રાજસ્થાન: 12 વર્ષની બાળકીને ચાર દિવસ સુધી બંધક બનાવી, બળાત્કારના આરોપમાં 18 લોકોની ધરપકડ- ન્યૂઝ અપડેટ

રાજસ્થાન, બાળકી, શ્રીગંગાનગર, બીબીસી

ઇમેજ સ્રોત, Mohar Singh

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં 12 વર્ષની બાળકી પર બળાત્કાર કરવાના આરોપમાં 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં વધુ ધરપકડ થવાની શક્યતા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીને ચાર દિવસ સુધી અલગ અલગ જગ્યાએ બંધક બનાવીને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવી હતી.

શ્રીગંગાનગર જિલ્લાના પોલીસ અધિક્ષક (એસપી) હરિશંકરે બીબીસીને ફોન પર જણાવ્યું, "આ કેસની તપાસ લગભગ અંતિમ તબક્કામાં છે. અમે 18 લોકોની ધરપકડ કરી છે."

તેમણે એમ પણ કહ્યું કે હાલમાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ વધુ ત્રણથી ચાર લોકોની ધરપકડ કરવામાં આવશે.

કેસના તપાસ અધિકારી અને એડિશનલ એસપી કૈલાશ દાને જણાવ્યું હતું કે યુવતીનો ઇન્સ્ટાગ્રામ પર એક મિત્ર હતો, જેને મળવા માટે તે 18 જૂને શ્રીગંગાનગરથી 100 કિલોમીટર દૂર વિજયનગર ગઈ હતી. ત્યાં મિત્રએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

મળતી માહિતી મુજબ, ત્યારબાદ યુવતી રાત્રે વિજયનગરથી બસ દ્વારા શ્રી ગંગાનગર પહોંચી અને રિક્ષા લીધી.

જ્યારે છોકરી ઘરે પાછી ન ફરી ત્યારે તેની માતાએ તેને વિવિધ જગ્યાએ શોધખોળ કરી અને સંબંધીઓ સાથે પૂછપરછ કરી.

જોકે, 22 જૂન સુધી પણ છોકરી ઘરે પાછી ન ફરતાં માતા પોલીસ સ્ટેશન ગઈ હતી.

દિલજિત દોસાંઝની ફિલ્મ પર પ્રતિબંધ : પંજાબ સરકારના મંત્રીએ કૉંગ્રેસ વિશે શું કહ્યું?

દિલજીત દોસાંઝ

ઇમેજ સ્રોત, Diljit Dosanjh/IG

ઇમેજ કૅપ્શન, દિલજિત દોસાંઝ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઓટીટી પ્લૅટફૉર્મ ઝી5 પરથી દિલજિત દોસાંઝની ફિલ્મ 'સતલુજ'ને દૂર કરવા પર પંજાબના મંત્રીએ પ્રતિક્રિયા આપી છે.

પંજાબ સરકારના મંત્રી હરપાલસિંહ ચીમાએ આ મુદ્દે સમાચાર એજન્સી એએનઆઇને જણાવ્યું હતું કે, "1992થી 1997 દરમિયાન પંજાબમાં કૉંગ્રેસ સરકાર દરમિયાન રાજ્યના યુવાનો પર ભારે અત્યાચાર કરવામાં આવ્યા હતા. આવી ઘટનાઓ દર્શાવતી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો સંપૂર્ણપણે ખોટું છે."

"એવું લાગે છે કે અકાલી દળ, ભાજપ અને કૉંગ્રેસે સાઠગાંઠ કરી છે, કારણ કે આ ફિલ્મ આ ત્રણેય પક્ષોની નીતિને ઉજાગર કરે છે. તે દર્શાવે છે કે પંજાબના યુવાનો પર કેવી રીતે હુમલા થતા હતા અને તેમની હત્યા કરવામાં આવી."

તેમણે કહ્યું, "દિલજિત દોસાંઝે એક સારી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ પંજાબના ઇતિહાસ પર આધારિત છે. આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો એ સંપૂર્ણપણે ખોટું છે. તેને તાત્કાલિક રિલીઝ કરવી જોઈએ."

દિલજિત દોસાંઝે ફિલ્મ હઠાવવા અંગેની પ્રતિક્રિયામાં અગાઉ કહ્યું હતું કે, "મને પહેલેથી જ લાગતું હતું કે આવું થશે. તેમનો (જસવંતસિંહ ખાલડા) અવાજ 1995માં પણ દબાવવામાં આવ્યો હતો અને આજે આપણે 2026માં જીવી રહ્યા છીએ. આપણે ક્યાં ઊભા છીએ? આજે પણ તમે અમને વાત કરવા નથી દેતા. કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદા અંગે જ અમે વાત કરી રહ્યા છીએ. અમે કોઈ નવી વાત કરી રહ્યા નથી."

દિલજિત દોસાંઝે કહ્યું હતું કે, "મને ખુશી છે કે આ ફિલ્મ કેટલાક લોકો સુધી પહોંચી છે. આ લોકોની ફિલ્મ છે. તે રોકાઈ શકવાની નથી."

માનવાધિકાર કાર્યકર જસવંતસિંહ ખાલડાના જીવન પર આધારિત દિલજિત દોસાંઝની ફિલ્મ 'સતલુજ' ત્રણ જુલાઈના રોજ ઓટીટી પ્લૅટફૉર્મ ઝી5 પર રિલીઝ થઈ હતી, પરંતુ પાંચ જુલાઈના રોજ તેને પ્લૅટફૉર્મ પરથી દૂર કરવામાં આવી હતી.

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, 'રામમંદિરમાં ચોરીના જવાબદાર મોદી અને યોગી'

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

રામમંદિરમાં દાનચોરીનો મામલો દેશભરમાં ચર્ચામાં છે. તાજેતરમાં અયોધ્યાના રામમંદિર ટ્રસ્ટના નવા મહામંત્રી કૃષ્ણમોહનને બનાવાયા છે. આ પદ પર રહેલા ચંપત રાયે રાજીનામું આપ્યું હતું.

હવે આ મામલે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પ્રતિક્રિયા આપી છે.

તેમણે કહ્યું હતું કે, "કોષાધ્યક્ષે પણ એવું સ્વીકાર્યું છે કે તેમનું આમાં કંઈ ચાલતું નહોતું. એટલે કે આ ટ્રસ્ટના સંચાલનમાં સાધુ-સંતોનો સમાવેશ પણ દેખાડો હતો. હકીકતમાં તમારા જ ખાસ લોકો આ ટ્રસ્ટને ચલાવતા હતા."

અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે, "એટલા માટે જ નરેન્દ્ર મોદીજી, તમે આની જવાબદારીમાંથી બચી નહીં શકો. મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ તેના જવાબદાર છે. આ બધું તેમના નાક નીચે થયું છે. જો ગોળી ચલાવાઈ હોય તો જવાબદાર મુલાયમસિંહ હોય, તો ચોરી થઈ તેના જવાબદાર આદિત્યનાથ કેમ નહીં?"

તેમણે કહ્યું હતું કે, "રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર છે. બંને એન્જિન મળીને જ કામ કરી રહ્યા હતા. આથી, ચોરીની તમામ જવાબદારી મોદી અને યોગીની છે. ધર્મની જગ્યાનો તમે કેવી રીતે સ્વાર્થ ખાતર તમે ઉપયોગ કરી રહ્યા હતા એ પ્રજા જોઈ રહી છે."

અહીં ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ચોરીના આરોપો પછી પહેલી વાર રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટની બેઠક મળી હતી. આ બેઠકમાં ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું.

22 જુલાઈએ આ ટ્રસ્ટની ફરી બેઠક થશે અને ખાસ અધિકારીઓની નિયુક્તિ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે.

રોનાલ્ડોનું સ્વપ્ન તૂટ્યું, પોર્ટુગલની ટીમ ફિફા વર્લ્ડકપમાંથી બહાર

રોનાલ્ડો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રડી પડ્યા હતા

ફિફા વર્લ્ડકપની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્પેને પોર્ટુગલને 1-0 થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે.

આ સાથે પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું પોતાની ટીમને ટાઇટલ તરફ આગળ લઈ જવાનું સ્વપ્ન રોળાઈ ગયું હતું.

ડલ્લાસ સ્ટેડિયમ ખાતે રમાયેલી મૅચમાં સ્પેને 91મી મિનિટે ગોલ કર્યો હતો. સ્પેનના મિકેલ મેરિનોએ 91મી મિનિટે (ઇંજરી ટાઇમ) પોતાના દેશ માટે એકમાત્ર ગોલ કર્યો હતો.

મેરિનોએ ફેરન ટોરેસ પાસેથી પાસ લીધો અને ગોલકીપર ડિએગો કોસ્ટાની જમણી બાજુથી ગોલ પોસ્ટ તરફ ધકેલી દીધો હતો.

મેરિનો સબસ્ટિટ્યૂટ ખેલાડી તરીકે મેદાનમાં આવ્યા હતા.

41 વર્ષીય રોનાલ્ડો રડતાં રડતાં મેદાન છોડીને જતાં જોવા મળ્યા હતા.

ઝિમ્બાબ્વે સામેની સિરીઝ માટે સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરાયા, વૈભવ સૂર્યવંશીને મળ્યું સ્થાન

સંજુ સેમસન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સંજુ સેમસન

ઇંગ્લૅન્ડ સામેની બીજી ટી20 મૅચમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરાયેલા સંજુ સેમસનને હવે ઝિમ્બાબ્વે સામેની આગામી ટી20 શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા નથી.

બીસીસીઆઇએ સોમવારે ત્રણ મૅચની ટી20 શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી.

આમાં વૈભવ સૂર્યવંશીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સૂર્યવંશીએ ઇંગ્લૅન્ડ સામેની બીજી ટી20 મૅચમાં સંજુ સેમસનની જગ્યાએ ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી હતી.

ફાસ્ટ બૉલર મયંક યાદવ અને બેટ્સમેન રિંકુસિંહ ટીમમાં પાછા ફર્યા છે.

આ શ્રેણી 23 જુલાઈથી શરૂ થશે અને બધી મૅચ હરારેમાં રમાશે.

ભારતીય ટીમ:

શ્રેયસ અય્યર (કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિંકુસિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક શર્મા, મયૂરસિંહ, યશ ઠાકુર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન