ચેટજીપીટીથી પરીક્ષાના પ્રશ્નપત્રનો જવાબ મેળવવાનો પ્રયાસ કરનારા આઈઆઈટી બૉમ્બેના વિદ્યાર્થીના મૃત્યુનો વિવાદ શું છે?

આઈઆઈટી બૉમ્બેના કૅમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ

ઇમેજ સ્રોત, ANI Video Grab

ઇમેજ કૅપ્શન, આઈઆઈટી બૉમ્બેના કૅમ્પસમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

આઈઆઈટી બૉમ્બેના એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગના બીજા વર્ષના એક વિદ્યાર્થીનો મૃતદેહ 18 સપ્ટેમ્બરની સાંજે તેના રૂમમાં મળ્યો હતો.

આ ઘટના બાદ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ શિક્ષણ પ્રક્રિયામાં પારદર્શિતા અને સુરક્ષાના મુદ્દાને ઉઠાવતા આઈઆઈટી બૉમ્બેના કૅમ્પસમાં વિરોધ પ્રદર્શન કર્યું.

પવઈ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ દરમિયાન, આઈઆઈટી બૉમ્બેએ આ મામલે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું. તેમાં એવું પણ કહેવામાં આવ્યું કે સંબંધિત અધિકારીઓ મૃત્યુનાં કારણોની તપાસ કરી રહ્યા છે.

સંસ્થાએ એક નિવેદનમાં કહ્યું કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી ચેટજીપીટીનો ઉપયોગ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સંસ્થાએ જણાવ્યું કે આ ઘટના પછી વિદ્યાર્થીએ આ પગલું ભર્યું.

(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવમાં હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન 18002333330 પર સહાય મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ શું કહે છે?

આઈઆઈટી બૉમ્બેના કૅમ્પસમાં વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે આ વર્ષે આ પ્રકારની ચોથી ઘટના બની છે

ઇમેજ સ્રોત, ANI Video Grab

ઇમેજ કૅપ્શન, આઈઆઈટી બૉમ્બેના કૅમ્પસમાં વિરોધ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે આ વર્ષે આ પ્રકારની ચોથી ઘટના બની છે

આ ઘટના પછી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમણે પોતાની માગણીઓને વિશે વિરોધ પ્રદર્શન કર્યું.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં, વિરોધ પ્રદર્શન કરી રહેલાં વિદ્યાર્થીઓમાંથી એકે વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા.

તેમણે કહ્યું, "હું આઈઆઈટી બૉમ્બેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરું છું. આજે અમે વિરોધપ્રદર્શન કરી રહ્યાં છીએ કારણ કે અમારી કૉલેજમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. અમે આ મામલે વહીવટીતંત્ર પાસેથી જવાબદારી અને પારદર્શિતાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છીએ."

તેમણે વધુમાં જણાવ્યું, "આ પ્રકારની આ પહેલી ઘટના નથી. આ વર્ષે આવી ચાર ઘટનાઓ થઈ ચૂકી છે, જેમાંથી બે તો છેલ્લા બે મહિનામાં થઈ છે. આવું શા માટે થઈ રહ્યું છે અથવા તેનાં કારણો શું છે તે વિશે અમને સંપૂર્ણપણે અજાણ રાખવામાં આવ્યા છે."

આ વિદ્યાર્થીઓએ માગ કરતાં કહ્યું, "અમારી એકમાત્ર માંગ એ છે કે ડીન, નિર્દેશક અને વહીવટીતંત્ર એક અહેવાલ રજૂ કરે. તેમાં તેમણે મામલાની તપાસ કરવી જોઈએ, જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરવી જોઈએ અને તેમના કાર્યકાળ દરમિયાન આવી ઘટનાઓ ફરી નહીં બને તેની ખાતરી આપવી જોઈએ."

આ વિવાદનો અસલી મુદ્દો શું છે?

વિદ્યાર્થીઓ શિક્ષણવ્યવસ્થામાં પારદર્શિતા અને સુરક્ષાની માગણી કરી રહ્યા છે

ઇમેજ સ્રોત, ANI Video Grab

ઇમેજ કૅપ્શન, વિદ્યાર્થીઓ શિક્ષણવ્યવસ્થામાં પારદર્શિતા અને સુરક્ષાની માગણી કરી રહ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, "પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પરીક્ષાકેન્દ્રમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં ઝડપાયો હતો. તે ચેટ જીપીટી પર પરીક્ષાનાં પ્રશ્નપત્રો અપલોડ કરીને તેમના જવાબ મેળવવાનો પણ પ્રયાસ કરી રહ્યો હતો."

"આ ઘટના સામે આવ્યા પછી, શિક્ષક અને હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ (એચઓડી)એ તેની સાથે વાતચીત કરી અને તેને સમજાવ્યો. તેમણે તેને ખાતરી આપી કે આ ઘટનાની તેની શૈક્ષણિક કારકિર્દી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે. આ મામલે વિદ્યાર્થી સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી નહોતી."

"ત્યારબાદ વિદ્યાર્થી હોસ્ટેલમાં પોતાના રૂમમાં પરત ફર્યો. જોકે, મોડી સાંજે તે રૂમમાં મૃત હાલતમાં મળ્યો," આઈઆઈટી બૉમ્બેએ એક નિવેદનમાં જણાવ્યું.

સંસ્થાએ એવું પણ કહ્યું કે આ ઘટનાથી પ્રભાવિત વિદ્યાર્થીના મિત્રો, સહપાઠીઓ, પ્રોફેસરો અને અન્ય લોકોને જરૂરી સહાય અને સમર્થન આપવામાં આવી રહ્યું છે.

વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. હાલમાં, પોલીસે આ મામલે એડીઆર (અકસ્માતે મૃત્યુની ફરિયાદ) નોંધાવી છે અને સંબંધિત અધિકારીઓ આ મૃત્યુનાં કારણોની તપાસ કરી રહ્યા છે.

આ મામલે પોલીસ શું કહે છે?

આ મામલે પવઈ પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ ઘટના અંગે મીડિયા સાથે વાત કરતાં ડીસીપી દત્તાત્રેય નલવાડેએ કહ્યું, "આઈઆઈટી પવઈમાં એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી. આ ઘટના પછી કેટલાક આઈઆઈટી વિદ્યાર્થીઓ એકત્ર થયા અને પોતાની માંગણીઓને સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું."

તેમણે વધુમાં જણાવ્યું, "આઈઆઈટી વહીવટીતંત્રે તેમની સાથે ચર્ચા કરીને સૌહાર્દપૂર્ણ ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે પણ અહીં તમામ જરૂરી વ્યવસ્થાઓ કરી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી બીટેકના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. આ મામલે એડીઆર નોંધાઈ ગઈ છે અને પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે."

મહત્વપૂર્ણ સૂચના:

માનસિક બીમારીઓનો ઉપચાર દવાઓ અને થેરાપી દ્વારા શક્ય છે. તેના માટે તમારે મનોચિકિત્સકની મદદ લેવી જોઈએ. જો તમે અથવા તમારા કોઈ ઓળખીતાને આવી માનસિક બીમારીના લક્ષણોનો અનુભવ થઈ રહ્યો હોય, તો સહાય મેળવવા માટે તમે આ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો.

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય - 1800-599-0019 (13 ભાષાઓમાં ઉપલબ્ધ)

માનવ વર્તન અને સંલગ્ન વિજ્ઞાન સંસ્થાન - 9868396824, 9868396841, 011-22574820

રાષ્ટ્રીય માનસિક આરોગ્ય અને ન્યુરો વિજ્ઞાન સંસ્થાન - 080-26995000

વિદ્યાસાગર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ એલાઇડ સાયન્સેસ, 24x7 હેલ્પલાઇન - 011 2980 2980

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન