You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પડછાયાઓમાં પ્રાણ ફૂંકીને 100 વર્ષ પહેલાં ઐતિહાસિક ઍનિમેટેડ ફિલ્મ બનાવનારાં 26 વર્ષીય જર્મન મહિલાની કહાણી
- લેેખક, ક્રિશ્ચિયન ક્રિટિકોસ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
લોટ્ટે રેનિગરની ફિલ્મ 'ધ ઍડવેન્ચર્સ ઑફ પ્રિન્સ અચમદ' એક સદી પહેલાં 1926માં રિલીઝ થઈ હતી.
આ સ્ટૉપ-મોશન ક્લાસિક કૃતિએ તેમને "સિનેમાના ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ વ્યક્તિ" બનાવી દીધી હતી.
ફિલ્મ ઉદ્યોગમાં શરૂઆત હંમેશાં ચમકદમકવાળી નથી હોતી.
મૂંગી ફિલ્મોના યુગમાં જર્મનીનાં મહત્ત્વાકાંક્ષી અભિનેત્રી લોટે રાઇનિગરે પોતાની કારકિર્દીની શરૂઆત લોકકથા 'ધ પાઇડ પાઇપર ઑફ હેમેલિન'ના ફિલ્મી રૂપાંતરમાં કરી હતી. પરંતુ તેઓ કૅમેરાની સામે નહોતાં. તેમનું કામ ઉંદરોને સંભાળવાનું હતું.
આ સામાન્ય અને ખાસ પ્રભાવશાળી ન લાગતી શરૂઆત બાદ રેનિગર ટૂંક સમયમાં જ સિનેમાના ઇતિહાસમાં પોતાનું મહત્ત્વનું સ્થાન બનાવવાનાં હતાં.
ઉંદરોને સંભાળવાના આ અનુભવના માત્ર થોડાં વર્ષો બાદ જ તેઓ દિગ્દર્શકની ખુરશી પર બિરાજમાન થયાં એ પોતે જ એક અસાધારણ સિદ્ધિ હતી.
કારણ કે 1920ના દાયકામાં બહુ ઓછી મહિલાઓને દિગ્દર્શન કરવાની તક મળતી હતી. પરંતુ રેનિગરનો પ્રોજેક્ટ નવીન અને અનોખો હતો.
1926માં આજથી એક સદી પહેલાં રિલીઝ થયેલી 'ધ ઍડવેન્ચર્સ ઑફ પ્રિન્સ અચમદ'ને વિશ્વની સૌથી જૂની, હજુ સુધી અસ્તિત્વમાં રહેલી ઍનિમેટેડ ફીચર ફિલ્મ તરીકે માન્યતા આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભલે વૉલ્ટ ડિઝનીના પ્રચારકો તમને કંઈક અલગ બતાવતા હોય. ડિઝનીની 'સ્નો વાઇટ ઍન્ડ ધ સેવન ડ્વાર્ફ્સ'ને ઘણીવાર પ્રથમ ઍનિમેટેડ ફીચર ફિલ્મ માનવામાં આવે છે.
પરંતુ લોટ્ટે રેનિગરે વૉલ્ટ ડિઝની કરતાં પણ દસ વર્ષ પહેલાં આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી.
એક સદી બાદ પણ ફિલ્મનાં ઘણાં રહસ્યમયી દૃશ્યો આજે પણ મંત્રમુગ્ધ કરી દે છે.
બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં ઍનિમેશનના ક્યુરેટર જેઝ સ્ટુઅર્ટ જણાવે છે, "લોટ્ટે રેનિગરની કક્ષાની કોઈ પણ વ્યક્તિ વિશે વિચારવું મુશ્કેલ છે. આ યુવાન મહિલા કલાકાર પાસે એક કાળજયી ક્લાસિક કૃતિ રચવાની વિશેષ દૃષ્ટિ અને કુશળતા હતા, જે આજે પણ વિશ્વભરના પ્રેક્ષકો સાથે સંવાદ કરી શકે છે."
"સો વર્ષ પછી પણ આપણે એ જ વિચારી રહ્યા છીએ કે, 'તેમણે આ બધું કેવી રીતે કર્યું હશે?'"
રેનિગરનો જન્મ 1899માં બર્લિનમાં થયો હતો. શરૂઆતનાં વર્ષોમાં તેમણે શેડો પપેટ્સ (છાયાચિત્રો) દ્વારા અભિનયક્ષેત્રે રસ દાખવ્યો હતો.
તેઓ શેક્સપિયરનાં નાના નાના શો માટે સિલુએટ આકૃતિઓ (છાયા આકૃતિઓ) કાપતાં હતાં.
કાતર ચલાવવાના તેમના આ જ હુનરને લીધે તેમને 'પાઇડ પાઇપર' ફિલ્મના સેટ પર કામ કરવાની તક મળી હતી. (તેમણે ફિલ્મના ટાઇટલ કાર્ડ હાથથી કાપ્યા હતા) પણ સૌથી વધારે અસર તો ઉંદરોએ કરી.
1970માં પ્રકાશિત થયેલું તેમનુંં પુસ્તક 'શેડો પપેટ્સ, શેડો થિયેટર અને શેડો ફિલ્મ્સ'માં તેમણે જણાવ્યું હતું કે ઉંદરો સહકાર આપતા નહોતા: તેમાંથી કોઈ પણ પાઇડ પાઇપરને અનુસરતા નહોતા.
તેથી ફિલ્મ નિર્માતાઓ લાકડાના ઉંદરોનો ઉપયોગ કરવાનું વિચાર્યું.
તેમણે એક સમયે એક જ ફ્રેમને શૂટ કરી. અને દરેક મોડેલોને ઇંચ-ઇંચ ખસેડતા ગયા.
જ્યારે ફિલ્મ ફરી ચલાવવામાં આવી ત્યારે ગતિનો ભ્રમ પેદા થયો.
રેનિગરે કહ્યું, "ઍનિમેશન સાથેનો આ મારો પહેલો અનુભવ હતો."
આ અનુભવથી તેમના મનમાં એક વિચાર જન્મ્યો કે તેઓ પોતાના જૂના શેડો પપેટ્સને આ "સ્ટૉપ-મોશન" પદ્ધતિની મદદથી જીવંત બનાવી શકે છે.
રેનિગરે પોતાનાં સાંધાવાળાં પડછાયારૂપી પાત્રોને કાચની એક સપાટ પ્લેટ પર મૂકીને પ્રયોગો શરૂ કર્યા.
આ પ્લેટને નીચેથી પ્રકાશિત કરવામાં આવતી હતી. તેઓ દરેક ફ્રેમમાં આકૃતિઓની સ્થિતિ અને હલનચલનમાં થોડો થોડો ફેરફાર કરતાં અને ઉપરથી મૂકાયેલો કૅમેરો દરેક દૃશ્યનું ચિત્રણ કરતો.
આ અત્યંત ધીરજ અને મહેનત માગતી પ્રક્રિયા હતી, કારણ કે ફિલ્મના માત્ર એક મિનિટના દૃશ્ય માટે હજારો કરતાં વધુ ફ્રેમોની જરૂર પડતી હતી.
પણ 1919 સુધીમાં તેમણે પોતાની પ્રથમ ટૂંકી ફિલ્મ 'ધ ઓર્નામેન્ટ ઑફ ધ લવિંગ હાર્ટ' પૂર્ણ લીધી હતી.
આગામી થોડાં વર્ષોમાં તેમણે આવી અનેક ટૂંકી ફિલ્મો બનાવી.
જેઝ સ્ટ્યુઅર્ટે બીબીસીને જણાવ્યું કે, "તેમને પરીકથાઓમાં હંમેશાં રસ રહ્યો હતો. રેનિગરે શરૂઆતના સમયમાં 'સ્લીપિંગ બ્યુટી' અને 'સિન્ડ્રેલા' જેવી વાર્તાઓ પર પણ કામ કર્યું હતું. તેમણે નિવિયા ક્રીમ માટે એક જાહેરાત પણ બનાવી હતી."
તે સમયે એનિમેશન તેની શરૂઆતના તબક્કામાં હતું (મિકી માઉસના આવવામાં હજી એક દાયકાની વાર હતી.) તેથી રેનિગરની ટૂંકી ફિલ્મો અલગ દેખાઈ.
1923માં તેઓએ બર્લિનના એક બૅન્કરનું ધ્યાન ખેંચ્યું, જેમણે તેમને લાંબી ફિલ્મના નિર્માણ માટે નાણાં આપવાની ઑફર કરી.
સ્ટુઅર્ટ જણાવે છે કે, "તે સમયમાં પૂર્ણ લંબાઈની એનિમેટેડ ફિલ્મ બનાવવાની તક મળવી એ એક અસાધારણ ઘટના હતી. પરંતુ આ અસાધારણતા રેનિગરની ફિલ્મ બનાવવાની પદ્ધતિ સાથે જોડાયેલી હતી."
"મર્યાદિત સાધનોનો ઉપયોગ કરીને, ઓછી કિંમતમાં અને કલાકારીય કૌશલ્યના આધારે ફિલ્મ બનાવવાની આ એક અનોખી રીત હતી."
ફિલ્મની સૌથી મોટી ટેકનિકલ સિદ્ધિ
રેનિગરે આ પ્રસ્તાવ સ્વીકાર્યા પછી ખૂબ જ નાની ટીમ સાથે કામ શરૂ કર્યું હતું.
આ ટીમમાં થોડાં ઍનિમેટર્સ, ચિત્રણ થયેલી ફ્રેમોની નોંધ રાખવા માટે એક સહાયક અને કૅમેરાનું સંચાલન કરતા તેમના પતિનો સમાવેશ થતો હતો.
દિગ્દર્શન ઉપરાંત રેનિગરે પડછાયારૂપી પૂતળાં પણ પોતે જ તૈયાર કર્યાં હતાં.
તેઓ કાર્ડબોર્ડ અને સીસામાંથી પાત્રોની આકૃતિઓ કાપતાં અને પછી તારથી બનાવેલા સાંધાઓ વડે તેમના અંગોને જોડતાં.
તેમણે ફિલ્મની કથાવસ્તુ પણ પોતે જ તૈયાર કરી હતી, જેમાં મધ્યપૂર્વની અનેક પરીકથાઓને એકસાથે ગૂંથીને 'ધ ઍડવેન્ચર્સ ઑફ પ્રિન્સ અટમદ'ની વાર્તા રચી હતી.
રેનિગરની આ કથા તેમના મુખ્ય પાત્ર રાજકુમાર અચમદની આસપાસ ફરે છે, જે વિવિધ સાહસો કરે છે અને એક રૂપ બદલતા જાદુગર સામે લડે છે.
એક સદી પછી પણ ફિલ્મનાં અનેક જાદુઈ અને રહસ્યમય દૃશ્યો દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે.
ફિલ્મનાં સૌથી યાદગાર દૃશ્યોમાંના એકમાં, જાદુગર અને એક ડાકણ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે.
લડાઈ દરમિયાન બંને ક્યારેક સિંહ, ક્યારેક વીંછી અને ક્યારેક ડ્રેગનનું રૂપ ધારણ કરે છે.
દંતકથા અને જાદુ પર આધારિત વિષયવસ્તુ ઍનિમેશન માટે એકદમ યોગ્ય હતું.
રેનિગરે એક સામયિકમાં લખ્યું હતું કે ઍનિમેશન તેમને "એવી ઘટનાઓ દર્શાવવાની તક આપે છે, જે અન્ય કોઈ પણ માધ્યમ દ્વારા રજૂ કરવી શક્ય નથી."
ફિલ્મની સૌથી મોટી તકનીકી સિદ્ધિ તેની પૃષ્ઠભૂમિની રચનામાં હતી.
સોસાયટી ફૉર ઍનિમેશન સ્ટડીઝના પ્રમુખ ક્રિસ્ટિના ફોર્મેન્ટી જણાવે છે, "તેમણે મલ્ટિપ્લેન કૅમેરાના એક પ્રારંભિક સ્વરૂપનો ઉપયોગ કર્યો હતો."
"તેની મદદથી તેમણે દૃશ્યોમાં ઊંડાણનો અહેસાસ ઊભો કર્યો. જો તમે ફિલ્મ ધ્યાનથી જુઓ, તો તમને સમજાશે કે તે માત્ર સપાટ ચિત્રો નથી."
રેનિગરનું મલ્ટિપ્લેન ઉપકરણ મૂળભૂત રીતે એક ઊંચું માળખું હતું. તેના સૌથી ઉપર કૅમેરો ગોઠવવામાં આવતો અને તે નીચે તરફ અનેક કાચના સ્તરોમાંથી ચિત્રણ કરતો.
રેનિગર પોતાના પડછાયારૂપી પાત્રોને એક સ્તર પર ગોઠવતાં, જ્યારે પૃષ્ઠભૂમિનાં દૃશ્યો અને વિશેષ દૃશ્યાત્મક અસરોને અન્ય અલગ સ્તરો પર સજીવ બનાવવામાં આવતી.
પાછળથી તેમણે પોતાના પુસ્તકમાં આ તકનીક સમજાવી હતી, જેમાં પ્રિન્સ અચમદના ઊડતા ઘોડા પરના એક દૃશ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તેમણે લખ્યું હતું: "તારાઓથી ભરેલું આકાશ ત્રણ અલગ સ્તરો પર તૈયાર કરવામાં આવ્યું હતું. આ ત્રણેય સ્તરોને અલગ અલગ ગતિએ ખસેડવામાં આવ્યાં હતાં..."
"આ પ્રકારની ગતિની ગોઠવણથી અવકાશ અને ઊંડાણનો અહેસાસ સર્જાયો, જેના કારણે દૃશ્યને એક અદ્ભુત અને કલ્પનાત્મક ગુણવત્તા મળી."
જોકે રેનિગરે આ નવીન તકનિકનો પાયો નાખ્યો હોવા છતાં તેનો શ્રેય તેમને મળ્યો નહોતો.
1940માં વોલ્ટ ડિઝનીને મલ્ટીપ્લેન કેમેરા માટે અમેરિકન પેટન્ટ મળી હતી. 2000માં ઉપકરણની શોધ કરવા બદલ તેમને નૅશનલ ઇન્વેન્ટર્સ હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ક્રિસ્ટિના ફોર્મેન્ટી જણાવે છે, "નિઃસંદેહ, ડિઝનીનું સંસ્કરણ વધુ જટિલ અને વિકસિત હતું, પરંતુ જ્યાં સુધી જાણકારી ઉપલબ્ધ છે, આ તકનીકનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ રેનિગર જ હતાં."
ડિઝનીની સિદ્ધિઓએ રેનિગરની સિદ્ધિને માત્ર આ જ રીતે નહોતી ઢાંકી.
ડિઝની સ્ટુડિયોના ડીવીડી અને વીડિયો બૉક્સ પર પણ જાહેરાત કરવામાં આવી હતી કે 'સ્નો વ્હાઇટ અને સેવન ડ્વાર્ફ્સ' ઇતિહાસની પ્રથમ પૂર્ણ-લંબાઈની ઍનિમેટેડ ફિલ્મ છે.
આ દાવો 1937માં કાર્ટૂનના પ્રારંભિક માર્કેટિંગમાં પણ કરવામાં આવ્યો હતો.
સ્ટુઅર્ટ જણાવે છે, "ડિઝની ઘણી રીતે પ્રતિભાશાળી હતા. સ્વ-માર્કેટિંગ અને પ્રમોશન ચોક્કસપણે તેમની જ પ્રતિભાનો એક ભાગ હતો."
ફિલ્મનાં મૂળ પોસ્ટરો અને ટ્રેલરમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે 'સ્નો વ્હાઇટ' ડિઝનીની પ્રથમ પૂર્ણ-લંબાઈની ફિલ્મ છે.
કેમકે ડિઝનીનું નામ ઍનિમેશનનો પર્યાય બની ગયું હતું, તેથી આ વાત ઝડપથી ફેલાઈ ગઈ કે 'સ્નો વ્હાઇટ' વિશ્વની પ્રથમ ઍનિમેટેડ ફિલ્મ છે.
રેનિગરની ફિલ્મ એક દાયકા પહેલાં આવી હોવા છતાં ઇતિહાસકારો હજુ પણ તેને "સૌથી જૂની" ઍનિમેટેડ ફિલ્મ કહેતા થોડા ખચકાય છે.
1917માં આર્જેન્ટિનાના ફિલ્મનિર્માતા ક્વિરિનો ક્રિસ્ટિયાનીએ 'એલ એપોસ્ટોલ' નામની ફિલ્મ બનાવવા માટે રેનિગરેની જેમ કટ-આઉટ તકનીકનો ઉપયોગ કર્યો હતો.
કેટલાક ઇતિહાસકારો માને છે કે આ પહેલી ઍનિમેટેડ ફિલ્મ હોઈ શકે છે. પરંતુ તેની બધી નકલો ખોવાઈ ગઈ છે, અને તેની ચોક્કસ સમયાવધિનો પણ કોઈ દસ્તાવેજ ઉપલબ્ધ નથી.
આ અનિશ્ચિતતાને ધ્યાનમાં લઈને સ્ટુઅર્ટ 'ધ ઍડવેન્ચર્સ ઑફ પ્રિન્સ અચમદ'ને સૌથી જૂની ફિલ્મ કહેવા કરતાં "સૌથી જૂની બચી ગયેલી ઍનિમેટેડ ફિલ્મ" કહેવાનું વધારે પસંદ કરે છે.
પ્રભાવશાળી પણ અનોખી
કોઈપણ સંજોગોમાં રેનિગરની ફિલ્મ તે સમય સુધી બનાવવામાં આવેલી સૌથી મહત્ત્વાકાંક્ષી ઍનિમેટેડ કૃતિ હતી.
તેને મે 1926માં પ્રથમ વખત પ્રદર્શિત કરવામાં આવી હતી, અને તેને પૂર્ણ થવામાં ત્રણ વર્ષ લાગ્યાં હતાં.
તે સમયે રેનિગર માત્ર 26 વર્ષનાં હતાં.
સ્ટુઅર્ટ કહે છે, "કોઈને એક ફિલ્મ બનાવવા માટે ત્રણ વર્ષ આપવામાં આવે, તેવું તે સમયે બનતું નહોતું. આ વાત પણ આ ફિલ્મને અસાધારણ બનાવે છે."
પછીનાં વર્ષોમાં ફિલ્મ 'ધ ઍડવેન્ચર્સ ઑફ પ્રિન્સ અચમદ' ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકામાં પ્રદર્શિત કરવામાં આવી હતી.
તેને વિવેચકો અને પ્રેક્ષકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
ફિલ્મનિર્માતા જીન રેનોઇરે રેનિગરની પ્રતિભાની તુલના મોત્ઝાર્ટ સાથે પણ કરી હતી.
પરંતુ તેને પાછળથી આવેલી ડિઝનીની 'સ્નો વ્હાઇટ' જેવી ઍનિમેટેડ ફિલ્મો જેવી વ્યાપક લોકપ્રિયતા ક્યારેય મળી નહીં.
ફોર્મેન્ટી જણાવે છે, "તે ફિલ્મનું વિતરણ મુખ્યત્વે મનોરંજન ફિલ્મ તરીકે નહીં, પરંતુ એક પ્રયોગાત્મક ફિલ્મ તરીકે થયું હતું. આ કારણે તેની સફળતાની વ્યાપકતા મર્યાદિત રહી."
મર્યાદિત વિતરણ છતાં, 'ધ ઍડવેન્ચર્સ ઑફ પ્રિન્સ અચમદ' એક સદીથી દર્શકોને મંત્રમુગ્ધ કરતી રહી છે.
અને સમય સાથે નવાં સ્વરૂપોમાં જીવંત પણ રહી છે.
સ્ટુઅર્ટ કહે છે, "મેં જોયેલાં કેટલાંક શ્રેષ્ઠ પ્રદર્શનો એવાં હતાં જેમાં અલગ અલગ પ્રકારના સંગીતની સાથોસાથ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી."
તેમને બેઇજિંગના એક સંગીતકાર યાદ છે, જેમણે લેપટૉપનો ઉપયોગ કરીને લાઇવ ઇલેક્ટ્રોનિક સાઉન્ડટ્રેક બનાવ્યો હતો.
ઑગસ્ટમાં, બ્રિટિશ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રેનિગરની 100મી વર્ષગાંઠે સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવું લાઇવ સંગીત દર્શાવવામાં આવશે.
અમેરિકા, કૅનેડા, નેધરલૅન્ડ્સ, ચેક રિપબ્લિક અને રેનિગરના વતન જર્મનીમાં તેમની શતાબ્દીના કાર્યક્રમો પહેલેથી જ થઈ ચૂક્યા છે.
એવું લાગે છે કે તેઓ પોતાની કલ્પનાની ડાકણો અને જાદુગરોની શક્તિઓમાં ઓતપ્રોત થઈ ગયાં હતાં.
સ્ટુઅર્ટને આશા છે કે આ સીમાચિહ્નરૂપ વર્ષગાંઠ રેનિગરના પછીનાં કાર્યો તરફ ધ્યાન દોરશે.
તેઓ જણાવે છે કે, "'પ્રિન્સ અચમદ' પછી તેમને ક્યારેય બીજી ફિલ્મ બનાવવાની તક મળી નહીં, પરંતુ 1950ના દાયકામાં તેમને થોડીઘણી પ્રસિદ્ધિ મળી હતી."
તેઓ પોતાની પરીકથાના મૂળ તરફ પાછા ફર્યાં. 'પુસ ઇન બૂટ' અને 'થમ્બેલિના' જેવી વાર્તાઓ આધારિત ટૂંકી ફિલ્મોની શ્રેણી બનાવી, જે બીબીસી અને યુએસ ટેલિવિઝન પર પ્રદર્શિત કરવામાં આવી.
રેનિગરનો વારસો આગામી પેઢીઓ સુધી પણ વિસ્તર્યો છે.
દિગ્દર્શક નોરા ટુમીએ તેમની 2017ની ઑસ્કાર-નૉમિનેટેડ ફિલ્મ 'ધ બ્રેડવિનર' પર રેનિગરનો મોટો પ્રભાવ છે તેમ જણાવ્યું હતું.
સ્ટુઅર્ટ માને છે કે રેનિગર તે વખતે જેટલાં પ્રભાવશાળી હતાં, આજે પણ તેટલાં જ અદ્ભુત છે.
"તેઓ એક યુવાન મહિલા કલાકાર હતાં, જેમણે ઍનિમેશન ક્ષેત્રે અભૂતપૂર્વ ફિલ્મ બનાવી હતી અને તે 100 વર્ષ પછી પણ પ્રચલિત છે. આ વાત ખરેખર અનન્ય છે."
ઇતિહાસનાં પુસ્તકોમાં તેમનું સ્થાન ચોક્કસપણે ઉંદર સંભાળનાર તરીકેની તેમની આશાસ્પદ શરૂઆતથી ઘણું દૂર છે.
પરંતુ તેમની પરીકથાઓની જેમ લોટ્ટે રેનિગરની કથામાં પણ જાદુનો સ્પર્શ છે.
એવું લાગે છે કે જાણે તેઓ પોતે જ પોતાની કલ્પનાની ડાકણો અને જાદુગરોની શક્તિઓમાં ઓતોપ્રોત થઈ ગયા હતાં.
પડછાયાઓમાં પ્રાણ ફૂંકીને તેમણે એવો વારસો સર્જ્યો, જે એક સદી સુધી જ નહીં, પરંતુ આગળ જીવંત રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન