સીજેઆઈએ કેમ કહ્યું, 'બેરોજગાર યુવાનો કૉકરોચ જેવા, કેટલાક પત્રકારો અને ઍક્ટિવિસ્ટો બનીને સિસ્ટમ પર કરે છે હુમલો'

સીજેઆઈએ કેમ કહ્યું, 'બેરોજગાર યુવાનો કૉંકરોચ જેવા, કેટલાક પત્રકારો અને ઍક્ટિવિસ્ટો બનીને સિસ્ટમ પર કરે છે હુમલો'

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 9 મિનિટ

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક વકીલને ફટકાર લગાવી.

લાઇવ લૉ પ્રમાણે, વકીલ 'સિનિયર' ડેઝિગ્નેશન માટે દિલ્હી હાઇકોર્ટની સામે વારંવાર અરજી દાખલ કરતા હતા. પોતે જાતે પેશ થતા વકીલે જણાવ્યું કે આ ત્રીજી વખત છે જ્યારે તેઓ કોર્ટનો દરવાજો ખટખટાવે છે.

તેમણે દલીલ આપી કે હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટના એ અગાઉ આપેલા નિર્દેશોનું પાલન કરવામાં વિફળ રહી છે, જેમાં ટાળવામાં આવેલી અરજી કે ફગાવાયેલી અરજી પર જલદી પુનર્વિચાર કરવા માટે કહેવાયું હતું.

અરજી પર નાખુશી વ્યક્ત કરતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, "આખી દુનિયા કદાચ 'સિનિયર' પદનામ માટે યોગ્ય હોય શકે છે, પરંતુ કમ સે કમ તમે તો બિલકુલ નહીં. જો હાઇકોર્ટ તમને 'સિનિયર'નો દરજ્જો આપે પણ, છતાં અમે તમારા પ્રૉફેશ્નલ આચરણને જોતાં તે ચુકાદાને રદ કરી દઈશું."

આ દરમિયાન જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ વકીલને પૂછ્યું, "શું તમારી પાસે કોઈ બીજો કેસ નથી, સર? સિવાય કે તમને 'સિનિયર' પદનામને પાકું કરવાના કેસ સિવાય? શું આ જ એ વ્યક્તિનું સ્તર છે, જે 'સિનિયર' પદનામની આશા રાખી રહી છે?"

જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, "પહેલા અવમાનનાનો મામલો દાખલ કરો, પછી આવેદન કરો."

લાઇવ લૉ પ્રમાણે, સીજેઆઈએ એક આદેશ જારી કરીને કહ્યું કે અરજીકર્તા કોઈ પણ 'સિનિયર' પદનામનો હકદાર નથી, કારણકે તે બેબુનિયાદ અરજીઓ કરી રહ્યા છે.

ત્યાર બાદ વકીલે માફી માગી અને અનુરોધ કર્યો કે આ આદેશને પરત લેવામાં આવે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જસ્ટિસ બાગચીએ કહ્યું કે 'સિનિયર' પદનામ એક એવી માન્યતા છે જે અદાલત આપે છે, ન કે તેને મેળવવા માટે કોઈ તેની પાછળ ભાગે છે.

સીજેઆઈએ કહ્યું કે તેઓ એક એવા યોગ્ય મામલાની રાહ જોઈ રહ્યા છે જેની મારફતે દિલ્હીના ઘણા વકિલોની એલએલબી ડિગ્રીઓની સીબીઆઈ તપાસનો આદેશ આપી શકે. આ વકીલો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પોસ્ટ કર્યા કરે છે.

તેમણે કહ્યું, "મને તેમની લૉ ડિગ્રીઓની પ્રમાણિકતા પર ગંભીર સંદેહ છે. તેઓ ફેસબુક, યૂટ્યૂબ વગેરે પર જે બાબતો પોસ્ટ કરી રહ્યા છે, શું લાગે છે કે એમને લાગે છે કે અમે તેને જોઈ નથી રહ્યા?

વકીલની વારંવારની માફી માગ્યા બાદ બેન્ચે પોતાનો આદેશ પરત લીધો.

સીજેઆઈએ કહ્યું કે સમાજમાં પહેલાથી જ ઘણા પેરેસાઇટ્સ છે જે ન્યાયપાલિકા પર હુમલો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે વકીલોએ તેમની સાથે હાથ ન મિલાવવો જોઈએ.

લાઇલ લૉ પ્રમાણે, મુખ્ય ન્યાયાધિશે કહ્યું, "સમાજમાં પહેલાંથી જ એવા પૅરેસાઇટ્સ છે જે વ્યવસ્થા પર હુમલો કરે છે. તમે તેની સાથે હાથ મિલાવવા માગો છો? કેટલાક યુવાનો કૉકરોચ જેવા છે, જેમની પાસે કોઈ રોજગાર નથી અને પ્રૉફેશનમાં પણ તેમને માટે કોઈ જગ્યા નથી હોતી."

"તે પૈકી કેટલાક મીડિયામાં જતા રહે છે, કેટલાક સોશિયલ મીડિયા પર, કેટલાક આરટીઆઈ કાર્યકર્તા બની જાય છે. કેટલાક અન્ય પ્રકારના કાર્યકર્તા બની જાય છે અને તેઓ કોઈ પ્રકારે કોઈના પર હુમલો કરવાનું શરૂ કરી દે છે. તમે લોકો અવમાનના અરજી દાખલ કરો છો."

લાઇવ લૉ પ્રમાણે વકીલે કહ્યું કે તેઓ તેમના પ્રૉફેશનને લઈને ગંભીર છે અને તેમના પાંચ મામલા સુપ્રીમ કોર્ટમાં જ લિસ્ટેડ છે.

જસ્ટિસ બાગજીએ તેમને કહ્યું, "તમે તમારા મામલા પર ધ્યાન આપો, સિનિયર ઍડ્વોકેટનો દરજ્જો એવી ચીજ નથી કે જે આપવામાં આવતી હોય, તેના પાછળ નથી પડવું પડતું. આ યોગ્ય છે કે તમે સિનિયર ડેઝિગ્નેશનનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે દુનિયાના અંત સુધી તેની પાછળ પડ્યા રહો?"

બેન્ચે આખરે આ અરજીને પરત લઈ લીધી હોવાનું માનીને ફગાવી દીધી. વકીલે ગત સાલ એક રિટ દાખલ કરી હતી, જેમાં તેમણે દિલ્હી હાઇકોર્ટે તેમને સિનિયર ડેઝિગ્નેશન માટે વિચાર ન કરવાના ચુકાદાને પડકાર્યો હતો. બાદમાં તેમણે એક અવમાનના અરજી દાખલ કરી. જેમાં આરોપ લગાવ્યો કે હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટના પહેલાના એક નિર્દેશનું પાલન નથી કર્યું. ગત વર્ષે ડિસેમ્બરમાં, સુપ્રીમ કોર્ટે તેમની અવમાનના અરજી ફગાવી દીધી હતી.

હાઇકોર્ટ તરફથી વરિષ્ઠ અધિવક્તા રાજશેખર રાવે પીઠને સૂચિત કરી કે સિનિયર પદનામ પ્રક્રિયા માટે હાલ ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે.

ટ્રમ્પનો ચીન પ્રવાસ સમાપ્ત, કોઈ મોટી ટ્રેડ ડીલનું ઍલાન નહીં

 ટ્રમ્પનો ચીન પ્રવાસ સમાપ્ત, કોઈ મોટી ટ્રેડ ડીલનું ઍલાન નહીં – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પોતાની વાતચીતને 'અત્યંત સફળ, દુનિયાભરમાં ચર્ચા યોગ્ય અને યાદગાર' ગણાવી છે.

બેઇજિંગમાં બે દિવસ ચાલેલી બેઠકો બાત ટ્રમ્પ હવે વૉશિંગ્ટન જવા રવાના થઈ ગયા છે.

ચીની સરકારી મીડિયા અનુસાર શી જિનપિંગે આ યાત્રાને 'ઐતિહાસિક અને મીલનો પથ્થર' ગણાવી.

જોકે, બંને દેશો વચ્ચે કોઈ મોટી વેપાર સમજૂતી કે નવી ડીલનું ઍલાન નહોતું કરવામાં આવ્યું.

ટ્રમ્પનું વિમાન ઍરફોર્સ વન બેઇજિંગથી ઉડાન ભરી ચૂક્યું છે. મનાયછે કે તેઓ રસ્તામાં મીડિયા સાથે વાતચીત કરી શકે છે. આ વાતચીતમાં વધુ માહિતી બહાર આવી શકે છે.

બંને નેતાઓ વચ્ચે વ્યાપાર, ઑઇલ આપૂર્તિ, ઈરાન અને તાઇવાન જેવા મુદ્દા પર ચર્ચા થઈ.

આ પહેલાં ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે શી જિનપિંગે ઈરાનને સૈન્ય ઉપકરણ નહીં આપવા પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા બતાવી છે.

જોકે, અત્યાર સુધી વાતચીતનાં ઠોસ પરિણામો કે કોઈ ઔપચારિક સમજૂતીને લઈને બંને પક્ષોએ સીમિત જાણકારી આપી છે.

દિલ્હીમાં ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું, 'અમેરિકનો પર વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી'

દિલ્હીમાં ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું, 'અમેરિકનો પર વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

નવી દિલ્હીમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું કે ઈરાન કોઈના પણ દબાણ અને દબાણપૂર્વકની કાર્યવાહીનો વિરોધ કરશે.

તેમણે કહ્યું, "અમારી પાસે અમેરિકનોનો ભરોસો કરવાનું કોઈ કારણ નથી."

અબ્બાસ અરાગચીએ કહ્યું, "ઈરાની લોકો માત્ર સન્માનની ભાષા સમજે છે. હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ પણ પ્રકારના અવરોધ માટે ઈરાન જવાબદાર નથી. ઈરાને ક્યારેય યુદ્ધ શરૂ નથી કર્યું અને માત્ર આત્મરક્ષા માટે આ પગલાં ભર્યાં છે."

તેમણે વધુમાં કહ્યું, "મારો દેશ અમેરિકા અને ઇઝરાયલી શાસનની વગર ઉશ્કેરણીએ કરવામાં આવેલી આક્રામક કાર્યવાહીનો શિકાર બન્યો છે. આ તે સમયે થયું છે જ્યારે અમારી અમેરિકનો સાથે વાતચીત થઈ રહી હતી. કૂટનીતિ વચ્ચે તેમણે અમારા પર હુમલો કરવાનો નિર્ણય લીધો."

તેમણે કહ્યું કે તેઓ એ દેશની પ્રશંસા કરે છે, જેમણે આ હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું, "અમે ભારત સરકાર અને ભારતની જનતાની પ્રશંસા કરીએ છીએ કે જેમણે ઈરાની લોકો પ્રત્યે એકજૂટતા અને સહાનુભૂતિ વ્યક્ત કરી. અમે ભારત સરકાર દ્વારા એકજૂટતાના પ્રતીકરૂપે આપવામાં આવેલી માનવીય સહાયતાની પણ પ્રશંસા કરીએ છીએ."

ભારત 14 તથા 15 મેના રોજ બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની બેઠકની યજમાની કરી રહ્યું છે. આ બેઠકની અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર કરી રહ્યા છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ઈરાનના વિદેશ મંત્રી દિલ્હી પહોંચ્યા છે.

વડા પ્રધાન મોદી યુએઈના પ્રવાસે, બંને દેશો વચ્ચે થઈ આ ડીલ

વડા પ્રધાન મોદી યુએઈના પ્રવાસે, બંને દેશો વચ્ચે થઈ આ ડીલ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, x.com/narendramodi

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈના પ્રવાસે પહોંચ્યા હતા. તેમના પ્રવાસ દરમિયાન તેમણે યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જૈદ અલ નહયાન સાથે મુલાકાત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઍક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે ભારત અને યુએઈ વચ્ચે દોસ્તી ઘણી મજબૂત છે. તેમણે લખ્યું, "અમારા દેશ, અમારા ગ્રહ માટે એક બહેતર ભવિષ્ય બનાવવાના લક્ષ્ય સાથે મળીને કામ કરતા રહીશું."

પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ સમજૂતીઓ પણ થઈ.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ વિશે ઍક્સ પર જાણકારી આપી હતી.

ભારત અને યુએઈ વચ્ચે રણનીતિક સંરક્ષણ ભાગેદારી માટે એક ફ્રેમવર્ક મામલે સમજૂતી થઈ છે.

સાથે જ રણનીતિક પેટ્રોલિયમ ભંડાર, લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી)ની આપૂર્તિ પર સમજૂતી, વાડિનારમાં જહાજ રિપેર કરવા ક્લસ્ટર બનાવવા સમજૂતી અને ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરબીએલ બૅન્ક તથા સન્માન કૅપિટલમાં 5 અબજ અમેરિકન ડૉલરના રોકાણની ઘોષણા થઈ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15થી 20મી મે સુધી વિદેશ યાત્રા પર છે. આ દરમિયાન તેઓ યુએઈ ઉપરાંત નેધરલૅન્ડ્સ, સ્વીડન, નૉર્વે અને ઇટાલીનો પ્રવાસ કરશે.

ફરી નીટ પરીક્ષા માટે ફીસ નહીં આપવી પડે, રદ પરીક્ષાની ફીસ પરત કરાશે: ધર્મેન્દ્ર પ્રધાન

નીટ યુજી 2026

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે પરીક્ષાર્થીઓને પરીક્ષાનું શહેર ફરી પસંદ કરવાનો મોકો મળશે.

એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરતા તેમણે કહ્યું કે આ સમસ્યાનાં મૂળમાં ઓએમઆર પ્રણાલી રહેલી છે અને તેને કારણે આવતા વર્ષથી પરીક્ષા કૉમ્પ્યૂટર આધારિક ટેસ્ટ એટલે સીબીટી મોડમાં આયોજિત કરાશે.

નીટની 21 જૂને ફરી પરિક્ષા લેવાશે.

શિક્ષણ મંત્રીએ મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી-

નીટ યુજી 2026ની ફરી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પાસેથી કોઈ ફીસ નહીં લેવાય.

પરીક્ષા રદ કરી તે દિવસે જ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ ફીસ પરત કરવાની જાહેરાત કરી હતી.

પ્રારંભિક રીતે એનટીએએ વિદ્યાર્થીઓને એક અઠવાડિયાનો સમય આપવાનો નિર્ણય કર્યો હતો જેથી તેઓ પોતાની પસંદનું શહેર ફરી લઈ શકે.

વિદ્યાર્થીઓની સુવિધા અને સમયની પાબંધીને ધ્યાનમાં રાખીને પરીક્ષાનો સમય 15 મિનિટ માટે વધારી દેવાયો છે. હવે પરીક્ષા બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી થવાને બદલે પાંચ વાગીને 15 મિનિટ સુધી ચાલશે.

પરીક્ષાના ઍડમિટ કાર્ડ 14 જૂન સુધી બધા પીરક્ષાર્થીઓને આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ માટે પરિવહન વ્યવસ્થા મામલે રાજ્યો સાથે વાત કરશે.

21 જૂનના હવામાનમાં ફેરફારની સંભાવનાને જોતાં એનટીએ વૈકલ્પિક વ્યવસ્થા પર પણ વિચાર કરી રહી છે.

આ પ્રેસ કૉન્ફરન્સમાં ધર્મેન્દ્ર પ્રધાને નીટ પેપર લીક થવાની જવાબદારી લેતા કહ્યું હતું કે, "પરીક્ષા ત્રીજી મેના હતી અને સાતમી મેના એનટીએને ફરિયાદ મળી હતી કે 'ગેસ પેપર'ના કેટલાક સવાલ આ વખતના પેપર સાથે મેળ ખાઈ રહ્યા હતા."

તેમણે કહ્યું કે, "12 મે સુધી પુષ્ટિ થઈ ગઈ હતી કે ગેસ પેપસના નામ પર અસલી પરીક્ષાના સવાલ લીક થયા હતા."

NEET UGની પરીક્ષા ફરી વાર લેવાશે, નવી તારીખો જાહેર

નીટ 2026

ઇમેજ સ્રોત, Getty Images

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા દેશભરમાં 3 મેના રોજ લેવાયેલી નીટ યુજીની પરીક્ષામાં 'પેપરલીક'ની ચર્ચા પછી તેને રદ કરી દેવામાં આવી હતી.

હવે આ પરીક્ષા ફરી વાર લેવામાં આવશે અને તેની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

નીટ યુજીની પરીક્ષા ફરીથી 21 જૂન, 2026ના રોજ યોજાશે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પરની એક પોસ્ટમાં એનટીએએ જણાવ્યું હતું કે ઉમેદવારો અને માતાપિતાએ ફક્ત એજન્સીની સત્તાવાર ચેનલો દ્વારા પ્રકાશિત માહિતી પર જ આધાર રાખવો.

એજન્સીએ કોઈપણ અફવાઓ અથવા બિનસત્તાવાર માહિતીથી દૂર રહેવાની સલાહ આપી છે.

એનટીએએ વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર અને ઇમેઇલ પણ બહાર પાડ્યા છે.

ઉમેદવારો neet-ug@nta.ac.in પર સંપર્ક કરી શકે છે. વધુ માહિતી માટે તેઓ 011-40759000 અને 011-69227700 પર પણ સંપર્ક કરી શકે છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારો, ગુજરાતમાં પેટ્રોલનો ભાવ કેટલો થયો?

પેટ્રોલ, ડીઝલ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઑઇલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ત્રણ રૂપિયા પ્રતિ લિટરના વધારાની જાહેરાત કરી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ હવે 94.77 રૂપિયાને બદલે 97.77 રૂપિયા પ્રતિ લિટર મળશે. ડીઝલની કિંમત 87.67 રૂપિયાથી વધીને 90.67 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. નવા દરો આજથી એટલે કે શુક્રવારથી જ લાગુ થઈ જશે.

ગુજરાતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ 97.95 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ભાવવધારાથી ડીઝલનો સરેરાશ ભાવ પણ 93.73 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

આ ભાવવધારા બાદ અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

કોલકાતામાં પેટ્રોલ 3.29 રૂપિયા વધીને 108.74 રૂપિયા થઈ ગયું છે જ્યારે ડીઝલના ભાવ 95.13 પ્રતિ લિટર થઈ ગયા છે.

મુંબઈમાં પેટ્રોલ 106.68 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે જ્યારે ડીઝલ 93.14 રૂપિયા થઈ ગયું છે.

ચેન્નાઈમાં પણ પેટ્રોલના ભાવ 100ને પાર થઈ ગયા છે. પેટ્રોલનો નવો ભાવ ત્યાં 103.67 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ 95.25 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે.

કેન્દ્ર સરકારે સતત કહ્યું છે કે ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ કટોકટીને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠામાં વિક્ષેપ પડ્યો હોવા છતાં, દેશમાં કોઈ ઈંધણની અછત નથી. અત્યાર સુધી, ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો થયો નહોતો.

વડા પ્રધાન મોદી આજથી પાંચ દેશોના પ્રવાસે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી યુએઈ, નેધરલૅન્ડ્ઝ, સ્વીડન, નૉર્વે અને ઇટાલીના પ્રવાસે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી યુએઈ, નેધરલૅન્ડ્ઝ, સ્વીડન, નૉર્વે અને ઇટાલીના પ્રવાસે છે.

તેમનો આ પ્રવાસ 15મેથી 20મે સુધી છ દિવસનો છે.

વિદેશ મંત્રાલયના સચિવ સિબિ જ્યૉર્જે આ અંગે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે આ ઊર્જા સંરક્ષણ તથા ભારતના ઍડવાન્સ ટેકનૉલૉજીના ક્ષેત્રમાં વિકાસને આગળ ધપાવવા માટે આ યાત્રાનું આયોજન થયું છે.

સૌપ્રથમ વડા પ્રઘાન મોદી યુએઈની ટૂંકી મુલાકાતે જશે જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને મળશે.

સિબિ જ્યૉર્જે જણાવ્યું એ અનુસાર, "નેતાઓ દ્વિપક્ષીય સંબંધો, ઊર્જા સહયોગ અને ક્ષેત્રીય સહયોગ અંગે ચર્ચા કરશે. જેમાં ભારતની ઊર્જા આયાતોને સલામત કરવા પર ભાર રહેશે કારણ કે હોર્મુઝ સામુદ્રધુનીના બંધ થવાથી વૈશ્વિક ઊર્જા બજારોને મોટી અસર પડી છે."

ત્યારબાદ તેઓ સ્વીડન અને નૉર્વેની મુલાકાત લેશે. 18મેના રોજ તેઓ ઇન્ડિયા-નૉર્ડિક સમિટમાં ભાગ લેશે. યાત્રાના અંતભાગમાં તેઓ ઇટાલીની મુલાકાત લેશે.

સરકારે સોનાની ડ્યુટી ફ્રી આયાત પર 100 કિલોની લિમિટ નક્કી કરી

સોનું

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન મોદીએ લોકોને સોનું ન ખરીદવાની કરેલી અપીલ પછી હવે સરકારે ડ્યુટી ફ્રી ગોલ્ડની આયાત પર 100 કિલોગ્રામની લિમિટ નક્કી કરી દીધી છે.

આ નિર્ણય ઍડવાન્સ ઑથોરાઇઝેશન સ્કીમ હેઠળ લેવામાં આવ્યો છે જેના થકી ઘરેણાંના નિકાસકારો કાચો માલ કોઈપણ પ્રકારની ડ્યૂટી વગર આયાત કરી શકતા હતા.

ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફૉરેન ટ્રેડે જાહેર કરેલી એક નોટિસમાં જણાવ્યું હતું કે હવે આવી આયાતોની સીમા 100 કિલોગ્રામની કરી દેવામાં આવી છે.

પહેલી વખત આ સ્કીમ હેઠળ કામ શરૂ કરતાં એકમોનું ડીજીએફટીએ સ્થળ પર જઈને ઇન્સ્પેક્શન પણ ફરજિયાત કર્યું છે, જેથી કરીને ઑપરેશનલ સ્ટેટસ અને ક્ષમતાનો ખ્યાલ મેળવી શકાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન