ઈરાને ઓમાનની ખાડી અને અરબ સાગર વિશે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સે કહ્યું છે કે તેણે હોર્મુઝની સામુદ્રધુની નિકટના કેટલાક અન્ય સમુદ્રી વિસ્તારોને પણ 'પ્રતિબંધિત ક્ષેત્ર' જાહેર કર્યા છે.
બીબીસી ફારસી પ્રમાણે, ઈરાને 'પ્રતિબંધિત સમુદ્રી ક્ષેત્ર'નો વિસ્તાર કરાયો છે અને હવે તેમાં ઓમાનના અખાત અને અરેબિયન સમુદ્રના કેટલાક ભાગ પણ સામેલ છે.
રિવૉલ્યૂશનરી ગાર્ડના પ્રવક્તા હુસૈન મોહેબીનું કહેવું છે કે પરવાનગી વગર આ 'નિષિદ્ધ ક્ષેત્ર'થી પસાર થનારાં જહાજો પર 'પ્રતિબંધ' લગાવાશે.
હુસૈન મોહેબીનું કહેવું છે કે ઈરાન દ્વારા ઘોષિત પ્રતિબંધિત માર્ગની ભૌગોલિક સીમાઓ બાદમાં જાહેર કરાશે.
પ્રવક્તાનું કહેવું છે કે આ પ્રતિબંધિત ક્ષેત્ર ચાબહાર ક્ષેત્રથી શરૂ થાય છે.
તેમના અનુસાર, આ ક્ષેત્રમાં પ્રવેશ કરનારા કોઈ પણ જહાજને બાદમાં હોર્મુઝની સામુદ્રધુનીનો ઉપયોગ કરવાની પરવાનગી નહીં અપાય.
જુલાઈ પછી પ્રથમ વખત ક્રૂડ ઑઇલના પ્રતિ બૅરલ ભાવ 100 ડૉલર પાર પહોંચ્યા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં તાજેતરના હુમલાઓ અને સાઉદી અરેબિયામાં હૂતી હુમલાઓ બાદ બુધવારે ક્રૂડ ઑઇલના ભાવ 100 ડૉલર પ્રતિ બૅરલથી ઉપર પહોંચી ગયા.
બ્રેન્ટ ક્રૂડ જુલાઈ પછીથી આટલું મોંઘું થયું નહોતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, બ્રેન્ટ ક્રૂડના ભાવ થોડા સમય માટે ઘટીને 99.90 ડૉલર પ્રતિ બૅરલ થઈ ગઈ હતી.
મધ્ય પૂર્વમાં તણાવ ફરી વધે તો ક્રૂડ ઑઇલના ભાવ વધુ વધી શકે છે.
અમેરિકાના હુમલાઓમાં ઈરાનનાં પાંચ તેલ ટૅન્કરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. તેમાંનાં ચાર ટૅન્કરો ઓમાનની ખાડીમાં હતાં અને તેમનો સંબંધ ઈરાનની રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (IRGC) સાથે હતો.
અન્ય એક ટૅન્કર પર ખાર્ગ દ્વીપની નજીક હુમલો કરવામાં આવ્યો હતો.
તહેરાને જવાબમાં જૉર્ડનમાં આવેલા એક અમેરિકન સૈન્યમથક પર મિસાઇલો છોડી હતી. તેમાંની મોટાભાગની મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી.
ઈરાને જણાવ્યું કે તેણે હોર્મુઝ જળમાર્ગમાં બે અમેરિકન જહાજો અને આઠ તેલ ટૅન્કરો પર હુમલો કર્યો હતો.
જુલાઈથી ઈરાન સમર્થિત યમનના હૂતી અને સાઉદી અરેબિયા એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે.
મંગળવારે હૂતી વિદ્રોહીઓએ જણાવ્યું હતું કે તેમણે સાઉદી અરેબિયાના અનેક તેલ ઠેકાણાં પર હુમલા કર્યા છે.
ગયા મહિનાની શરૂઆતથી બ્રેન્ટ ક્રૂડ ઑઇલના ભાવમાં અંદાજે 25 ટકાનો વધારો થયો છે.
ફેબ્રુઆરીમાં ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષની શરૂઆત બાદ, 30 એપ્રિલે ક્રૂડ ઑઇલના ભાવ વધીને 126.41 ડૉલર પ્રતિ બૅરલ થઈ ગયા હતા.
આઇઆરજીસીનો દાવો, બે અમેરિકન જહાજ અને આઠ ઑઇલ ટૅન્કર પર નિશાન સાધ્યું

ઇમેજ સ્રોત, @IrnaEnglish
ઈરાનના રિवॉલ્યૂશનરી ગાર્ડ્સ કોર (આઇઆરજીસી)એ પોતાના તાજેતરના એક નિવેદનમાં કહ્યું છે કે તેણે બે અમેરિકન જહાજ અને આઠ ઑઇલ ટૅન્કરો પર હુમલો કર્યો છે.
બીબીસી ફારસી પ્રમાણે, આઇઆરજીસીએ પાછલા અમુક કલાકોમાં જૉર્ડન અને બહરીનમાં અમેરિકન ઠેકાણાં પર મિસાઇલ વડે હુમલા કર્યા છે. તેનું કહેવું છે કે તેણે પાંચ ઈરાની ઑઇલ ટૅન્કરો પર અમેરિકન હુમલાના જવાબમાં આ હુમલા કર્યા છે.
જાહેર કરાયેલા નિવેદનમાં આઇઆરજીસીએ એવો પણ દાવો કર્યો કે તેણે 'દસ જહાજો પર હુમલો કર્યો, જે પરવાનગી વગર હોર્મુઝની સામુદ્રધુનીથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં.'
આ અહેવાલોની હજુ સુધી સ્વતંત્ર સ્રોતોથી પુષ્ટિ નથી થઈ.
આ દરમિયાન, મંગળવારે અડધી રાત્રે કરેલી પોતાની ઘોષણામાં, અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ કહ્યું કે પાંચ ઈરાની ટૅન્કરોને તેનાં યુદ્ધજહાજો પર થયેલા હુમલાના જવાબમાં નિશાન બનાવાયાં હતાં.
હૈદરાબાદમાં ઈરાની કૉન્સુલેટે ઍક્સ પર એક લેટેસ્ટ પોસ્ટમાં લખ્યું, "ઈરાની ઑઇલ ટૅન્કરો અને જહાજો વિરુદ્ધ આતંકવાદી સૈન્યની આક્રમક કાર્યવાહીઓ અને શત્રુતાપૂર્ણ હરકતોના જવાબમાં આઇઆરજીસીની તાકતવર ફોર્સ"એ કાર્યવાહી કરી છે.
તેમાં આગળ કહેવાયું છે કે, "આક્રમણકારીને દંડ કરવાના અભિયાન અંતર્ગત ડીડીજી-119 અને ડીડીજી-53 યુદ્ધજહાજો પર શક્તિશાળી બૅલિસ્ટિક મિસાઇલો વડે હુમલો કરાયો હતો."
"આ યુદ્ધજહાજો પર ક્રૂઝ મિસાઇલો અને એજિસ સિસ્ટમ લાગેલી છે. આ હુમલાનાં પરિણામ સ્વરૂપે જહાજોને ઘણું નુકસાન થયું છે."
'વિદેશમાં મુસ્લિમ નેતાઓને ગળે મળો છો, અહીં ગરબામાં મુસ્લિમોને રોકો છો', સંજય રાઉતે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ હિંદુ પરિષદની ગરબા અને ડાંડિયા આયોજનોમાં મુસ્લિમોની એન્ટ્રી પર રોક લગાવવાની અપીલ પર શિવસેના (યુટીબી) નેતા સંજય રાઉતે પીએમ નરેન્દ્ર મોદીનું નામ લઈને કટાક્ષ કર્યો છે.
આ મામલે તેમણે કહ્યું, "વિદેશમાં વડા પ્રધાન મસ્જિદોમાં જાય છે, ત્યાંના મુસ્લિમ નેતાઓને ગળે લગાડે છે. તેમને બોલે છે- મારા ભાઈ, માય બ્રધર. તો અહીં પણ ગરબામાં અમારા બ્રધરને નહીં રોકવા જોઈએ. વિદેશમાં બ્રધર, અહીં દુશ્મન, આમ કેમ ચાલે?"
વીએચપીએ નવરાત્રી ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રમાં ગરબા અને ડાંડિયા મહોત્સવમાં મુસ્લિમોના પ્રવેશ પર રોક લગાવવાની, તેમના પ્રવેશ માટે ઓળખ સત્યાપન કરવાની અને તિલક લગાવવાનું ફરજિયાત કરવાની માગ કરી છે.
આ પહેલાં અભિનેતા શ્રેયસ તલપડે અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે પણ કહ્યું હતું કે ગરબા આયોજનોમાં તમામ સમુદાયના લોકોએ આવવું જોઈએ.
'મૅજિસ્ટ્રેટ નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી શકે?'- સીજેઆઈ સૂર્યકાંતે કયા મામલે નારાજગી વ્યક્ત કરી

ઇમેજ સ્રોત, Arun Kumar/ The India Today Group via Getty Images
ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જંતર-મંતર પર થયેલાં વિરોધપ્રદર્શનોને લઈને એક વિદ્યાર્થીને ગ્રેટર નોઇડાના કાર્યકારી મૅજિસ્ટ્રેટ (ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ) દ્વારા જારી કરવામાં આવેલી નોટિસ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું છે કે કોર્ટ મૅજિસ્ટ્રેટ પાસેથી સ્પષ્ટીકરણ માંગશે.
લાઇવ લૉ મુજબ, સીજેઆઈ સૂર્યકાંતે કહ્યું, "મૅજિસ્ટ્રેટ નોટિસ જારી કરવાની હિંમત કેવી રીતે કરી શકે? અમે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ વિદ્યાર્થી વિરુદ્ધ બળજબરીપૂર્વક કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. કોઈપણ મૅજિસ્ટ્રેટ તે આદેશનું ઉલ્લંઘન કરી શકતા નથી."
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ, જંતર-મંતર પ્રદર્શનમાં સામેલ થયેલા વિદ્યાર્થીને નોટિસ આપ્યા બાદ તેને પાછી ખેંચી લેવામાં આવી હતી.
પીટીઆઈએ જણાવ્યું કે ગૌતમ બુદ્ધ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા એક પ્રદર્શનમાં કથિત રીતે સામેલ થવાના કારણે ગ્રેટર નોઇડાના કાર્યકારી મૅજિસ્ટ્રેટે નોટિસ જારી કરી હતી.
પીટીઆઈ અનુસાર, ગ્રેટર નોઇડાના કાર્યકારી મૅજિસ્ટ્રેટે વિદ્યાર્થીને 5 લાખ રૂપિયાનો વ્યક્તિગત મુચરકો ભરવા માટે કહ્યું હતું.
સીજેઆઈની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ આ મામલો રજૂ કરનાર વકીલે કહ્યું, "તમારા 1 સપ્ટેમ્બરના આદેશમાં ભારતના વિદ્યાર્થીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવામાં આવ્યું હતું. નોઇડા પોલીસની માહિતીના આધારે ગ્રેટર નોઇડાના કાર્યકારી મૅજિસ્ટ્રેટે બીજા વર્ષના એક વિદ્યાર્થીને નોટિસ જારી કરી હતી."
વકીલે આગળ કહ્યું, "આને અમલમાં મૂકવામાં આવવાનું હતું. ત્યારબાદ પ્રેસમાં સમાચાર આવ્યા કે નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. આ પ્રથમ દૃષ્ટિએ અદાલતની અવમાનના છે. નોઇડા અને ઉત્તર પ્રદેશના અધિકારીઓ વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ઊભું કરી શકતા નથી."
સુપ્રીમ કોર્ટે 1 સપ્ટેમ્બરના પોતાના આદેશમાં કહ્યું હતું કે 20 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે થયેલાં વિદ્યાર્થી પ્રદર્શનોને લઈને દેશભરના કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયેલી એફઆઈઆર પર આગળ કોઈ કાર્યવાહી અથવા તપાસ કરવામાં ન આવે. આ તમામ એફઆઈઆરને દરેક હેતુ માટે બંધ માનવામાં આવે.
પાકિસ્તાને હૂતી લડાકુઓને ચેતવણી આપી, કહ્યું કે 'મક્કા સમજૂતી' સક્રિય થઈ શકે છે

ઇમેજ સ્રોત, Handout/Houthi Media Center via Getty Images
પાકિસ્તાને જણાવ્યું કે "મક્કા સંરક્ષણ સમજૂતી"ના ત્રણ સભ્યોમાંથી કોઈપણ એક પર કરવામાં આવેલા હુમલા અંગે કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા ન હોવી જોઈએ, અને આવા હુમલાને ત્રણેય સભ્યો પર થયેલા હુમલા તરીકે ગણવામાં આવશે.
બીબીસી ફારસી મુજબ, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ચેતવણી આપી છે કે સાઉદી અરેબિયા પર હૂતી લડાકુઓના હુમલાઓને પગલે આ સમજૂતી અમલમાં આવી શકે છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની આ ટિપ્પણી યમનમાં ઈરાન સમર્થિત હૂતી સશસ્ત્ર જૂથો દ્વારા સાઉદી અરેબિયા વિરુદ્ધ મિસાઇલ અને ડ્રૉન હુમલાઓની શ્રેણી શરૂ કરવામાં આવ્યા બાદના થોડા કલાકોમાં આવી હતી.
આ હુમલાઓમાં શહેરો તેમજ આર્થિક અને ઊર્જા સંબંધિત સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં, અને તેમાં ઓછામાં ઓછા 73 નાગરિકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે કોઈપણ સભ્ય દેશ વિરુદ્ધ કરવામાં આવેલી કોઈપણ આક્રમક કાર્યવાહી, અથવા યમન સંઘર્ષનું સાઉદી અરેબિયા સુધી વિસ્તરણ, મક્કા સમજૂતીને સક્રિય કરી દેશે.
તાજેતરમાં મક્કામાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ એક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. તેના મુજબ, આ ત્રણ દેશોમાંથી કોઈ એક દેશ પર થયેલો હુમલો ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે.
તેમણે આશા વ્યક્ત કરી કે તણાવમાં ઘટાડો થશે, પરંતુ હૂતી જૂથને ચેતવણી આપી કે તેઓ યમનના સંઘર્ષને દેશની સરહદોની બહાર ન ફેલાવે.
મહારાષ્ટ્ર : અમૃતા ફડણવીસે ગરબામાં મુસ્લિમોના પ્રવેશ મુદ્દે આ વાત કહી

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે રાજ્ય સરકારના મંત્રી નિતેશ રાણે દ્વારા ગરબા કાર્યક્રમોમાં મુસ્લિમોને પ્રવેશ ન આપવા સંબંધિત માંગ અંગે નિવેદન આપ્યું છે.
અમૃતા ફડણવીસે કહ્યું, "તેમણે (નિતેશ રાણે) આ વાત ખૂબ વિચાર કરીને કહી છે. હું તેની ઊંડાણમાં જવા માંગતી નથી. પરંતુ હું એટલું જરૂર કહેવા માંગું છું કે ગરબા એક રાષ્ટ્રીય ઉત્સવ છે. તેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉજવવામાં આવે છે."
"તેથી જો કોઈપણ સમુદાય કે ધર્મનો વ્યક્તિ કોઈ હંગામો કર્યા વગર શાંતિપૂર્વક આવીને તેને જોવા માંગતો હોય, તો મને લાગે છે કે તે યોગ્ય છે. પરંતુ તેની પાછળ અન્ય શું કારણો છે, તેનો મેં અભ્યાસ કર્યો નથી."
આ પહેલાં નિતેશ રાણેએ નવરાત્રી ઉત્સવ દરમિયાન રાજ્યમાં ગરબા અને ડાંડીયા કાર્યક્રમોમાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા, પ્રવેશ માટે ઓળખની ચકાસણી અને તિલક લગાવવું ફરજિયાત બનાવવાની વિશ્વ હિંદુ પરિષદની માંગને સમર્થન આપ્યું હતું.
તેમણે કહ્યું, "વિશ્વ હિંદુ પરિષદે જે માંગણીઓ કરી છે અને જે અપેક્ષાઓ વ્યક્ત કરી છે, તે ખોટી નથી. જે લોકો મૂર્તિપૂજા કરતા નથી, અમારા ધર્મને માનતા નથી, તો શું તમને અમારી નવરાત્રી અથવા ગરબા સમારોહમાં આવવાનો અધિકાર છે?"
તેમણે વધુમાં કહ્યું, "માત્ર આધાર કાર્ડની ચકાસણી સુધી મર્યાદિત રહેવાને બદલે, તેમની પાસેથી હનુમાન ચાલીસાનો પાઠ કરાવવામાં આવવો જોઈએ અને ત્યારબાદ જ તેમને આવવાની મંજૂરી આપવી જોઈએ."
અમેરિકાએ 5 ઈરાની ઑઇલ ટૅન્કરોને બનાવ્યાં નિશાન, ઈરાને જૉર્ડન પર કર્યો જવાબી હુમલો

ઇમેજ સ્રોત, EPA
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ જણાવ્યું છે કે છેલ્લા બે દિવસમાં એક અમેરિકન યુદ્ધજહાજને બે વખત નિશાન બનાવવામાં આવ્યું હતું, જેના જવાબમાં અમેરિકન સેનાએ ઈરાનનાં પાંચ ઑઇલ ટૅન્કરો પર હુમલો કર્યો.
સેન્ટકૉમના જણાવ્યા અનુસાર, આમાંથી ચાર ઈરાની ઑઇલ ટૅન્કરોનો સંબંધ ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ (IRGC) સાથે હતો અને તેઓ ઓમાનની ખાડીમાં હાજર હતાં. અન્ય એક ટૅન્કરને ખાર્ક ટાપુની નજીક નિશાન બનાવવામાં આવ્યું હતું.
ખાર્ક ઈરાનના તટથી દૂર આવેલું એક મુખ્ય તેલ નિકાસ કેન્દ્ર છે.
તેના જવાબમાં ઈરાને જૉર્ડનમાં આવેલા એક અમેરિકન સૈન્ય મથક પર મિસાઇલો છોડી હતી. જોકે, જૉર્ડને બાદમાં જણાવ્યું કે તેની ઍર-ડિફેન્સ સિસ્ટમે ઈરાન દ્વારા છોડવામાં આવેલી 20માંથી 18 મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી.
બંને દેશો વચ્ચે છેલ્લા એક અઠવાડિયામાં એકબીજા પરના હુમલાઓ વધુ ઉગ્ર બન્યા છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાઓના છ મહિના પછી પણ આ સંઘર્ષ ચાલુ રહ્યો છે.
બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે એશિયાઈ બજારોમાં શરૂઆતના કારોબાર દરમિયાન તેલના ભાવોમાં વધારો નોંધાયો.
બેન્ચમાર્ક બ્રૅન્ટ ક્રૂડનો ભાવ 1.5% વધીને પ્રતિ બેરલ 99.41 ડૉલર થયો. જ્યારે અમેરિકામાં વેપાર થતા ઑઇલનો ભાવ 1.6% વધીને પ્રતિ બેરલ 94.55 ડૉલર થયો.
આ દરમિયાન ઈરાને કુવૈત અને બહેરિનનાં બંદરો પર હાજર અમેરિકન જહાજો સામે વધુ હુમલા કરવાની ચેતવણી આપી છે.
ઈસાની સેનાના નૌકાદળ કમાન્ડે કુવૈત અને બહેરિનનાં બંદરોની નજીક હાજર એવા તમામ ઑઇલ ટૅન્કરોના ક્રૂને ચેતવણી આપી, જેમનો સંબંધ અમેરિકા સાથે છે.
તેમણે કહ્યું કે તેઓ "તાત્કાલિક પોતાનાં જહાજો છોડી દે, ભલે તેઓ બંદર પર ઊભા હોય કે લંગર નાખીને ઊભા હોય, કારણ કે તેમને નિશાન બનાવવામાં આવશે."
વિજય માલ્યાએ પોતાને વારંવાર ભાગેડુ કહેવાતા આ દાવો કર્યો, જણાવ્યું કે તેઓ ભારત કેમ આવી શકતા નથી

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ વિજય માલ્યાએ પોતાને વારંવાર ભાગેડુ કહેવામાં આવતા એક નિવેદન આપ્યું છે.
વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દાવો કર્યો, "જે લોકો કહે છે કે હું ભારત આવવાથી ઇન્કાર કરનાર ભાગેડુ છું, તેઓ કૃપા કરીને એ જાણી લે કે હું વર્ષ 1992થી બ્રિટનનો કાયમી નિવાસી છું. હાલમાં મને કાયદાકીય રીતે આ દેશની બહાર જવાની મંજૂરી નથી. આ બધું ભારત સરકાર દ્વારા કરવામાં આવેલાં દેખાડાંરૂપી પગલાંથી શરૂ થયું, જે મારા કેસમાં અત્યંત અન્યાયપૂર્ણ છે."
તેમણે બીજી એક પોસ્ટમાં કહ્યું, "જે બધા લોકો મારી વાત પર વિશ્વાસ નથી કરતા, તેઓ કૃપા કરીને પોતે તેની ચકાસણી કરે અને જુએ કે ઈડીએ મારા જપ્ત કરેલા ફંડમાંથી 350 કરોડ રૂપિયાથી વધુ રકમ કિંગફિશરના કર્મચારીઓને ચૂકવણી કરવા માટે મુક્ત કરી હતી."
તેમણે કહ્યું, "હું તેમને પૈસા આપી શક્યો નહોતો કારણ કે ઈડીએ મારી સંપત્તિઓ અને ફંડ્સ પોતાના કબજામાં લઈ લીધાં હતાં."
તેમણે લખ્યું, "કોઈ પત્રકારની સ્ક્રિપ્ટની શરૂઆતમાં જ મને ઠગ કેમ કહેવામાં આવે છે? તેની જગ્યાએ એ પ્રશ્નથી શરૂઆત કેમ કરવામાં આવતી નથી કે મને મારા પૈસા ક્યારે પાછા મળશે?"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























