પશ્ચિમ બંગાળ: વિધાનસભા સ્પીકરના આ નિર્ણય સામે ટીએમસી હાઇકોર્ટમાં પહોંચી - ન્યૂઝ અપડેટ

પશ્ચિમ બંગાળ, મમતા બેનરજી, હાઇકોર્ટ, વિધાનસભા

ઇમેજ સ્રોત, Samir Jana/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, પશ્ચિમ બંગાળ વિધાનસભાનું 18મું સત્ર 18 જૂનથી શરૂ થવાનું છે. (ફાઇલ ફોટો: મમતા બેનર્જી)
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)એ સોમવારે કલકત્તા હાઇકોર્ટમાં વિધાનસભાના સ્પીકરના તે નિર્ણયને પડકાર્યો હતો જેમાં તેમણે ટીએમસીમાંથી હાંકી કાઢવામાં આવેલા ઋતુબ્રત બેનરજીને વિપક્ષના નેતા માની લીધા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ટીએમસીના વકીલે કોર્ટ પાસેથી તાત્કાલિક સુનાવણી માટેની માંગ કરીને કહ્યું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાનું 18મું સત્ર 18 જૂનથી શરૂ થવા જઈ રહ્યું છે.

ન્યાયાધીશ કૃષ્ણ રાવે આ અરજીને 11 જૂનના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવા માટે નિર્દેશ કર્યો હતો. તેમણે અરજદારના વકીલને કહ્યું કે આ દરમિયાન તમામ પક્ષોને નોટિસ મોકલવામાં આવે.

અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આ કેસમાં વિધાનસભા અધ્યક્ષ મુખ્ય પક્ષકાર છે.

પીટીઆઈ અનુસાર, 80માંથી 58 ધારાસભ્યોએ વિપક્ષના નેતા પદ માટે ઋતબ્રત બેનરજીને ટેકો આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 207 બેઠકો જીતી હતી, જ્યારે ટીએમસીએ 80 બેઠકો મેળવી હતી. ત્યારથી, ટીએમસીમાં ભાગલા પડ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.

ભારતનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટો વિજય, અફઘાનિસ્તાનને 300 રનથી હરાવ્યું

ટેસ્ટ ક્રિકેટ, ભારતીય ટીમ, વિજય

ઇમેજ સ્રોત, Shammi MEHRA / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે.

ભારતીય ક્રિકેટ ટીમે સોમવારે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ટેસ્ટ મૅચમાં અફઘાનિસ્તાનને 300 રનથી હરાવ્યું છે

ઉલ્લેખનીય છે કે, ભારતે પહેલાં પોતાની પ્રથમ ઇનિંગ્સ 564/8 ના સ્કોર પર ડિકલેર (ઘોષિત) કરી દીધી હતી. આ સ્કોરના જવાબમાં અફઘાનિસ્તાન અનુક્રમે 152 અને 112 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમનો આ અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે.

ભારતનો આ પહેલાંનો સૌથી મોટો વિજય 2018માં રાજકોટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે એક ઇનિંગ્સ અને 272 રનથી થયો હતો.

ડેબ્યુ કરનારા માનવ સુથાર અને મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં એક-એક વિકેટ લીધી હતી. સુથારે અગાઉ અફઘાનિસ્તાનની પહેલી ઇનિંગમાં છ વિકેટ લીધી હતી, જેનાથી મૅચમાં તેની કુલ વિકેટ સાત થઈ ગઈ હતી.

ફિલિપાઇન્સમાં ભૂકંપથી ઓછામાં ઓછા 15 લોકોનાં મોત, 129 ઘાયલ

ફિલિપાઇન્સ ભૂકંપ

ઇમેજ સ્રોત, Getty Images

ફિલિપાઇન્સની સિવિલ ડિફેન્સ ઑફિસે જણાવ્યું છે કે દેશમાં આવેલા 7.8 ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 15 થઈ ગયો છે.

સ્થાનિક સિવિલ ડિફેન્સ ઑફિસના ડાયરેક્ટર રૉડ્રિગો સૉસ્મેનાના જણાવ્યા અનુસાર, 15માંથી 12 મૃત્યુ સોકસ્કસર્જેન પ્રદેશમાં થયા છે, જે ચાર પ્રાંત અને એક શહેરમાં ફેલાયેલો છે. તેમાં સાઉથ કોટાબેટો, સુલતાન કુદારાત, સારંગાની અને જનરલ સેન્ટોસ સિટી સામેલ છે.

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 129 લોકો ઘાયલ થયા છે.

ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વૉલ્કેનોલૉજી એન્ડ સિસ્મોલૉજીએ જણાવ્યું હતું કે મિંડાનાઓના છ વિસ્તારોમાં સુનામીનાં મોજાં ઊછળ્યાં હતાં.

આ મોજાં સ્થાનિક સમય મુજબ સવારે 7:42 થી 8:45 વાગ્યા વચ્ચે નોંધાયાં હતાં. સૌથી ઊંચાં મોજાં 1.4 મીટર (4.6 ફૂટ) હતાં.

ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વૉલ્કેનોલૉજી ઍન્ડ સિસ્મોલૉજીએ પણ અહેવાલ આપ્યો છે કે દક્ષિણ કિનારા પર આવેલા 7.8ની તીવ્રતાના ભૂકંપ પછી સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યા સુધીમાં 138 આફ્ટરશોક્સ નોંધાયા છે.

આ આંચકાઓની તીવ્રતા 1.3થી 6.7 સુધીની હતી.

ઇઝરાયલ પર ઈરાનના હુમલા પછી ક્રૂડ ઑઇલના ભાવમાં ઉછાળો

બીબીસી ગુજરાતી ઈરાન ઇઝરાયલ અમેરિકા ક્રૂડ ઑઇલ

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, અનિશ્ચિત યુદ્ધવિરામ પછી ક્રૂડ ઑઇલના ભાવમાં વારંવાર વધઘટ થાય છે.

ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઇલ હુમલા પછી ઇઝરાયલે જવાબી કાર્યવાહી કરી છે, જેના કારણે સોમવારે સવારે એશિયન બજારોમાં ક્રૂડઑઇલના ભાવોમાં ઉછાળો નોંધાયો છે.

એપ્રિલમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે એક નાજુક યુદ્ધવિરામની સમજૂતી થઈ હતી. ત્યાર પછી ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ હુમલા કર્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે.

ગ્લોબલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડઑઇલનો ભાવ 2.6 ટકા વધીને 95.50 ડૉલર પ્રતિ બૅરલ થયો હતો, જ્યારે અમેરિકન ક્રૂડઑઇલનો ભાવ 2.5 ટકા વધીને 92.75 ડૉલર પ્રતિ બૅરલ થયો હતો.

એપ્રિલમાં યુદ્ધવિરામની સમજૂતી થયા પછી ઈંધણના ભાવોમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગયા એક અઠવાડિયા દરમિયાન ઑઇલનો ભાવ લગભગ 95 ડૉલર પ્રતિ બૅરલની આસપાસ રહ્યો હતો.

ફિલિપાઇન્સમાં ભૂકંપ બાદ ઇન્ડોનેશિયામાં સુનામીનાં મોજાં ઊછળ્યાં, જાપાનમાં ઍલર્ટ

ફિલિપાઇન્સમાં ભૂકંપની એક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફિલિપાઇન્સમાં ભૂકંપની એક તસવીર

સ્થાનિક સમય મુજબ સવારે 7:37 વાગ્યે દક્ષિણ ફિલિપાઇન્સના દરિયાકાંઠે એક શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ અનેક આફ્ટરશોક્સ અનુભવાયા હતા.

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8ની હતી.

ફિલિપાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વૉલ્કેનોલૉજી ઍન્ડ સિસ્મોલૉજી અનુસાર, એ સિવાય અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 16 ભૂકંપના ઝટકા નોંધાયા છે, જેની તીવ્રતા 1.3થી 6.7 સુધીની છે.

દરમિયાન, ઇન્ડોનેશિયામાં સુનામીનાં મોજા પણ ઊછળ્યાં છે.

ઇન્ડોનેશિયાની એજન્સી બીએમકેજી અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે 7:20 વાગ્યે દેશના દરિયાકાંઠે ત્રણ સ્થળોએ સુનામીનાં મોજાં ઊછળ્યાં હતાં.

ફિલિપાઇન્સમાં ભૂકંપની એક તસવીર

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

બીએમકેજીએ જણાવ્યું હતું કે ઉત્તર માલુકુ પ્રાંતના કેડી, ઉલુ સિયાઉ અને મેલુંગુઆનમાં મોજાં જોવા મળ્યાં હતાં, મોજાંની ઊંચાઈ 0.09 મીટરથી 0.19 મીટર સુધીની હતી.

જાપાને પણ સુનામીની ચેતવણી પણ જાહેર કરી છે.

જાપાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યા સુધીમાં એક મીટર ઊંચાં સુનામીનાં મોજાં દેશના દક્ષિણ ઓકિનાવા ટાપુઓ અને પેસિફિક કિનારાના પ્રાંતો સુધી પહોંચી શકે છે.

વૈભવ સૂર્યવંશીના ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ વિશે એબી ડિવિલિયર્સે શું કહ્યું?

બીબીસી ગુજરાતી વૈભવ સૂર્યવંશી ક્રિકેટ ટૅસ્ટ એબી ડિવિલિયર્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીને ભારતની ટી-20 ટીમ માટે પસંદ કરવામાં આવ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સે ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનાં વખાણ કર્યાં છે. તેમણે કહ્યું કે વૈભવ ઇચ્છે તો રેડ બૉલ ક્રિકેટ રમી શકે છે.

એબી ડિવિલિયર્સે કહ્યું કે "તેઓ (વૈભવ) ઉત્તમ પ્રતિભાશાળી છે. મારું માનવું છે કે તેઓ ઇચ્છે તો રેડ બૉલ ક્રિકેટ પણ રમી શકે છે. સવાલ એ છે કે શું તેઓ ખરેખર એવું કરવા માગે છે."

તેમણે કહ્યું કે "તેમના રસ્તામાં કેટલાક પડકાર જરૂર આવશે, પરંતુ તેમની પાસે પ્રતિભા અને દક્ષતા છે, જેની મદદથી તેઓ તે પડકારોનો સામનો કરી શકે છે."

15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ભારતીય ટી-20 ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ ટીમ આયર્લૅન્ડ, ઇંગ્લૅન્ડ અને એશિયન ગેમ્સ 2026માં રમશે.

વૈભવે આ વર્ષે આઇપીએલમાં સૌથી વધુ 776 રન બનાવ્યા છે અને ઑરેન્જ કેપ પોતાના નામે કરી છે. તેમણે રાજસ્થાન રૉયલ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ટેસ્ટ ક્રિકેટ રમવા અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે "હું રેડ બૉલની ઘણી પ્રેક્ટિસ કરી ચૂક્યો છું અને પોતાના રાજ્ય માટે હું ઘણું રેડ બૉલ ક્રિકેટ રમ્યો પણ છું. મારે રેડ બૉલ રમવો છે, કારણ કે હું રેડ બૉલથી પ્રેક્ટિસ કરું છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન