You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇથેનોલવાળા પેટ્રોલથી 'કાર ખરાબ થઈ', હવે માલિકને નવી કાર આપવાનો આદેશ
- લેેખક, આલોક પુતુલ
- પદ, બીબીસી માટે, રાયપુરથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ઇથેનોલ-મિશ્રિત E20 પેટ્રોલ અંગે દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે, છત્તીસગઢની રાજધાની રાયપુરના જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.
ગ્રાહકની ફરિયાદ બાદ કમિશને મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડને 45 દિવસની અંદર ફરિયાદીને એ જ મૉડલની નવી E20 ફ્યૂઅલ પાવર્ડ કાર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
જો કંપની આમ કરવામાં નિષ્ફળ જાય, તો તેણે વાહનની કુલ કિંમત 20.50 લાખ પરત કરવી પડશે.
આ ઉપરાંત, કમિશને માનસિક ત્રાસ માટે 1 લાખ રૂપિયા અને કેસ લડવાના ખર્ચ તરીકે 10 હજાર રૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે.
જ્યાંથી કાર ખરીદવામાં આવી હતી એ મારુતિ સુઝુકી ડીલરશિપે દલીલ કરી છે કે ફરિયાદીના વાહનમાં ખામી બાહ્ય પરિબળોને કારણે હતી, જે કોઈપણ સંજોગોમાં વૉરંટી હેઠળ આવરી લેવામાં આવતી નથી.
લૅબોરેટરીમાં તપાસ કરાવી તો શું સામે આવ્યું?
આ મામલો રાયપુરના રહેવાસી ડૉ. પ્રેમરાજ દેબ્તાનો છે. તેમણે જૂન 2024માં મારુતિની ગ્રાન્ડ વિટારા આઈઈ સ્ટ્રૉંગ હાઇબ્રિડ ઝેટા પ્લસ એસયુવી ખરીદી હતી. જોકે, આ વાહનનું ઉત્પાદન જાન્યુઆરી 2023માં થયું હતું.
વાહનમાં વારંવાર ટૅક્નિકલ સમસ્યાઓ થતી હતી. આથી, તેમણે રાયપુરમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ નોંધાવી હતી.
ડૉ. પ્રેમરાજ દેબ્તાએ બીબીસી હિંદીને જણાવ્યું હતું કે, "એક વાર સાંજે હું મારા ક્લિનિકમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યારે મારી કાર અચાનક બંધ પડી ગઈ. હું તેને કંપનીના સર્વિસ સેન્ટર પર લઈ ગયો. ત્યાં મને કહેવામાં આવ્યું કે પેટ્રોલમાં ભેળસેળ છે. આવું ઘણી વખત બન્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ત્યારપછી અમે તેનું સરકારી લૅબોરેટરીમાં જ પરીક્ષણ કરાવ્યું અને જાણવા મળ્યું કે સફેદ દહીં જેવો જમા થયેલો પદાર્થ ખરેખર ઇથેનોલ હતો."
ડૉક્ટરનો દાવો છે કે જ્યારે પરીક્ષણ રિપોર્ટના આધારે ડીલરને ફરિયાદ કરવામાં આવી હતી, ત્યારે ડીલરે જવાબદારી લેવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે આ ખામી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલને કારણે થઈ છે.
ત્યારબાદ તેમણે ગ્રાહક આયોગમાં ફરિયાદ નોંધાવી.
ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે ખરીદી સમયે તેમને જાણ કરવામાં આવી ન હતી કે કારનું ઍન્જિન ઇ20 પેટ્રોલ માટે સંપૂર્ણપણે સક્ષમ નથી.
તેમણે દલીલ કરી હતી કે જો વાહન ઇ20 ઈંધણનો ઉપયોગ કરવા સક્ષમ ન હોય અથવા તેના ઉપયોગ માટે કોઈ ખાસ સાવચેતી જરૂરી હોય, તો વેચાણ સમયે આ સ્પષ્ટપણે જણાવવું જોઈતું હતું.
આ કેસમાં વાહનના ડીલર નૅક્સા મૅગ્નેટો સ્કાય ઑટોમોબાઇલ્સ અને વાહન ઉત્પાદક મારુતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા.
તમામ પક્ષકારોની દલીલો અને ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચે તેના આદેશમાં જણાવ્યું હતું કે, "3 જૂન, 2024 ના રોજ ડૉ. પ્રેમરાજ દેબ્તા દ્વારા ખરીદાયેલ વાહનનું ઍન્જિન 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર ચલાવવા માટે યોગ્ય નથી."
ગ્રાહક તકરાર નિવારણ પંચે શું ચુકાદો આપ્યો?
કમિશને એ પણ ધ્યાનમાં લીધું હતું કે વાહન જાન્યુઆરી 2023માં બનાવવામાં આવ્યું હતું અને તેનું ઍન્જિન ઇ20 પેટ્રોલથી ચાલી શકવા સક્ષમ નહોતું.
કમિશને તેના આદેશમાં જણાવ્યું હતું કે ફરિયાદીએ વારંવાર પેટ્રોલ બદલીને, પેટ્રોલ ટૅન્કની સફાઈ કરાવીને અને નવું પેટ્રોલ નાખીને કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પણ કાર વારંવાર બંધ થઈ જતી હતી.
સતત ટૅક્નિકલ ખરાબીને કારણે કારને વારંવાર સર્વિસ સેન્ટર લઈ જવી પડતી હતી.
કમિશને પોતાના નિર્ણયમાં એમ પણ જણાવ્યું હતું કે આધુનિક વાહનોમાં ઈંધણની ગુણવત્તા અને અનુકૂળતા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે.
જો ઉત્પાદક અથવા વિક્રેતા વાહનની ઈંધણ સુસંગતતા અને સંબંધિત તથ્યો વિશે ગ્રાહકને સ્પષ્ટ રીતે જાણ કરવામાં નિષ્ફળ જાય, અને આ કારણોસર વાહનમાં ટૅક્નિકલ ખરાબી સર્જાય, તો તેને સેવામાં ખામી ગણવામાં આવશે.
કમિશને મારુતિ સુઝુકીને ફરિયાદીની ખામીયુક્ત કાર પાછી લેવાનો અને 45 દિવસની અંદર તેમને તે જ મોડેલની નવી E20 ઈંધણ સંચાલિત કાર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
જો કંપની આમ નહીં કરે, તો તેણે વાહનની કિંમત 18.29 લાખ રૂપિયા, આરટીઓ ચાર્જ 1.86 લાખ રૂપિયા અને વીમા પ્રીમિયમ 34644 રૂપિયા એટલે કે કુલ 20.50 રૂપિયા પરત કરવા પડશે.
આ સાથે માનસિક ત્રાસ માટે એક લાખ રૂપિયા અને કેસના ખર્ચ તરીકે 10 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
કાર ડીલરની દલીલ શું છે?
આ સંદર્ભમાં, કાર ડીલર નેક્સા મૅગ્નેટો સ્કાય ઑટોમોબાઇલ્સના મૅનેજરે કોર્ટમાં રજૂ કરેલા પોતાના જવાબમાં જણાવ્યું હતું કે "વાહનમાં સમસ્યા પેટ્રોલને કારણે થઈ હતી અને તેની પણ તપાસ કરવામાં આવી હતી."
"દરેક વખતે ટાંકી સાફ કરવામાં આવતી હતી, પણ દર વખતે પેટ્રોલમાં કંઈક ખરાબી જોવા મળતું હતું."
મૅનેજરે દલીલ કરી હતી કે ફરિયાદીના વાહનમાં ખામી બાહ્ય પરિબળોને કારણે હતી, જે કોઈપણ સંજોગોમાં વૉરંટી હેઠળ આવરી લેવામાં આવતી નથી.
તેમણે કહ્યું કે વૉરંટી નીતિ અનુસાર, જો વાહનને બાહ્ય પરિબળોને કારણે નુકસાન થાય છે, તો તે વૉરંટી હેઠળ આવરી લેવામાં આવતું નથી.
કંપનીના મૅનેજરે પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે ફરિયાદીના વાહનમાંથી ઈંધણનો નમૂનો લેવામાં આવ્યો હતો અને તેને સ્વતંત્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એસજીએસ લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે ઈંધણની ગુણવત્તા યોગ્ય નહોતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન