આ 'ગંદા હાથ સારા' છે, બાળકો માટી કે ધૂળમાં રમે એ સારું કહેવાય, સંશોધનમાં ચોંકાવનારો દાવો

બીબીસી ગુજરાતી બાળક આરોગ્ય તંદુરસ્તી સંશોધન ફિનલૅન્ડ ગંદા હાથ

ઇમેજ સ્રોત, Bill Pugliano/Getty Images

ઇમેજ કૅપ્શન, બાળકો ધૂળ અને માટીમાં રમે તેનાથી ત્વચા પર ફાયદાકારક બૅક્ટેરિયા જમા થાય છે
    • લેેખક, બેકા વોર્નર
    • પદ, બીબીસી ફ્યૂચર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

સામાન્ય રીતે નાનાં બાળકો જ્યારે ધૂળમાં રમે, કાદવકીચડમાં રમે કે ઝાડ-પાન સાથે રમે ત્યારે માતાપિતાને તેમને ટોકતાં હોય છે અને તેમના પર ચોંટલી ધૂળ કે માટી ખંખેરવા લાગે છે.

તમારા હાથમાં માટી ચોંટેલી હોય, તમે ઘાસ કે બીજી કોઈ ચીજને સ્પર્શી ગયા હોવ તો સૌથી પહેલા તમારા મનમાં શું વિચાર આવશે? ગંદા હાથ ધોઈ નાખીએ, પરંતુ ઊભા રહો, આ 'ગંદા હાથ સારા' છે.

ફિનલૅન્ડમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ઝાડ, છોડ અને માટી પાસેથી આપણે રોજ પસાર થઈ છીએ, તેને સ્પર્શ કરવો એ પણ શરીર માટે ફાયદાકારક હોઈ શકે છે.

ફિનલૅન્ડના પર્યાવરણ સંસ્થાનમાં પ્રકૃતિ અને આરોગ્ય પર રિસર્ચ કરનાર વૈજ્ઞાનિક મીરા ગ્રોનરુસે એક પ્રયોગ કર્યો હતો.

તેમણે લોકોને કહ્યું કે તેઓ 20 સેકન્ડ સુધી પોતાના હાથ પર માટી, પીટ મૉસ એટલે કે કાદવ રગડે. ત્યાર પછી તેમણે નળના પાણીથી હાથ ધોવડાવી દીધા.

હાથ ધોયા પછી તેમની સ્કીન પર બૅક્ટેરિયાની સંખ્યા વધુ હતી. મીરા કહે છે કે "જોવામાં તો હાથ બિલકુલ સ્વચ્છ દેખાતા હતા, પરંતુ તેમની ત્વચા પર બહુ મોટો ફેરફાર આવ્યો હતો."

ત્વચા પરના બૅક્ટેરિયા કેમ ફાયદાકારક?

બીબીસી ગુજરાતી બાળક આરોગ્ય તંદુરસ્તી સંશોધન ફિનલૅન્ડ ગંદા હાથ

ઇમેજ સ્રોત, BBC/ Serenity Strull

ઇમેજ કૅપ્શન, ફિનલૅન્ડના સંશોધનથી ધૂળ, માટી અને બાળકોના આરોગ્ય વિશે નવાં તારણો મળ્યાં છે

ત્વચા પર વધુ પડતા બૅક્ટેરિયા હોય તે સાંભળવામાં ભલે બહુ સારું ન લાગે, પરંતુ આપણી ત્વચા પર ઘણા પ્રકારના બૅક્ટેરિયા હોય છે.

તેમાંથી કેટલાક બૅક્ટેરિયા આપણા માટે ફાયદાકારક હોય છે.

સારા બૅક્ટેરિયા એ ખરાબ અને બીમારી ફેલાવતા બૅક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. તેનાથી માત્ર ત્વચાને ફાયદો નથી થતો, પરંતુ બીજી બીમારીઓ સામે લડવા માટે પણ શરીરની તાકાત વધે છે.

આ વિષય પર રિસર્ચ કરનારાં મીરા કહે છે કે માત્ર 20 સેકન્ડ માટે આવું કરવું પૂરતું નથી. 20 સેકન્ડની અસર થોડા સમય પછી ખતમ થઈ જાય છે અને ત્વચા ફરીથી પહેલાં જેવી થઈ જાય છે.

તેથી આપણે રોજ અથવા વારંવાર માટી, ઘાસ અને છોડને સ્પર્શીએ તો તેની અસર લાંબો સમય રહે છે. તેનાથી આપણી ત્વચા અને આખા શરીરને ફાયદો મળી શકે છે.

કાદવ-કીચડમાં રમવાના પ્રયોગ

બીબીસી ગુજરાતી બાળક આરોગ્ય તંદુરસ્તી સંશોધન ફિનલૅન્ડ ગંદા હાથ

ઇમેજ સ્રોત, Ritesh Shukla/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, ત્વચા પર વધુ પડતા બૅક્ટેરિયા હોય તે સાંભળવામાં ભલે બહુ સારું ન લાગે, પરંતુ આપણી ત્વચા પર ઘણા પ્રકારના બૅક્ટેરિયા હોય છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફિનલૅન્ડના જ ઑરિકોલિન્ના ડે-કૅર સેન્ટરમાં બાળકોના હાથ ગંદા થાય તે સામાન્ય વાત છે. બાળકો દરરોજ ઓછામાં ઓછા બે કલાક સુધી બહાર છોડ અને ઝાડથી ઘેરાયેલા મેદાનમાં રમે છે.

બાળકો ઝાડી અને ઝાડ વચ્ચે દોડે છે, દોરડાંથી ઉપર ચઢે છે, રેતીનાં ઘર બનાવે છે, પાણીના ખાડામાં કૂદે છે, માટી અને લાકડાના નાના ટુકડાથી રમે છે.

દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં બાળકો પગથી માથા સુધી માટી અને કીચડથી ભરેલાં હોય છે.

હવે વૈજ્ઞાનિકો એ જાણવાની કોશિશ કરે છે કે આવી રીતે ધૂળમાં રમવાથી બાળકોની તબિયતને ફાયદો થાય છે કે કેમ?

તેના માટે બાળકોની સ્કીન, થૂંક અને મળમાં હાજર બૅક્ટેરિયાની તપાસ કરવામાં આવી રહી છે. તેમના લોહી અને વાળના સૅમ્પલ પણ લેવાઈ રહ્યા છે.

ત્રણ વર્ષ સુધી ચાલેલા આ સંશોધનમાં રોજ ઝાડ-છોડ અને માટીમાં રમતાં બાળકોનાં શરીરમાં બીમારીઓ સામે લડવાની તાકાતમાં કેટલો બદલાવ થયો તે જાણવામાં આવ્યું.

ઑરિકોલિન્ના ફિનલૅન્ડમાં 43 ડે-કેર સેન્ટર પૈકી એક છે, જે 'વાહિત્સ્તુ પ્રોજેક્ટ'માં ભાગ લઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ પર્યાવરણ વૈજ્ઞાનિક માર્યા રોસલુંડની આગેવાની હેઠળ કરવામાં આવેલા બે વર્ષીય અભ્યાસ પર આધારિત છે.

વર્ષ 2016-17માં માર્યાએ એક ડે-કેર સેન્ટરના પાક્કા મેદાનને જંગલ જેવી જમીનમાં બદલી નાખ્યું, ત્યાં માટી નાખવામાં આવી અને છોડ વાવવા માટે નાનાં-નાનાં બૉક્સ લગાવવામાં આવ્યાં.

બીબીસી ગુજરાતી બાળક આરોગ્ય તંદુરસ્તી સંશોધન ફિનલૅન્ડ ગંદા હાથ

ઇમેજ સ્રોત, Nasir Kachroo/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, હાથ ગંદા હોય તો કેટલાંક અઠવાડિયાંમાં જ આરોગ્યને ફાયદો થાય છે (પ્રતીકાત્મક તસવીર)

ત્યાર પછી બાળકોને ત્યાં 28 દિવસ સુધી રમવા દેવાયાં.

ત્યાર બાદ તેમની ત્વચા, થૂંક અને પેટમાં હાજર બૅક્ટેરિયાની તપાસ કરવામાં આવી. એક વર્ષ પછી ફરીથી તપાસ કરાઈ.

તેનાં પરિણામોમાં જાણવા મળ્યું કે પાક્કા મેદાનમાં રમતાં બાળકોની તુલનામાં માટી અને ઘાસમાં રમનારાં બાળકોની ત્વચા પર એક વર્ષ પછી પણ વધુ પ્રકારના બૅક્ટેરિયા હાજર હતા.

ત્વચા પર અલગ-અલગ પ્રકારના બૅક્ટેરિયા હોય તે બાળકોની તંદુરસ્તી માટે જરૂરી છે. જ્યારે સારા અને સામાન્ય બૅક્ટેરિયા વધુ હોય, ત્યારે તે બીમારી ફેલાવતા બૅક્ટેરિયાને હાવિ થવા નથી દેતા.

માર્યાએ બહુ આસાન ઉદાહરણથી આ વાત સમજાવી.

તેઓ કહે છે, "બીમારી એક તાનાશાહની જેમ હોય છે, જ્યારે હેલ્ધી સ્કીન એક લોકશાહીની જેમ છે."

તેમનું કહેવું છે કે સ્કીન પર માત્ર એક પ્રકારના ખરાબ બૅક્ટેરિયા કબજો જમાવે તેના કરતાં અનેક પ્રકારના બૅક્ટેરિયાની હાજરી હોવી જોઈએ.

રોસલુંડના રિસર્ચમાં જાણવા મળ્યું કે જંગલ જેવી માટીમાં રમતાં બાળકોની ત્વચા પર બીમારી પેદા કરતાં બૅક્ટેરિયા ઓછા પ્રમાણમાં હતા.

તેનું એક કારણ એ પણ હોઈ શકે કે તેમની ત્વચા પર બીજા બૅક્ટેરિયા મોટી સંખ્યામાં હાજર હતા.

તેઓ કહે છે, "ત્વચા પર પહેલેથી અનેક પ્રકારના બૅક્ટેરિયા હાજર હોય, ત્યારે ખરાબ બૅક્ટેરિયાને વધારે ફેલાવાની વધુ જગ્યા નથી મળતી."

ત્વચા તંદુરસ્ત, તો શરીર પણ તંદુરસ્ત

ત્વચાની કાળજી રાખવાનો ફાયદો માત્ર ત્વચા પૂરતો સીમિત નથી હોતો. ત્વચાની તંદુરસ્તી આપણા શરીરમાં હોર્મોનની કામ કરવાની રીત, હૃદયની તંદુરસ્તી અને વિચારવા-સમજવાની ક્ષમતા પર પણ અસર પાડી શકે છે.

આને સમજવા માટે માર્યા રોસલુંડે નાનાં બાળકોનાં બે જૂથ બનાવ્યાં. એક જૂથને રેતીના એવા મેદાનમાં રમવા દીધું, જ્યાં અલગ-અલગ પ્રકારના બૅક્ટેરિયાવાળી માટી ભેળવવામાં આવી હતી.

બીજા જૂથને જોવામાં બિલકુલ એવું જ મેદાન અપાયું, પરંતુ તેની માટીમાં બૅક્ટેરિયાના પ્રકાર ઓછા હતા.

અપેક્ષા હતી તે મુજબ જ વધુ પ્રકારના બૅક્ટેરિયા હતા તે માટીમાં રમનારાં બાળકોની ત્વચા પર સારા બૅક્ટેરિયા પણ વધુ જોવા મળ્યા.

પરંતુ માત્ર ત્વચામાં બદલાવ થયો એવું નથી. તેમના બ્લડ ટેસ્ટમાં પણ કેટલાક ફેરફાર જોવા મળ્યા.

લોહીમાં હાજર આ ખાસ સંકેતોને સાઇટોકાઇન્સ કહેવામાં આવે છે. તે શરીરની બીમારીઓ સામે લડવાની તાકાતને યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે છે.

એટલે કે શરીર વાઇરસ અથવા બીમારી સામે લડી પણ શકે અને જરૂરિયાત કરતાં વધુ રીઍક્ટિવ પણ ન હોય.

'વાહિત્સ્તુ પ્રોજેક્ટ' શું છે, તે કેવી રીતે શરૂ થયો?

બીબીસી ગુજરાતી બાળક આરોગ્ય તંદુરસ્તી સંશોધન ફિનલૅન્ડ ગંદા હાથ

ઇમેજ સ્રોત, BBC/ Serenity Strull

ઇમેજ કૅપ્શન, હાથથી માટીને સ્પર્શ કરવો અને લીલા ઘાસ પર હાથ ફેરવવો ફાયદાકારક સાબિત થાય છે (પ્રતીકાત્મક તસવીર)

ત્વચા પર કરવામાં આવેલા અલગ-અલગ સંશોધનોનાં પરિણામો પરથી 'વાહિત્સ્તુ પ્રોજેક્ટ' શરૂ કરવાનો વિચાર આવ્યો.

ઑરિકોલિન્નાના ડે-કેર સેન્ટરને સરકારી મદદ મળી અને ત્યાં રમવાના મેદાનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા.

બારીક રેતીની જગ્યાએ લાકડાના નાના-નાના ટુકડા પાથરવામાં આવ્યા. રેતીમાં રમવાની જગ્યા વધારાઈ અને લાકડાના રસ્તા બનાવવામાં આવ્યા. ત્યાં પહેલેથી અનેક પ્રકારનાં ઝાડ હતાં.

આ પ્રોજેક્ટ પાછળના વિચારને બાયોડાઇવર્સિટી હાઇપોથિસીસ કહેવામાં આવે છે.

સરળ શબ્દોમાં તેનો અર્થ એ થયો કે હવા, માટી અને ઝાડ-છોડમાં હાજર અલગ-અલગ પ્રકારના બૅક્ટેરિયા આપણા શરીરમાં રહેતા બૅક્ટેરિયા પર પણ અસર કરે છે. તેનો સીધો સંબંધ આપણી તંદુરસ્તી સાથે પણ હોઈ શકે છે.

વૈજ્ઞાનિકો લાંબા સમયથી માનતા આવ્યા છે કે આપણી આસપાસ છોડ-ઝાડ, જીવજંતુ અને અલગ-અલગ પ્રકારના બૅક્ટેરિયા ઓછા હોવાના કારણે ઍલર્જી અને શરીરની બીમારીઓ સામે લડવાની શક્તિને લગતી તકલીફો વધી શકે છે.

રોસલુંડના રિસર્ચ પરથી એ સમજવામાં મદદ મળી શકે છે કે આવું કેમ અને કઈ રીતે થઈ રહ્યું છે?

રોસલુંડને પોતાના સંશોધનમાં એક ખાસ પ્રકારના બૅક્ટેરિયા વિશે જાણવા મળ્યું, જેને 'ગામાપ્રોટિયો બૅક્ટેરિયા' કહેવામાં આવે છે.

જંગલ જેવી માટીવાળા મેદાનમાં રમ્યા પછી બાળકોની ત્વચા પર આ બૅક્ટેરિયાના અલગ-અલગ પ્રકાર વધી જાય છે. આ ઉપરાંત બાળકોના લોહીમાં 'રેગ્યુલેટરી ટી-સેલ્સ' પણ વધારે મળ્યા.

આ એક પ્રકારની સફેદ રક્તકોશિકા હોય છે જે શરીરની બીમારીઓ સામે લડવાની તાકાતને નિયંત્રણમાં રાખે છે. તે શરીરને જરૂરિયાત કરતાં વધુ પ્રતિક્રિયા આપતા અને ભૂલથી પોતાની તંદુરસ્ત કોશિકા પર હુમલો કરતા અટકાવે છે.

જોકે, માટી અને ઝાડ-છોડના સંપર્કમાં રહેવાથી એક્ઝિમા, અસ્થમા અથવા ઍલર્જી જેવી બીમારીઓ પર કેટલી અસર પડે છે તે હજુ સ્પષ્ટ નથી.

ગ્રોનરુસ કહે છે, "હજુ આપણે એ કહી ન શકીએ કે પ્રકૃતિના સંપર્કમાં રહેનારી કોઈ વ્યક્તિને અસ્થમા નહીં થાય. પરંતુ એવું લાગે છે કે તેનાથી શરીરની બીમારીઓ સામે લડવાની તાકાતને લગતી સમસ્યાઓનું જોખમ ઘટી શકે છે."

મોટેરાં માટે પણ આ સંશોધન ફાયદાકારક

આ ફાયદા માત્ર બાળકોમાં જોવા મળ્યા છે એવું નથી. એક રિસર્ચમાં કેટલાક મોટી વયના લોકોને શિયાળા દરમિયાન ઘરમાં શાકભાજી ઉગાડવા કહેવામાં આવ્યું હતું.

કેટલાક લોકોને એવી માટી આપવામાં આવી, જેમાં અનેક પ્રકારના બૅક્ટેરિયા હતા.

બીજા લોકોને દેખાવમાં એવી જ માટી મળી, પરંતુ તેમાં બૅક્ટેરિયાના પ્રકાર બહુ ઓછા હતા. બધા લોકોએ એક મહિના સુધી છોડની સારસંભાળ રાખી અને તેમાં ઊગેલાં શાકભાજી ખાધાં.

જે લોકોએ અલગ-અલગ પ્રકારના બૅક્ટેરિયાની માટીમાં કામ કર્યું હતું, તેમની ત્વચા પર પણ અનેક પ્રકારના બૅક્ટેરિયા વધી ગયા.

તેમના લોહીમાં એવા 'સાઇટોકાઇન્સ' પણ વધ્યા જે શરીરમાં જરૂર કરતાં વધુ સોજો અટકાવવામાં મદદ કરે છે. પરંતુ બીજી માટીનો ઉપયોગ કરનારા લોકોમાં આવા ફેરફાર દેખાયા નહીં.

મીરા ગ્રોનરુસ કહે છે, "હું જ્યારે મારાં બાળકો સાથે બહાર જાઉં છું, અને તેઓ રસ્તામાં ફળ અથવા ઝાડની ડાળીઓ ઉઠાવે છે, ત્યારે હું તેમને ના નથી પાડતી. હું તેમને આ ચીજો ઘરે લાવીને રમવા પણ આપું છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન