ઇઝરાયલે ગાઝા મામલે ટ્રમ્પની 15 સૂત્રીય યોજના ફગાવી, નેતન્યાહૂએ બીજું શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

રવિવારે કૅબિનેટ બેઠકમાં નેતન્યાહૂએ કહ્યું, "ઇઝરાયલ 15 સૂત્રીય દસ્તાવેજને સ્વીકારતું નથી" (ફાઇલ ફોટો) ઇઝરાયલે ગાઝા મામલે ટ્રમ્પની 15 સૂત્રીય યોજના ફગાવી, નેતન્યાહૂએ બીજું શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, YEFIMOVICH / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, રવિવારે કૅબિનેટ બેઠકમાં નેતન્યાહૂએ કહ્યું, "ઇઝરાયલ 15 સૂત્રીય દસ્તાવેજને સ્વીકારતું નથી" (ફાઇલ ફોટો)
    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગાઝાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 15 સૂત્રીય યોજનાને ફગાવી દીધી છે.

તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી હમાસ સંપૂર્ણ અને વાસ્તવિક રીતે હથિયારો છોડી નહીં દે, ત્યાં સુધી ઇઝરાયેલી સેના ગાઝામાંથી પાછી નહીં ખેંચાય.

રવિવારે કૅબિનેટ બેઠકમાં નેતન્યાહૂએ કહ્યું, "ઇઝરાયલ 15 સૂત્રીય દસ્તાવેજને સ્વીકારતું નથી."

તેમણે કહ્યું કે "હમાસના સંપૂર્ણ નિશસ્ત્રીકરણ" સુધી ઇઝરાયેલી સેના પરત નહીં ફરે અને ઇઝરાયલ પોતાના સૈનિકો તથા નાગરિકો સામેના કોઈપણ જોખમને અટકાવશે.

ગયા મહિને ટ્રમ્પના 'બોર્ડ ઑફ પીસે' જણાવ્યું હતું કે ગાઝામાં હમાસ અને અન્ય સશસ્ત્ર સંગઠનોના "સંપૂર્ણ નિશસ્ત્રીકરણ" અંગે સમજૂતી થઈ છે.

જોકે, હમાસે કહ્યું હતું કે ભારે હથિયારો સોંપવાનો નિર્ણય ઇઝરાયલ તરફથી તમામ પ્રકારના હુમલા બંધ કરવા અને ગાઝામાંથી પોતાની સેના પાછી બોલાવવાના નિર્ણય પર નિર્ભર રહેશે.

નેતન્યાહૂએ કહ્યું કે હમાસે પહેલાં હથિયારો છોડી દેવા જોઈએ અને આ પ્રક્રિયા માત્ર કાગળ પર અથવા દેખાડા માટે ન હોવી જોઈએ.

તેમણે જણાવ્યું કે આ મુદ્દે અમેરિકન અધિકારીઓ સાથે ચર્ચા ચાલી રહી છે.

તેમના જણાવ્યા મુજબ, અમેરિકાની તરફથી કેટલાંક એવાં સૂચનો આપવામાં આવ્યાં છે જેને ઇઝરાયલ સ્વીકારી શકે છે, જ્યારે કેટલાક મુદ્દાઓ પર તે સહમત નથી.

ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનામાં "હમાસનું નિશસ્ત્રીકરણ", ઇઝરાયેલી સેનાને પરત બોલાવવી અને ગાઝાના પુનર્નિર્માણની યોજના સામેલ છે. આ માટે 'બોર્ડ ઑફ પીસ'ની રચનાનો પણ પ્રસ્તાવ છે, જે સમજૂતીના અમલ પર નજર રાખશે.

શ્રીલંકા સામેની બે ટેસ્ટમૅચની સિરીઝ માટે ભારતીય ટીમમાં અચાનક સામેલ થયા સરફરાઝ ખાન, આ છે કારણ

શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં અચાનક સામેલ થયા સરફરાઝ ખાન, આ છે કારણ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Abhishek Chinnappa/Getty Images

ઇમેજ કૅપ્શન, સરફરાઝ ખાન હવે કૉલંબોમાં ભારતીય ટીમ સાથે જોડાશે.

શ્રીલંકા સામે થનારી બે ટેસ્ટમૅચોની સિરીઝમાંથી ભારતીય બૅટ્સમૅન સાઈ સુદર્શન બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ સરફરાઝ ખાનનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બીસીસીઆઈએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે સાઈ સુદર્શન બૅંગ્લુરુસ્થિત બીસીસીઆઈ સેન્ટર ઑફ ઍક્સેલન્સમાં જમણા પગના અંગૂઠામાં સ્ટ્રેસ રિઍક્શનમાંથી સાજા થઈ રહ્યા છે. તેમની રિકવરીમાં સારી પ્રગતિ થઈ છે અને મેડિકલ ટીમ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

સરફરાઝ ખાન હવે કૉલંબોમાં ભારતીય ટીમ સાથે જોડાશે. ત્યારબાદ ટીમ પ્રથમ ટેસ્ટ માટે ગૉલ રવાના થશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ 15 ઑગસ્ટ, 2026થી રમાશે.

રવિવારે શ્રીલંકા-ઇલેવન સામે રમાયેલી વટર્મઅપ મૅચમાં ભારતે 6 વિકેટે જીત નોંધાવી હતી.

શ્રીલંકા ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ આ પ્રમાણે છે.

શુભમન ગિલ (કપ્તાન), કેએલ રાહુલ (ઉપકપ્તાન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુર્નૂર બ્રાર, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન, આકિબ નબી અને સરફરાઝ ખાન.

દાહોદ : વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં પથ્થરમારો, પોલીસે ટિયરગૅસ છોડી પરિસ્થિતિ કાબૂમાં લીધાનો કર્યો દાવો

બીબીસી ગુજરાતી દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં પથ્થરમારો થયાનો આરોપ, પોલીસે કહ્યું રાજકીય પક્ષના માણસોએ રસ્તો જામ કર્યા બાદ કાર્યવાહી કરી

ઇમેજ સ્રોત, Dakshesh Shah

ઇમેજ કૅપ્શન, દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં પથ્થરમારો થયાનો આરોપ, પોલીસે કહ્યું રાજકીય પક્ષના માણસોએ રસ્તો જામ કર્યા બાદ કાર્યવાહી કરી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રવિવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટે કઢાયેલી રેલી દરમિયાન દાહોદમાં મારામારી થઈ હોવાના અહેવાલ મળ્યા છે.

ગોધરા રોડ પર મુવાલિયા ચાર રસ્તા પર ઉજવણી દરમિયાન આ બબાલ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.

ઘટનામાં ડીજે અંગે પોલીસ સાથે ચર્ચા દરમિયાન લોકોએ પથ્થરમારો કર્યો હોવાનો આરોપ થઈ રહ્યો છે.

પથ્થરમારાની ઘટના બાદ પોલીસે ટીયરગૅસના શેલ છોડ્યા હતા, સમગ્ર ઘર્ષણમાં વાહનોને ભારે નુકસાન થયું હતું.

પરિણામે, સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો.

દાહોદના ડીવાયએસપી જેપી ભંડારીએ આ સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, "દાહોદના ગોધરા અને ઝાલોદ રોડ પર વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જરૂરી મંજૂરી મેળવી રેલી કઢાઈ હતી. રેલી પોતાના માર્ગ પ્રમાણે આગળ વધી રહી હતી, પરંતુ બપોરના બે વાગ્યાની આસપાસ મુવાલિયા ક્રૉસિંગ રોડ વિસ્તાર ખાતે આમ આદમી પાર્ટીના કેટલાક નેતા અને લોકોએ આવીને પોતાનાં ખાનગી વાહનો અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો."

"આ કારણે રસ્તા પર ઍમ્બુલન્સ અને સરકારી બસો ફસાઈ ગઈ હતી. અમારા અધિકારીઓ દ્વારા રસ્તો ક્લિયર કરવાના પ્રયાસ કરાયા હતા, પરંતુ અડધો કલાકની સમજાવટ છતાં તેઓ માન્યા નહીં અને હલ્લાબોલ કરી, તેથી પોલીસ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરી હતી અને લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા."

આ ઘટનાના પડઘારૂપે સ્થાનિક આદિવાસી સમુદાયે ડીજે પર પ્રતિબંધ મૂક્યો હતો.

હવે પોલીસે વીડિયો ફૂટેજને આધારે હુમલાખોરોની તપાસ હાથ ધરી છે.

જોકે, હજુ સુધી આ મામલે પોલીસે લગાવેલા આરોપો સામે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતૃત્વ કે અન્ય પક્ષકારો તરફથી કોઈ ખુલાસો રજૂ કરવામાં નથી આવ્યો.

પંચમહાલ જિલ્લાના પરિવારને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો, છનાં કરુણ મોત

મધ્યપ્રદેશમાં દાહોદના પરિવારને અકસ્માત નડ્યો, છનાં કરુણ મોત – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, DAXESH SHAH

મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના બદનાવર નજીક પંચકવાસા ગામમાં 'રોંગ સાઇડ'થી આવી રહેલા એક કન્ટેનરે મારુતિ ઇકૉ કારને ટક્કર મારતાં છ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં.

પ્રાપ્ત થઈ રહેલી માહિતી અનુસાર મૃત્યુ પામેલા તમામ લોકો ગુજરાતના હતા અને ઉજ્જૈન ખાતે મહાકાલ મંદિરેથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

ટક્કર એટલી ગંભીર હતી કે ઇકૉ કારમાં રહેલા છ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયાં હતાં. પોલીસે આપેલી જાણકારી પ્રમાણે, હાલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વધુ એક વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે, જેમની સ્થિતિ ગંભીર છે.

અકસ્માતની માહિતી મળતાં, બદનાવર પોલીસ અને વહીવટી સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

બીબીસી ગુજરાતી મધ્યપ્રદેશમાં દાહોદના પરિવારને અકસ્માત નડ્યો, છનાં કરુણ મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, મધ્ય પ્રદેશના ધારના અતિરિક્ત પોલીસ અધીક્ષકે અકસ્માતમાં પંચમહાલ જિલ્લાના એક પરિવારના છ સભ્યોનાં મૃત્યુની જાણકારી આપી

બદનાવર તહસીલદાર સુરેશ નાગર અને અધિકારી અમિતસિંહ કુશવાહ સહિત પોલીસ અને વહીવટી ટીમો રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ હતી.

ગ્રામજનોની મદદથી, મૃતકોને અકસ્માતગ્રસ્ત વાહનમાંથી બહાર કાઢવામાં આવ્યા.

હાલ, તમામ મૃતદેહોને બદનાવર સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

ધારના અતિરિક્ત પોલીસ અધીક્ષકે આ મામલે જાણકારી આપતાં કહ્યું કે, "પરિવાર પંચમહાલ જિલ્લાનો રહેવાસી હતો. પ્રાથમિક જાણકારી પ્રમાણે કન્ટેનરનો ડ્રાઇવર દારૂ પીધેલો હતો. તેની એમએલસી કરાવાશે. તેના પર યોગ્ય કલમો હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરાશે."

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સાથે મુલાકાત કરી

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ સાથે મુલાકાત કરી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Foad Ashtari/SOPA Images/LightRocket via Getty Images

ઇમેજ કૅપ્શન, મોજતબા ખામેનેઈ ઈરાનના ત્રીજા સર્વોચ્ચ નેતા ચૂંટાયા બાદ તેઓ સાર્વજનિક રીતે દેખાયા નથી.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળના ત્રીજા વર્ષની શરૂઆતમાં ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ સાથે મુલાકાત કરી છે.

ઈરાનના સર્વોચ્ચ નેતાની વેબસાઇટે આ મુલાકાતની જાણકારી આપી છે.

બીબીસી પર્શિયને સરકારી રિપોર્ટને ટાંકીને જણાવ્યું છે કે આ મુલાકાતમાં દેશની હાલની સમસ્યાઓ અને લોકોની રોજબરોજની જરૂરતોને પૂરી કરવા મામલે ચર્ચા થઈ હતી. તે ઉપરાંત યુદ્ધની હાલની સ્થિતિ અને આવનારા સમયના પડકારોની પણ વાત થઈ હતી.

બેઠક દરમિયાન સૈન્ય ક્ષેત્રમાં થઈ રહેલા ફેરફાર, દેશના નાણાકિય અને વિદેશી મુદ્રા સંશાધનો, ખર્ચાનું વ્યવસ્થાપન અને ઊર્જા સાથે જોડાયેલા મુદ્દા પર પણ ચર્ચા થઈ. તે સાથે જ બીજા દેશોની સાથે આર્થિક સંબંધને લઈને પણ વિચાર-વિમર્શ થયો.

મોજતબા ખામેનેઈ ઈરાનના ત્રીજા સર્વોચ્ચ નેતા ચૂંટાયા બાદ તેઓ સાર્વજનિક રીતે દેખાયા નથી. આ પહેલાં રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને કહ્યું હતું કે તેમણે મોજતબા ખામેનેઈની તેમના સર્વોચ્ચ નેતા બન્યા બાદ મુલાકાત કરી હતી.

'અમિત શાહના મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યો', રાહુલ ગાંધીએ આવું કેમ કહ્યું?

'અમિત શાહના મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યો', રાહુલ ગાંધીએ આવું કેમ કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહની નિંદા કરી છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે વિદ્યાર્થીની સ્થિતિને લઈને કેન્દ્ર સરકારની આલોચના કરી છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે દિલ્હીના રસ્તાઓ પર લાઠી અને પૅલેટ ગન ચલાવવામાં આવી એ ગુનાનો અમિત શાહે જવાબ આપવો જ પડશે.

તેમણે કહ્યું હતું કે, "વિદ્યાર્થીઓ આ દેશની રોશની છે. હું તેમની સાથે પૂરેપૂરી શક્તિથી ઊભો છું."

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું છે કે પ્રયાગરાજમાં એક વિદ્યાર્થીએ તેમને કહ્યું, "હવે મારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો."

રાહુલ ગાંધીએ કહ્યું, "વિદ્યાર્થીએ ઘણાં વર્ષો સુધી તૈયારી કરી, તેના પરિવારે જમીન વેચી, માતાપિતાએ કરજ કર્યું, પરંતુ છતાં તેને કંઈ મળ્યું નહીં. આ એક વિદ્યાર્થીની હાર નથી, પરંતુ એ વ્યવસ્થાની હાર છે, જેણે તેની મહેનતનું યોગ્ય પરિણામ નહીં આપ્યું."

રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહની પણ આ મામલે નિંદા કરી છે. તેમણે કહ્યું, "ઘટનાને 13 દિવસ થઈ ચૂક્યા છે. પરંતુ ગૃહમંત્રી અમિત શાહના મોઢામાંથી એક શબ્દ નથી નીકળ્યો. મોદી જી માફી માગવાની જગ્યાએ ક્ષમા વહેંચી રહ્યા છે."

તેમણે કહ્યું, "અમિત શાહ જી, એમ ન સમજશો કે અમે જવાબદારીની માગ બંધ કરી દઈશું. લાઠીઓ અને પૅલેટ ચલાવાઈ, તમે એક શબ્દ નથી બોલ્યા."

બારામતી ઍરપૉર્ટ પાસે એક વિમાન રન-વે પરથી લપસી ગયું, પછી શું થયું?

બારામતી ઍરપૉર્ટ પાસે એક વિમાન રન-વે પરથી લપસી ગયું,પછી શું થયું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

મહારાષ્ટ્રના પુણે જિલ્લાની બારામતી હવાઈ પટ્ટી પાસે રવિવારે એક ટ્રેનર વિમાન અકસ્માતનો શિકાર બની ગયું.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ પોલીસના હવાલેથી જણાવ્યું છે કે આ વિમાન એક ખાનગી કંપનીનું હતું, હાલ આ ઘટનામાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.

ન્યૂઝ એજન્સી આઈએએનએસના જણાવ્યા પ્રમાણે વિમાન વીટી-એસઈએક્સમાં કૅપ્ટન ચિરાગ શશિકાંત દોઇફોડે તથા કૅડેટ અભિજિત જાન્દ્રે સવાર હતા, બંને વિમાનમાં પ્રશિક્ષણનો અભ્યાસ કરી રહ્યા હતા.

વિમાનમાં સર્કિટ અને લૅન્ડિંગ ઇમર્જન્સી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન રન-વે 29 પર ઉતર્યા બાદ વિમાન રોકાયું નહીં, વિમાન રન-વેના અંતિમ ભાગથી પણ આગળ નીકળી ગયું.

પુણે ગ્રામીણ એસપી સંદીપસિંહ ગિલે જણાવ્યું, "વીટી-એસએએક્સ વિમાન એક પ્રશિક્ષણ અભ્યાસ દરમિયાન બારામતી ઍરફીલ્ડ પર રન-વેથી બહાર નીકળી ગયું, વિમાનમાં કૅપ્ટન ચિરાગ શશિકાંત દોઇફોડે અને કૅડેટ અભિજિત જાન્દ્રે સવાર હતા. આ ઘટનામાં કોઈના ઘાયલ હોવાની સૂચના નથી."

આ એ જ હવાઈ પટ્ટી છે, જ્યાં મહારાષ્ટ્રના તત્કાલિન ઉપમુખ્ય મંત્રી અજિત પવારનું નિધન થયું હતું.

ઈરાને અમેરિકા સામે મૂકી છ શરતો, હોર્મુઝને લઈને કડક સંકેત આપ્યા

ઈરાન, હોર્મુઝ સ્ટ્રેટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Stringer/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટના મામલામાં કડક વલણના સંકેત આપ્યા છે, જે અમેરિકા સાથે સમજૂતીને લઈને આશંકા ઊભી કરે છે (પ્રતીકાત્મક તસવીર)

ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મોહમ્મદ બગર જોલગાદ્રે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ત્યાર સુધી નહીં ખૂલે જ્યાં સુધી અમેરિકા તેની છ માગો નહીં માની લે.

બીબીસી પર્શિયન અનુસાર, આ માગમાં ઈરાન પર લાગેલા પ્રતિબંધોમાં ઢીલ, યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ, ઈરાની બંદરોની નોસૈનિક નાકાબંધી તરત હટાવવા, ઈરાન વિરુદ્ધ ધમકીઓ રોકવા અને દેશની જપ્ત સંપત્તિઓને મુક્ત કરવાની માગ સામેલ છે.

વિશ્લેષકો અનુસાર જોલગાદ્રે ઘણી હદ સુધી ઈરાનની પહેલાંની માગોને ઉચ્ચારી છે, પરંતુ આ વાતચીતમાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાનના કડક વલણના સંકેત મળે છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને ઓમાને હોર્મુઝથી જહાજોના પસાર થવા માટે નવી વ્યવસ્થા પર હાલની વાતચીતને "હકારાત્મક અને રચનાત્મક" ગણાવી છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું કે ઓમાન સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે, પરંતુ તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે સમજૂતી પર પહોંચવાનો મતલબ હોર્મુઝ સ્ટ્રેટનું તરત ખૂલવું નથી અને આ જળમાર્ગનું ફરીથી ખૂલવું "અન્ય શરતોને આધીન" છે.

આની પહેલાં સમાચાર સંસ્થા રૉઇટર્સે એક અમેરિકન અધિકારીને ટાંકતા કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન અને ઓમાન વચ્ચે વાતચીતમાં પ્રગતિ થઈ છે અને અમેરિકાને આશા છે કે જલ્દી જ એક સમજૂતી થઈ જશે.

અધિકારી અનુસાર, હોર્મુઝથી કૉમર્શિયલ જહાજો રોક-ટોક વિના પસાર થવાની ગૅરંટી આપતી સમજૂતીની ઘોષણા પછી અમેરિકા ઈરાની બંદરોની નાકાબંધી હટાવી લેશે.

અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો, IIT દિલ્હીના કાર્યક્રમમાં પીએમ મોદી સામે માથું નમાવવા કહેવામાં આવ્યું

અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો, આઈઆઈટી દિલ્હીના એક કાર્યક્રમમાં PM મોદી સમક્ષ નમન કરવાનું કહેવામાં આવ્યું

ઇમેજ સ્રોત, YT/@bjp

એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આઈઆઈટી દિલ્હીના કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરી દરમિયાન 'કેટલીક સૂચનાઓ' અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

શનિવારે આઈઆઈટી દિલ્હીના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પત્રકારો સાથે વાત કરતા ઓવૈસીએ આરોપ લગાવ્યો કે , "આઈઆઈટી દિલ્હીએ દીક્ષાંત સમારોહ માટે પીએમ મોદીને બોલાવ્યા હતા. પરંતુ મને દુઃખ છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંના વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે જ્યારે તેઓ પીએમને મળે ત્યારે તેઓએ કેટલી વાર ગરદન ઝુકાવવી જોઈએ."

ઓવૈસીએ આરોપ લગાવ્યો, "મીડિયાએ એવો પણ અહેવાલ આપ્યો છે કે વૈદિક મંત્રોનો પાઠ કરતી વખતે દરેક વ્યક્તિએ ઊભા રહેવું પડશે. ભારતના બંધારણમાં સ્પષ્ટપણે લખાયેલું છે કે સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ ધાર્મિક બાબતો શીખવી શકાતી નથી અથવા ન આવું કઈ કરી શકાય."

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભારતનું બંધારણ લોકોમાં વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન આપવાનું કહે છે, પરંતુ આ તેનાથી વિપરીત હતું.

પીએમ મોદીએ આઈઆઈટી દિલ્હીમાં પોતાના ભાષણ દરમિયાન બાબા બાગેશ્વરનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના પર અન્ય લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું, "...આ કાર્યક્રમમાં બધા વિદ્યાર્થીઓ હાજર છે, પરંતુ તેમના મનના કોઈ ખૂણામાં કંઈક બીજું જ ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર નથી, પણ કંઈક તો ચાલી રહ્યું હશે."

કેનેડાના જંગલમાં લાગેલી આગનું કદ બમણું થયું, હજારો લોકોએ ઘર છોડ્યા

કેનેડાના જંગલમાં લાગેલી આગનું કદ બમણું થયું, હજારો લોકોએ ઘર છોડ્યા

ઇમેજ સ્રોત, Reuters

પશ્ચિમ કેનેડાના એક અંતરિયાળ વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહેલી જંગલની આગનું કદ હવે બમણું થઈ ગયું છે, જેના કારણે હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.

બીસી વાઇલ્ડફાયર સર્વિસ અનુસાર, બાલ્ડ રેન્જની આગ હવે બ્રિટિશ કોલંબિયાના સમરલેન્ડ અને ઓકાનાગન-સિમિલકામીન જિલ્લામાં 95 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે.

ઓકાનાગન-સિમિલકામીન પ્રાદેશિક જિલ્લાના ઇમરજન્સી સેવા અધિકારી એરિક થૉમ્પસનએ જણાવ્યું હતું કે તેમણે આટલી ઝડપથી અને આટલા મોટા વિસ્તારમાં ફેલાયેલી આગ મેં ક્યારેય જોઈ નથી.

સ્થાનિક સમય મુજબ શનિવારે સવાર સુધી આ વિસ્તારમાં લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો.

લગભગ 12 હજાર જેટલી વસ્તી ધરાવતા સમરલેન્ડ જિલ્લાને ખાલી કરાવવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ શનિવારે સવારે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે.

આસપાસના ઓકાનાગન, પીચલેન્ડ અને ઓકાનાગન-સિમિલકામીન જિલ્લાઓએ પણ કેટલાક વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાના આદેશો જાહેર કર્યા છે.

કેટલાક અન્ય વિસ્તારોમાં, લોકોને તેમના ઘર ખાલી કરવાની શક્યતા માટે તૈયાર રહેવા ચેતવણી આપવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન