મહિલા એશિયા કપ : શ્રીલંકાએ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું, ફાઇનલમાં ભારત સામે થશે મુકાબલો – ન્યૂઝ અપડેટ

મહિલા એશિયા કપ 2026ના ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાનો સામનો ભારતીય ટીમ સાથે થશે.

ઇમેજ સ્રોત, Sameera Peiris/Getty Images

ઇમેજ કૅપ્શન, મહિલા એશિયા કપ 2026ના ફાઇનલ મુકાબલામાં શ્રીલંકાનો સામનો ભારતીય ટીમ સાથે થશે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

શ્રીલંકાએ સતત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

દુબઈમાં શુક્રવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું. હવે ફાઇનલમાં શ્રીલંકાનો મુકાબલો ભારતીય મહિલા ટીમ સાથે થશે.

પાકિસ્તાને પહેલા બૅટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 130 રન બનાવ્યા. કપ્તાન ફાતિમા સનાએ 36 બૉલમાં 47 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ રમી. શવાલ જુલ્ફિકારે 24 અને ગુલ ફિરોઝાએ 21 રન બનાવ્યા.

શ્રીલંકા તરફથી કપ્તાન ચમારી અથાપટ્ટુ અને ચામુદી પ્રબોદાએ 2-2 વિકેટ લીધી, જ્યારે નીલાક્ષિકા અને સુગંધિકાને 1-1 સફળતા મળી.

લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી. ફાતિમા સનાએ એક જ ઓવરમાં બે વિકેટ લઈને શ્રીલંકા પર દબાણ ઊભું કરી દીધું.

ટીમે 40 રનની અંદર ચાર વિકેટ ગુમાવી દીધી. કવિશાએ 33 અને હર્ષિતાએ 36 રન બનાવ્યા. નીલાક્ષિકાએ 18 અને ઇમેશા દુલાનીએ 24 રનનું યોગદાન આપ્યું.

શ્રીલંકાએ 18.4 ઓવરમાં 6 વિકેટે 134 રન બનાવી મુકાબલો પોતાના નામે કર્યો. પાકિસ્તાન માટે ફાતિમા સનાએ 4 વિકેટ લીધી.

ભારત પહેલેથી જ ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે. તેણે પહેલી સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. ભારત અને શ્રીલંકા વચ્ચેની ફાઇનલ 13 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

સાઉદી અરેબિયાએ હુમલા બાદ ઇસ્ટ-વેસ્ટ ઑઇલ પાઇપલાઇન બંધ કરી, ઇરાકી ક્ષેત્રમાંથી થયો હુમલો

સાઉદી અરેબિયાએ હુમલા બાદ ઇસ્ટ-વેસ્ટ ઑઇલ પાઇપલાઇન બંધ કરી, ઇરાકી ક્ષેત્રમાંથી થયો હુમલો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Handout/Houthi Media Center via Getty Images

ઇમેજ કૅપ્શન, સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં અનેક લોકો ઘાયલ થયા છે અને પાઇપલાઇનને પણ નુકસાન પહોંચ્યું છે (પ્રતીકાત્મક તસવીર).
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાઉદી અરેબિયાએ શુક્રવારે જાહેરાત કરી કે તેણે સાવચેતીના ભાગરૂપે ઇસ્ટ-વેસ્ટ ઑઇલ પાઇપલાઇન બંધ કરી દીધી છે. આ જ પાઇપલાઇન પર ગુરુવારે અનેક ડ્રૉન હુમલાઓ થયા હતા.

સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં ઘણા લોકો ઘાયલ થયા છે અને પાઇપલાઇનને પણ નુકસાન થયું છે.

સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ)એ ઊર્જા મંત્રાલયના એક અધિકારીના હવાલાથી જણાવ્યું કે 10 સપ્ટેમ્બરની સવારે ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન પર અનેક હુમલાઓ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કોઈ મોટા નુકસાનને રોકવા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાઇપલાઇનને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવી હતી.

સાઉદી વિદેશ મંત્રાલયના અનુસાર, હુમલામાં માનવીય નુકસાન તો થયું જ છે, પરંતુ તેની સાથે થયેલા અન્ય નુકસાનની મરામત અને પુનઃસ્થાપનનું કામ પણ ચાલી રહ્યું છે.

મંત્રાલયે હુમલાની કડક નિંદા કરતાં જણાવ્યું કે પાઇપલાઇનને નિશાન બનાવનારા અનેક ડ્રૉનોનું પ્રક્ષેપણ ઇરાકી ક્ષેત્રમાંથી કરવામાં આવ્યું હતું.

જોકે, સાઉદી અરેબિયાનું કહેવું છે કે તે હાલ કોઈ જવાબી કાર્યવાહી કરશે નહીં.

સાઉદી વિદેશ મંત્રાલયે જણાવ્યું, "ઇરાકના વડા પ્રધાને સાઉદી અરેબિયાને અપીલ કરી છે કે ઇરાકી સરકારને પોતાના દેશમાંથી થતા આવા હુમલાઓને રોકવા માટે જરૂરી પગલાં ભરવાનો સમય આપવામાં આવે."

આ જ વિનંતીને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાએ હાલ જવાબી કાર્યવાહી ન કરવાનો અને ઇરાકી સરકારના પ્રયાસોને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

જોકે, સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની સંપ્રભુતા અને સુરક્ષાની રક્ષા માટે તમામ જરૂરી પગલાં ભરવાનો અધિકાર પોતાની પાસે રાખે છે.

નોંધનીય છે કે ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇન સાઉદી અરેબિયાની એક મહત્ત્વપૂર્ણ ઑઇલ પાઇપલાઇન છે. તે દેશના પૂર્વીય ભાગમાં આવેલાં તેલ ક્ષેત્રોને પશ્ચિમ કાંઠા સાથે જોડે છે. પાઇપલાઇન પર આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે સાઉદી અરેબિયા અને યમનના હૂતી બળવાખોરો વચ્ચે તણાવ વધ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન