રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસના સાંસદોએ પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ બહાર ધરણાપ્રદર્શન

ઇમેજ સ્રોત, X/RahulGandhi
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે કૉક્રોચ જનતા પાર્ટી(સીજેપી)નું જંતર-મંતર પર વિરોધપ્રદર્શન ચાલુ છે.
આ દરમિયાન, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસના સાંસદોએ 7 લોક કલ્યાણ માર્ગ ખાતે વડા પ્રધાનના સરકારી નિવાસની બહાર વિરોધપ્રદર્શન શરૂ કર્યું છે.
સોમવારે સંસદ ચલો કૂચ દરમિયાન વિરોધીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેમાં ઘણા યુવાનો ઘાયલ થયા હતા.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને પીએમ આવાસની બહાર કૉંગ્રેસના સાંસદો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનની જાણકારી આપી.
તેમણે એક્સ પર લખ્યું, "અમે ગઈકાલે યુવા સ્ટુડન્ટ્સ પર થયેલી ક્રૂરતાને લઈને પીએમ મોદી પાસેથી જવાબ લેવા માટે તેમના ઘર સુધી માર્ચ કરી છે."
"સરકાર કોઈ જવાબદારી લેવા માંગતી નથી કે સંસદમાં આ અંગે ચર્ચા કરવા માંગતી નથી. ભારતના યુવાનોના ભવિષ્યને બરબાદ કરવા બદલ વડા પ્રધાન અને ગૃહ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ."
કૉક્રોચ પાર્ટીના અભિજિત દીપકેએ સમર્થકોની માફી કેમ માગી?

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના સંસ્થાપક અભિજિત દીપકેએ પોતાના સમર્થકોની માફી માગી છે. તેમણે કહ્યું કે "દિલ્હીમાં પોલીસની કાર્યવાહીથી પ્રદર્શનકારીઓને બચાવવા માટે તેઓ વધુ સારા પ્રયાસ કરી શકે તેમ હતા."
અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ લખીને જણાવ્યું કે, "હું મારા તમામ સમર્થકો, ખાસ કરીને એ છોકરીઓની માફી માગું છું જેમને પુરુષ પોલીસ અધિકારીઓએ નિર્દયતાથી માર માર્યો હતો. અમે આનાથી સારું કરી શકતા હતા. દિલ્હી પોલીસની અમાનવીય કાર્યવાહીથી તમને બચાવવા માટે વધુ સારું કરી શકતો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું છે કે "20થી વધુ વિદ્યાર્થીઓનાં મોત માટે જવાબદાર છે, તે ધર્મેન્દ્ર પ્રધાનને બચાવવા માટે સરકાર અનેક યુવાન વિદ્યાર્થીઓનું લોહી વહાવવા માટે તૈયાર હતી. જો તમે ઘાયલ હોવ અને આને જોતા હોવ તો મને ડીએમ કરો. હું તમારી સાથે વ્યક્તિગત રીતે વાત કરવા માગું છું અને માફી માગવા ઇચ્છું છું."
દીપકીએ કહ્યું કે તેમનો પક્ષ આગળ પણ સમર્થકો માટે લડાઈ ચાલુ રાખશે.
સોમવારે સીજેપી દ્વારા આયોજિત 'સંસદકૂચ' દરમિયાન અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. અભિજિત દીપકેએ તેમાંથી ઘણા ઘાયલો સાથે મુલાકાત પણ કરી છે.
હવામાન વિભાગની ચેતવણી, 26 જુલાઈ સુધી આ રાજ્યોમાં ભારે વરસાદ પડશે

ઇમેજ સ્રોત, ani
દેશના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની ઘટ છે ત્યારે હવે 26 જુલાઈ સુધી અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડશે તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે.
રાજધાની નવી દિલ્હીના ઘણા વિસ્તારોમાં મંગળવારની સવારથી વરસાદ ચાલુ છે. હવામાન વિભાગ મુજબ આગામી પાંચ દિવસ સુધી દિલ્હી-એનસીઆર, મધ્ય અને પૂર્વ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદ, વીજળી પડવી અને તેજ હવાઓ ચાલુ રહી શકે છે.
જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 26 જુલાઈ સુધી વરસાદ પડશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં 23 જુલાઈ સુધી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 24 જુલાઈ સુધી સારો વરસાદ પડવાની શક્યતા છે.
પૂર્વ રાજસ્થાનમાં 23થી 26 જુલાઈ દરમિયાન સારો વરસાદ પડશે. જમ્મુ અને કાશ્મીરમાં આગામી પાંચ દિવસ સુધી 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. રાજસ્થાનના અનેક ભાગોમાં પણ પવનની ઝડપ 30થી 50 કિમી પ્રતિ કલાક રહેશે.
છત્તીસગઢ, પૂર્વ અને પશ્ચિમ મધ્ય પ્રદેશ તથા વિદર્ભમાં 26 જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. છત્તીસગઢમાં આખા અઠવાડિયા દરમિયાન ભારે વરસાદ પડી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે આ પડોશી દેશના સામાન પર 50 ટકા ટેરિફ લગાવ્યો

ઇમેજ સ્રોત, Andrew Harnik/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડાથી આયાત થતા અનેક પ્રકારના માલ પર 50 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પે જણાવ્યું કે આ પગલું અમેરિકન કાર, ડેરી ઉત્પાદનો અને શરાબ સાથે કરવામાં આવતા 'અસમાન વ્યવહાર'ના કારણે લેવામાં આવ્યું છે.
અમેરિકન વહીવટીતંત્ર મુજબ 30 દિવસની અંદર નવા ટેરિફ લાગુ થશે. આ પગલાંના કારણે બંને દેશો વચ્ચે વ્યાપાર તણાવ વધુ વધશે તેવી આશંકા છે.
નવા ટેરિફના દાયરામાં રોજબરોજના વપરાશની ઘણી ચીજો સામેલ છે. તેમાં વાઇન, હૉકી સ્ટીક અને સિમેન્ટ જેવા ઉત્પાદનો સામેલ છે. જોકે, ઍનર્જી, પોટાશ, મહત્ત્વનાં ખનીજો અને માછલી જેવી કૅનેડાથી આયાત કરવામાં આવતી ઘણી ચીજોને ટેરિફમાંથી બાકાત રાખવામાં આવી છે.
બીજી તરફ કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ અમેરિકાના નિર્ણયને 'એક તરફી વ્યાપાર કાર્યવાહી' ગણાવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















