You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાને કહ્યું- હવે જોઈશું કે વાત કરવી કે નહીં, ટ્રમ્પે કહ્યું- કિંમત ચૂકવવી પડશે – ન્યૂઝ અપડેટ
દક્ષિણ ઈરાન પર અમેરિકાના હુમલા બાદ ઈરાની વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તે હવે જોશે કે વાતચીત આગળ વધારવી કે નહીં.
બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે "ઈરાન જાણીજોઈને વાટાઘાટમાં મોડું કરી રહ્યું છે અને હવે તેને તેની કિંમત ચૂકવવી પડશે."
બીબીસી ફારસી અનુસાર, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઇએ જણાવ્યું હતું કે, "અમેરિકાના નવા હુમલાને ધ્યાનમાં રાખીને, વાટાઘાટ ચાલુ રાખવા પર પુનર્વિચાર કરવામાં આવશે. બળનો ઉપયોગ રાજદ્વારી પ્રયાસોને અસર કરે છે. વાટાઘાટને આગળ વધારવા માટે ઓછામાં ઓછો થોડો અવકાશ હોવો જરૂરી છે."
ટ્રમ્પે કહ્યું - ઈરાન ફક્ત વાતો કરે છે
આ દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો કે ઈરાનની સેના સંપૂર્ણપણે વિખેરાઈ ગઈ છે.
તેમણે લખ્યું, "ઈરાનના ઘણા ભાગો, જેમ કે તેનું નૌકાદળ અને વાયુસેના હવે લગભગ નાશ પામ્યાં છે. તે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. તે ફક્ત વાતો કરે છે. ઈરાન ફક્ત વાતો કરે છે, બીજું કંઈ નથી કરતું. મધ્યપૂર્વનું વર્ચસ્વ હવે સમાપ્ત થઈ ગયું છે."
આ ટિપ્પણીઓ દક્ષિણ ઈરાનમાં અમેરિકાના હુમલા અને ત્યાર બાદ ઈરાન દ્વારા જવાબી હુમલાની કાર્યવાહી બાદ આવી છે.
હેલિકૉપ્ટર બન્યું હુમલાનું કારણ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમવારે ઓમાનના દરિયાકાંઠે અમેરિકાની સેનાના અપાચે હેલિકૉપ્ટરને તોડી પડાયું હતું. જોકે તેમાં સવાર બે ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
આ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન પર હેલિકૉપ્ટર તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે ઈરાને તેનો ઇનકાર કર્યો હતો.
ત્યાર બાદ અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે 9 જૂને 'આત્મબચાવ'માં ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
પછી ઈરાને કહ્યું કે તેણે બહેરીન, કુવૈત અને જૉર્ડનમાં અમેરિકન બેઝને નિશાન બનાવ્યા છે.
ટીએમસી અને રાજ્યસભામાંથી રાજીનામું આપ્યા પછી સુસ્મિતા દેવ આસામ કેમ જવા માગે છે?
સુસ્મિતા દેવે તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) અને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાના અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે. બુધવારે જાહેર કરાયેલા પાર્લામેન્ટ્રી બુલેટિનમાંથી આ જાણકારી મળી રહી છે.
ત્યારે સુસ્મિતા દેવે પોતાના નિર્ણય વિશે મીડિયા સાથે વાત કરી છે.
રાજીનામા બાદ એએનઆઇ સાથે વાત કરતા તેમણે કહ્યું, "આની પાછળ મારાં વ્યક્તિગત કારણો છે. મારાં રાજકીય કારણો છે અને એક સ્વતંત્ર દેશમાં એક નેતા પોતાના રાજકીય જીવનમાં કોઈ પણ નિર્ણય લઈ શકે છે."
સુસ્મિતાએ આ નિર્ણય પછી આગળ શું કરશે તે વિશે પણ વાત કરી છે.
સુસ્મિતાએ આગળ કહ્યું, "મારું રાજકારણ આસામમાં છે. હું બંગાળના લોકોનો આભાર માનું છું. પણ મારે તો ફક્ત આસામમાં જ કામ કરવું છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને મેં આ નિર્ણય લીધો છે."
તેમણે એ બાબતે પણ સ્પષ્ટતા કરી કે "હું હાલ ન તો કૉંગ્રેસમાં છું કે ન ભાજપમાં."
જોકે, તેમણે આગળ કયા પક્ષમાં જોડાશે તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
નરેન્દ્ર મોદીના વડા પ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ થવા બદલ જ્યૉર્જિયા મેલોનીએ શું કહ્યું?
ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યાં છે.
નરેન્દ્ર મોદી હવે દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પાછળ છોડીને ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન બન્યા છે.
પીએમ મોદી સાથેની પોતાની તસવીર શૅર કરતા જ્યૉર્જિયા મેલોનીએ ઍક્સ પર લખ્યું, "આજે ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન બનવા બદલ નરેન્દ્ર મોદીને અભિનંદન."
તેમણે લખ્યું, "તાજેતરમાં રોમમાં તેમને ફરીથી મળવાનો અને એક ખાસ વ્યૂહાત્મક ભાગીદારી શરૂ કરવાનો આનંદ થયો, જે ભવિષ્યમાં આપણા દેશ અને લોકો માટે નવી તકો ઊભી કરવા વિશે હતું."
આ પહેલા મલેશિયા, શ્રીલંકા, માલદીવ, કૅન્યા, પાપુઆ ન્યુ ગિની અને ત્રિનિદાદ અને ટોબેગો જેવા દેશોના નેતાઓએ પણ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં.
ઈરાન તરફથી હુમલાના દાવા બાદ બહેરીન, કુવૈત અને જૉર્ડને શું કહ્યું?
બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, ઈરાન તરફથી મધ્ય-પૂર્વના દેશોમાં અમેરિકાનાં ઠેકાણાંને નિશાન બનાવવાના દાવા બાદ કેટલાંક ઈરાની મીડિયા આઉટલેટ્સે કુવૈત અને બહેરીનમાં અમેરિકાના ઠેકાણાં પર હુમલાના સમાચાર ચલાવ્યા છે.
આ બધા વચ્ચે હવે આ દેશોનાં નિવેદનો પણ સામે આવ્યાં છે.
કુવૈતની સેનાના જનરલ સ્ટાફે ક્હયું છે કે 'તેમના દેશની ઍર ડિફેન્સ સિસ્ટમે હવાઈ હુમલાને રોક્યો' છે. ઍક્સ પર એક પોસ્ટમાં કુવૈતી સેનાએ લોકોને 'સુરક્ષા સાથે જોડાયેલા નિર્દેશોનું પાલન કરવાનો અનુરોધ' કરવામાં આવ્યો છે.
બહેરીનના ગૃહ મંત્રાલયે 'લોકોને શાંત રહેવા અને સૌથી નજીકની સુરક્ષિત જગ્યાએ પર જવાનો અનુરોધ' કર્યો છે.
જૉર્ડનની સેનાએ નિવેદન જાહેર કરીને 'ઈરાન તરફથી છોડવામાં આવેલી પાંચ મિસાઇલોને પાડી નાખી' હોવાનો દાવો કર્યો છે.
આ પહેલાં ઈરાની મીડિયાએ સમાચાર આપ્યા હતા કે 'ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ કૉર (આઈઆરજીસી)એ જૉર્ડન તથા બહેરીનસ્થિત અમેરિકાના સૈન્ય ઠેકાણાં પર હુમલો' કર્યો છે.
ખાતમ અલ-અનબિયા મુખ્યાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે 'આઈઆરજીસી તથા ઇરાની સેનાએ સંયુક્ત રીતે હુમલો' કર્યો હતો.
આ બધા વચ્ચે અમેરિકાના મીડિયા આઉટલેટ 'ઍક્સિયોસે' અમેરિકાના અધિકારીઓના હવાલે જણાવ્યું છે કે બહેરીન, કુવૈત અને જૉર્ડનસ્થિત અમેરિકાનાં ઠેકાણાં પર ઓછામાં ઓછી ચાર બૅલિસ્ટિક મિસાઇલો અને ઘણાં ડ્રૉન વડે હુમલો કરવામાં આવ્યો હતો.
પીએમ મોદીના લાંબા કાર્યકાળ માટે મલેશિયાથી લઈને માલદીવ સુધીના રાષ્ટ્રપતિઓએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સૌથી લાંબા કાર્યકાળ ધરાવતા નેતા બની ગયા છે. તેમણે આ મામલે દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુને પાછળ છોડી દીધા.
તેમની આ ઉપલબ્ધિ પર તેમને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યાં છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકેએ ઍક્સ પર લખ્યું, "હું ભારતના ઇતિહાસનાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન રહેવા પર પીએમ નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન પાઠવું છું. શ્રીલંકા આપણી ઘનિષ્ઠ ભાગેદારીને મહત્ત્વ આપે છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં આશાન્વિન્ત છું."
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂએ કહ્યું, "ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાનપદે રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન. માલદીવ, આપસી સન્માન, સંપ્રભુ સમાનતા અને પરસ્પર હિતો માટે ભારતની સાથે સહયોગને વધુ મજબૂત કરવાની દિશામાં આગળ વધવા ઇચ્છૂક છે."
પીએમ મોદીને મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમે પણ અભિનંદન પાઠવ્યાં છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "ભારતના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડા પ્રધાન બની રહેવાની ઉપલબ્ધિ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન. આ ઉપલબ્ધિ ભારતના વિકાસ, સમૃદ્ધિ અને વૈશ્વિક સ્તરે તેની પ્રતિષ્ઠાને આગળ વધારવામાં તેમની વર્ષોની સમર્પિત જનસેવા તથા નેતૃત્વનું પ્રમાણ છે."
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પીએમ મોદીને અભિનંદન પાઠવતા કહ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દાયકાઓની સમર્પિત જનસેવા અને નેતૃત્વનું આ એક સશક્ત પ્રમાણ છે. તેમને ભવિષ્ય માટે મારી શુભકામનાઓ."
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હિંસા, 11નાં મોત, ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને શું અપીલ કરી?
પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં સોમવારે પ્રતિબંધિત સંગઠન જૉઇન્ટ અવામી ઍક્શન કમિટીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણમાં 11 લોકોનાં મૃત્યુ થઈ ગયાં.
સમાચાર એજન્સી રૉયટર્સે કહ્યું છે કે 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને 70 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ સમાચાર એજન્સી એએફપીએ સાત લોકોનાં મૃત્યુ થયાંના અને ડઝનો ઈજાગ્રસ્ત થયાના સમાચાર આપ્યા છે.
રૉયટર્સ પ્રમાણે પોલીસે કહ્યું કે જૉઇન્ટ અવામી ઍક્શન કમિટીના સમર્થક વધુ આર્થિક અને રાજકીય અધિકારોની માગ કરી રહ્યા છે.
આ ઘર્ષણ ત્યારે શરૂ થયું જ્યારે જૉઇન્ટ અવામી ઍક્શન (જેએએસી) કમિટીના લોકો એક હૉસ્પિટલની બહાર એકઠા થયા હતા, જ્યાં અન્ય એક સંગઠનના સભ્યનો મૃતદેહ રખાયો હતો. આ વ્યક્તિનું મૃત્યુ પોલીસ ફાયરિંગમાં થયું હતું.
પુંછ સેક્ટરના કમિશનર સરદાર વાહિદ ખાને સમાચાર એજન્સી રૉયટર્સને જણાવ્યું કે ઉપદ્રવીઓની ગોળીથી ચાર પોલીસ ઑફિસર અને એક રાહદારીનું મૃત્યુ નીપજ્યું. પોલીસની જવાબી ફાયરિંગમાં છ પ્રદર્શનકારીઓનાં મૃત્યુ થયાં.
પોલીસપ્રમુખ લિયાકત મલિકે જણાવ્યું કે સોમવારની ઘટનામાં 23 સુરક્ષાકર્મી અને 50 પ્રદર્શનકારી ઈજાગ્રસ્ત થયા. 30 લોકોની ધરપકડ કરાઈ છે.
જેએએસી ક્ષેત્રની વિધાનસભા માટે 27 જુલાઈના રોજ થનારી ચૂંટણીઓમાં શરણાર્થીઓ માટે 12 બેઠકો અનામત રાખવાના વિરોધમાં 9 જૂનના રોજ હડતાળનું આહ્વાન કરેલું. નોંધનીય છે કે કુલ 45 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે.
ગઠબંધનની માગ છે કે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં વિધાનસભામાં અનામત બેઠકોની વ્યવસ્થા ખતમ કરવામાં આવે.
બીબીસી ઉર્દૂ મુજબ, મંગળવારે સંગઠને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં લાંબી માર્ચ શરૂ કરી દીધી હતી.
સ્થાનિક પોલીસ અનુસાર તેમની પદયાત્રામાં ભાગ લેનારા લોકોની સંખ્યા લગભગ બે હજાર હતી.
પોલીસ કાર્યવાહી અંગે જૉઇન્ટ અવામી ઍક્શન કમિટીના નેતા શૌકત નવાઝ મીરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર જાહેર કરેલા એક વીડિયો સંદેશમાં કહ્યું, "રાવલકોટમાં અમારી જનતાનો સંહાર કરાઈ રહ્યો છે."
તેઓ એ જિલ્લાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યાં આ ઘટના બની છે.
બીજી તરફ, કમિશનર ખાને કહ્યું, "જૉઇન્ટ અવામી ઍક્શન કમિટી આને જનસંહાર ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. રાજ્યની કાર્યવાહીનો ઉદ્દેશ માત્ર કાયદો-વ્યવસ્થા બહાલ કરવાનો હતો."
ભારતે પણ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં થયેલી આ હિંસા અંગે પ્રતિક્રિયા આપી છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે કહ્યું, "અમે પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનો અને તેની સાથે સંકળાયેલા મુદ્દા વિશે અહેવાલો જોયા છે. આ સંદર્ભે અમે સતત પાકિસ્તાનમાંથી ફેલાવાઈ રહેલી ફેક ન્યૂઝ અને ભ્રામક વીડિયોની એક પૅટર્ન જોઈ રહ્યા છીએ."
"એવી લાગે છે કે પાકિસ્તાન પોતાની નાકામીઓ પર પડદો નાખવા અને માનવાધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન ભટકાવવા માટે આ હતાશ કોશિશ કરી રહ્યું છે."
"તમે પણ જેમ જોયું હશે કે, પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં પોલીસની ક્રૂરતાના ઘણા અહેવાલ સામે આવ્યા છે. અહેવલો અનુસાર, ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે."
"અમને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને તેનાં કારનામાં અને માનવાધિકાર ઉલ્લંઘનો માટે જવાબદાર ઠેરવશે."
અફઘાનિસ્તાનનો દાવો, 'પાકિસ્તાની સેનાના હુમલામાં 11 બાળકો સહીત 13 લોકોનાં મોત'
અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહિતે કહ્યું કે પાકિસ્તાની સેનાએ 'અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન' કર્યું છે. મંગળવાર-બુધવારની રાતે ડુરંડ લાઇન પાસે ઘણા પ્રાંતોમાં હવાઈ હુમલા કર્યા છે.
જબિહુલ્લાહ મુજાહિદે કેટલીક તસવીરો પોસ્ટ કરતાં ઍક્સ પર લખ્યું, "કાલે રાતે પાકિસ્તાની સેનાએ ફરી એક વખત અફઘાન હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું અ કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં નાગરિકોનાં ઘરો પર બૉમ્બમારો કર્યો."
તેમણે દાવો કર્યો, "આ હુમલામાં 11 બાળકો, એક મહિલા અને એક વૃદ્ધ માર્યાં ગયાં, જ્યારે કે 14 મહિલાઓ અને બાળકો ઘાયલ થયાં છે."
તાલિબાન સરકારના પ્રવક્તાએ આ હુમલાને 'માનવીય અપરાધ તથા આક્રામકતાની કાર્યવાહી' ગણાવી તેની નિંદા કરી છે.
આ હુમલાને લઈને પાકિસ્તાન તરફથી કોઈ નિવેદન નથી આવ્યું. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર અને પાકિસ્તાન વચ્ચે કેટલાક મહિનામાં તણાવ વધ્યો છે.
અમેરિકન સૈન્યે કહ્યું, 'અપાચે હેલિકૉપ્ટર પર હુમલા બાદ જવાબી કાર્યવાહી પૂર્ણ કરી'
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેંટકૉમ)એ બુધવારે પોતાના લેટેસ્ટ નિવેદનમાં કહ્યું છે કે તેણે અમેરિકાના અપાચે હેલિકૉપ્ટર પર હુમલાના જવાબમાં કાર્યવાહી પૂરી કરી લીધી છે.
સેંટકૉમે કહ્યું, "અમેરિકન સૈન્યનું એક અપાચે હેલિકૉપ્ટર તોડી પાડવાના જવાબમાં સૈન્યે આત્મરક્ષા અંતર્ગત 9 જૂનના રોજ ઈરાન વિરુદ્ધ કાર્યવાહી પૂરી કરી લીધી. આ કાર્યવાહી કમાન્ડર ઇન ચીફના નિર્દેશ પર કરાઈ."
નિવેદનમાં કહેવાયું કે અમેરિકન ઍરફોર્સ અને નેવીનાં ફાઇટર વિમાનોએ હોર્મુઝની સામુદ્રધુની નજીક 'ઈરાનની ઍર ડિફેન્સ સિસ્ટમ, ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશનો અને સર્વેલન્સ રડારનાં ઠેકાણાંને નિશાન બનાવ્યાં.'
સોમવારે અમેરિકન સૈન્યના એક અપાચે હેલિકૉપ્ટરને ઓમાનના સમુદ્ર કાંઠા પાસે તોડી પડાયું હતું. આ હેલિકૉપ્ટરમાં સવાર બે ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બચાવી લેવાયા હતા.
મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ થતાં વિપક્ષના નેતાઓએ શું કહ્યું?
કૉંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજનનું રાજ્યસભાની ચૂંટણી માટેનું નામાંકન રદ થયા બાદ વિપક્ષના નેતાઓએ ઘણા સવાલ ઉઠાવ્યા છે.
કૉંગ્રેસે આને 'સીટ ચોરી' કહ્યું છે, તો સત્તાધારી પક્ષ ભાજપે આને 'સત્યની જીત' ગણાવી છે.
આ દરમિયાન અન્ય વિપક્ષનાં દળો તરફથી પણ આ મામલામાં પ્રતિક્રિયાઓ આવી રહી છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા આદિત્ય ઠાકરેએ એક્સ પર લખ્યું, "આપણે એક સમયે લોકશાહી હતા. વિશ્વની સૌથી મોટી લોકશાહી, જ્યાં સંસ્થાયઓનાં નિષ્પક્ષતા અને સાર્વભૌમત્વ રાજકીય અસરથી મુક્ત હતાં. હવે... હવે વિશ્વની સૌથી મોટી પૂર્વ લોકશાહી."
તેમજ તૃણમૂલ કૉંગ્રેસનાં સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું, "એક નાનકડું બહાનું આગળ ધરીને કૉંગ્રેસનાં રાજ્યસભાનાં ઉમેદવાર મીનાક્ષી નટરાજનને ખારિજ કરી દેવાની વાત એ બતાવે છે કે મોદી અને શાહ બંને ગૃહો પર નિયંત્રણ મેળવવા અને બંધારણમાં સંશોધન કરવા માટે કેટલા તત્પર છે. નહીંતર 2029માં તેમનો સમય સમાપ્ત થઈ જશે."
મંગળવારે મીનાક્ષી નટરાજનનું રાજ્યસભાની ચૂંટણી માટેનું નામાંકન રદ કરી દેવાયું. કૉંગ્રેસ તેમને મધ્ય પ્રદેશથી ઉમેદવાર બનાવ્યાં હતાં.
નામાંકન રદ થયા બાદ કૉંગ્રેસ નેતા જયરામ રમેશ, ભૂપેશ બઘેલ, સચીન પાઇલટ અને કેસી વેણુગોપાલ સહિત ઘણા નેતા નવી દિલ્હી ખાતે ચૂંટણીપંચની ઑફિસે પહોંચીને ધરણાં પર બેઠા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન