રાજકોટની સગીરાના અપહરણનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં, નેપાળમાં હોવાના સંકેત, તપાસમાં શું ખૂલ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ નેપાળનું લશ્કર, પોલીસ, ફાયરફાઇટર્સ અને સરકારના અન્ય વિભાગો 26 ઑગસ્ટે અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત લોકોને બચાવવા અને પૂરમાં ગુમ થયેલા લોકોની ભાળ મેળવવા હજુ પણ મથી રહ્યા છે ત્યારે રાજકોટ શહરે પોલીસ પર પણ નેપાળમાં એક તરુણીને શોધવાની જવાબદારી આવી પડી છે.
રાજકોટ શહેરમાં રહેતા એક પિતાએ પોલીસને ફરિયાદ કરી કે તેની 17 વર્ષની દીકરીનું 6 ઑગસ્ટે કોઈ અપહરણ કરી ગયું છે.
ત્યાર બાદ પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી કોર્ટ પાસે દાદ માગી કે તેમની દીકરીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
તો પોલીસે તેના જવાબમાં કહ્યું કે સગીરા નેપાળમાં હોય તેવા સંકેત મળ્યા છે. પોલીસે કોર્ટને કહ્યું છે કે તે સગીરાને શોધી કાઢશે પરંતુ તેના માટે થોડો સમય જોઈશે.
એક તરફ પૂરમાં ગુમ થયેલા કેટલાય ભારતીયો સહિત હજારો લોકોની શોધખોળ ચાલી રહી છે ત્યારે પોલીસે આ છોકરીને શોધી કાઢવા કવાયત આદરી છે.
હાઇકોર્ટે પોલીસને એક મહિનાનો સમય આપ્યો છે અને તેમાંથી એક અઠવાડિયું તો વીતી ગયું છે પરંતુ પોલીસ અધિકારીઓ બીબીસીને જણાવે છે કે તરૂણીની હજુ ચોક્કસ ભાળ મળી નથી.
માતા-પિતા કામે હતાં ત્યારે ઘરેથી દીકરી કેવી રીતે ગુમ થઈ?

ઇમેજ સ્રોત, Bipin Tankaria/BBC
ઑટોરિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 47 વર્ષના એક પુરુષે 7 ઑગસ્ટે રાજકોટ શહેરના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે કોઈ અજાણી વ્યક્તિ તેમની દીકરીનું અપહરણ કરીને જતી રહી છે.
પિતાએ તેમની ફરિયાદમાં જણાવ્યું કે તેમને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે અને જેનું અપહરણ થયું છે તે ત્રણ સંતાનોમાં વચેટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદમાં પિતાએ જણાવ્યું કે તેમની મોટી દીકરી તેમના ઘરની પાછળના ભાગમાં વાસણ ધોઈ રહી હતી ત્યારે 6 ઑગસ્ટના સાંજના સાતેક વાગ્યે નાની દીકરી કપડાં બદલીને કોઈને જાણ ન થાય તે રીતે ઘરમાંથી નીકળી ગઈ હતી.
ફરિયાદીએ જણાવ્યું કે આ ઘટના બની ત્યારે તે રિક્ષા ચલાવવા માટે ઘરથી દૂર હતા તેમ જ તેમનાં પત્ની પણ બ્યુટી પાર્લર ચલાવે છે અને કામ સબબ ઘરથી દૂર હતાં.
નાની બહેન ઘરમાં ન દેખાતા મોટી દીકરીએ માતાને જાણ કરી. ત્યાર બાદ દંપતીએ તેમના સગાં-વ્હાલાંને ત્યાં તપાસ કરાવી પરંતુ દીકરીનો કોઈ પત્તો મળ્યો નહીં.
છેવટે 7 ઑગસ્ટની સાંજે પિતાએ પોલીસમાં ફરિયાદ કરી. ફરિયાદમાં પિતાએ જણાવ્યું કે તેમને શંકા છે કે તેમની દીકરીનું કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરીને જતો રહ્યો છે.
પિતાએ જન્મ તારીખના આધાર-પુરાવા આપી પોલીસને જણાવ્યું કે તેમની દીકરીને અઢાર વર્ષ પૂરા થવામાં અને પુખ્ત થવામાં બે મહિના જ બાકી છે.
પિતાને પાડોશી પર શંકા કેમ થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ફરિયાદ આપ્યાના દસેક દિવસ સુધી પોલીસને કથિત રીતે અપહરણ કરાયેલી તરુણીના કોઈ સમાચાર ન મળ્યા. દરમિયાન 18 ઑગસ્ટે પિતાએ રાજકોટ શહેરના પશ્ચિમ વિભાગના નાયબ પોલીસ કમિશનર રાકેશ દેસાઈને એક લેખિત અરજી કરી.
અરજીમાં પિતાએ શંકા વ્યક્ત કરી કે તેમનો ભૂતપૂર્વ પાડોશી તેમની દીકરીનું અપહરણ કરી ગયો છે.
અરજીમાં પિતાએ એમ પણ જણાવ્યું કે તેમનો જૂનો પાડોશી તેમની દીકરીને છેલ્લા એક વર્ષથી "પરેશાન" કરતો હતો.
અરજી પરથી એવા સંકેત મળે છે કે દીકરીના પિતા અને અરજીમાં આરોપી તરીકે દર્શાવેલ તેમના જૂના પાડોશી અલગ-અલગ ધર્મના લોકો છે.
પિતાની અરજી પ્રમાણે "આ વ્યક્તિ એક વર્ષથી પરેશાન કરતી હતી. તે પહેલાં તેમના ઘરની સામે રહેતો હતો અને તેમના પરિવારની આ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન તેણે દીકરીને ઉપાડી જવાની ધમકી આપી હતી."
પિતાએ અરજીમાં લખ્યું, "મારી દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં આ વ્યક્તિ અમારી પુત્રીને અમારા વાલીપણામાંથી લઈ ગયેલાની પૂરી શંકા છે."
ફરિયાદીએ તેમની અરજીમાં ઉમેર્યું કે તેમના આ જૂના પાડોશી વિરુદ્ધ ભૂતકાળમાં એક પેટ્રોલ પંપમાં લૂંટ કરવાનો ગુનો નોંધાયેલો છે. "અને અનેક વાર અમારા વિસ્તારમાં પણ જાહેરમાં કહેતો ફરે છે કે હું તો ગુનેગાર છું, મારુ કોઈ કંઈ બગાડી લેશે નહીં."
દીકરી નેપાળમાં હોવાની શક્યતા વિશે પિતાને કેવી રીતે ખબર પડી?

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસમાં ફરિયાદ કર્યા બાદ પોતાની દીકરી વિશે તાત્કાલિક કોઈ માહિતી ન મળતા પિતાએ 25 ઑગસ્ટે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી. પિતાએ દાદ માગી કે સરકાર તેમની દીકરીને શોધી કાઢે તેવો હુકમ કરવામાં આવે.
હાઇકોર્ટે આ અરજીની સુનાવણી 31 ઑગસ્ટના રોજ કરી હતી. સુનાવણી દરમિયાન રાજકોટ સીટી પોલીસના એક અધિકારીએ આપેલી માહિતીને ટાંકીને અધિક સરકારી વકીલ રોહન રાવલે કોર્ટને જણાવ્યું કે જેનું અપહરણ થયાની શંકા છે તે રાજકોટની સગીરા નેપાળમાં હોય તેવા સંકેતો મળ્યા છે.
હાઇકોર્ટમાં ફરિયાદી વતી દલીલ કરનાર વકીલ નબિલ બ્લોચનો બીબીસીએ 7 સપ્ટેમ્બરે સંપર્ક કરતા નબિલ બ્લોચે જણાવ્યું, "પોલીસે એવું નિવેદન આપ્યું કે અપહરણ કરાયેલી દીકરીની શોધખોળ ચાલી રહી છે અને તે ક્યાં છે તેના કેટલાક સંકેત મળ્યા છે. નિવેદનમાં તેમણે ઉમેર્યું કે તે સંકેતોનું રૂટ (મૂળ) નેપાળમાં મળે છે.
"તેથી કોર્ટે સરકારી વકીલને સવાલ પૂછ્યો કે તે સંકેતો નેપાળના જે ભાગમાં પૂર આવ્યું હતું તે વિસ્તારમાંથી મળ્યા છે કે કેમ? તેના જવાબમાં સરકારી વકીલે કહ્યું કે તપાસ હજુ ચાલુ છે અને ચોક્કસ માહિતી મેળવવા પોલીસને થોડો સમય જોઈશે."
"તેથી, કોર્ટે પોલીસનું નિવેદન રેકૉર્ડ પર લઈ સરકારને નોટિસ પાઠવી છે અને 28 સપ્ટેમ્બર 2026 સુધીમાં જવાબ રજૂ કરવા સૂચના આપી છે."
બીબીસી સાથે વાત કરતા તરુણીના પિતાએ જણાવ્યું, "મેં પોલીસને ફરિયાદ કર્યા બાદ હાઇકોર્ટમાં અરજી કરી ત્યારે જ મને જાણકારી મળી કે મારી દીકરી નેપાળમાં હોવાના સંકેતો મળી રહ્યા છે."
પોલીસ, તરુણીનો પરિવાર શું પ્રયત્નો કરી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Nabil Bloch
આ બાબતે બીબીસીએ રાજકોટના નાયબ પોલીસ કમિશનર રાકેશ દેસાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તરુણીના અપહરણ બાબતે જે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આ બાબતે તપાસ ચલાવી રહ્યા છે.
તે પોલીસ ઇન્સ્પેક્ટરે બીબીસીને જણાવ્યું, "ઇલેક્ટ્રોનિક સર્વેલન્સથી દસેક દિવસ અગાઉ અમને એવી કડીઓ મળી કે અપહરણ કરાયેલી તરુણી નેપાળમાં છે.
"પરંતુ આવા સંકેત ઇન્ટરનેટના માધ્યમથી મળી રહ્યા છે તેથી તેનું ચોક્કસ લોકેશન જાણી શકાયું નથી. તે બાબતે અમે હજુ પણ તપાસ કરી રહ્યા છીએ."
પિતાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે તેના પરિવારની મીટ રાજકોટ પોલીસના અધિકારીઓ પર છે.
"અમારી દીકરી ઘરે જોવા ન મળતા મેં અને મારી પત્નીએ તેની શોધખોળ કરી અને અમારાં સગાં-વહાલાંને ત્યાં પૂછપરછ કરી પરંતુ તેની કોઈ ભાળ મળી નહીં."
"પછી પોલીસમાં ફરિયાદ કરી પરંતુ પોલીસ અધિકારીઓ અમારા સુધી કોઈ માહિતી પહોંચાડી શક્યા નહીં."
"અમે હાઇકોર્ટમાં ગયા ત્યારે ખબર પડી કે તે નેપાળમાં હોવાના સંકેત છે. હાઇકોર્ટની સુનાવણી પછી વધારાની માહિતી અમને પોલીસ તરફથી મળી નથી."
"આવા સંજોગોમાં હું શું કરી શકું? પોલીસ કહે છે કે તે અમારી દીકરીને શોધી લાવશે. તેથી અમે તેની રાહ જોઈ રહ્યા છીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























