અલી ખામેનેઈને મૃત્યુના 132 દિવસ પછી કેમ દફનાવાયા?

    • લેેખક, મસૂદ આઝર
    • પદ, બીબીસી ફારસી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના મૃતદેહને ગુરુવારે મશહદમાં હરમ ઇમામ રઝામાં દફનાવાયો. સાત દિવસ ચાલેલી તેમની અને તેમના પરિવારની અંતિમ વિધિ પૂરી થઈ, જેની શરૂઆત ત્રણ જુલાઈએ તહેરાનથી થઈ હતી.

અલી ખામેનેઈ 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલના ઈરાન પર થયેલા હુમલાના શરૂઆતમાં કલાકોમાં માર્યા ગયા હતા, જ્યારે તેમના ઘર અને ઑફિસના પરિસરને નિશાન બનાવ્યું હતું.

અલી ખામેનેઈના મોતના 125 દિવસ બાદ, એટલે ત્રણ જુલાઈની સવારે પહેલી વાર તેમનો અને તેમની સાથે માર્યા ગયેલા તેમના પરિવારના લોકોના તાબૂત તહેરાનમાં 'ઇમામ ખુમૈની મુસલ્લા'માં લોકો સામે લવાયા હતા.

125 દિવસ સુધી પૂર્વ સર્વોચ્ચ નેતાનો મૃતદેહ ક્યાં અને કેવી રીતે સુરક્ષિત રખાયો તેની ઈરાની અધિકારીઓએ હજુ સુધી કોઈ ખાસ માહિતી નથી આપી.

ઇમામ ખુમૈની મુસલ્લામાં રાખેલા પાંચ તાબૂત ઈરાની ધ્વજમાં લપેટેલા હતા, સામાન્ય તાબૂતથી ઊંચા હતા અને તેને કાચના ખાસ ઢાંચામાં રખાયા હતા.

સુરક્ષોનાં કારણો સહિત આ કાચનો ઢાંચો જોઈને લાગતું કે કદાચ તેમાં તાપમાન નિયંત્રિત રાખવાની પણ વ્યવસ્થા હતી.

ઈરાની અધિકારીઓએ અલી ખામેનેઈના મોતને કારણે થયેલી શારીરિક ઈજા અંગે કોઈ ખાસ માહિતી પણ આપી નથી. અધિકારીઓએ માત્ર એટલું કહ્યું કે પરિસરમાં થયેલા હુમલા બહુ તેજ હતા.

આ દરમિયાન પૂર્વ સર્વોચ્ચ નેતાના મોતની જાહેરાત, મૃતદેહના દફનમાં મોડું થયા બાદ સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઊઠી રહ્યા છે.

તેમજ આ સંબંધિત ઇસ્લામી અને ધાર્મિક નિયમોની પણ ચર્ચા થઈ રહી છે.

કદાચ એટલા માટે જ અલી ખામેનેઈની અંતિમવિધિથી કેટલાક દિવસ પહેલાં ઈરાની અધિકારીઓએ આ અંગે સ્પષ્ટતા આપી પડી હતી.

અંતિમવિધિની આયોજન સમિતિના પ્રવક્તા ઈમાન અત્તારઝાદેહે કહ્યું, "મૃતદેહને ધાર્મિક અને કાયદાકીય નિયમો પ્રમાણે પૂરા સન્માન અને સાવધાનીથી સુરક્ષિત રખાયો હતો. તેને ન દફન કરાયો, ન કોઈ જગ્યાએ અનામત રખાયો."

મૃતદેહનું સન્માન કરાય છે

અત્તારઝાદેહે આ "શરઈ નિયમો"ની વિસ્તૃત માહિતી નથી આપી, પણ તેમણે મુસલમાનોમાં પ્રચલિત અસ્થાયી દફનની એક રીત "વદીઅહ"નો ઉલ્લેખ કર્યો હતો.

સરળ શબ્દોએ કહીએ તો "વદીઅહ"નો અર્થ છે કે કોઈ વ્યક્તિ પોતાની કોઈ ચીજ સુરક્ષા માટે અન્ય કોઈ પાસે અનામત રાખી દે.

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં એ ચર્ચા થઈ રહી છે કે કોઈ મુસલમાનના મૃતદેહ અંગે શરઈ નિયમો શું કહે છે અને આવી સ્થિતિમાં ધાર્મિક આદેશ શું હોય છે.

ઇસ્લામી શિક્ષણ અનુસાર, જેવો કોઈ વ્યક્તિનો જીવ નીકળી જાય તો તેના મૃતદેહને સન્માનનો દરજ્જો મળે છે.

દફન થવા સુધી તેને સંબંધિત વિધિ અને પરંપરાઓનું પાલન કરાય છે. તેમાં કેટલીક પરંપરાઓ હદીસો અને ધાર્મિક શિક્ષણથી આવે છે, જ્યારે કેટલીક સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ સાથે જોડાયેલી હોય છે.

ઇસ્લામ ધર્મ મૃતદેહનાં સન્માન અને તેની ગરિમાની રક્ષા અંગે ખાસ સંવેદનશીલતા રાખે છે.

તેના કારણે જલદી દફનને પણ મૃતદેહના સન્માનનો ભાગ ગણવામાં આવે છે.

ધાર્મિક શોધકર્તા હસન ફરશ્તિયાને બીબીસી ફારસીને જણાવ્યું કે "શિયા સમુદાયમાં માણસના મૃતદેહને એટલું જ સન્માન અપાય છે, જેટલું એક જીવિત માણસને."

હસન ફરશ્યિયાન અનુસાર, મૃતદહેના સન્માનનાં કમસે કમ ત્રણ મુખ્ય કારણો છે.

પહેલું, સામાન્ય રીતે દરેક મરનાર વ્યક્તિનો પરિવાર અને સગાંસંબંધી હોય છે, અને મૃતદેહનું અપમાન તેમની લાગણીને ઠેસ પહોંચાડે છે.

બીજું, મૃતદેહનું સન્માન સામાજિક નૈતિકતાનો ભાગ પણ છે અને કોઈ પણ માણસના શરીરનું અપમાન તેના સામૂહિક સામાજિક મૂલ્યને નુકસાન પહોંચાડે છે.

ત્રીજું કારણ એ છે કે કોઈ પણ મરનાર વ્યક્તિ સાથે જોડાયેલી યાદો, નિશાનીઓ (જેમાં મૃતદેહ પણ સામેલ છે), તેની પાછળ રહી ગયેલા લોકો માટે સન્માન અને મહત્ત્વ રાખે છે.

શિયા અને સુન્ની સમુદાય શું વિચારે છે?

તેમણે વધુમાં કહ્યું કે ઇસ્લામી કાયદામાં મૃતદેહનાં અંગોને નુકસાન કરવા સંબંધિત ખાસ નિયમો પણ છે.

જે રીતે કોઈ જીવંત માણસને નુકસાન પહોંચાડવાનાં ધાર્મિક અને કાનૂની પરિણામો હોય છે, તેવી જ રીતે મૃતદેહના અંગને કાપવા અથવા નુકસાન પહોંચાડવા માટે નિયમો બનાવેલા છે.

તેનાથી ખબર પડે છે કે ઇસ્લામમાં મોત પછી પણ માનવ ગૌરવનો આદર કરવામાં આવે છે.

અલી ખામેનેઈના દફનમાં વિલંબ અંગે હસન ફરશ્તિયાન કહે છે, "જલદી દફન કરવું એ શરિત (ઇસ્લામિક કાયદો)ની ભારપૂર્વક કહેવાયેલી ભલામણોમાં સામેલ છે, પરંતુ શિયા સમુદાયમાં તે ફરજિયાત ધાર્મિક આદેશ નથી."

તેઓ સમજાવે છે કે શિયા સમુદાયમાં વહેલી દફનવિધિ સારી માનવામાં આવે છે, પરંતુ તે જરૂરી નથી. આનું એક કારણ મૃતકની ગરિમા અને સન્માનનું રક્ષણ કરવાનું છે.

તેનાથી વિપરીત કેટલાક સુન્ની વિદ્વાનો વહેલા દફનવિધિને વધુ મહત્ત્વ આપે છે. તેઓ માને છે કે જો શક્ય હોય તો મૃતદેહને મૃત્યુના દિવસે જ દફનાવી દેવો જોઈએ.

હસન ફરશ્તિયાન અનુસાર, ધાર્મિક ગ્રંથોમાં અપાયેલી ભલામણો માર્ગદર્શન માટે હોય છે અને તેનો હેતુ સમાજ અને જનસ્વાસ્થ્યની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવાનું હોય છે.

પહેલાંના સમયમાં મૃતદેહોને સુરક્ષિત રાખવાની આધુનિક સુવિધા નહોતી. આથી દફનમાં મોડું થવાતી જીવિત લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી શકતી હતી અને તેના કારણે જલદી દફન પર ભાર મુકાયો હતો.

હસન ફરશ્તિયાન અનુસાર, આજના સમયમાં ફોરેન્સિક તપાસ, પ્રશાસનિક પ્રક્રિયાઓ અને શોકસભાઓની તૈયારીઓને કારણે મોત અને દફન વચ્ચેનો સમય સામાન્ય રીતે એક દિવસથી વધુ થઈ જાય છે.

હાલમાં જ્યારે ઈરાની અધિકારીઓએ કુમમાં અલી ખામેનેઈની "વદીઅહ દફન" એટલે કે અનામત રીતે દફનાવ્યાના સમાચારોનું ખંડન કર્યું તો તેની દફનની રીત અંગે પણ સવાલો ઊઠ્યા.

હસન ફરિશ્તિયાન અનુસાર, શિયા પરંપારમાં એવું દફન પણ પ્રચલિત છે, જેમાં મૃતદેહને કેટલાક સમયે માટે એક જગ્યાએ દફનાવાય છે, બાદમાં તેને યોગ્ય સમયે યોગ્ય ઇચ્છિત સ્થાને લઈ જઈ શકાય.

તેમના અનુસાર, ઈરાનમાં ખાસ કરીને કાજારનો સમય અને પહલવીના શરૂઆતના સમય સુધી અનેક ધાર્મિક પરિવારો પોતાના સ્વજનોના મૃતદેહ કે તેના અવશેષ બાદમાં નઝફ કે કરબલા લઈ જવા માટે પ્રથમ અસ્થાયી રીતે દફનાવી દેતા હતા.

ઘણી વાર વરસો બાદ માનવ અવશેષોને કાઢીને તેને અંતિમ વિશ્રામસ્થળે પહોંચાડવામાં આવતા હતા.

તેઓ ઈરાની વિચારક અલી શરિઅતીનું ઉદાહરણ પણ આપે છે, જેમને શરૂઆતમાં સીરિયામાં ઝૈનબિયા વિસ્તારમાં અસ્થાયી રીતે દફનાવ્યા હતા.

તેમના અનુસાર, આજે પણ એવા મામલા સામે આવે છે, જેમાં મૃતકોની વસિયત કે પરિવારની ઇચ્છા બાદમાં બીજા સ્થાને લઈને જવાના ઈરાદાથી મૃતદેહને અનામત રીતે દફનાવાય છે.

અલી ખામેનેઈના મોત અને દફન વચ્ચે લાંબા ગાળા પર અલગ-અલગ પ્રતિક્રિયા સામે આવી છે.

હસન નસરલ્લાહનો મૃતદેહ પાંચ મહિના બાદ દફનાવાયો હતો

ઈરાન સામે યુદ્ધ અને બાદની સ્થિતિએ તેને પૂર્વ સર્વોચ્ચ નેતાની દફનવિધિએ માત્ર ધાર્મિક અને સામાજિક વિષય રહેવા દીધો નથી, પણ તેને રાજકીય, સુરક્ષા અને પ્રચાર સંબંધિત બાબતો સાથે પણ જોડી દીધો છે.

તેનું ઉદાહરણ હિઝબુલ્લાહના પૂર્વ મહાસચિવ હસન નસરલ્લાહના મૃતદેહના દફનનું છે.

હસન નસરલ્લાહ 27 સપ્ટેમ્બર, 2024માં માર્યા ગયા હતા અને તેમના જનાજાની નમાઝ અંદાજે પાંચ મહિના બાદ 23 ફેબ્રુઆરી, 2025એ પઢાઈ હતી.

એ સમયે અલગ-અલગ સ્રોતોએ જણાવ્યું હતું કે ઇઝરાયલ સાથેના યુદ્ધ અને નવા હુમલાની આશંકાને કારણે હિઝબુલ્લાહ સાર્વજનિક જનાજાનું આયોજન કરવાની સ્થિતિમાં નહોતું. માટે તેમના મૃતદેહને અસ્થાયી રીતે એક ગુપ્ત સ્થાને રાખવામાં આવ્યો હતો.

બાદમાં બેરુતમાં તેમની અંતિમવિધિ થઈ, જેમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. આ આયોજનને એક રાજકીય પ્રદર્શન અને હિઝબુલ્લાહના તાકતના પ્રતીક રૂપે પણ જોવાયું હતું.

હસન નસરલ્લાહ અને અલી ખામેનેઈ જેવા મામલા પર હસન ફરશ્તિયાનનું કહેવું છે કે ઇસ્લામી કાયદામાં એ નક્કી નથી કરાયું કે કોઈ મૃતદેહને કેટલા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે.

તેમના મતે, મોત અને દફન વચ્ચેનું અંતર કેટલાક કલાકો, કેટલાક દિવસો, કેટલાંક અઠવાડિયાં કે કેટલાક મહિના પણ હોઈ શકે છે. ધાર્મિક દૃષ્ટિએ સૌથી મહત્વનું મૃતદેહનું સન્માન અને તેની સારસંભાળના નિયમોનું પાલન કરવાનું હોય છે.

તેમનું માનવું છે કે આ રીતના ઘણા મામલાને દેશના કાયદા અને સામાજિક પરિસ્થિતિઓ પર છોડી દીધા છે.

આજે દુનિયાના અલગ-અલગ દેશોમાં, ખાસ કરીને સંદિગ્ધ મોતના કેસમાં, કોર્ટ અને ચિકિત્સકીય તપાસમાં અનેક દિવસો કે તેનાથી પણ વધુ સમય લાગી શકે છે. એ કારણે ઘણી વાર દફનને ઘણા દિવસો સુધી ટાળી દેવામાં આવે છે.

હસન ફરશ્તિયાન અનુસાર, મૃતદેહને સુરક્ષિત રાખવાની દરેક રીત અને ઉપલબ્ધ સુવિધા અનુસાર બદલાતી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન