બંગાળની ખાડીમાં ફરીથી સર્જાયું નવું વાવાઝોડું, હવે ગુજરાતમાં કેટલા દિવસ પડશે વરસાદ?

ગુજરાતમાં આજે કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે? ગુજરાત, હવામાન વિભાગ, વરસાદ, વાવાઝોડું, તમિલનાડુ, મસારુ, બીબીસી ગુજરાતી
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

એક તરફ બંગાળની ખાડીમાં બીજું વાવાઝોડું સર્જાયું છે અને બીજી તરફ ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હજી બે દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

હાલ બંગાળની ખાડી સતત સક્રિય છે અને તેમાં એક બાદ એક વાવાઝોડાં બની રહ્યાં છે. આ પહેલાં બનેલું અર્નબ વાવાઝોડું આંધ્ર પ્રદેશના ઉત્તર તરફના વિસ્તારો પરથી પસાર થયું હતું. એ વાવાઝોડાના એક અઠવાડિયા બાદ જ બીજું વાવાઝોડું સર્જાયું છે.

આ વાવાઝોડાનું નામ 'મુરાસુ' આપવામાં આવ્યું છે, જે ભારતે સૂચવેલું નામ છે. આ એક તમિલ શબ્દ છે જેનો અર્થ ગુજરાતીમાં નગારું થાય છે. આ વાવાઝોડું આંધ્ર પ્રદેશના દક્ષિણ તરફના વિસ્તારો પરથી પસાર થશે.

આ વાવાઝોડાની અસર આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, તેલંગણા અને મહારાષ્ટ્ર સુધી થવાની શક્યતા છે. જોકે, હાલની સ્થિતિ મુજબ તેની સીધી અસર ગુજરાત પર થાય તેવી શક્યતા નથી.

આ વાવાઝોડું 3 નવેમ્બરની વહેલી સવારે અથવા અડધી રાત્રે આંધ્ર પ્રદેશના વિસ્તારો પર પહોંચી જાય તેવી સંભાવના છે. એ સમયે પવનની મહતમ ગતિ 120 કિમી પ્રતિકલાક હશે. જમીન પર આવ્યા બાદ આ સિસ્ટમ ઝડપથી નબળી પડી જાય તેવી સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં ચાર નવેમ્બરની આસપાસથી વરસાદ બંધ થઈ જાય તેવી સંભાવના છે. હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે રાજ્યમાં 3 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે.

હવે ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે?

ગુજરાતમાંથી ચોમાસાએ લગભગ એક મહિના અગાઉ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે અને સરેરાશ 89 ટકા વરસાદ નોંધાયો છે. દરમિયાન કેટલાક જિલ્લામાં બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં ચાર જિલ્લામાં સરકારે દુષ્કાળની જાહેરાત કરી છે અને ઘણા ભાગોમાં પાણી તથા ઘાસચારાની તકલીફ છે ત્યારે કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની શક્યતા છે.

હવામાન વિભાગના બુલેટિન મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે.

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે જ્યારે મહત્તમ તાપમાન સાધારણ કરતા વધુ રહ્યું છે.

ગુજરાતમાં આજે કયા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે?
ઇમેજ કૅપ્શન, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં બીજી નવેમ્બરે વરસાદ પડી શકે છે.

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે સાઉથ ગુજરાતમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં બીજી નવેમ્બર, સોમવારે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

જ્યારે સાઉથ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકું રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ ભાગોમાં સોમવારે સૂકું હવામાન રહેવાની આગાહી છે.

દક્ષિણ ગુજરાતના સુરત અને તાપી જિલ્લામાં આજે વરસાદની આગાહી નથી.

ગુજરાતમાં આ વખતે અત્યાર સુધીમાં 89.19 ટકા વરસાદ નોંધાયો છે. તેમાં કચ્છ જિલ્લામાં 57 ટકા, ઉત્તર ગુજરાતમાં 71 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 89 ટકા, સૌરાષ્ટ્રમાં 71 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 114 ટકા વરસાદ નોંધાયો છે. ઓછા વરસાદના કારણે ગુજરાત સરકારે ચાર જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરમાં દુષ્કાળની જાહેરાત કરી છે.

ગયા અઠવાડિયામાં 31 ઑક્ટોબરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, કેનેડી અને કલ્યાણપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગયા સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો હોવાથી પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે.

ખાસ કરીને ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની સમસ્યા વધારી છે. શુક્રવાર- શનિવારે વરસેલા વરસાદને કારણે ઘણા ખેડૂતોનાં ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી ગયો છે.

કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

તૈયાર પાક વરસાદમાં પલળી જતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે.

દેવભૂમિ દ્વારકાના અહેવાલ મુજબ આ વખતે ઓછા વરસાદથી મગફળીનો પાક માત્ર ચારો બનીને રહી ગયો હતો, પરંતુ હવે મગફળીના પાકનો આ ચારો પણ કમોસમી વરસાદને કારણે પલળી ગયો છે. ખૂબ નુકસાની થઈ છે. તેમજ ભારે પવનને કારણે પતરા ઊડી ગયા અને ઘણા વીજથાંભલા પણ પડી ગયા છે. જેના કારણે, ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓને મોટા પાયે નુકસાન થયું છે.

અમરેલી જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતાં કુવા અને બોરમાંથી ખેડૂતોએ પાણી પાઈને મગફળીનો પાક પાક બચાવ્યો હતો, પણ શુક્રવારે અચાનક સાંજે વાવાઝોડું અને પોણા બે ઇંચ જેટલો વરસાદ ત્રાટકવાથી મગફળીના પાથરા અને પશુઓ માટેનો ઘાસચારો સડી ગયો છે. જેનાથી મગફળી કાળી પડી ગઈ છે અને ડૅમેજ થવાને કારણે તેના ભાવ ઓછા મળે એવી ભીતિ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન