ પ્રમાણે 24 જુલાઈ, શુક્રવારે અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી પાંચ મહત્ત્વની ટ્રેનો રદ કરવામાં આવી છે. જેમાં ગુજરાત મેલ, કર્ણાવતી ઍક્સપ્રેસ, ડબલ ડેકર ઍક્સપ્રેસ, વંદે ભારત અને તેજસ ઍક્સપ્રેસ સામેલ છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતી કુલ મળીને 30 ટ્રેનોને અસર થઈ છે જેના કારણે સુરત, અમદાવાદ સહિતના રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અટવાયા છે.
ડાંગમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. સતત વરસાદના કારણે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસતાં અનાજ અને ઘરવખરીને નુકસાન થયું છે.
સુરેન્દ્રનગરમાં પણ ભારે વરસાદ

ઇમેજ સ્રોત, Nirav Kansara
દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના બીજા ભાગોમાં પણ ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે. અમદાવાદ ગ્રામ્યમાં વરસાદના કારણે ગુરુવારે બાવળા-અમદાવાદ હાઇવે પર પાણી ભરાયા હતા. બીબીસી સહયોગી સચિન પીઠવાના અહેવાલ મુજબ સુરેન્દ્રનગરમાં ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લૉ થયો છે અને આસપાસનાં ગામોને ઍલર્ટ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં દસાડાના નવરંગપુરા–ફુલકી માર્ગ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં લખતરમાં સૌથી વધુ 176 મીમી (સાત ઇંચ) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ધ્રાંગધ્રામાં 85 મીમી, દસાડામાં 147 મીમી, વઢવાણમાં 96 અને મૂળીમાં 102 મીમી વરસાદ પડ્યો છે.

ઇમેજ સ્રોત, Nirav Kansara
અરવલ્લીથી અંકિત ચૌહાણના અહેવાલ પ્રમાણે સાબરકાંઠાના હિંમતનગરમાં લાંબા વિરામ પછી વરસાદ પડી રહ્યો છે જેના કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયાં છે. આ જિલ્લામાં હજુ ભારે વરસાદ પડવાની આગાહી છે.
રાજકોટથી બીબીસી સહયોગી બિપિન ટંકારિયાના અહેવાલ પ્રમાણે ગુરુવારે રાતથી અહીં વરસાદ શરૂ થયો હોવાથી ઘણા રોડ પર પાણી ભરાયાં છે.
વરસાદથી પાણીની આવક વધતાં જેતપુર તાલુકા પાસે આવેલો સુરવો ડૅમ 70 ટકા ભરાઈ ગયો છે. આથી ડૅમ પૂર્ણ સપાટીએ ભરાય કે ડૅમમાં જળસ્તર જાળવી રાખવા માટે નદીમાં પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા સૂચના જારી કરવામાં આવી છે.
રાજકોટ તાલુકાના આજી-2 ડૅમમાં જળસપાટી જાળવી રાખવા માટે રાત્રે ડૅમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સાથે પડધરી તાલુકાનાં ગામો માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























