ભારતની હૉસ્પિટલોમાં સુવિધા વધી, પણ ઊંચા ખર્ચને લીધે લાખો લોકો ગંભીર બીમારીઓની સારવારથી વંચિત

ભારતમાં ખાનગી આરોગ્ય ક્ષેત્રે તાજેતરનાં વર્ષોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે
ઇમેજ કૅપ્શન, ભારતમાં ખાનગી આરોગ્ય ક્ષેત્રે તાજેતરનાં વર્ષોમાં અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે
    • લેેખક, નિખિલ ઇનામદાર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

હમણાં જ હું પશ્ચિમ ભારતમાં આવેલા મિરજની મુલાકાતે ગયો હતો. હું ત્યાં ઉછર્યો છું. પાંચ કિલોમીટર લાંબા રસ્તાના પટ પર મને 50થી વધુ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલો, નિદાન કેન્દ્રો અને આરોગ્ય ક્લિનિક્સ જોવા મળ્યાં.

આમાંની ઘણી સંસ્થાઓ છેલ્લાં પાંચ વર્ષમાં જ ઊભી થઈ છે. જોકે, મહારાષ્ટ્રનું આ નગર લાંબા સમયથી આસપાસના વિસ્તાર માટે તબીબી સારવારનું કેન્દ્ર રહ્યું છે.

આ રીતે ઝડપથી વધી રહેલી નવી આરોગ્યસેવા ભારતમાં તાજેતરના વર્ષોમાં ખાનગી આરોગ્ય ક્ષેત્રે થયેલી અભૂતપૂર્વ વૃદ્ધિની કહાણી કહે છે.

હૉસ્પિટલો લગભગ દરેક ત્રિમાસિક ગાળામાં ઝડપથી વિસ્તરી રહી છે અને હજારો નવા બેડ ઉમેરી રહી છે. નિદાન કેન્દ્રોની ચેઇન નાનાં શહેરો સુધી પહોંચી રહી છે. બીજી તરફ, મેડિકલ સંસ્થાઓ દેશભરમાં પોતાનું નેટવર્ક વિસ્તારવા માટે શૅરબજારમાંથી કરોડો ડૉલર ઊભા કરી રહી છે.

ઑગસ્ટની શરૂઆતમાં ભારતની સૌથી મોટી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ ચેઇન મણિપાલ હેલ્થે લગભગ એક અબજ ડૉલર ઊભા કર્યા. આ આઇપીઓ આ વર્ષે ભારતનો બીજો સૌથી મોટો બન્યો.

આ ક્ષેત્ર વૈશ્વિક પ્રાઇવેટ ઇક્વિટી (પીઈ) રોકાણકારો માટે પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 2022થી 2024 દરમિયાન ભારતીય આરોગ્ય અને ફાર્મા કંપનીઓમાં લગભગ 600 વિલીનીકરણ, હસ્તાંતરણ અને પ્રાઇવેટ ઇક્વિટીના સોદા થયા હતા. આ સોદાનું કુલ મૂલ્ય 30 અબજ ડૉલરથી વધુ હતું.

ગ્રાન્ટ થૉર્નટનના આંકડા અનુસાર, આમાંથી 40 ટકા રોકાણ હૉસ્પિટલ ક્ષેત્રમાં થયું હતું.

બીબીસીએ કન્સલ્ટન્સી પાસેથી મેળવેલા વધુ તાજેતરના આંકડા મુજબ, છેલ્લાં બે વર્ષમાં આ ક્ષેત્રે વધુ 20 અબજ ડૉલરથી વધારેનું ભંડોળ ઊભું કર્યું છે.

રોકાણના આ મોજાને કારણે દેશના આરોગ્ય માળખામાં મોટા પાયે સુધારો થયો છે અને આરોગ્યસેવા લોકો સુધી વધુ સરળતાથી પહોંચી છે. તેમ છતાં, આ તેજીનું બીજું એક પાસું પણ છે. લાખો ભારતીયો સારવારના વધતાં ખર્ચને કારણે ખાનગી આરોગ્ય સુવિધાથી દૂર થઈ ગયા છે.

દેશની ખાનગી હૉસ્પિટલોની સારવાર મોંઘી બની

કોલકાતાની સરકારી હૉસ્પિટલની અંદર દર્દીઓના સંબંધીઓ રાહ જોઈ રહ્યા છે
ઇમેજ કૅપ્શન, કોલકાતાની સરકારી હૉસ્પિટલની અંદર દર્દીઓના સંબંધીઓ રાહ જોઈ રહ્યા છે
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તાજેતરમાં સરકારની એક સમિતિએ બહાર પાડેલા નવા અહેવાલમાં પણ આ વાત જાણવા મળી છે.

અહેવાલમાં ભારતમાં ઝડપથી વધી રહેલી આરોગ્યસેવા વ્યવસ્થા કેટલી અસમાન છે, તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સાથે જ દેશની ખાનગી હૉસ્પિટલોની સારવાર હવે લોકો માટે વધુ ને વધુ મોંઘી બની રહી હોવાની ગંભીર ચિંતા કરાઈ છે.

અહેવાલમાં જણાવાયું છે કે સરકારી આરોગ્ય સુવિધાઓની સરખામણીએ ખાનગી હૉસ્પિટલોમાં સારવારનો ખર્ચ ઘણી વાર પાંચથી દસ ગણો વધારે હોય છે. કૅન્સર, હૃદયરોગ અને કિડની ફેઇલ થવા જેવી ગંભીર બીમારીના કિસ્સામાં આ તફાવત હજી વધી જાય છે.

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ક્લિનિક, નર્સિંગ હોમ અને નિદાન કેન્દ્રોની બેફામ વૃદ્ધિ થઈ છે અને નિયમોનો અમલ પણ દરેક જગ્યાએ સરખી રીતે થતો નથી. તેના કારણે ખાનગી ક્ષેત્રમાં સારવારની ગુણવત્તા અને ખર્ચમાં ભારે તફાવત જોવા મળે છે. તેના કારણે દર્દીઓ મનસ્વી રીતે નક્કી કરાયેલા ભાવ અને હલકી ગુણવત્તાની સારવાર જેવી બાબતોનો ભોગ બની રહ્યા છે.

અહેવાલમાં ખાનગી આરોગ્યસેવાના "વ્યાપક વ્યાપારીકરણ"ને કારણે દર્દીઓની ફરિયાદો વધી રહી હોવાનું પણ જણાવાયું છે. તેમાં વધુ પડતું બિલ વસૂલવું, જરૂર ન હોય એવી તપાસ કરાવવી અને પ્રસૂતિ જેવી સામાન્ય પ્રક્રિયાઓનો વધતો ખર્ચ સામેલ છે.

અહેવાલ મુજબ, આ બધાને કારણે આર્થિક રીતે નબળા પરિવારો ભારે દેવાં અને મુશ્કેલીમાં ધકેલાઈ રહ્યા છે. કેટલાક પરિવારોને તો દેવું ચૂકવવા પોતાની મિલકતો પણ વેચવી પડી રહી છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતના સૌથી ધનિક રાજ્ય મહારાષ્ટ્રના ફૂડ અને ડ્રગ્સ નિયામકને પણ હૉસ્પિટલોમાં ઇન્ટ્રાવેનસ એટલે કે નસ વાટે દવા કે પ્રવાહી આપવા માટે વપરાતા આઇવી સેટ પર 2,800 ટકાનો અધધ કહી શકાય એવો નફો વસૂલાતો હોવાનું જાણવા મળ્યું હતું. આથી મેડિકલ ડિવાઇસના ભાવ અંગે પણ સવાલો ઊભા થયા છે. નિયામકે કહ્યું હતું કે આ ભાવ પર લગભગ કોઈ દેખરેખ જ નથી.

સરકારી સમિતિએ શું ભલામણો કરી?

ભારતમાં હૉસ્પિટલની રૂમના ભાડા પર મર્યાદા લાદવા અંગે વિચારણા ચાલી રહી છે
ઇમેજ કૅપ્શન, ભારતમાં હૉસ્પિટલની રૂમના ભાડા પર મર્યાદા લાદવા અંગે વિચારણા ચાલી રહી છે

આ પડકારોનો સામનો કરવા માટે સરકારી સમિતિએ અનેક ભલામણો કરી છે. તેમાંની કેટલીક ભલામણો ખાસ ચર્ચાસ્પદ છે.

જેમ કે, હૉસ્પિટલના રૂમના ભાડા પર નજીકની ત્રણ-સ્ટાર હોટલના રૂમ જેટલી મહત્તમ મર્યાદા નક્કી કરવી. તમામ ખાનગી હૉસ્પિટલોમાં જરૂરી સારવાર, નિદાન અને સામાન્ય તબીબી પ્રક્રિયાઓના ભાવ નિયંત્રિત કરવા. જરૂર કરતાં વધુ સારવાર અટકાવવા માટે સારવારના પ્રમાણભૂત માર્ગદર્શક નિયમો નક્કી કરવા.

સમિતિએ હૉસ્પિટલ ચેઇનમાં 51 ટકાથી વધુ વિદેશી માલિકી સામે પણ ચિંતા કરી છે.

ભારતની ખાનગી હૉસ્પિટલોએ આમાંની કેટલીક ભલામણોનો વિરોધ કર્યો છે.

ભારતના ખાનગી આરોગ્ય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા 'નાથહેલ્થ' (NATHEALTH)ના જનરલ સેક્રેટરી સિદ્ધાર્થ ભટ્ટાચાર્યે બીબીસીને આપેલા નિવેદનમાં કહ્યું કે સરકારે સારવારના દર પર મર્યાદા મૂકવાને બદલે આરોગ્યસેવા પૂરી પાડવાનો ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપવું જોઈએ. તેમાં કરવેરા, જમીન, મૂડી, કર્મચારીઓ અને નિયમોનું પાલન કરવા પાછળ થતો ખર્ચ સામેલ છે.

તેમના જણાવ્યા મુજબ, આરોગ્યસેવા ક્ષેત્રે મોટા પ્રમાણમાં મૂડી અને રોકાણની જરૂર પડે છે. તેમાં વપરાયેલી મૂડી પરનું વળતર લગભગ 10 ટકા જેટલું છે. અર્થતંત્રનાં અન્ય ઘણાં ક્ષેત્રોની સરખામણીએ આ ઘણું ઓછું છે. આવાં ક્ષેત્રોમાં મૂડી પરનું વળતર ઘણી વાર 1.5થી 2.5 ગણું વધારે હોય છે.

તેમણે હૉસ્પિટલના દરોની સરખામણી હૉટલની રૂમના દરો સાથે કરવા સામે પણ ચેતવણી આપી.

તેમના મતે, આવી સરખામણીમાં હૉસ્પિટલો માટે જરૂરી એવાં અનેક નિયમો અને ધોરણોને ધ્યાનમાં લેવાતાં નથી. તેમાં ચેપ નિયંત્રણનાં ધોરણો અને દર્દીઓની સલામતીના નિયમોનો સમાવેશ થાય છે. આ બધાને કારણે હૉસ્પિટલોનો ખર્ચ વધે છે.

મેક્સ હેલ્થકેરથી લઈને ફોર્ટિસ સુધીની, દેશની સૌથી મોટી હૉસ્પિટલ ચેઇનો ધરાવતી કંપનીઓએ ચેતવણી આપી છે કે આવી મનસ્વી મર્યાદાઓ આ ક્ષેત્રમાં રોકાણને "અવરોધી" શકે છે. રોકાણકારોને તેમના રોકાણ પર જોખમમુક્ત વળતર ન મળી શકે, તો વિદેશી રોકાણકારો પણ દૂર થઈ શકે છે.

'ઘણી હૉસ્પિટલો અઢળક નફો કમાઈ રહી છે'

ભારતમાં આરોગ્ય સુવિધા

પરંતુ જાહેર આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે સારવારના ભાવ પર નિયંત્રિણ અંગે ચર્ચા કરવી જરૂરી છે, કારણ કે હાલમાં ભારતમાં ખાનગી આરોગ્યસેવામાં સારવારના ભાવ નક્કી કરવામાં હૉસ્પિટલોનું પલ્લું ભારે છે.

પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયાના ડૉ. શ્રીનાથ રેડ્ડીએ બીબીસીને કહ્યું, "ખાસ કરીને ગંભીર અને વિશેષ સારવાર આપતી હૉસ્પિટલોમાં વિદેશી પ્રાઇવેટ ઇક્વિટીનું મોટું રોકાણ આવી રહ્યું છે. આવી સ્થિતિમાં સારવારના ભાવ કેટલા રાખવા એ નક્કી કરનારા લોકો દેશની બહાર બેઠા હોય છે. આમ ન હોવું જોઈએ."

આમાંની ઘણી હૉસ્પિટલો અઢળક નફો કમાઈ રહી છે. તેથી સરકારની દરમિયાનગીરી વધુ જરૂરી બને છે, એમ આરોગ્ય નીતિના નિષ્ણાત વિવેક એનડીએ કહ્યું.

તેમણે કહ્યું, "આ હૉસ્પિટલો વિવિધ પ્રકારની તપાસ કરાવવા પર જે વધુ ને વધુ ભાર મૂકી રહી છે અને કદાચ જરૂરી ન હોય એવી તપાસ કરાવવાનો આગ્રહ રાખી રહી છે, તેના પર પણ ધ્યાન આપવું જોઈએ."

વિવેકના મતે, સમિતિએ કરેલી કેટલીક ભલામણો ખાનગી આરોગ્યસેવાનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે. તેમાં ચીજવસ્તુઓ અને સેવાઓ પરના કરવેરાની વ્યવસ્થાને વધુ યોગ્ય બનાવવાની ભલામણનો પણ સમાવેશ થાય છે.

જોકે, તેઓ કહે છે કે આ ભલામણોને ફરજિયાત બનાવતાં પહેલાં આરોગ્ય ક્ષેત્ર સાથે વ્યાપક ચર્ચા કરવાની જરૂર છે.

ડૉ. રેડ્ડી પણ આ વાત સાથે સંમત છે. તેમણે કહ્યું કે સરકાર મનસ્વી રીતે ભાવની મર્યાદા નક્કી કરે એ પહેલાં દેશમાં ખાનગી આરોગ્યસેવા પૂરી પાડવાનો ચોક્કસ ખર્ચ કેટલો થાય છે, તેનો યોગ્ય અંદાજ મેળવવો જરૂરી છે.

તેમણે કહ્યું, "રાજ્ય અને શહેર પ્રમાણે ખર્ચ અલગ-અલગ હોય છે. તેથી સમગ્ર દેશમાં એકસરખી મર્યાદા લાદી શકાય નહીં."

પરંતુ આ મુદ્દે ચર્ચા તેજ બની રહી છે ત્યારે નિષ્ણાતો કહે છે કે સમગ્ર ધ્યાન જાહેર આરોગ્યસેવાને મજબૂત બનાવવા પર હોવું જોઈએ. તેનાથી દર્દીઓનો ખર્ચ ઘટાડી શકાય. સમિતિએ પણ આ જ ભલામણ કરી છે.

હાલમાં ભારત સરકાર આરોગ્ય પાછળ દેશના કુલ ઘરેલુ ઉત્પાદન એટલે કે જીડીપીના માત્ર 1.4 ટકા જેટલો ખર્ચ કરે છે. લગભગ એક દાયકા પહેલાં નૅશનલ હેલ્થ પૉલિસીમાં નક્કી કરાયેલા 2.5 ટકાના લક્ષ્યાંક કરતાં આ ઘણું ઓછું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૂચવેલા 5 ટકાની સરખામણીમાં તો આ ખર્ચ ઘણો જ ઓછો છે.

સરકારી સમિતિના અહેવાલમાં પણ નોંધવામાં આવ્યું છે કે સરકારી આરોગ્ય સુવિધાઓમાં મધ્યમ અને ગંભીર બીમારીઓની સારવાર પાછળ પૂરતો ખર્ચ થતો નથી. તેના કારણે લોકોને મોંઘી ખાનગી આરોગ્ય સુવિધાઓનો આશરો લેવો પડે છે. પરિણામે તેમને પોતાના ખિસ્સામાંથી "ભારે અને ગજા બહારનો ખર્ચ" કરવો પડે છે.

વિવેકે કહ્યું કે સામાન્ય લોકોની ખાનગી હૉસ્પિટલો પરની નિર્ભરતા ઘટાડવા માટે સરકારે જાહેર આરોગ્યસેવામાં વધુ રોકાણ કરીને "પોતાની કામગીરીમાં સુધારો કરવો પડશે".

પરંતુ સાથે બીજી એક વાસ્તવિકતા પણ છે. દેશમાં આરોગ્યસેવાની ક્ષમતા વધારવા માટે આગામી સમયમાં અંદાજે 300 અબજ ડૉલરના વધારાના રોકાણની જરૂર છે.

આ મૂડીનો મોટો હિસ્સો સ્વાભાવિક રીતે દેશના અને વિદેશના ખાનગી રોકાણકારો પાસેથી આવશે. તેથી નીતિ ઘડનારાઓ સામે પડકાર એ છે કે રોકાણકારો દેશમાંથી દૂર ન થાય અને સાથે સામાન્ય લોકો જરૂરી આરોગ્યસેવાઓના વધતા ખર્ચને કારણે તેનાથી વંચિત પણ ન રહી જાય.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન