સ્કૂલમાં હિજાબ પહેરવાની માગ પર અલાહાબાદ હાઇકોર્ટે આપ્યો આ ચુકાદો – ન્યૂઝ અપડેટ

અલાહાબાદ હાઇકોર્ટે સ્કૂલ યુનિફૉર્મ સાથે હિજાબ પહેરવાની પરવાનગી માગતી એક મુસ્લિમ વિદ્યાર્થિનીની અરજી ફગાવી દીધી છે.
લાઇવ-લૉ અનુસાર, કોર્ટે કહ્યું કે અરજીકર્તા યોગ્ય પ્રમાણ રજૂ નહીં કરી શક્યાં, જેને કારણે આ સાબિત થાય છે કે ઇસ્લામમાં હિજાબ પહેરવું એ જરૂરી ધાર્મિક પ્રથા નથી.
જસ્ટિસ જે. જે. મુનીર અને જસ્ટિસ ઇન્દ્રજીત શુક્લની ખંડપીઠે કહ્યું, "જો કોઈ શિક્ષણ સંસ્થાનો ડ્રેસ કોડ તમામ વિદ્યાર્થીઓ માટે સમાન, સદ્ભાવનાપૂર્ણ, ભેદભાવ રહિત, શિસ્ત અને સંસ્થાગત ઓળખ બનાવવાના ઉદ્દેશથી લાગુ કરવામાં આવ્યો છે, તો કોઈ વિદ્યાર્થી તેમાં ફેરફારની માગ પર ભાર નહીં મૂકી શકે."
કોર્ટે આ મામલે કર્ણાટક હાઇકોર્ટના વર્ષ 2022ના ચુકાદાનો ઉલ્લેખ કર્યો.
કર્ણાટક હાઇકોર્ટે કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ દ્વારા હિજાબ પહેરવું એ ઇસ્લામની જરૂરી ધાર્મિક પ્રથા નથી.
અલાહાબાદ હાઇકોર્ટે કર્ણાટક હાઇકોર્ટના એ ચુકાદાને ઘણો મહત્ત્વપૂર્ણ અને પ્રભાવશાળી ન્યાયિક આધાર ગણાવ્યો. જોકે, કોર્ટે એ પણ નોંધ્યું કે આ ચુકાદા પર સુપ્રીમ કોર્ટે એશત શિફા મામલે વિચાર કર્યો હતો, જેમાં તેની ખંડપીઠનો ચુકાદો વહેંચાયેલો હતો.
ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજની ખાનગી શાળાનાં એક વિદ્યાર્થિનીએ પોતાનાં માતા મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને નિર્ધારિત યુનિફૉર્મ સાથે હિજાબ પહેરવાની પરવાનગી માગી હતી. જોકે, હાઇકોર્ટે અરજીકર્તાની દલીલોને સ્વીકારી નહીં અને અરજી ફગાવી દીધી.
કર્ણાટકમાં ઍમેઝોન, ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટનાં ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ, આ છે કારણ –

ઇમેજ સ્રોત, Debarchan Chatterjee/NurPhoto via Getty Images
કર્ણાટક ફૂડ સેફ્ટી અને ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને ઍમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટનાં ફૂડ લાઇસન્સ સસ્પેન્ડ કરી દીધાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કારણ કે, આ ઇ-કૉમર્સ પ્લૅટફૉર્મ ધંતૂરાનાં બીજને ખાદ્ય ઉત્પાદનો તરીકે વેચી રહ્યાં હતાં.
હકીકતમાં, અધિકારીઓએ શોધ્યું હતું કે ઍમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટ પર ધંતૂરાનાં બીજ ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઈ) દ્વારા જારી કરાયેલા લાઇસન્સ નંબર સાથે વેચવામાં આવી રહ્યાં હતાં.
ત્યારબાદ ફૂડ સેફ્ટી કમિશનર કે. શ્રીનિવાસ દ્વારા જારી કરાયેલા આદેશમાં ઍમેઝોન, સ્વિગી ઇન્સ્ટામાર્ટ અને બિગ બાસ્કેટને ધંતૂરા સંબંધિત લિસ્ટિંગ અને જાહેરાતો દૂર કરવા માટે કહેવામાં આવ્યું છે.
આદેશમાં કહેવામાં આવ્યું છે, "ધંતૂરાના છોડનાં બીજ ઝેરીલાં હોય છે અને તેમના સેવનથી માનવ આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. આવા સામાનને ખાવા માટે અથવા માનવ ઉપયોગ માટે વેચાણ કરવું, વિતરણ કરવું, વેચાણ માટે પ્રદર્શિત કરવું અથવા ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા તેની જાહેરાત કરવી લોકોના આરોગ્યની દૃષ્ટિએ ગંભીર બાબત છે."
ઍમેઝોને સુનાવણી અધિકારી સમક્ષ જારી કરાયેલી નોટિસનો કોઈ જવાબ આપ્યો નહોતો. સ્વિગી ઇન્સ્ટામાર્ટે જવાબ આપવા માટે સમય માગ્યો હતો, જ્યારે બિગ બાસ્કેટે અધિકારીને જણાવ્યું હતું કે તેણે ધંતૂરાને ખાદ્ય વસ્તુ તરીકે વેચવાનું બંધ કરી દીધું છે.
બિગ બાસ્કેટે એ પણ જણાવ્યું કે તેમણે ધંતૂરાને 'માનવ સેવન માટે નહીં' તરીકે ચિહ્નિત કરેલી પ્રોડક્ટ તરીકે વર્ગીકૃત કરી દીધું છે.
અમેરિકાએ 47 વર્ષ બાદ 'આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો'ની યાદીમાંથી આ દેશને હઠાવ્યો

ઇમેજ સ્રોત, Jim WATSON / AFP via Getty Images
અમેરિકાએ 47 વર્ષ બાદ સીરિયાને 'આતંકવાદને પ્રોત્સાહન આપવાના દેશો'ની યાદીમાંથી હઠાવી દીધું છે.
અમેરિકાના પ્રશાસને જણાવ્યું કે આ નિર્ણયનો ઉદ્દેશ સીરિયામાં વિદેશની રોકાણના રસ્તાને આસાન બનાવવાનો અને દેશને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફરીથી સામેલ કરવાનો છે.
સીરિયાને હઠાવ્યા બાદ અમેરિકાની યાદીમાં હવે માત્ર ત્રણ દેશ બચ્યા છે. જે ઈરાન, ઉત્તર કોરિયા અને ક્યૂબા છે.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે આ નિર્ણય સીરિયાને આર્થિક સમૃદ્ધિની દિશા તરફ આગળ વધવાનો રસ્તો આપશે. તેને લઈને ગત વર્ષે જુલાઈમાં પ્રસ્તાવ મુકાયો હતો.
અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસેંટે પણ આ નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું, "આ પગલું સીરિયામાં વધારે રોકાણ લાવવામાં મદદરૂપ બનશે. જેનાથી રાજનીતિક અને આર્થિક સ્થિરતા મજબૂત થશે."
હાલમાં જ ટ્રમ્પ પ્રશાસને સીરિયાના નવા રાષ્ટ્રપતિ અહમદ અલ-શરા સાથે પણ સંપર્ક વધાર્યો છે. અલ-શહા પહેલા એક ઉગ્રવાદી સંગઠનના નેતા રહ્યા છે. તેમની સામે અમેરિકાએ એક સમયે ઇનામની ઘોષણા કરી હતી. તેઓ અલ-કાયદા સાથે જોડાયેલા એક સંગઠનનું નેતૃત્વ કરી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમેરિકાએ અહમદ અલ-શરાના નેતૃત્વ ધરાવતા ઇસ્લામી સંગઠન તહરીર અલ-શામને પોતાની 'આતંકવાદી સંગઠનોની યાદી'માંથી બહાર કરી દીધું હતું.
ગુરમીત રામ રહીમને 17મી વખત જેલ બહાર નીકળવાની મળી પરવાનગી

ઇમેજ સ્રોત, Shivam Saxena/Hindustan Times via Getty Images
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમસિંહને 21 દિવસની ફરલો મળી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા પ્રમાણે, સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી હતી.
ન્યૂઝ એજન્સી અનુસાર, ફરલોની અવધિ દરમિયાન રામરહીમ સિરસાસ્થિત પોતાના ડેરા મુખ્યાલયમાં જ રહેશે. આ 17મી વખત છે, જ્યારે રામ રહીમ જેલની બહાર આવશે.
રામ રહીમને ઑગસ્ટ 2017ના રોજ દુષ્કર્મ મામલે સજા સંભળાવાઈ હતી અને તેમને 20 વર્ષની જેલ થઈ હતી.
ગુરમીત રામ રહીમ હાલ હરિયાણાના રોહતકસ્થિત સુનારિયા જેલમાં બંધ છે. આ પહેલાં મેમાં તેમને 30 દિવસની પૅરોલ મળી હતી, જાન્યુઆરીમાં તેને 40 દિવસની પૅરોલ આપવામાં આવી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પની કૅનેડાને નવી ધમકી, ઑટો સેક્ટર પર 50% ટેરિફ લગાવવાની વાત કરી

ઇમેજ સ્રોત, Samuel Corum/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડાથી આયાત થતી કારો, ટ્રકો અને ઑટો પાર્ટ્સ પરનો ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા કરવાની ધમકી આપી છે.
ટ્રમ્પે સોમવારે કૅનેડાના ઑટો સેક્ટર પર ટેરિફ બમણો કરવાની વાત કરી. તેમનું કહેવું છે કે નવો ટેરિફ 1 જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવશે.
આ ધમકી એવા સમયે સામે આવી છે, જ્યારે અમેરિકા અને કૅનેડા વચ્ચે વેપાર સંબંધિત ચર્ચાઓ સમાપ્ત થઈ ગઈ છે અને બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ ટ્રમ્પની તાજેતરની ટેરિફ ધમકીને 'અનપેક્ષિત' ગણાવી નથી. તેમણે ટ્રમ્પ પર કૅનેડાના ઑટોમોબાઇલ ઉદ્યોગને ખતમ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો.
કાર્નીએ કહ્યું, "જો અમેરિકા યોગ્ય વલણ સાથે ફરીથી વાટાઘાટોના ટેબલ પર પાછું ફરે, તો કૅનેડા પણ ચર્ચાઓ ફરી શરૂ કરવા માટે તૈયાર છે."
અગાઉ થયેલી વાટાઘાટોને લઈને કૅનેડિયન અધિકારીઓનું કહેવું છે કે અમેરિકાએ ચર્ચાના અંતિમ તબક્કામાં એવી માંગણીઓ મૂકી હતી, જેને સ્વીકારવી શક્ય નહોતી.
તેમાં એક જોગવાઈ પણ સામેલ હતી, જેના હેઠળ કૅનેડા કયા દેશો સાથે વેપાર કરારો કરી શકે તેના પર મર્યાદાઓ મૂકવાની હતી.
બીજી તરફ, અમેરિકી અધિકારીઓએ તેના માટે કૅનેડાને જવાબદાર ઠેરવ્યું છે. યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ જૅમિસન ગ્રીયરે સોમવારે સીએનબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે કૅનેડાની તરફથી વધુ પડતી માંગણીઓ કરવામાં આવી હતી.
પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની હાજરીમાં ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું, 'દબાણ અને ધમકી દ્વારા...'

ઇમેજ સ્રોત, Iranian Presidency/Anadolu via Getty Image
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સોમવારે સાંજે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીર સાથે મુલાકાત કરી.
આ દરમિયાન તેમણે અમેરિકાને ઈરાન પ્રત્યે પોતાની ભાષા અને વલણ બદલવાની અપીલ કરી.
પેઝેશ્કિયાને જણાવ્યું કે દબાણ અને ધમકીના આધારે આગળ વધવાથી સમજૂતીઓના અમલીકરણની પ્રક્રિયા વધુ જટિલ બનશે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી આઈઆરએનએ મુજબ, તેમણે કહ્યું કે અમેરિકાએ 'કાયદા અને આંતરરાષ્ટ્રીય ધોરણો'ના આધારે ઈરાન પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાઓ અને ઇસ્લામાબાદ એમઓયુનું પાલન કરવું જોઈએ.
ઈરાનના રાષ્ટ્રપતિએ મધ્યસ્થતા માટે પાકિસ્તાનનો આભાર વ્યક્ત કર્યો.
તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચે સતત સહયોગથી ઇસ્લામાબાદ એમઓયુના હેતુઓ હાંસલ કરવામાં મદદ મળશે.
આ એમઓયુ જૂનમાં પાકિસ્તાનની મધ્યસ્થતા હેઠળ ઈરાન અને અમેરિકા વચ્ચે થયા હતા.
ઉલ્લેખનીય છે કે સોમવારે જનરલ આસિમ મુનીર સાથેની અલગ-અલગ બેઠકોમાં ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફ અને સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સચિવ મોહસિન રેઝાઈએ પણ આગ્રહ રાખ્યો કે અમેરિકા સમજૂતીનું પાલન કરે.
હોર્મુઝ સામુદ્રધુનીમાં ઑઇલ ટૅન્કર પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી હુમલો

ઇમેજ સ્રોત, Handout / ROYAL THAI NAVY / AFP via Getty Images
હોર્મુઝની સામુદ્રધુનીમાં એક ઑઇલ ટૅન્કર પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
બ્રિટિશ મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ ઑર્ગેનાઇઝેશન (યુકેએમટીઓ) મુજબ, હુમલા બાદ ટૅન્કરનું ઍન્જિન રૂમ ક્ષતિગ્રસ્ત થયું અને જહાજ અશક્ત બની ગયું.
યુકેએમટીઓને ટૅન્કરના કૅપ્ટને ઘટનાની જાણકારી આપી હતી. તેમના જણાવ્યા અનુસાર, આ ઘટના ઓમાનના જળક્ષેત્રમાં અલ-શિશા વિસ્તારથી આશરે 16 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં બની હતી.
સોમવારે સાંજે જાહેર કરાયેલા નિવેદનમાં યુકેએમટીઓએ જણાવ્યું કે ઑઇલ ટૅન્કરના કૅપ્ટને જહાજ અજ્ઞાત પ્રોજેક્ટાઇલની ચપેટમાં આવ્યાની માહિતી આપી હતી. જેના કારણે ઍન્જિન રૂમને નુકસાન પહોંચ્યું અને જહાજની અવરજવર બંધ થઈ ગઈ.
જોકે, જહાજના ક્રૂના તમામ સભ્યો સુરક્ષિત છે અને તેમની સ્થિતિ સામાન્ય હોવાનું જણાવાયું છે.
આ ઘટનાના એક દિવસ પહેલા પણ યુકેએમટીઓએ હોર્મુઝમાં વેપારી જહાજોની અવરજવર અંગે માહિતી આપી હતી.
યુકેએમટીઓ મુજબ, છેલ્લા 48 કલાક દરમિયાન આ સમુદ્રી માર્ગ પર વેપારી જહાજોની અવરજવરમાં ઘટાડો નોંધાયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















