ચોખાના ભાવમાં કેમ આવ્યો ઉછાળો, ભારતમાં ચોખાના ભાવ વધવા પાછળનાં 4 મુખ્ય કારણો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મોહન
- પદ, બીબીસી તામિલ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
"ચોખાની 25 કિલોની જે ગુણ 1,400 રૂપિયામાં વેચાતી હતી, તેનો ભાવ હવે 1,700થી 1,800 રૂપિયા થઈ ગયો છે. ચોખાના વેપારીઓ કહે છે કે, આવનારાં અઠવાડિયાંમાં ભાવ હજુયે ઊંચા જશે."
આ અભિપ્રાય તિરુપુર જિલ્લામાં કરિયાણાની દુકાન ચલાવતાં મૈથિલીનો છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, ચોખાના હોલસેલ ભાવ જેમ-જેમ ઊંચકાતા જાય, તેમ-તેમ છૂટક ભાવો પણ વધારવાની જરૂરિયાત સર્જાય છે.
તેમણે કહ્યું હતું, "ચોખાની અમુક વેરાઇટીના 25 કિલોના ભાવ તો એક ગુણ દીઠ 2,000 સુધી પહોંચી ગયા છે. ચોખાની સ્થાનિક વેરાઇટીના ભાવ પણ ઊંચા ગયા છે."
તામિલનાડુમાં છેલ્લાં કેટલાંક સપ્તાહોથી ચોખાના ભાવ સતત વધી રહ્યા હોવાની કાગારોળ ઠેકઠેકાણેથી ઊઠી રહી છે.
નિષ્ણાતો કહે છે કે, આમ થવાનું કારણ એ છે કે, ચોખાનું ઉત્પાદન માગ પ્રમાણે નથી થઈ રહ્યું તેમજ કેરળ તથા કર્ણાટક જેવાં પાડોશી રાજ્યોમાંથી આવતો પુરવઠો ઘટી ગયો છે.
આ અંગે ટિપ્પણી કરતાં પીએમકેના નેતા અંબુમણિ રામાદોસે કહ્યું હતું કે, ચોખાના ભાવોમાં થઈ રહેલા વધારાને અંકુશમાં લેવા માટે ભારતમાંથી થતી ચોખાની નિકાસો પર પ્રતિબંધ ફરમાવવો જોઈએ.
વધુમાં તેમણે તેમની પોસ્ટમાં લખ્યું હતું, "આ ઉપરાંત, જથ્થાબંધ વેપારીઓ પાસે ચોખાના સ્ટૉક પરની ટોચ મર્યાદા નક્કી કરવી જોઈએ. આ પગલાં ભરીને કેન્દ્ર સરકારે બજારમાં ચોખાનો જથ્થો વધારવા અને તેના ભાવ ઘટાડવા માટેની કામગીરી કરવી જોઈએ. એ જ રીતે, રાજ્ય સરકારે પણ તેના પક્ષે ભાવ નિયંત્રણનાં પગલાં ભરવાં જોઈએ."
તેમણે આગળ કહ્યું હતું, "સરકારે તામિલનાડુની રાઇસ મિલો તથા જથ્થાબંધ વેપારીઓ પાસેથી 20 ટકા ચોખા સબસિડીના ભાવે ખરીદવા માટે આગળ આવવું જોઈએ અને વાજબી ભાવની દુકાનો તેમજ સહકારી વેચાણ કેન્દ્રો મારફત તેને ઓછા ભાવે વેચવા જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
કો-ઑર્ડિનેશન કમિટી ઑફ ઑલ ફાર્મર્સ ઍસોસિએશન્સ ઑફ તામિલનાડુના અધ્યક્ષ પી. આર. પાંડિયને કહ્યું હતું કે, અમુક પ્રકારના ચોખાની કિંમતોમાં હાલ 20થી 30 ટકા સુધીનો વધારો થયો છે.
તેમણે ઉમેર્યું હતું કે, દર વર્ષે સિઝન અનુસાર ભાવોમાં વધ-ઘટ થતી રહેતી હોય છે, તેમ છતાં કદી વર્તમાન સ્તર જેટલો ભાવ વધારો નોંધાયો નથી.
આ મામલે વધુ વાત કરતાં તેમણે કહ્યું હતું, "તેની ગણતરી ફક્ત ડાંગરના ઉત્પાદનના આધારે ન કરી શકાય. તામિલનાડુની ચોખાની આશરે 40 ટકા જેટલી જરૂરિયાત અન્ય રાજ્યોમાંથી પૂરી પાડવામાં આવે છે."
"વૈશ્વિક સ્તર પર ચોખાની માગ ઊંચકાઈ છે, પણ તેની સામે ઉત્પાદન એટલું વધ્યું નથી."
ચોખાના ભાવના વધારા માટે કયાં કારણો જવાબદાર છે?

ઇમેજ સ્રોત, Diptendu Dutta/NurPhoto via Getty Images
એમ.એસ. સ્વામીનાથન ફાઉન્ડેશન ખાતેના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ગોપીનાથ કહે છે કે, તામિલનાડુએ તેના ચોખાના વપરાશ માટે પાડોશી રાજ્યો પર મોટાપાયે મદાર રાખવો પડતો હોય છે.
સાથે જ તેઓ કહે છે કે, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ચોખાના ઉત્પાદનમાં થયેલા ફેરફારો તામિલનાડુમાં ચોખાની પ્રાપ્યતા પર વિપરીત અસર પહોંચાડી રહ્યા છે.
તેમણે ઉમેર્યું હતું, "આ પાછળનાં મુખ્ય કારણો ચોખાના ઉત્પાદનમાં થયેલો ઘટાડો અને બાસમતી સિવાયના ચોખાની નિકાસમાં થયેલો વધારો છે."
"વળી, તુંગભદ્રા ડૅમના કમાન્ડ એરિયામાં મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હોવાથી કર્ણાટક સરકારે ખેડૂતોને ડાંગરની ખેતી ન કરવાની ભલામણ કરી છે."
શું નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવાથી ઉકેલ આવી જશે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભૂતકાળમાં એવા કિસ્સા બન્યા છે કે, જ્યારે ભાવ ઊંચકાયા હોય, ત્યારે સરકારે નિકાસો પર પ્રતિબંધ મૂકી દીધો હોય. પણ પી.આર. પાંડિયન આ દૃષ્ટિકોણ સાથે સંમત નથી.
તેમનો અભિપ્રાય છે કે, સરકાર એકલી આ ભાવ વધારાને ડામી શકે નહીં અને નિકાસો પર પ્રતિબંધ ફરમાવવો પણ ઉચિત ગણાશે નહીં.
આ પાછળનું કારણ સમજાવતાં તેઓ કહે છે, "છેલ્લા એક વર્ષમાં ડાંગરના વાવેતર માટેના આગત ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે."
"ખાતરની જે થેલી 1,300 રૂપિયામાં વેચાતી હતી, તેનો ભાવ હવે વધીને 2,200 રૂપિયા થઈ ગયો છે. પરંતુ, તેની સામે ડાંગર માટેની ખરીદ કિંમત એટલી વધી નથી."
"અમે ક્વિન્ટલદીઠ 3,500 રૂપિયાની માગણી કરી રહ્યા છીએ. તેમને માત્ર નિકાસ દ્વારા જ વાજબી ભાવ મળે છે."
તેમણે કહ્યું હતું કે, "આમ, જો નિકાસો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે, તો ડાંગરના ઉત્પાદકોને જ નુકસાન જશે."
તેમના જણાવ્યા પ્રમાણે, "આ ઘણી ગૂંચવણભરી સ્થિતિ છે. દેખરેખ અસરકારક હોવી જોઈએ. આગામી થોડા મહિનાઓમાં આ સ્થિતિમાં સુધારો થવાની અમને અપેક્ષા છે."
"આ મામલે કોઈ એકમત ન પ્રવર્તતો હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આ મુદ્દાઓ સમજવા જોઈએ અને સાથે મળીને નિર્ણય લેવો જોઈએ."
"ઈંધણ તથા ખાતરના ભાવમાં થયેલા વધારાની અસર"

ઇમેજ સ્રોત, Getty Images
માત્ર ખાતરના જ ભાવ નહીં, બલ્કે ઈંધણનો ભાવ વધારો પણ પણ ચોખાના ભાવ વધવા પાછળનું એક કારણ છે, એમ તામિલનાડુ કાવેરી ફાર્મર્સ પ્રોટેક્શન ઍસોસિએશનના સેક્રેટરી સ્વામીમલાઈ વિમલનાથન કહે છે.
સાથે જ તેમણે નોંધ્યું હતું કે, ટ્રક માલિકોએ પણ તેમનાં વાહનોનું ભાડું 25 ટકા સુધી વધારી દીધું છે.
"પાણીની તંગીને લીધે કુરુવાઈની ખેતી પર પડેલી અવળી અસર આગામી દિવસોમાં વર્તાઈ શકે છે."
વિમલાનાથને આગળ જણાવ્યું હતું, "તામિલનાડુમાં ડાંગરનું ઉત્પાદન ઘટી ગયું છે. પણ કેન્દ્ર સરકારે થોડા મહિનાઓ અગાઉ જ રાજ્ય સરકારોને ડાંગર માટેની પ્રોત્સાહક રકમ આપવાનું બંધ કરી દેવાની તાકીદ આપતાં કહ્યું હતું કે, ડાંગરનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયું છે."
"પણ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે, ઉત્પાદન ઓછું થઈ ગયું છે. આ સ્થિતિમાં આપણે જોવું પડશે કે, અછત ક્યાંથી સર્જાઈ છે."
'ચોખાની સ્થિતિ ચિંતાજનક નથી'
ચોખાની ચોક્કસ વેરાઇટીના ભાવો વધ્યા હોવા છતાં સ્થિતિ ચિંતાજનક નથી, એમ તામિલનાડુ રાઇસ મિલ ઑનર્સ ઍન્ડ પેડ્ડી ટ્રેડર્સ ઍસોસિએશન્સ ફેડરેશનના સેક્રેટરી એ.સી. મોહને જણાવ્યું હતું.
આગળ તેમણે કહ્યું હતું, "તામિલનાડુમાં ચોખાની ઘણી જાડી, પાતળી અને અત્યંત ઝીણી (પાતળા ચોખા) જાતો હોય છે. તેમાંથી અમે સાવ પાતળા ચોખા આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાંથી ખરીદીએ છીએ."
" ત્યાં વરસાદના અભાવે ડાંગરની કિંમતો વધી ગઈ છે અને આથી ચોખાના ભાવ પણ ઊંચકાયા છે."
"અત્યારે માત્ર સાવ પાતળા ચોખાના ભાવ જ વધ્યા છે. જ્યારે બીજી બે વેરાઇટીના ભાવ વધ્યા નથી."
તેમના જણાવ્યા પ્રમાણે, તામિલનાડુની ચોખાની આવશ્યકતા આશરે 91 લાખ મેટ્રિક ટન છે, જેમાંથી આશરે 70 ટકા ઉત્પાદન તામિલનાડુમાં જ થાય છે.
"અમારી બાકીની 30 ટકા જરૂરિયાત માટે અમે આંધ્ર પ્રદેશ તથા કર્ણાટક જેવાં અન્ય રાજ્યો પર નિર્ભર છીએ. અમે અન્ય રાજ્યો પાસેથી જથ્થો મેળવીને અમારી ઘટ પૂરી કરવાનું ચાલુ રાખીશું."
"આ ભાવ વધારો કામચલાઉ છે. તામિલનાડુમાં ઑગસ્ટના અંતમાં કે સપ્ટેમ્બરના પ્રારંભમાં જ્યારે કુરુવાઈની ખેતીની સિઝન શરૂ થશે, ત્યારે ભાવો સ્થિર થઈ જશે," એમ તેમણે કહ્યું હતું.
સરકારે શું કરવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
સ્વામીમલાઈ વિમલનાથન કહે છે કે, અન્ય રાજ્યોની માફક તામિલનાડુમાં પણ ઉત્પાદન માટેની પ્રોત્સાહક સબસિડી આપવી જોઈએ.
તેમણે આગળ જણાવ્યું હતું, "તેનાથી આગત ખર્ચને વધતો અટકાવી શકાશે. તામિલનાડુમાં, ઉત્પાદક સબસિડી અગાઉ કુરુવાઈ માટેની સ્પેશ્યલ પૅકેજ સ્કીમ તરીકે ઓળખાતી હતી. તે સ્કીમ પાછી લાવવી જોઈએ."
પી.આર. પ્રધાન કહે છે કે, તામિલનાડુમાં ચોખાના ઉત્પાદનને ડાંગરના ઉત્પાદન સાથે સરખાવી શકાય તેમ નથી. તેમણે ઉમેર્યું હતું, "દર વર્ષે ડાંગરનો વ્યય થતો હોવાની ઘટનાઓ સામે આવે છે. સાંબા ડાંગરની ખેતી પણ ઓછી થઈ ગઈ છે. સરકારે ટૅક્નૉલૉજીમાં સુધારો કરવો જોઈએ અને ચોખાનું ઉત્પાદન સરળતાથી થાય, તે સુનિશ્ચિત કરવા માટે ખાનગી રાઇસ મિલોને સાંકળવી જોઈએ."
આ વિશે વિગતે વાત કરતાં ગોપીનાથે કહ્યું હતું, "સરકારે ખુલ્લા બજારમાં ચોખાનો અવિરત પુરવઠો સુનિશ્ચિત કરવો જોઈએ અને દુકાળ સામે ટકી રહે, તેવી ચોખાની જાતોની ખેતીને ઉત્તેજન આપવું જોઈએ."
ક્લાઇમેટ ચેન્જની શું ભૂમિકા છે?
ગોપીનાથ જણાવે છે કે, ચોખાના ઉત્પાદનમાં પાણીની તંગી અને ક્લાઇમેટ ચેન્જ જેવાં પરિબળો પણ જવાબદાર છે, છતાં તે એકમાત્ર જવાબદાર કારણ નથી.
"અલ નીનોની અસર ખુલ્લા બજારમાં ચોખાની પ્રાપ્યતા તથા સરકારી ખરીદીને ચોક્કસપણે પ્રભાવિત કરશે. આ ઉપરાંત, ચોખાનું ઉત્પાદન પણ ક્લાઇમેટ ચેન્જને લીધે પ્રભાવિત થશે," એમ તેમણે કહ્યું હતું.
સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, જ્યારે તામિલનાડુમાં કુરુવાઈની ખેતી પૂરી થશે, ત્યારે જ અલ નીનોની સંપૂર્ણ અસરનો તાગ મેળવી શકાશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























