'બાવી' : 200 કિમીની ઝડપે ફુંકાઈ રહેલું વાવાઝોડું ક્યાં ત્રાટકશે, અત્યાર સુધી કેવો વિનાશ વેર્યો?

'બાવી' વાવાઝોડું, વિનાશક, પવન, વરસાદ, ચીન, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'બાવી' વાવાઝોડાએ વેરાલા વિનાશની તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

જાપાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા અંતરિયાળ ટાપુઓના સમૂહ તરફ એક વિશાળ અને શક્તિશાળી વાવાઝોડું 'બાવી' આગળ વધી રહ્યું છે. સમાચાર સંસ્થા રૉયટર્સના જણાવ્યા અનુસાર અધિકારીઓએ જોરદાર પવન, મુસળધાર વરસાદ, ભૂસ્ખલન અને પૂર અંગે ચેતવણી આપી હતી, કારણ કે આ વાવાઝોડું વિસ્તાર માટે વિનાશક સાબિત થઈ શકે છે.

હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'બાવી' વાવાઝોડું શનિવારે વહેલી સવારે જાપાનના સાકિશિમા ટાપુઓની ખૂબ નજીકથી પસાર થવાની શક્યતા છે.

બાવી વાવાઝોડાને છેલ્લાં કેટલાંક વર્ષોમાંના શક્તિશાળી વાવાઝોડાંમાંનું એક માનવામાં આવી રહ્યું છે. નાસા અનુસાર, તેની મહત્તમ ઝડપ 290 કિમી પ્રતિ કલાકની નોંધાઈ હતી. ચીન હવામાન કેન્દ્રએ રૉયટર્સને જણાવ્યા અનુસાર, હવે બાવી વાવાઝોડાની ઝડપ ઘટીને 200 કિમી પ્રતિ કલાકની થઈ છે.

જાપાનના દક્ષિણ-પશ્ચિમમાં આવેલા અંતરિયાળ ટાપુઓ તરફ શુક્રવાર આ શક્તિશાળી વાવાઝોડું આગળ વધી રહ્યું છે, જેને પગલે ત્યાંની સરકારોએ જોરદાર પવન, મુસળધાર વરસાદ, ભૂસ્ખલન અને પૂરની ચેતવણી આપી છે અને જરૂરી સલામતીનાં પગલાં લેવાની તૈયારીઓ શરૂ કરી છે.

'બાવી' વાવાઝોડાની ઝડપ કેટલી?

'બાવી' વાવાઝોડું, વિનાશક, પવન, વરસાદ, ચીન, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'બાવી' વાવાઝોડાએ વેરાલા વિનાશની તસવીર

આ મહિનાની શરૂઆતમાં આ શક્તિશાળી વાવાઝોડું ઉત્તર પ્રશાંત મહાસાગરમાં આવેલા, અમેરિકાના ઉત્તરમાં સ્થિત મારિયાના ટાપુઓ અને ગુઆમ પરથી પસાર થયું હતું. સુપર ટાયફૂન 'બાવી' 5 જુલાઈની રાત્રે જ્યારે આ ટાપુઓની નજીક પહોંચ્યું, ત્યારે તે તેની અત્યંત ચરમ સીમાએ (ઝડપે) હતું. આ દરમિયાન 290 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મુસળધાર વરસાદ પડ્યો હતો અને દરિયામાં જોરદાર મોજાં ઉછળ્યાં હતાં.

સમય જતાં તેની ઝડપ ઘટી છે. ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ રૉયટર્સને જણાવ્યા અનુસાર, બાવી વાવાઝોડું, જેની ઝડપ અત્યારે 200 કિમી પ્રતિ કલાકની છે, તે તેના સૌથી પહોળા બિંદુએ લગભગ 1 હજાર કિમી સુધી ફેલાયેલું છે. નાસા અનુસાર, તેમણે લીધેલી તસવીરોમાં વાવાઝોડાનું કેન્દ્ર ગુઆમની ઉત્તરે આવેલા 'રોટા' પરથી પસાર થયું હતું.

પશ્ચિમ તરફ આગળ વધતી વખતે, સ્થાનિક સમય અનુસાર 4 જુલાઈની વહેલી સવારે બાવી એક 'સુપર ટાયફૂન'માં ફેરવાઈ ગયું હતું. સેટેલાઇટનાં અવલોકનો દર્શાવે છે કે આ વિસ્તારમાં દરિયાની સપાટીનું તાપમાન આશરે 30 ડિગ્રી સેલ્સિયસ હતું.

'બાવી'એ કેવું નુકશાન પહોંચાડ્યું?

આ વાવાઝોડું છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ વિસ્તારનું સૌથી વિનાશક વાવાઝોડું સાબિત થઈ શકે છે. આ વાવાઝોડાને કારણે પ્રશાંત મહાસાગરમાં આવેલા ટાપુઓ ગુઆમ, રોટા અને સાયપાનમાં વ્યાપક નુકસાન થયું છે.

વીજળીના થાંભલા અને લાઈનો ધરાશાયી થઈ ગયાં છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે અને કાટમાળ પથરાઈ ગયો છે. આ ઉપરાંત ઇમારતોને પણ નુકસાન થયું છે. અહેવાલો મુજબ, દરિયાની જોખમી પરિસ્થિતિ હળવી થતાં અમેરિકન કૉસ્ટ ગાર્ડની ટીમોએ ગુઆમ અને ઉત્તરી મારિયાનાસની આસપાસના સમુદ્રી માર્ગોમાંથી અવરોધો હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

'બાવી' વાવાઝોડું હવે ક્યાં ત્રાટકશે?

બાવી, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 'બાવી' વાવાઝોડાને લીધે તાઇવાનના દરિયામાં ભારે મોંજાં ઊછળ્યાં હતાં
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગના અધિકારીઓએ રૉયટર્સને જણાવ્યા અનુસાર, બાવી શનિવારે વહેલી સવારે જાપાનના સાકિશિમા ટાપુઓની ખૂબ નજીકથી પસાર થાય તેવી સંભાવના છે. જાપાન ઍરલાઇન્સે જણાવ્યું કે તેણે શુક્રવાર અને શનિવાર માટે 100થી વધુ ફ્લાઇટ્સ રદ કરી છે, જેનાથી અંદાજે 20 હજાર મુસાફરોને અસર થઈ છે.

ત્યાં આવેલા લોકપ્રિય પ્રવાસી સ્થળ એવા ઇશિગાકી ટાપુ પર રહેવાસીઓએ જરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું હતું, જેના લીધે સ્થાનિક સુપરમાર્કેટમાં ઇન્સ્ટન્ટ નૂડલ્સના શેલ્ફ ખાલી થઈ ગયા હતા. કેટલાક જાહેર બીચ, દરિયાકાંઠાના પાર્ક અને સ્થાનિક ફેરી ટર્મિનલ પણ બંધ જોવા મળ્યા હતા. ઇશિગાકી પર સ્થાનિક રહેવાસીઓ હવે તેમના ઘરો અને દુકાનોની બારીઓ પર ટેપ લગાવી રહ્યા છે તેમજ પવન સામે રક્ષણ આપતી વિન્ડપ્રૂફ નેટ લગાવી રહ્યા છે.

પરંતુ તાઇવાનના રાષ્ટ્રપતિ લાઈ ચિંગ-તેએ તેમના ફેસબુક પેજ પર લખ્યું કે, "જોકે વાવાઝોડું થોડું નબળું પડ્યું છે અને તેને મધ્યમ શ્રેણીના વાવાઝોડામાં ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે, તેમ છતાં તેનો ઘેરાવો ઘણો મોટો છે અને તે હજુ પણ ઘણા વિસ્તારોમાં ભારે પવન અને મુસળધાર વરસાદ લાવી શકે છે."

રૉયટર્સ અનુસાર, તાઇવાનની ઍરલાઇન્સે તાઇપેઈ બહાર આવેલા તાઓયુઆનના મુખ્ય આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પરથી શનિવારની તેમની તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

હોંગકોંગની મુખ્ય ઍરલાઇન કેથે પેસિફિક ઍરવેઝે પણ હોંગકોંગ અને તાઇવાન વચ્ચેની વીકેન્ડની ફ્લાઇટ્સ રદ કરી છે, તેમજ પૂર્વ ચીનના દરિયાકાંઠાના શહેરો હાંગઝોઉ, નિંગબો અને ફૂઝોઉ તરફ જતી કેટલીક ફ્લાઇટ્સ પણ રદ કરી દીધી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન