કૅનેડામાં ભણવા ગયેલા કયા વિદ્યાર્થીઓને વર્ક પરમિટ નથી મળી રહી, સરકાર કેમ દેશ છોડી દેવાની સલાહ આપી રહી છે?

ઇમેજ સ્રોત, Inderjit Singh/Getty
- લેેખક, સરબજિતસિંહ ધાલીવાલ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 9 મિનિટ
કૅનેડાના ઍલ્બર્ટા પ્રાંતનાં કેલગરી અને ઍડમોન્ટન શહેરોમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરનારા ઘણા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ (તેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબી છે) તેમની પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ રદ થઈ જવાને લીધે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ધરણા પર બેઠા છે.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એવી માગણી કરી રહ્યા છે કે, કૅનેડાની સરકારનો ઇમિગ્રેશન વિભાગ નામંજૂર કરી દેવાયેલા કેસોની પુનઃ સમીક્ષા કરે.
બીજી તરફ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો આ મામલો કૅનેડા તેમજ ભારતના રાજકારણમાં ગરમા-ગરમ ચર્ચાનો વિષય બન્યો છે.
તેમ છતાં, કૅનેડાના ઍલ્બર્ટા પ્રાંતના પ્રિમિયર ડેનિયલ સ્મિથ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કહી રહ્યા છે કે, જો તેમની પાસે પીઆર (પર્મેનન્ટ રેસિડન્સી) ન હોય અને તેમના વિઝા પૂરા થઈ રહ્યા હોય, તો તેઓ દેશ છોડીને જતા રહે.
અત્રે નોંધનીય છે કે, ઑડિટર જનરલ ઑફ કૅનેડાએ માર્ચ, 2026માં એક અહેવાલ રજૂ કર્યો હતો, જે અનુસાર, 2025માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની ટકાવારી 8.1 ટકા હતી. જ્યારે, 2023માં આ પ્રમાણ 51.6 ટકા હતું.
સમસ્યા શું છે?
કૅનેડાનો ઍલ્બર્ટા પ્રાંત પશ્ચિમ કૅનેડાનો મહત્ત્વનો પ્રદેશ છે, જે તેના ઑઇલ, કુદરતી ગૅસ તથા સુંદર પર્વતો માટે સમગ્ર વિશ્વમાં જાણીતો છે. જોકે, આજકાલ ઍલ્બર્ટાનાં કેલગરી અને ઍડમોન્ટન શહેરો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહેલા દેખાવોને લીધે ચર્ચામાં છે.
કેલગરી અને ઍડમોન્ટનની બે કૉલેજોમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમની માગણીઓને લઈને છેલ્લા 15 દિવસથી હડતાળ પર ઉતર્યા છે.
કૅનેડાનો ઇમિગ્રેશન વિભાગ કેલગરીની પોર્ટેજ કૉલેજ હેઠળની બે ખાનગી ભાગીદારી કૉલેજો સીઆઇઓટી અને કૅમ્પબેલ કૉલેજ ખાતે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની વર્ક પરમિટની અરજીઓ મોટી સંખ્યામાં નામંજૂર કરી રહ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરજીઓ ઠુકરાવી દેવા પાછળ કૅનેડિયન ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ એવી દલીલ કરે છે કે, 'નૉન-ક્રેડિટ' પ્રોગ્રામ હેઠળ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ વર્ક પરમિટ મેળવવાની યોગ્યતા ધરાવતા નથી.
પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી વર્ક પરમિટ માટે રાહ જોઈ રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ આ નિર્ણય સામે વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે.
વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જ્યારે તેમણે કૅનેડામાં તેમનો અભ્યાસ શરૂ કર્યો હતો, તે સમયે નિયમો અલગ હતા.
અભ્યાસ પૂરો કર્યા પછી અને ફીપેટે લાખો રૂપિયા ભરી દેવા છતાં જ્યારે વર્ક પરમિટ મેળવવાનો સમય આવ્યો, ત્યારે તેઓ હવે ઇનકાર કરી રહ્યા છે, જે તેમના માટે મોટા ઝાટકા સમાન છે.
'અમારી સાથે વિશ્વાસઘાત થયો છે'

ઇમેજ સ્રોત, Inderjit Singh
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસી પંજાબીએ કેલગરીમાં હાઇવેની એક બાજુએ ખુલ્લા આકાશ નીચે બેસીને વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી.
મોહાલીનાં સુખમણિકોરે કહ્યું હતું, "અમે કૅનેડિયન પીઆર મેળવવાની માગણી નથી કરી રહ્યા, બલ્કે અમારો અભ્યાસ પૂરો થઈ ગયા પછી અહીં કામ કરવાના અધિકારની વાત કરી રહ્યાં છીએ, જેથી અમે કામ કરવાના અમારા અનુભવના આધારે ભારતમાં કે અન્ય દેશોમાં સારી નોકરી મેળવી શકીએ."
સુખમણિકોરે આગળ કહ્યું હતું કે, કેલગરી અને ઍડમોન્ટનનાં સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં વર્ક પરમિટ આપવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો છે. આ પૈકીનાં મોટાભાગનાં વિદ્યાર્થીઓ ભારતમાંથી, ખાસ કરીને પંજાબ અને હરિયાણામાંથી આવે છે.
આ કૉલેજમાં અભ્યાસ કરી રહેલા અન્ય દેશોના વિદ્યાર્થીઓની અરજીઓ પણ નામંજૂર કરવામાં આવી છે, પણ તેમનો આંકડો ઘણો ઓછો છે.
સુખમણિકોરના જણાવ્યા પ્રમાણે, વર્ક પરમિટ માટેની અરજીઓ નકારવાની પ્રક્રિયા ચાલુ વર્ષના જુલાઈ પછી શરૂ થઈ હતી અને તે સતત વધી રહી છે.
સુખમણિકોર કહે છે કે, તેઓ બિઝનેસ મૅનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે કૅનેડા આવ્યાં હતાં. તેમણે ડિસેમ્બર, 2025માં તેમનો બે વર્ષનો કોર્સ પૂરો કર્યો હતો અને વર્ક પરમિટ મળે, તેની રાહ જોઈ રહ્યાં હતાં, પણ તેમની અરજી નામંજૂર કરવામાં આવી હતી.
સુખમણિકોર એવો દાવો કરે છે કે, તેમના અભ્યાસ દરમિયાન, તેમણે કૉલેજના શિડ્યૂલ પ્રમાણે વર્ગોમાં હાજરી આપી હતી, ફી પેટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા અને જ્યારે વર્ક પરમિટ મેળવવાનો વખત આવ્યો, ત્યારે સરકાર તેની જવાબદારીમાંથી છટકી રહી છે.
તેમના જણાવ્યા મુજબ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ આ મામલે કૉલેજના વહીવટદારો સાથે પણ વાત કરી છે, પણ તેમણે હજી સુધી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી.
સુખમણિકોર જેવી જ કહાણી પંજાબના માનસા જિલ્લાના વતની ઇન્દરજિતસિંહની છે. અભ્યાસ પૂરો કર્યા પછી તેમને પણ વર્ક પરમિટ આપવાનો ઇનકાર કરી દેવાયો અને તેઓ પ્રદર્શનના સ્થળે રાત-દિવસ પોતાનો મુદ્દો રજૂ કરી રહ્યા છે.
બીબીસી પંજાબી સાથે વાત કરતાં ઇન્દરજિતસિંહે કહ્યું હતું કે, જ્યારે તેમણે 2023માં કૉલેજમાં ઍડમિશન મેળવ્યું, ત્યારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વર્ક પરમિટ ન આપવાને લઈને કોઈ શરત નહોતી. ઍડમિશન સમયે તેમણે તમામ લાગુપાત્ર શરતો પૂરી કરી હતી, તેમ છતાં તેમની અરજી નામંજૂર કરવામાં આવી હતી.
તેમણે કહ્યું હતું કે, તેઓ વર્ક પરમિટ વિના કેનેડામાં કામ કરી શકતા નથી અને જો તેમને કામ કરવાનો અધિકાર જ નથી, તો તેઓ તેમનો ખર્ચ કેવી રીતે ઉઠાવશે, તે સમજ બહારની વાત છે.
ઈન્દરજિતસિંહના જણાવ્યા પ્રમાણે, જ્યારે 2024ની આસપાસ તેમણે કોલેજમાં પ્રવેશ મેળવ્યો, ત્યારે કોલેજના અધિકારીઓ તથા એજન્ટોએ તેમને ખાતરી આપી હતી કે, કોર્સ પૂરો કર્યા પછી તેઓ વર્ક પરમિટ મેળવી શકશે, પણ હવે સ્થિતિ સાવ જુદી છે.
25 વર્ષના ઈન્દરજિતસિંહ જણાવે છે કે, તેમને ફરીથી એડમિશન લેવાની સલાહ આપવામાં આવી રહી છે. જો તેઓ એમ કરશે, તો તેમણે આખી પ્રક્રિયા ફરીથી કરવી પડશે અને ફીની વ્યવસ્થા કરવી એ પણ એક મોટો પડકાર છે.
ખેડૂત પરિવારમાંથી આવતા ઇન્દરજિતસિંહ જણાવે છે કે, તેઓ તેમનો અભ્યાસ ફરી શરૂ કરે, તો પણ એવી કોઈ ગેરન્ટી નથી કે કૅનેડાની સરકાર તેમને ભવિષ્યમાં વર્ક પરમિટ આપશે. તેના લીધે પરિસ્થિતિ ઘણી મુશ્કેલ બની છે.
કૅનેડિયન ઇમિગ્રેશન વિભાગે કયા આધાર પર અરજીઓ નામંજૂર કરી?

ઇમેજ સ્રોત, Sikender Singh
કૅનેડિયન ઇમિગ્રેશન વિભાગે પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટને લગતા નિયમો ટાંકીને નૉન-ક્રેડિટ પ્રોગ્રામ હેઠળ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની અરજીઓને અપાત્ર જાહેર કરી છે.
કૅનેડાના શિક્ષણ નિયમો પ્રમાણે, ડિગ્રી તથા ડિપ્લોમા જેવા અભ્યાસક્રમો ક્રેડિટ કોર્સની કૅટેગરીમાં આવે છે, જ્યારે સામાન્ય જ્ઞાન મેળવવા, નવાં કૌશલ્યો શીખવા કે પછી હાલનાં કૌશલ્યોમાં સુધારો કરવા માટે કરવામાં આવતા કોર્સ નોન-ક્રેડિટ કોર્સ કહેવાય છે.
તેનો અર્થ એ કે, જો કોઈ વિદ્યાર્થી નૉન-ક્રેડિટ કોર્સ લે અને આગળ અભ્યાસ કરવા માગતો હોય, તો તેના અગાઉના અભ્યાસના અનુભવને પછીના અભ્યાસમાં સામેલ કરવામાં આવતો નથી.
જ્યારે, ક્રેડિટ કોર્સ કરનારા વિદ્યાર્થીઓના અગાઉના અભ્યાસોને શિક્ષણના આગામી લેવલમાં માન્યતા મળી શકે છે.
કૅનેડામાં વર્ક પરમિટ શેના આધારે મળે છે?

ઇમેજ સ્રોત, Inderjit Singh
કૅનેડામાં અભ્યાસ કરવા આવેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂરો કરે, તે પછી તેમને પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવામાં આવે છે. તેની અવધિ વિદ્યાર્થીએ કરેલા કોર્સના સમયગાળા (કોર્સ કેટલા સમયનો છે)ના આધારે નક્કી થાય છે.
આઠ મહિના કરતાં વધુ સમયનો અને બે વર્ષ કરતાં ઓછા સમયનો કોર્સ પૂરો કરનારા વિદ્યાર્થીઓને સામાન્યપણે કોર્સની અવધિ જેટલા ગાળા માટેની વર્ક પરમિટ મળે છે.
જેમકે, જો કોઈ વિદ્યાર્થીએ એક વર્ષનો કોર્સ પૂરો કર્યો હોય, તો તેને આશરે એક વર્ષની વર્ક પરમિટ મળી શકે છે.
બે વર્ષ કે તેથી વધુ સમય સુધીનો અભ્યાસ પૂરો કરનારા વિદ્યાર્થીઓ વધુમાં વધુ ત્રણ વર્ષની વર્ક પરમિટ મેળવી શકે છે.
આઠ મહિના કરતાં ઓછા સમયનો કોર્સ કરનારા વિદ્યાર્થીઓ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે અરજી કરવાને પાત્ર ગણાતા નથી.
પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ ધરાવતી વ્યક્તિ કૅનેડામાં લગભગ કોઈપણ ક્ષેત્રમાં કામ કરી શકે છે અને તેના પર કોઈ ચોક્કસ નોકરીદાતા સાથે જ કામ કરવાનું નિયંત્રણ હોતું નથી.
કૉલેજના વહીવટકર્તાઓનો પક્ષ

ઇમેજ સ્રોત, Sikender Singh
બીજી તરફ, પોર્ટેજના વહીવટકર્તાઓએ પણ આ સમગ્ર મામલે તેમનો પક્ષ રજૂ કર્યો છે.
કૉલેજની વેબસાઇટ પર 21મી જુલાઈ, 2026ના રોજ જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે, કૉલેજનું પ્રતિનિધિ મંડળ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મળ્યું હતું અને તેમની સમસ્યાઓ સાંભળી હતી.
જોકે, કૉલેજે એ સ્પષ્ટ કરી દીધું છે કે, વર્ક પરમિટને લગતા નિયમો માત્ર ઇમિગ્રેશન ઍન્ડ રેફ્યૂજીઝ કમિશન ઑફ કૅનેડા (આઇઆરસીસી) દ્વારા લેવામાં આવે છે અને તે પ્રક્રિયામાં કૉલેજની કોઈ ભૂમિકા હોતી નથી.
કૉલેજે કહ્યું છે કે, આ મામલે કોઈ નવી માહિતી મળે, તે તરત જ તેની વેબસાઇટ પર મૂકવામાં આવશે અને વિદ્યાર્થીઓ સાથે બેઠકો પણ ચાલુ રાખવામાં આવશે.
કૉલેજે એમ પણ કહ્યું છે કે, તે વિદ્યાર્થીઓની ચિંતા સમજે છે અને તે આ મામલે સરકાર પાસેથી સ્પષ્ટતા મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
પરંતુ, કાનૂની સલાહ મેળવ્યા પછી કૉલેજે ઇમિગ્રેશન માટે કોઈ ચોક્કસ 'સપોર્ટ લેટર' ઇશ્યૂ કરવામાં પોતાની અસમર્થતા દર્શાવી છે અને વિદ્યાર્થીઓને કાનૂની અને ઇમિગ્રેશન નિષ્ણાતો પાસેથી સલાહ લેવાની વિનંતી કરી છે.
ઍલ્બર્ટા અને કૅનેડાની સરકારનું વલણ
ઍલ્બર્ટાના પ્રિમિયર ડૅનિયલ સ્મિથે કૅનેડામાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કહ્યું છે કે, જો તેમની પાસે પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર) ન હોય અને તેમના વિઝા પૂરા થઈ રહ્યા હોય, તો તેઓ કૅનેડા છોડી દે.
સ્મિથે તાજેતરની એક પત્રકાર પરિષદ દરમિયાન અત્યારે ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
આ દરમિયાન, કૅનેડાનાં ઇમિગ્રેશન પ્રધાન લીના ડેબે પણ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે, તેમના વિભાગે હાલ કોઈ નવા નિયમો લાગુ કર્યા નથી અને વર્ક પરમિટની અરજીઓને જૂના નિયમોના આધારે જ નકારવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી, 2024માં કેનેડાના ઇમિગ્રેશન વિભાગે એવી જાહેરાત કરી હતી કે, મે, 2024 પછી ખાનગી-જાહેર ભાગીદારી હેઠળ કોર્સ કરનારા અરજીકર્તાઓ પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ માટે પાત્ર ગણાશે નહીં.
કાનૂની અને ઇમિગ્રેશન નિષ્ણાતોનો અભિપ્રાય

બીબીસી પંજાબીએ કૅનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મુદ્દે બ્રિટિશ કોલમ્બિયા પ્રાંતમાં આવેલી લો ફર્મના વડા અને અગ્રણી વકીલ હૅરિ વિર્ક સાથે વાત કરી હતી.
તેમના મત અનુસાર, અત્યારે જે વિદ્યાર્થીઓની વર્ક પરમિટ ફગાવી દેવામાં આવી છે, તેમની પાસે બે વિકલ્પો છે.
હૅરી વિર્કે કહ્યું હતું કે, પહેલો ઉપાય અરજી નામજૂર થાયના 15 દિવસની અંદર રિવ્યૂ પિટીશન દાખલ કરવાનો છે. તેના થકી વિદ્યાર્થીઓ તેમની નામંજૂર થયેલી અરજીની પુનઃ સમીક્ષા માટે અપીલ કરી શકે છે અને તે હેઠળ ઘણી અપીલો દાખલ કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, તેમની ઑફિસે આશરે 500 રિવ્યૂ પિટિશન દાખલ કરી છે અને તેનો નિર્ણય ક્યારે લેવામાં આવશે, તે અદાલત અને ન્યાયાધીશ પર નિર્ભર કરે છે.
વિર્કના જણાવ્યા પ્રમાણે, બીજો વિકલ્પ એ છે કે, અરજીકર્તા કૅન્સલેશનના 90 દિવસની અંદર તેના ઇમિગ્રેશન સ્ટેટસને સુધારવાનો પ્રયત્ન કરી શકે છે. આ દરમિયાન તે તેનો અભ્યાસ ફરી શરૂ કરી શકે છે કે પછી પોતાના વિઝાને ટુરિસ્ટ વિઝામાં પરિવર્તિત કરી શકે છે.
જોકે, આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને કામ કરવાની પરવાનગી નહીં મળે.
બીજી તરફ, કેનેડિયન ઇમિગ્રેશનના નિષ્ણાત કંવર શ્રીહાનું કહેવું છે કે, આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સામે એક પ્રકારની છેતરપિંડી અને કૌભાંડ છે, જેની તપાસ થવી જોઈએ.
તેમણે કહ્યું હતું કે, સરકારે વિદ્યાર્થીઓને કોલેજોમાં પ્રવેશ લેતી વખતે કે તે પછી આ નિયમોમાં કરવામાં આવેલા ફેરફારો વિશે સ્પષ્ટ જાણકારી નહોતી આપી.
તેમના જણાવ્યા પ્રમાણે, વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ અને ફી પાછળ મોટાપાયે નાણાં ખર્ચ્યાં, પણ હવે તેમની વર્ક પરમિટની અરજીઓ એકાએક રદ કરવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓની કોઈ ભૂલ નથી.
કેબિનેટ મંત્રી ડૉક્ટર રવજોતસિંહે વિધાનસભામાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, Govt. of Punjab/YT
ગૃહને આ વિશેની જાણકારી આપતાં કેબિનેટ મંત્રી ડૉક્ટર રવજોતસિંહે કહ્યું હતું, "છેલ્લાં 3-4 સપ્તાહોથી કૅનેડામાં લગભગ 1500 વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પંજાબી છે. કૅનેડિયન ફેડરલ સરકારનો વિભાગ આઇઆરસીસી આપણાં બાળકોને મોટી સંખ્યામાં પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપવાનો ઈનકાર કરી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, 'મે, 2024માં આશરે 1500 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, તે બે વર્ષનો ડિપ્લોમા કોર્સ હતો. ફી, વગેરે વિશે માહિતી આપતાં તેમણે કહ્યું હતું, 'બાળકોએ અમને જણાવ્યું કે, ઍડમિશન સમયે કૉલેજે અમને જણાવ્યું હતું કે, તેમનો કોર્સ વર્ક પરમિટ મેળવવા માટે પાત્ર છે અને કોર્સ પછી તેમને ત્રણ વર્ષની વર્ક પરમિટ મળશે.'
"પણ જ્યારે બાળકોએ વર્ક પરમિટ માટે અરજી કરવાનું શરૂ કર્યું, ત્યારે ઘણાં બાળકોને મોટાપાયે ઇનકાર કરવામાં આવી રહ્યો છે."
કૅબિનેટ મંત્રી ડૉક્ટર રવજોતસિંહે જણાવ્યું હતું, "અમે આ મુદ્દો વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવ્યો છે અને અમે બાળકોને ન્યાય મળે, તેવી માગણી કરી છે."
તેમણે જણાવ્યું હતું કે, કૅનેડિયન વહીવટી તંત્રએ આપણાં બાળકો માટે સહાનુભૂતિપૂર્વક પગલાં લેવાં જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.
























