You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લૅન ક્રૅશનું એક વર્ષ : 'મા દીકરાની કબર પર હજુ તેને ગમતું ખાવાનું લઈને જાય છે'
- લેેખક, ઝોયા મતીન
- પદ, મુંબઈ
- દ્વારા રિપોર્ટિંગ, Mumbai
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 8 મિનિટ
જ્યારે મેં ઇમ્તિયાઝ અલીને ફોન કરીને પૂછ્યું કે આપણે મળી શકીએ? ત્યારે વિમાન દુર્ઘટનામાં તેમના ભાઈ જાવેદ, ભાભી મરિયમ અને બે બાળકોનાં મૃત્યુને લગભગ એક વર્ષ થઈ ગયું હતું. અમે પહેલા મુંબઈમાં તેમના ઘરે મળીને વાત કરવાનું નક્કી કર્યું. પરંતુ થોડા કલાકો પછી તેમણે વિચાર બદલી નાખ્યો અને કહ્યું, "આપણે હોટલમાં મળીએ." પછી મુંબઈની એક બિઝનેસ હોટલના ઝાંખા પ્રકાશ નીચે બેસીને તેમણે આવું કરવાનું કારણ જણાવ્યું.
જાવેદ અને તેમનો પરિવાર બ્રિટનમાં સ્થાયી થયો હતો, પરંતુ તેઓ ઇમ્તિયાઝ અને પરિવારના અન્ય સભ્યોને મળી શકે તે માટે અવારનવાર મુંબઈ આવતા હતા. પરંતુ અકસ્માત પછી ઘર હવે પહેલાં જેવું રહ્યું નહોતું. તેમાં કંઈક એવું બદલાઈ ગયું હતું, જે ક્યારેય પહેલાં જેવું થઈ શકે તેમ નહોતું. રોજિંદી જિંદગીની સામાન્ય ગતિવિધિઓ ન તો એ ફેરફારને સમજી શકે તેમ હતી કે ન તો કોઈ સમારકામ દ્વારા તેને બદલી શકાય તેમ હતું.
"એવું લાગે છે," ઇમ્તિયાઝે ધીમેથી કહ્યું, "જાણે કે જાવેદ હજુ પણ ત્યાં જ છે." તેમનાં માતા ફરીદા બાનોએ દુઃખી સ્વરે સમજાવતાં કહ્યું: "તે દિવસ-રાત દરેક જગ્યાએ મારી પાછળ આવે છે."
થોડાં અઠવાડિયાંમાં તપાસકર્તાઓ 'ઍર ઇન્ડિયા' ફ્લાઇટ AI171ના ક્રૅશ અંગેનો તેમનો અંતિમ અહેવાલ જાહેર કરે તેવી અપેક્ષા છે. આ ફ્લાઇટ ગયા જૂનમાં ટેકઓફ થયાના એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં આકાશમાંથી પડી ગઈ હતી. વિમાનમાં સવાર 242 લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચી શકી હતી. એક વર્ષથી પીડિતોના પરિવારો અનેક અનુત્તરિત પ્રશ્નો સાથે જીવી રહ્યા છે: કોકપીટમાં શું થયું હતું? વિમાનની ગતિ શા માટે ઘટી ગઈ હતી? શું આ દુર્ઘટના માનવભૂલ હતી? યાંત્રિક ખામી હતી કે બીજું કંઈક?
અકસ્માત પછીના સ્તબ્ધ કરી નાખનારા દિવસોમાં જ્યારે પરિવારો પોતાના સ્વજનોની ઓળખ માટે ડીએનએ પુષ્ટિની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હું અમદાવાદમાં બે વાર ઇમ્તિયાઝને મળી હતી. તે સમયે તેઓ કોઈ એવી સ્તબ્ધ અને ઝંખવાયેલી વ્યક્તિની જેમ વાતો કરી રહ્યા હતા જાણે કે તે હકીકત સાથે સોદાબાજી કરી રહ્યા હોય. તેમના શબ્દોમાં અવિશ્વાસ અને આશાનો અજીબ મેળ હતો. ત્યારે તેમણે કહ્યું હતું, "કદાચ તે પાછો આવશે."
મુંબઈમાં લગભગ એક વર્ષ પછી પેલો અવિશ્વાસ તો ઘટી ગયો હતો, પણ પ્રતીક્ષા ઘટી નહોતી. જે બન્યું હતું તે બાબતે કોઈ નિષ્કર્ષ ન આવ્યો હોવાની વાત વર્ણવતા તેમણે કહ્યું, "આ મૂંઝવણ, આ અનિશ્ચિતતા અમને પીડે છે."
'સન્નાટો અંદરથી ખતમ કરી રહ્યો છે'
અલી પરિવાર ઘણી બધી રીતે મુંબઈનો એક સાધારણ પરિવાર છે, જે સ્થળાંતર, સંઘર્ષ અને ત્યાગ થકી ઘડાયો છે. તેમના પિતાનું અવસાન વહેલું થઈ ગયું હતું, અને બાળકોનો ઉછેર મોટા ભાગે મુંબઈમાં તેમની દાદી દ્વારા થયો હતો. જ્યારે તેમની માતા ઘણાં વર્ષોથી દુબઈમાં કામ કરતાં હતાં.
પછી જાવેદ યુકે જઈને વસ્યા. તેઓ એવા અસંખ્ય ભારતીયોમાંના એક હતા, જે આર્થિક સ્થિરતા અને વધુ સારી તકોની શોધમાં પોતાનું વતન છોડીને વિદેશ જાય છે, પરંતુ લાગણીઓના તાંતણે પોતાના પરિવાર સાથે સતત જોડાયેલા રહે છે. ત્યાં લંડનમાં 'હેરોડ્સ'માં કામ કરનાર મરિયમ સાથે તેમની મુલાકાત થઈ અને તેમણે લગ્ન કર્યાં. તેમનાં બંને બાળકો ઝૈન અને અમાનીનો જન્મ પણ ત્યાં જ થયો હતો. ભારતની યાત્રા તેમના માટે બહુ ખાસ હતી, કેમ કે પહેલી વાર તેઓ પોતાનાં બાળકોને લઈને ભારત આવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિવારનાં દુઃખનો અંત આ અકસ્માત સાથે ન આવ્યો. મરિયમનાં માતા, જેઓ બ્રિટનમાં જાવેદ અને મરિયમની સાથે રહેતાં હતાં, તેમનું પણ ગયા વર્ષે અવસાન થયું. તેમની તબિયત વર્ષોથી ખરાબ હતી, પરંતુ ઇમ્તિયાઝ માટે તેમના મૃત્યુને આ ભયાનક અકસ્માતથી અલગ રાખીને જોવું મુશ્કેલ છે. તેમણે કહ્યું, "તેમના મૃત્યુના કારણમાં બીમારી કરતાં આઘાત વધારે હતો."
આ ઘટનાને લીધે તેમને પોતાની માતાની ચિંતા પણ વધારે થવા લાગી છે. તેમનો જાવેદ સાથે એક ગાઢ સંબંધ હતો. "તેઓ આખો દિવસ વાતો કરતાં રહેતાં હતાં" આટલું બોલીને તે થંભી ગયા. "હવે આ સન્નાટો તેમને અંદરથી ખતમ કરી રહ્યો છે."
'મેં માતાને ખોટું બોલ્યું હતું'
દુર્ઘટના પછીના થોડા દિવસો સુધી પરિવારે તેમનાં માતાને સત્યથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો, કારણ કે તેઓ હૃદયરોગી હતાં. ઍર ઇન્ડિયાના અધિકારીઓ અને ડૉક્ટરોએ પણ સાવધાની રાખવાની સલાહ આપી હતી. એક મનોવિજ્ઞાનીની પણ મદદ લેવામાં આવી હતી. તેમના હૃદયની સ્થિતિ નાજુક હતી. તેમને ડર હતો કે આઘાતથી તેમનું પણ મૃત્યુ થઈ શકે છે.
તેથી આ સમાચાર તેમને ધીમે ધીમે આપવામાં આવ્યા હતા. પહેલા કહેવામાં આવ્યું હતું કે અકસ્માત થયો છે, મરિયમ અને બાળકો ઘાયલ થયાં છે, તેમના માટે પાર્થના કરો. કલાકો બાદ કહેવાયું કે મરિયમની સ્થિતિ ગંભીર છે. તેઓ વારંવાર પૂછતા રહ્યા, "જાવેદનું શું થયું? બાળકોનું શું થયું?"
ઇમ્તિયાઝે કહ્યું, "મેં તેમને ખોટું કહ્યું, મેં તેમને કહ્યું કે તેઓ ઠીક છે."
કોઈ તેમને સ્પષ્ટ રીતે કંઈ કહે તે પહેલાં જ તેમને અંદાજો આવી ગયો હતો કે કંઈક ખોટું થયું છે. તેમણે કહ્યું, "મારો દીકરો ગયો ત્યારના બે દિવસથી તેણે મને ફોન નથી કર્યો. તે મને ફોન ન કરે એવું ક્યારેય બને જ નહીં."
સગાં-સંબંધીઓએ તેમને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ વધતી બેચેની તેમને અસ્વસ્થ કરી રહી હતી. તેમણે કહ્યું, "હું ઊંઘી શકતી નહોતી. હું સતત પૂછતી રહેતી, મારો દીકરો ક્યાં છે?"
અંતે પરિવાર તેમને એક બીમાર સંબંધીને મળવાના બહાને અમદાવાદ લઈ ગયો. તેમણે જણાવ્યું કે જે ક્ષણે તેઓ હોટલના રૂમમાં પ્રવેશ્યાં, જ્યાં આખો પરિવાર ભેગો થયો હતો, તેમને બધું સમજાઈ ગયું. ઇમ્તિયાઝે યાદ કરતાં કહ્યું, "મેં તેમને જણાવ્યું કે વિમાન ક્રૅશ થઈ ગયું છે, જાવેદનું મૃત્યુ થઈ ચૂક્યું છે."
ત્રણ સ્ટેન્ટ મૂકવા પડ્યા, જાવેદને યાદ કરીને તણાવ વધી જાય છે
જ્યારે તે વાત કરી રહ્યા હતા, ત્યારે બહાર શહેરમાં ઉનાળાની તેજ ગરમી ફેલાયેલી હતી. તેમણે કહ્યું કે પરિવાર આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આ વ્યથા તેમના દરેક દિવસમાં વણાયેલી રહે છે. તેમનાં માતા આજે પણ જાવેદ વિશે એમ વાત કરે છે, જાણે તે હયાત હોય. તેની પ્રિય વાનગીઓ આજે પણ પરિવારના ભોજનમાં દેખાય છે, અને ભાઈ-બહેનો વચ્ચેની વાતચીત હજુ પણ તે બિંદુએ આવીને અટકી જાય છે, જ્યાં જાવેદ બોલવાનો હોય, પછી અચાનક મૌન છવાઈ જાય છે.
સૌથી મુશ્કેલ સમય સપ્ટેમ્બરમાં હતો. ત્યારે તેમનાં માતાના હૃદયની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. ડૉક્ટરોએ વધુ ત્રણ સ્ટેન્ટ મૂક્યાં હતાં, જેના લીધે કુલ પાંચ સ્ટેન્ટ થઈ ગયાં હતાં. તેમણે ચેતવણી આપી હતી કે તણાવ તેમના હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને વધારી રહ્યો છે. ઇમ્તિયાઝે જણાવ્યું કે, "જ્યારે તેઓ જાવેદને યાદ કરીને રડે છે, ત્યારે તેમનું શુગર લેવલ ખૂબ વધી જાય છે."
આ જ સમયે ઍર ઇન્ડિયા અને ટાટા ગ્રુપના અધિકારીઓ પ્રત્યેની તેમની હતાશા વધુ ઘેરી બનતી ગઈ. તેમણે જણાવ્યું કે પરિવારે તપાસ અંગેની માહિતી, સામાન પરત કરવા અને તબીબી સહાય અંગે અપડેટ્સ મેળવવા માટે મહિનાઓ સુધી પ્રયત્નો કર્યા, પણ તેમને મોટા ભાગે અસ્પષ્ટ અથવા ગોળગોળ જવાબો મળતા હતા.
તેમને લાગ્યું કે કોઈ પણ કાર્યવાહી ત્યારે જ થતી જ્યારે મીડિયાનું ધ્યાન જતું કે જાહેર દબાણ થતું. તેમના જણાવ્યા અનુસાર, એક સમયે ટાટા સાથે સંકળાયેલ સહાય કાર્યક્રમો દ્વારા નિમવામાં આવેલા ડૉક્ટરોને તેમની માતાનું મૂલ્યાંકન કરવામાં મહિનાઓ લાગ્યા હતા. તેમણે કહ્યું, "અમે તેમના પર વિશ્વાસ મૂક્યો હતો, અમને લાગ્યું કે તેઓ અમારી સાથે ઊભા રહેશે." બીબીસીએ પરિવારના આ આરોપો પર ટિપ્પણી માટે ઍર ઇન્ડિયાનો સંપર્ક કર્યો છે.
વિમાન દુર્ઘટનાની તપાસ જટિલ છે અને ઘણીવાર મહિનાઓ લાગી શકે છે. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન નિયમો હેઠળ અંતિમ અહેવાલો સામાન્ય રીતે એક વર્ષની અંદર અપેક્ષિત છે. આ કેસમાં વચગાળાનો અહેવાલ ક્રૅશના એક મહિના પછી બહાર પાડવામાં આવ્યો હતો.
પરંતુ પરિવારો માટે તકનીકી વિગતોએ ફક્ત પીડામાં વધારો કર્યો. ઇમ્તિયાઝે કહ્યું, "આપણે એક આધુનિક દેશમાં રહીએ છીએ, જવાબો માટે એક વર્ષ શા માટે રાહ જોવી જોઈએ?"
મૃત્યુ પામેલા ઘણા લોકોની જેમ જાવેદે પણ પોતાના પરિવારને આર્થિક સહાય કરવા માટે વર્ષો સુધી વિદેશમાં કામ કર્યું હતું. બંને ભાઈઓએ સાથે મળીને દુબઈમાં વ્યવસાયનું આયોજન પણ કરી દીધું હતું. "અને પછી," ઇમ્તિયાઝે નીચું જોતાં કહ્યું, "જીવનનો શ્રેષ્ઠ સમય શરૂ થાય તે પહેલાં જ તે ચાલ્યો ગયો."
તેમની બાજુમાં બેઠેલાં તેમનાં માતાએ હળવેથી, ભાગ્યે જ કોઈને ખ્યાલ આવે તે રીતે ખભા ઊંચા કર્યા. તેમણે કહ્યું, "મને હવે એ રિપોર્ટથી કંઈ જ ફર્ક નથી પડતો. શું કોઈ રિપોર્ટ મારા દીકરાને પાછો લાવી શકશે?"
તેમના માટે આ ખોટ હવે નાની નાની યાદોમાં જીવ્યા કરે છે: જાવેદ અમદાવાદ જવા નીકળ્યા તે પહેલાંની રાત્રે કરેલું રાત્રિભોજન, તેમણે યાદ કરતાં કહ્યું, "બધું કેટલું સુંદર હતું" પૌત્ર-પૌત્રીઓની પહેલી લાંબી મુલાકાત. તેમણે મને એટલા કડક રીતે ગળે લગાવ્યાં હતાં કે જાણે તેઓ જવા માગતાં નહોતાં.
દીકરાનો ગમતો ખોરાક લઈને મા કબ્રસ્તાનમાં જાય છે
આખી સફર દરમિયાન જાવેદે તેમની ખૂબ જ કાળજી લીધી હતી. તેમને ખરીદી માટે લઈ ગયા હતા અને 15 જોડી નવાં કપડાં ખરીદવાનો આગ્રહ કર્યો હતો.
"મેં તેને કહ્યું, 'કેમ? શું હું લગ્નમાં જઈ રહી છું?'" આટલું બોલતાં તેઓ રડવાં લાગ્યાં. મુંબઈમાં છેલ્લી રાત્રે તે ખોળામાં માથું રાખીને સૂઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ જલ્દી પાછા આવશે.
સાંજે મુંબઈમાં ગરમી ઓછી થઈ જાય પછી તેઓ એકલાં કબ્રસ્તાનમાં જાય છે. સાથે તેને ગમતો ખોરાક મટન સ્ટયૂ, ફિશ ફ્રાય, ક્યારેક કેરી લઈ જાય છે. બધું એ રીતે પેક કરીને લઈ જાય છે જાણે તેઓ પાછા ફરવાના હોય.
હૃદયમાં મૂકાયેલા સ્ટેન્ટને કારણે હવે ચાલવું-બેસવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે. તેઓ ધીમે ધીમે જમીન પર બેસે છે અને પછી પોતાના દીકરાની કબર સાથે વાતો કરવા લાગે છે. ધીમા અવાજે તેઓ કહે છે: "જો, હું આવી છું, મારા દીકરા... હું તને મળવા આવી છું."
જે દિવસે પરિવારને ઍરલાઇન તરફથી જાવેદનું તૂટેલું સૂટકેસ મળ્યું, કોઈએ તેને ખોલ્યું નહીં. ઇમ્તિયાઝે જણાવ્યું, "અમે તેને એક બાજુ રાખી દીધું છે, અમે તેને સ્પર્શતા નથી."
આવી ક્ષણોથી પીડાઈને ઇમ્તિયાઝ જવાબો શોધવામાં ડૂબી ગયા. તેમણે ઍરલાઇન્સને ઇમેઇલ લખ્યા, વકીલો રાખ્યા અને પ્લેન ક્રૅશનું કારણ સમજવાનો પ્રયાસ કર્યો. એક સમયે સંબંધીઓએ તેમને દુબઈ મોકલ્યા જેથી આ બધાથી દૂર લઈ જઈ શકાય. પછી તેમને પેનિક ઍટેક આવવા લાગ્યા. "ઘણીવાર હું કંપીને ઊંઘમાંથી જાગી જાઉં છું," તેમણે કહ્યું. "મને લાગે છે કે હું ફરી ત્યાં આવી ગયો છું, અને પહેલી વાર પેલા સમાચાર સાંભળી રહ્યો છું."
મહિનાઓ સુધી ઇમ્તિયાઝને એવું લાગતું હતું કે કદાચ તપાસ રિપોર્ટ તેમને શાંતિ આપશે. પરંતુ જેનાથી તેમને હિંમત મળી તે કંઈક બીજું જ હતું. દફનવિધિનાં થોડાં અઠવાડિયાં પછી તેમની મોટી બહેને જાવેદનો એક જૂનો ઑડિયો સંદેશ મોકલ્યો.
દુર્ઘટના પહેલાં રેકૉર્ડ કરેલા એ સંદેશમાં જાવેદે એક સ્વપ્નનું વર્ણન કર્યું: બે દૂતો તેમને લેવા આવ્યા હતા અને તેને લઈ જતા પહેલા તેમને ગુલાબની સુગંધથી નવડાવ્યા. " જાવેદે રેકોર્ડિંગમાં કહ્યું હતું, "હું જ્યારે જાગી ગયો ત્યારે પણ મને તેની સુગંધ આવી રહી હતી."
આ સંદેશ સાંભળીને ઇમ્તિયાઝ ચૂપચાપ બેસી રહ્યા. તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. ઇસ્લામિક પરંપરામાં શહાદત આધ્યાત્મિક શુદ્ધતા સાથે સંકળાયેલી છે, અને પરિવારો ક્યારેક આવા મૃત્યુને ગૌરવવંત ગણીને દિલાસો મેળવે છે. અંતિમ સંસ્કાર પછી સંબંધીઓએ ઇમ્તિયાઝને કહ્યું કે જાવેદ એક સન્માનનીય મૃત્યુ પામ્યા છે. તેમણે કહ્યું કે, તે સમયે મને તેમના પર વિશ્વાસ નહોતો આવ્યો. પરંતુ ભાઈનો અવાજ સાંભળીને બધું બદલાઈ ગયું.
"આ," તેમણે શાંતિથી કહ્યું, "આ જ એ જવાબ હતો, જેની મને જરૂર હતી. તે જ્યાં છે, શાંતિમાં છે." તપાસમાં કદાચ અંતે જાણી શકાશે કે વિમાન કેવી રીતે ક્રૅશ થયું. પરંતુ વૉઇસ નોટે તેમને જીવતા શીખવ્યું.
બહાર સાંજ સ્થિર થવા લાગી હતી. ક્યાંક ભેજવાળી હવામાં અઝાન સંભળાઈ રહી હતી. ઇમ્તિયાઝે કહ્યું, "અમુક પ્રશ્નો એવા હોય છે, જેના જવાબો ફક્ત મૃતકો જ આપી શકે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન