આ ખાસ પક્ષીઓ દક્ષિણ ભારતમાંથી દર ચોમાસે ગુજરાત કેમ આવે છે અને તેની સંખ્યા કેમ ઘટી રહી છે?

પ્રણય નૃત્ય કરી રહેલું નર ખડમોર પક્ષી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રણય નૃત્ય કરી રહેલું નર ખડમોર પક્ષી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ચોમાસાનો વરસાદ આવી જવાથી ભાવનગરના જિલ્લાના વેળાવદર ગામ પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન હાલ લીલાછમ ઘાસથી છવાઈ ગયું છે અને તેમાં કાળિયાર, નીલગાય વગેરે ગેલ કરતાં દેખાય છે, પરંતુ 34 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં હાલ અધિકારીઓ અને સંશોધકોનું ધ્યાન તો આ ઘાસિયા મેદાનમાં મહેમાન બનીને આવેલા ખડમોર પક્ષીઓ પર છે.

અધિકારીઓ કહે છે કે નર ખડમોર પક્ષીઓ ગીત ગાતાં ગાતાં જાણે જમીન પર કૂદકા મારી રહ્યાં હોય તે રીતે ઊડી ઉદ્યાનના વાતાવરણને નાચગાનથી સંગીતમય બનાવી રહ્યાં છે.

વેળાવદરના આ ઘાસિયા મેદાનના નામમાં કાળિયાર ભલે હોય, પરંતુ આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકાર અને સંશોધકોએ વન્ય જીવોની જો કોઈ પ્રજાતિ પર સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તો કદાચ તે ખડમોર જ છે.

સરકારે આ ઉદ્યાનમાં ખડમોર માટેનું એક બ્રીડિંગ સેન્ટર એટલે કે સંવર્ધન કેન્દ્ર સ્થાપ્યું છે અને આ પક્ષીની પ્રજાતિની વસ્તી વધે તે માટે ભારે જહેમત કરી રહી છે.

દર વર્ષે સરકાર આ પક્ષીઓની ગણતરી કરે છે. આ વરસની ગણતરી 19 ઑગસ્ટે હાથ ધરી હતી. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વનસંરક્ષક નીલેશ જોશીએ બીબીસીને જણાવ્યું કે આ વરસની ગણતરી દરમિયાન રાષ્ટ્રીય ઉદ્યાન અને તેની આજુબાજુના વિસ્તારમાં 28 ખડમોર પક્ષીઓ નોંધાયાં છે.

તેમણે ઉમેર્યું કે તેમાંથી 22 પક્ષીઓ ઉદ્યાનની બાઉન્ડરી અંદર અને છ ઉદ્યાનની નજીકના વિસ્તારોમાં નોંધાયાં હતાં. આ 28 પક્ષીઓમાંથી 22 નર અને છ માદા હતાં તેમ અધિકારીએ જણાવ્યું.

માદા ખડમોર પક્ષીઓ બહુ શરમાળ હોવાનું નિષ્ણાતો કહે છે અને તેનાં રંગ-રૂપ એવાં હોય છે કે તે હલન-ચલન ન કરતાં હોય ત્યારે ઘાસના મેદાનમાં સરળતાથી માનવ આંખે ચડતાં નથી. પરંતુ ચોમાસા દરમિયાન નર ખડમોર પક્ષીનાં રંગ-રૂપ બદલાય છે અને માનવ આંખે ચડવાની શક્યતા વધારે રહે છે. ચોમાસા દરમિયાન કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડમોરની ગણતરી હાથ ધરાય છે ત્યારે એમ માનવામાં આવે છે કે જેટલા નર દેખાય તેટલી જ સંખ્યામાં ત્યાં માદા પક્ષીઓ પણ હાજર હશે. આમ, આ વર્ષે અંદાજે 42 ખડમોર વેળાવદર અને તેની આજુબાજુ હોવાનો અંદાજ છે.

ચોમાસા દરમિયાન ખડમોર પક્ષીઓ ગુજરાત કેમ આવે છે?

વેળાવદરમાં એક નર ખડમોરની લેવાયેલી તસવીર

ઇમેજ સ્રોત, Bhushan Pandya

ઇમેજ કૅપ્શન, વેળાવદરમાં એક નર ખડમોરની લેવાયેલી તસવીર

ચોમાસા દરમિયાન ખડમોર પક્ષીઓ વેળાવદર તેમજ કચ્છમાં આવેલા કચ્છ ઘોરાડ અભયારણ્ય અને તેની આજુબાજુના વિસ્તારો દેખાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચોમાસા બાદ આ પક્ષીઓ ક્યાં જાય છે, તેના આ ઋતુપ્રવાસ દરમિયાન ક્યાં ક્યાં રોકાય છે વગેરેનો અભ્યાસ કરવા માટે ગુજરાતના વન વિભાગના અધિકારીઓ, તેમજ ધ કોર્બેટ ફાઉન્ડેશન નામની સંસ્થા અને ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સંશોધકોએ 2020થી 2025 સુધી એક અભ્યાસ હાથ ધર્યો.

આ અભ્યાસના ભાગરૂપે સાસણ વન્ય જીવ વિભાગના તત્કાલીન નાયબ વનસંરક્ષક ડૉ. મોહન રામ, ધ કોર્બેટ ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. દેવેશ ગઢવી, ભાવનગર યુનિવર્સિટીના મરીન સાયન્સ ડિપાર્ટમેન્ટના વડા, પ્રોફેસર ઇન્દ્ર ગઢવી સહિતના નિષ્ણાતોએ 2020માં વેળાવદરમાં રહેલા એક નર ખડમોર અને એક માદા ખડમોરને સેટેલાઇટ ટેગ લગાડ્યા. ત્યાર બાદ 2021 અને 2022ના બે વર્ષ દરમિયાન અન્ય 10 નર ખડમોરને ટેગ લગાડ્યા.

આ ટેગ સેટેલાઇટને કે મોબાઇલ ફોન નેટવર્કના ટાવરને સિગ્નલ મોકલી ટેગ કરાયેલા પક્ષીઓ ઊડીને ક્યાં જાય છે, દિવસે વધારે ઊડે છે કે રાત્રે, કેટલી ઊંચાઈએ ઊડે છે, કઈ જગ્યાએ કેટલો સમય રહે છે વગેરે માહિતી મોકલતા રહ્યા.

સેટેલાઇટ અને મોબાઇલ નેટવર્કની મદદથી સંશોધકોએ જાન્યુઆરી 2025 સુધી આ પક્ષીઓનો અભ્યાસ કર્યો અને તેનાં કેટલાંક તારણો 19 ઑગસ્ટ, 2026ના રોજ પ્રકાશિત થયેલા એક સંશોધન પેપરમાં આપ્યા છે.

વેળાવદરમાં પ્રણય નૃત્ય કરી રહેલું નર ખડમોર પક્ષી

ઇમેજ સ્રોત, Bhushan Pandya

ઇમેજ કૅપ્શન, વેળાવદરમાં પ્રણય નૃત્ય કરી રહેલું નર ખડમોર પક્ષી

સંશોધન દરમિયાન સંશોધકોના ધ્યાને આવ્યું કે ટેગ કરાયેલાં માદા ખડમોર પક્ષી નવેમ્બર 2020માં વેળાવદરમાંથી ઊડી 776 કિલોમીટરનું અંતર કાપી તેલંગણા પહોંચી ગયું. ત્યાં છ મહિના ગાળીને તે પાછું ગુજરાત તરફ આવી રહ્યું હતું ત્યારે મહારાષ્ટ્રમાં એક હાઈ ટેન્શનવાળી વીજલાઇન સાથે અથડાઈ જતાં તેનું મૃત્યુ થયું હતું.

ટેગની મદદથી સંશોધકો જાણી શક્યા કે એક નર ખડમોર ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ વચ્ચે ઋતુપ્રવાસ કરતું રહ્યું. અન્ય એક નર પક્ષી ગુજરાતમાંથી ઊડી મહારાષ્ટ્ર વાટે કર્ણાટક જઈ, ત્યાંથી પાછું મહારાષ્ટ્ર વાટે ગુજરાત પાછું ફર્યું. ત્યાર બાદ ગુજરાતમાંથી રાજસ્થાન ગયું અને રાજસ્થાનથી ગુજરાત પાછું આવ્યું અને ફરી મહારાષ્ટ્ર-કર્ણાટકની સફરે નીકળી પડ્યું.

બીબીસી સાથે વાત કરતા ડૉ. મોહન રામે કહ્યું, "પ્રજનનઋતુ દરમિયાન નર પક્ષીઓ માદાને આકર્ષવા પ્રણય નૃત્ય કરે છે. તેના માટે તેને ટૂંકા ઘાસની જરૂર રહે છે જેથી કરીને તે માદાની નજરે ચડી શકે. બીજી તરફ માદાને પણ સંતાવા તેમજ માળો કરવા ટૂંકા ઘાસની જરૂર રહે છે."

"વળી આવા ઘાસમાં ઘોરાડના ખોરાક તેવા કીટકો ફૂલેફાલે છે. સામાન્ય રીતે જૂન મહિનામાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચી જતાં ત્યાર પછીનાં અમુક અઠવાડિયાંમાં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છ ઘોરાડ અભયારણ્યમાં ઘાસ ઊગી નીકળે છે."

"આ બંને રક્ષિત વિસ્તારોમાં આ સમય દરમિયાન માનવ પ્રવૃત્તિઓ પણ બહુ ઓછી રહે છે. તેથી, પ્રજનન માટે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ખડમોર પક્ષીઓ ખાસ કરીને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને કચ્છ ઘોરાડ અભયારણ્યમાં સારી એવી સંખ્યામાં એકઠાં થાય છે."

ડૉ. રામ ઉમેરે છે, "પ્રજનનઋતુ પૂરી થતા ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ખાસ કરીને નર ખડમોર સામાન્ય રીતે મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તેલંગણા વગેરે રાજ્યોમાં જતાં રહે છે. કેટલાંક માદા પક્ષીઓ પણ આ રીતે ઋતુપ્રવાસ કરે છે."

શિયાળા-ઉનાળા દરમિયાન બધાં ઘોરાડ ગુજરાતમાંથી જતાં રહે છે?

ગુજરાતમાં ટેગ કરવામાં આવેલ ઘોરાડ પક્ષીઓએ કરેલ ઋતુ પ્રવાસનો નકશો

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ટેગ કરવામાં આવેલ ઘોરાડ પક્ષીઓએ કરેલ ઋતુ પ્રવાસનો નકશો

જવાબ છે ના. અભ્યાસ દરમિયાન ડૉ. મોહન રામ અને અન્ય સંશોધકોના ધ્યાને આવ્યું કે અમુક ખડમોર આખું વરસ ગુજરાતમાં જ રહે છે. તેમના ધ્યાને એ પણ આવ્યું કે આ પંખીઓ ગુજરાતની અંદર પણ પ્રવાસ કરે છે. તેમણે નોંધ્યું કે ખડમોર કચ્છમાંથી સૌરાષ્ટ્ર તરફ, સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત તરફ એમ વિવિધ દિશામાં પ્રવાસ કરે છે.

"તેથી, અમારા અભ્યાસ દરમિયાન અમે ટેગ કરેલાં ખડમોર પક્ષીઓને ઋતુપ્રવાસ કરનાર અને એવો પ્રવાસ ન કરનાર એમ શ્રેણીમાં વહેંચ્યાં. કોઈ ખડમોર ઋતુપ્રવાસ કરશે કે નહીં તેનો આધાર રહેઠાણ, ખોરાકની ઉપલબ્ધતા, વાતાવરણ, પક્ષીનું સ્વાસ્થ્ય વગેરે પરિબળો પર આધારિત હોય તેવું લાગે છે. વળી, ઋતુપ્રવાસ કરનાર ખડમોર દર વર્ષે એવો ઋતુપ્રવાસ ન પણ કરે અને ગુજરાતમાં જ આખું વરસ ગાળે તેવું પણ બને."

અભ્યાસમાં સંશોધકોએ નોંધ્યું કે ગુજરાતમાં ભાવનગર અને કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર અને દાહોદ આ પક્ષીઓ માટે મહત્ત્વનાં સ્થળો છે. તાજેતરનાં વર્ષોમાં ખડમોર પક્ષીઓનું પ્રજનન માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં સારા પ્રમાણમાં થાય છે તેમ સંશોધકો કહે છે.

ખડમોર કેમ ખાસ પક્ષીઓ છે?

કચ્છમાં જ્યાં ખડમોર દેખાય છે તે નળિયાના ઘાસિયા મેદાનની તસવીર

ઇમેજ સ્રોત, Forest Department, Gujart

ઇમેજ કૅપ્શન, કચ્છમાં જ્યાં ખડમોર દેખાય છે તે નળિયાના ઘાસિયા મેદાનની તસવીર

ખડમોર બસ્ટર્ડ કુળનાં પક્ષીઓની પ્રજાતિ છે. આ કુળની ચાર પ્રજાતિનાં પક્ષી- ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ), ખડમોર (લેસ્સર ફ્લોરિકન), ટીલોર (એશિયન હોબારા થવા મેકવીન્સ બસ્ટર્ડ) અને બંગાળ ફ્લોરિકન ભારતમાં જોવા મળે છે.

દુનિયાના બસ્ટર્ડ કુળનાં પક્ષીઓમાં ખડમોર કદની દૃષ્ટિએ સૌથી નાનાં હોય છે. કચ્છ ઘોરાડ અભયારણ્ય ભારતનું એકમાત્ર સ્થળ છે જ્યાં ઘોરડ, ખડમોર અને ટીલોર એકસાથે દેખાય છે.

ખડમોર ઘાસિયા મેદાનમાં જમીન પર રહેનાર પક્ષી છે. તીતીઘોડા, તીડ વગેરે તેનો ખોરાક છે. બીજા શબ્દોમાં કહીએ તો ખડમોર આ જીવોની વસ્તીને નિયંત્રણમાં રાખે છે અને ખેતીના પાકોને બચાવે છે. ગુજરાતમાં તે ચોમાસા દરમિયાન પ્રજનન માટે આવે છે ત્યારે આવા કીટકોની સંખ્યામાં ખૂબ મોટો વધારો થયો હોય છે.

મોહન રામ જણાવે છે કે પ્રજનનઋતુ દરમિયાન નર ખડમોર ઘાસિયા મેદાનમાં પોતપોતાની ટેરિટરી એટલે કે વિસ્તાર નક્કી કરે છે, તેનું રક્ષણ કરે છે અને તે વિસ્તારની માદા સાથે સંવનન કરવાનો પ્રયાસ કરે છે. આ રીતે, ખડમોર પક્ષીઓ પ્રજનનઋતુ દરમિયાન ટેરિટોરિયલ એટલે કે એક વિસ્તાર પર પોતાનું પ્રભુત્વ સ્થાપનાર પક્ષીઓ બની જાય છે. નર એક કરતાં વધારે માદા સાથે સંવનન કરી શકે છે, પરંતુ ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે ત્યારે તેના ઉછેરની જવાબદારી માદાએ એકલા હાથે ઉપાડવી પડે છે.

ખડમોરની સંખ્યા કેમ ઘટી રહી છે?

ગુજરાતમાં ક્યાં વધારે ખડમોર દેખાય છે તે વિસ્તાર દર્શાવતો નકશો

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ક્યાં વધારે ખડમોર દેખાય છે તે વિસ્તાર દર્શાવતો નકશો

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ડૉ. સુતીર્થ દત્તા અને અન્ય વૈજ્ઞાનિકોએ ભારતમાં ખડમોરની સંખ્યાનો અંદાજ મેળવવા એક સર્વે હાથ ધર્યો અને 2018માં તેનાં પરિણામ જાહેર કરતાં કહ્યું કે દેશમાં આશરે 480 જ ખડમોર બચ્યાં છે.

તેમણે નોંધ્યું કે 1999માં આ સંખ્યા આશરે 3530 હોવાનો અંદાજ હતો. આમ, બે દાયકાના ગાળામાં આ પક્ષીની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો. ખૂબ જ ઓછાં પક્ષી બચ્યાં હોવાના કારણે ઇન્ટરનૅશનલ યુનિયન ફૉર કૉન્ઝર્વેશન ઑફ નેચર નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ખડમોરને ક્રિટિકલી ઍન્ડેન્જર્ડ એટલે કે વિલુપ્ત થઈ જવાના કિનારે ઊભેલી પ્રજાતિની શ્રેણીમાં મૂક્યાં છે.

સુતીર્થ દત્તા અને અન્ય વૈજ્ઞાનિકોએ તેમના સર્વેમાં નોંધ્યું કે ખરમોડ માટે વેળાવદરનું ખાસ મહત્ત્વ છે, કારણ કે આ ઘાસિયું મેદાન 95થી 115 જેટલા નર ખડમોરનું ઘર હોવાનો અંદાજ છે.

પરંતુ શંશોધકો કહે છે કે ઘાસિયાં મેદાનો ઘણાં પ્રકારનાં દબાણો સહન કરી રહ્યાં છે અને તેના કારણે ઘાસિયાં મેદાનોમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે. સંશોધકો કહે છે કે ઘાસિયાં મેદાનોને ખેડીને તેમાં ખેતી થવા લાગી છે, જે ખેતીની જમીનો પડતર રહેતી હતી તેમાં હવે ખેતી થવા લાગી છે અને ખેતીની પ્રવૃત્તિ તીવ્ર બની રહી છે.

પક્ષીની એક તસવીર

ઇમેજ સ્રોત, Bhushan Pandya

મોહન રામ કહે છે, "ઘાસિયાં મેદાનો નજીક આવેલી જે જમીનોમાં પહેલા આખા વર્ષમાં એકાદ પાક લેવાતો હતો તેમાં હવે ત્રણ ત્રણ પાકો લેવાવા લાગ્યા છે. વળી, ખેતીકામોમાં યાંત્રિકીકરણ વધી રહ્યું છે અને કૉન્ટ્રાકટ ફાર્મિંગ પણ વધી રહ્યું છે. પરિણામે, જે જમીનો વર્ષના અમુક સમય દરમિયાન પડતર રહેતી અને ખડમોરને કામ આવતી તે હવે સાવ બદલાઈ ગઈ છે. આ કારણસર ખડમોર માટેનાં રહેઠાણો ઘટ્યાં છે અને એકબીજા સાથે જોડાયેલા રહેવાને બદલે છૂટાછવાયા ટુકડામાં વહેંચાઈ ગયાં છે. તેથી, ખડમોરની સંખ્યા ઘટી છે."

"કેટલાંક કુદરતી પરિબળો પણ જવાબદાર છે. ખડમોરનું પ્રજનન ચોમાસામાં થતા વરસાદ સાથે સીધી રીતે જોડાયેલું છે. જો વરસાદ સમયસર ન આવે કે ઓછો આવે તો પ્રજનન થઈ શકતું નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન