ગુજરાતમાં હવે ભારે વરસાદ ક્યારે પડશે?
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 15-16 જુલાઈથી રાજ્યમાં વરસાદ વધવાના સંકેતો દેખાઈ રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરીથી હળવો વરસાદ શરૂ થશે અને આગામી પાંચથી સાત દિવસ સુધી અહીં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં જૂન મહિનાથી લઈને 15 જુલાઈ સુધી એટલે કે ચોમાસાના દોઢ મહિના બાદ પણ રાજ્યમાં હજી 28 ટકા જેટલી વરસાદની ઘટ જોવા મળે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજી વાવણીલાયક વરસાદ થયો નથી.
બંગાળની ખાડીમાં સર્જાયેલો લૉ-પ્રેશર એરિયા હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજી બે દિવસ સુધી પશ્ચિમ બંગાળ અને ઓડિશાના વિસ્તારોની આસપાસ જ રહે તેવી સંભાવના છે.
એ સિસ્ટમ આગળ વધશે પરંતુ ખૂબ ધીરે-ધીરે આગળ વધે તેવી શક્યતા છે.
હવામાનનાં કેટલાંક મૉડલો અનુસાર એટલે કે લગભગ 24થી 25 જુલાઈ સુધી આ સિસ્ટમ પૂર્વ અને ઉત્તરનાં રાજ્યો તરફ જ અસર કરશે.
હાલની સ્થિતિમાં આ સિસ્ટમ આગળ વધીને સીધી ગુજરાત તરફ આવે એવી શક્યતા દેખાતી નથી.
એટલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા ઓછી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
25 જુલાઈ બાદ આ લો-પ્રેશર એરિયા મધ્ય ભારત કે ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે. પરંતુ એ ગુજરાત નજીક આવે તો જ તેની અસર થવાની શક્યતા છે.
હાલની સ્થિતિમાં ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થઈ રહ્યું છે અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ રાજસ્થાનની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિસ્ટમની અસર ગુજરાતને થવાની શક્યતા છે.
જેના કારણે ધીરે-ધીરે રાજ્યમાં વરસાદનું પ્રમાણ અને વરસાદ પડશે એ વિસ્તારોમાં થોડો વધારે થાય તેવી શક્યતા છે.
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થતો હોય છે, પરંતુ આ વખતે અડધો જુલાઈ પૂરો થઈ ગયો છતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂરતો વરસાદ નથી.
ગુજરાતમાં આગામી હવામાન કેવું રહેશે એ માટે જુઓ વીડિયો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























