You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યાસ્તિકા ભાટિયા : 'મને સપના જેવું લાગે છે', વડોદરાનાં મહિલા ક્રિકેટરે સૌથી પ્રતિષ્ઠિત મેદાન લૉર્ડ્ઝમાં શું કમાલ કરી?
ભારતીય મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયા લૉર્ડ્ઝમાં ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર બની ગયાં છે.
ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં ભારતે જીત માટે 457 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ત્રીજા દિવસનો ખેલ ખતમ થવા સુધી ઇંગ્લૅન્ડની ટીમ 6 વિકેટ પર 130 કરીને સંઘર્ષ કરી રહી હતી.
મૅચના અંતિમ દિવસે ઇંગ્લૅન્ડને જીત માટે હજુ પણ 300થી વધુ રન જોઈએ છે અને માત્ર ચાર વિકેટ બાકી છે.
ભારતે પોતાનો બીજો દાવ 7 વિકેટ પર 341 રન કરીને ડિકલેર કર્યો હતો. ભારતીય ઇનિંગમાં યાસ્તિકાનું સદી ખાસ રહી.
લૉર્ડ્ઝમાં આ પહેલી મહિલા ટેસ્ટ છે. આ મેદાનમાં પ્રથમ પુરુષોની ટેસ્ટ 142 વર્ષ પહેલાં રમાઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 150 ટેસ્ટ થઈ ચૂકી છે. પણ મહિલા ટેસ્ટ હજુ સુધી રમાઈ નહોતી.
જો ઇંગ્લૅન્ડે જીતવું હશે તો તેણે રેકૉર્ડ કરવો પડશે. મહિલા ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ઇનિંગમાં સૌથી મોટો લક્ષ્યાંક 198 રનનો છે. ઑસ્ટ્રેલિયાએ 2011માં સિડનીમાં ઇંગ્લૅન્ડ સામે આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.
વડોદરાનાં યાસ્તિકાની શાનદાર સદી
રવિવારે જ્યારે આસ્તિકાએ રમવાની શરૂઆત કરી તો તેઓ 39 રને નૉટઆઉટ હતાં. જ્યારે ઇંગ્લિશ બૉલર લૉરેન બેલનો બૉલ તેમના બેટના અંદરના ભાગે અડીને સ્ટમ્પ સાથે અથડાયો, પણ બેલ્સ ન પડ્યાં. આથી તેઓ આઉટ ન થયાં.
આ જીવતદાનનો યાસ્તિકાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેમણે 86 બૉલમાં તેમની અર્ધ સદી પૂરી કરી અને છ ચોગ્ગા માર્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લંચ સુધી તેઓ 91 રને અણનમ હતાં. એ સમયે ભારતનો સ્કોર બીજી ઇનિંગમાં 4 વિકેટે 250 હતો. તેની કુલ સરસાઈ 365 રનની થઈ ગઈ હતી.
25 વર્ષીય યાસ્તિકાએ લંચ બાદ પહેલી ઓવરમાં પોતાની સદી પૂરી કરી નાખી.
તેમણે 145 બૉલ રમીને આ માઇલસ્ટોન હાંસલ કર્યો. આ દરમિયાન તેમણે 12 ચોગ્ગા માર્યા.
વડોદરાનાં યાસ્તિકા એ ભારતીય ખેલાડીઓની સૂચિમાં સામેલ થઈ ગયાં, જેમણે લૉર્ડ્ઝ ટેસ્ટમાં સદી ફટકારી હોય. આ સૂચિમાં વીનુ માંકડ, દિલીપ વેંગસરકર, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને કે.એલ. રાહુલ જેવા દિગ્ગજો સામેલ છે.
રવિવારે મૅચના ત્રીજા દિવસે યાસ્તિકા ભાટિયાએ 158 બૉલમાં 113 રન બનાવ્યા હતા. તેઓ સોફી ઍક્લેસ્ટોનની ઓવરમાં મોટો શૉટ રમવા જતાં ઍક્સ્ટ્રા કવરમાં કૅચ આપી બેઠાં.
પેવેલિયન ફરતી વખતે ઇંગ્લૅન્ડનાં અનેક ખેલાડીઓએ તેમને અભિનંદન આપ્યાં. મેદાનમાં હાજર દર્શકો અને એમસીસી સભ્યોએ તેમનું ઊભા થઈને સ્વાગત કર્યું.
યાસ્તિકાએ કહ્યું કે 'મને સપના જેવું લાગી રહ્યું છે'
પોતાની ઇનિંગ બાદ યાસ્તિકાએ કહ્યું કે "મારું ગત એક વર્ષ ઘણું કપરું હતું, વર્લ્ડકપ ઘરઆંગણે રમાવવાનો હતો અને તેમાં રમવાનું તમામ લોકોનું સપનું હોય છે અને તેના પહેલાં મને ઈજા થઈ ગઈ, પછી મહિલા પ્રીમિયર લીગ પણ ચૂકી ગઈ, માટે આ તબક્કો મારા માટે ઘણો કપરો હતો. આ સમયમાં મને મારી ટીમનો અને મારા પરિવારનો સહારો મળ્યો હતો."
"છ મહિના પહેલાં મને કોઈ પૂછતું કે આ રીતે તમારું નામ લૉર્ડ્ઝના ઑનર્સ બોર્ડ પર આવશે તો હું તેમની વાત પર વિશ્વાસ ન કરતી. આ મને સપના જેવું લાગી રહ્યું છે. મેં સદી ફટકારીને ભારતના ધ્વજને ચુંબન કર્યું, તે મારા માટે ઘણો ગૌરવવાન પળ હતી. મારે ભારત માટે હજુ ઘણું કરવાનું છે, દેશની ઘણી જીત અપાવાની છે."
તેમણે વધુમાં કહ્યું કે "મારા માટે વિશેષ ક્ષણ હતી કે મારા 100 રન લૉર્ડ્ઝ પર થયા. આપણે આટલી સારી સ્થિતિમાં ટેસ્ટમૅચને લઈ ગયા. થોડીક ભાવુક કરનારી પણ પળ હતી, મેં જ્યારે હેલ્મેટ ઉતાર્યું અને આ રીતે સેલિબ્રેશન કર્યું. મને મારા પરિવારના ચહેરા યાદ આવી રહ્યા હતા અને જે એક વર્ષ મારું પસાર થયું હતું તે યાદ આવી ગયું."
યાસ્તિકાએ સ્મૃતિ મંધાનાને ક્રૅડિટ આપી
યાસ્તિકાએ ઘૂંટણની ઈજા બાદ જોરદાર વાપસી કરી છે. તેનું શ્રેય તેમણે સ્મૃતિ મંધાનાને આપ્યું. વર્ષ 2017માં મંધાનાને પણ આવી ઈજા થઈ હતી. તેમના અનુભવે યાસ્તિકાને ફાયદો થયો.
લૉર્ડ્ઝમાં ત્રીજા દિવસે ખેલ ખતમ થવા પર તેમણે કહ્યું, "ઈજા થયા બાદ મેં તેની સાથે વાત કરી. તેમણે મારી સામે જોયું અને કહ્યું કે આ તમારી કારકિર્દીનો ટર્નિંગ પૉઇન્ટ સાબિત થશે."
તેમણે જણાવ્યું કે સ્મૃતિએ આ દરમિયાન તેમનું મનોબળ જાળવી રાખ્યું અને કહ્યું કે રીહૈબ અને ક્રિકેટથી ઘણું શીખવા મળશે અને આ સમયનો મેં યોગ્ય રીતે ઉપયોગ કર્યો તો હું ઘણું બધું હાંસલ કરી શકું છું.
ભારતની બીજી ઇનિંગમાં સ્મૃતિ અને યાસ્તિકાએ 73 રનની ભાગીદારી કરી. મંધાનાએ 70 રન બનાવ્યા.
યાસ્તિકા ભાટિયાએ અત્યાર સુધીમાં ચાર ટેસ્ટની સાત ઇનિંગમાં 223 રન કર્યા છે, જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 113 રન છે. તેમણે વન-ડે મૅચમાં 24.67ની સરેરાશથી 666 રન કર્યા છે. વન-ડેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 64 રન છે.
તેમણે 26 ટી20 ઇન્ટરનૅશનલ મૅચોમાં 19.68ની સરેરાશથી 374 રન કર્યા છે. ટી20માં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 54 છે.
ક્રિકઇન્ફ્રો અનુસાર, યાસ્તિકા ભાટિયાએ આઠ વર્ષની વયે વડોદરાના યૂથ સર્વિસ સેન્ટરમાં પ્રવેશ લીધો હતો. તેમની રમત કુદરતી છે. તેમના કોચ સંતોષ ચૌગુલેએ તેમની ટેકનિક અને મૂળભૂત બાબતોને સુધારવામાં ઘણી મદદ કરી છે.
માત્ર 11 વર્ષની વયે બરોડા અન્ડર-19માં રમવા માટે તેમની પસંદગી થઈ હતી. એ પછી તેઓ બરોડાની સિનિયર ટીમમાં પણ સામેલ થયાં હતાં.
ક્રિકેટ જગતની હસ્તીઓએ વખાણ કર્યાં
યાસ્તિકાની આ શાનદાર ઇનિંગ બાદ અનેક ક્રિકેટરો અને નિષ્ણાતો તેમનાં વખાણ કરી રહ્યા છે.
પૂર્વ ક્રિકેટર શિખર ધવને ઍક્સ પર લખ્યું, "યાસ્તિકા, આ યાદગાર ઇનિંગ માટે તમને ખૂબ અભિનંદન. આશા છે, આગળ પણ તમારા બેટથી આવી અનેક શાનદાર ઇનિંગ જોવા મળશે."
પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર ઇયાન બિશપે લખ્યું, "યાસ્તિકા ભાટિયાએ શાનદાર સિદ્ધિ મેળવી છે. તેમણે પોતાની કારકિર્દીની પ્રથમ સદી મારી. એ પણ ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત મેદાન લૉર્ડ્ઝમાં. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તેમની પ્રથમ સદી છે. આ ટેસ્ટમાં તેમની બેટિંગ શાનદાર રહી. આ મૅચ એક સદીની હકદાર હતી. અને યાસ્તિકાએ તેને યાદગાર બનાવી દીધી."
કૉમેન્ટેટર હર્ષા ભોગલેએ આ મૅચના અત્યાર સુધીના પ્રદર્શન પર લખ્યું, "જેવી ક્રિકેટ તાકાતનો ખેલ ન બની રહે, કૌશલ્ય અને ટેકનિકનો ખેલ બની જાય, ત્યારે ભારતીય મહિલા ટીમ એકદમ અલગ દેખાય છે. આ ટેસ્ટ મૅચમાં ભારતીય ખેલાડીઓએ દરેક વિભાગમાં પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું છે. તેણે ઇંગ્લૅન્ડ પર સંપૂર્ણ હાવી થઈને રમત રમી."
ભૂતપૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર રવિ શાસ્ત્રીએ લખ્યું, "યાસ્તિકા, ક્રાંતિ... તમે બંનેએ કમાલ કરી. ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત મેદાન લૉર્ડ્ઝના ઑનર્સ બોર્ડમાં આપનું સ્વાગત છે. આ સિદ્ધિ જીવનભર તમારી સાથે રહેશે. દરેક ભારતીય મહિલા ક્રિકેટર જે મોટાં સપનાં જુએ છે, તેમના માટે આ ક્ષણ પ્રેરણા બનશે."
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ યાસ્તિકાને અભિનંદન આપતાં લખ્યું, "એક સપનું લઈને મેદાનમાં પ્રવેશી અને ઇતિહાસ રચીને પાછી આવી. જુઓ, યાસ્તિકા ભાટિયાની ખાસ ક્ષણ, જ્યારે તેઓ લૉર્ડ્ઝમાં મહિલા ટેસ્ટ ક્રિકેટની પ્રથમ શતકવીર બની."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન