You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓમાનના તટ પાસે જહાજ પર હુમલો, 11માંથી 10 ભારતીયોને સુરક્ષિત બચાવાયા
ભારતીય વિદેશ મંત્રાલયે રવિવારે ઓમાનના તટ પાસે વાણિજ્યિક જહાજ જીએફએસ ગૅલેક્સી પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે.
મંત્રાલયે જણાવ્યું કે જહાજ પર સવાર 11 ભારતીય નાગરિકોમાંથી 10ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક ભારતીય નાગરિક હજુ પણ ગુમ છે.
વિદેશ મંત્રાલય અનુસાર, "ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ આખા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે અને ઓમાની અધિકારીઓ સાથે સમન્વય સાથે ચાલી રહેલા બચાવ અભિયાનમાં સક્રિય રીતે સહયોગ કરી રહ્યું છે."
મંત્રાલયે આ અભિયાનમાં સહયોગ માટે ઓમાન સરકાર અને ત્યાંના અધિકારીઓનો આભાર માન્યો છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો પર સતત થઈ રહેલા હુમલા બહુ ચિંતાજનક છે. ભારતે ફરી એક વાર ક્ષેત્રમાં તણાવ ઓછા કરવા અને ચાલુ વાતચીતને કૂટનીતિક સમાધાન સુધી પહોંચાડવાની અપીલ કરી છે, જેથી શાંતિ અને સ્થિરતા સ્થાપી શકાય.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ) અનુસાર, સાઇપ્રસના ધ્વજવાળા કન્ટેનર જહાજ જીએફએસ ગૅલેક્સી પર હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સે હુમલો કર્યો છે.
સેન્ટકૉમે જણાવ્યું કે જહાજના એક અસૈનિક ચાલકદળ ગુમ છે. જહાજમાં આગ લાગવાથી અને એન્જિન રૂમમાં ભારે નુકસાન થવાને લીધે તે પોતાની સફર આગળ વધારી ન શક્યું.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો કે તેણે ઈરાનનાં અંદાજે 140 સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર (આઇઆરજીસી)નું કહેવું છે કે તેણે આગામી સૂચના સુધી રસ્તો બંધ કરી દીધો છે.
ઈરાનના સરકારી મીડિયા અનુસાર, આઇઆરજીસીએ કહ્યું કે જહાજ પર એટલા માટે હુમલો કરાયો કે તેણે પોતાની સિસ્ટમ બંધ કરી દીધી હતી અને નક્કી કરેલા રસ્તેથી ખસી ગયું હતું.
તો અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે આ અઠવાડિયે "ત્રીજી વાર"ના હુમલા કર્યા છે.
સેન્ટકૉમ અનુસાર, આઇઆરજીસીએ સાઇપ્રસના ધ્વજવાળા એક જહાજ પર "ખુલ્લેઆમ હુમલો" કર્યો હતો.
સેન્ટકૉમે કહ્યું કે એન્જિન રૂમમાં ભારે નુકસાન થવાને કારણે એમબી જીએફએસ ગેલેક્સી "પોતાની સફર ચાલુ ન રાખી શક્યું."
અમેરિકાના સંરક્ષણમંત્રી પીટ હેગસેથે પણ લખ્યું કે "ઈરાને ખોટો નિર્ણય લીધો. હવે તેને કિંમત ચૂકવવી પડશે."
તો આ બાજુ આઇઆરજીસીએ ધમકી આપી છે કે હોર્મુઝ સામુદ્રધુની બંધ કર્યા બાદ અમેરિકાની કોઈ પણ "આક્રમક કાર્યવાહી"નો "સખત જવાબ" અપાશે અને ક્ષેત્રમાં નવાં ઠેકાણાંને નિશાન બનાવાશે.
ઈરાને જૉર્ડન પર હુમલો કર્યો
તાજેતરમાં ઈરાનના દક્ષિણ તટ પર અનેક તટીય ઠેકાણાં અને સંચાર ટાવરોને અમેરિકાની સેના તરફથી થયેલા હુમલા બાદ ઈરાને જવાબી હુમલા કર્યા છે.
આઇઆરજીસી તરફથી કરેલા હુમલા બાદ ઈરાને દાવો કર્યો છે કે તેનાથી જૉર્ડનનાં પ્રિન્સ હસન ઍરબેસનાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર અને એમક્યુ-9 ડ્રોન હૅંગર તબાહ થઈ ગયાં છે.
આ હુમલા બાદ બહરીન અને સંયુક્ત આરબ અમીરાત સતર્ક થઈ ગયા છે. બીબીસી ફારસી સેવા અનુસાર, ગૃહ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં સાયરન વગાડ્યાં છે.
તો સંયુક્ત આરબ અમીરાતના ગૃહ મંત્રાલયે જાહેરાત કરી કે તે મિસાઇલ હુમલાના જોખમને નાથવાની વ્યવસ્થા કરી રહ્યું છે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ત્રણે વેપારી ટૅન્કરો પર એ સમયે હુમલો થયો, જ્યારે તે ઓમાન દરિયાઈ વિસ્તારથી અમેરિકા તરફથી નિર્દેશ કરેલા રસ્તેથી પસાર થવાનો પ્રયાસ કરતાં હતાં.
ઈરાન વારંવાર કહેતું આવ્યું છે કે તેના દરિયાઈ વિસ્તારમાંથી નીકળતો અલગ રસ્તો એકમાત્ર "સુરક્ષિત" માર્ગ છે.
આ ઘટનાઓ બાદ અમેરિકાએ અનેક હુમલા કર્યા છે. ઈરાની અધિકારીઓ અનુસાર, તેમાં 17 લોકોનાં મોત થયાં છે ને 115 લોકો ઘાયલ થયા છે.
તેના જવાબમાં ઈરાને ખાડી વિસ્તારમાં અમેરિકાના સહયોગી દેશો પર હુમલો કર્યા છે.
આ હુમલાઓથી તણાવ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાનના હુમલાઓનો અર્થ એ થયો કે યુદ્ધવિરામ પૂરું થઈ ગયું છે.
તો ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ અમેરિકા પર કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.
જોકે, ટ્રમ્પે જણાવ્યું હતું કે વાતચીત ચાલુ રહેશે અને મધ્યસ્થ વાતચીત પ્રક્રિયા ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
અમેરિકન મીડિયા અહેવાલો અનુસાર, ઈરાને અમેરિકન અધિકારીઓને કહ્યું કે ટૅન્કરો પરના હુમલા એક ભૂલ હતી અને તેના માટે પોતાના જ એક બેકાબૂ જૂથને દોષી ઠેરવ્યું છે.
અમેરિકન અધિકારીઓ કહે છે કે તેણે મધ્યસ્થીના માધ્યમથી ઈરાન સુધી તેની માગ પહોંચાડી છે.
અમેરિકા ઇચ્છે છે કે ઈરાન સાર્વજનિક રીતે જાહેર કરે કે આંતરરાષ્ટ્રીય શિપિંગ માટે મહત્ત્વપૂર્ણ હોર્મુઝ સામુદ્રદુની ખોલે અને વેપારી જહાજો પર હુમલા બંધ કરવાનું વચન આપે.
ઈરાને ડ્રોન ઉત્પાદન ત્રણ ગણું વધાર્યું
તો આ બાજુ ઈરાનના સંરક્ષણમંત્રી, બ્રિગેડિયર જનરલ માજિદ બિન રઝાએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલ સાથેના તાજેતરના યુદ્ધ દરમિયાન ઈરાનની ડ્રોન ઉત્પાદન ક્ષમતા ત્રણ ગણી વધી ગઈ છે.
સત્તાવાર સમાચાર એજન્સી આઇઆરએનએ અનુસાર, શનિવારે સાંસદો સાથેની બેઠક દરમિયાન ઇબ્ને અલ-રઝાએ ગયા વર્ષે ઇઝરાયલ સાથેના બાર દિવસના સંઘર્ષ અને આ વર્ષના અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધની ચર્ચા કરતા કહ્યું કે "દુશ્મન" 150 અગ્રણી ટૅક્નૉલૉજી કંપનીઓ અને અદ્યતન હથિયારો સાથે યુદ્ધના મેદાનમાં ઊતર્યો હતો.
પરંતુ સશસ્ત્ર દળોના સર્વોચ્ચ નેતાના માર્ગદર્શન અને જનતાના સમર્થનને કારણે તેની હાર થઈ.
તેમણે ઉમેર્યું કે યુદ્ધની ચરમસીમા પર પણ સંરક્ષણ ઉત્પાદન અવિરત ચાલુ રહ્યું છે.
ઈરાનની ડ્રોન ઉત્પાદન ક્ષમતા ત્રણ ગણી વધી ગઈ છે.
તેમણે કહ્યું કે યુદ્ધ દેશના સંરક્ષણ ટૅક્નૉલૉજી વિકાસ માટે એક પ્રેરણા હતું અને તેમણે દુશ્મનની નબળાઈઓને સચોટ રીતે ઓળખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન