You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂતોને કામ આવતી એવી ટૅક્નૉલૉજી જેનાથી ખેતરમાં નિંદામણ આપમેળે થઈ જાય, પાણી કેટલું આપવું એ પણ સૉફ્ટવૅર કહી દે
- લેેખક, ડૅવિડ સિલ્વરબર્ગ
- પદ, ટૅક્નૉલૉજી સંવાદદાતા, કૅનેડાના ટૉરંટોથી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
જેક લેગી કૅનેડાના સાસ્કાચેવાનમાંના ત્રીજી પેઢીના ખેડૂત છે.
તેમના દાદાએ 1956માં 640 એકર જમીન ખરીદી હતી, જેનું કદ હવે વધીને 17,000 હેક્ટર થયું છે. તેઓ ત્યાં કેનોલા, ઘઉં, શણ અને લીલી મસૂર ઉગાડે છે.
જેક લેગીએ બાળપણમાં તેમના પિતા અને દાદાને કલાકો સુધી ટ્રૅક્ટર પર બેસીને વાવણી તથા પાક પર દવાનો છંટકાવ કરતા જોયા હતા. ગરમીના એ દિવસોમાં કલાકો સુધી મહેનત કર્યા પછી તેમના શર્ટ્સ પરસેવાથી ભીંજાઈ જતા હતા.
જેક લેગી કહે છે, "એ દિવસોમાં ખેતી બહુ ઓછી કાર્યક્ષમ હતી. આજે ટૅક્નૉલૉજીને કારણે અમારા કામમાં ઘણો સુધારો થયો છે."
પોતાની ખેતી સ્પર્ધાત્મક બની રહે એટલા માટે જેક લેગી તેમાં, ખાસ કરીને પાક પર છંટકાવના સંદર્ભમાં, ઘણું નાવીન્ય લાવ્યા છે.
તેઓ તેમના જોન ડીયર ટ્રૅક્ટર સાથે જોડાયેલા સૉફ્ટવૅર અને કૅમેરા વડે નીંદણને વધુ કાર્યક્ષમ રીતે દૂર કરી શકે છે. બીજ રોપતાં પહેલાં દરેક ખેડૂતે આવું કરવું પડે છે.
જેક લેગી કહે છે, "સેન્સરના ધ્યાનમાં નીંદણ આવે ત્યારે એ તેના પર જ નોઝલ વડે સ્પ્રે કરી શકે છે. એ વેળા અમે કલાકના લગભગ 15 કિલોમીટરની ઝડપે ટ્રૅક્ટર ચલાવતા હોઈએ છીએ."
અમેરિકામાં ખેતરો ઘટ્યાં, ટૅક્નૉલૉજી વધી
તેમના જણાવ્યા મુજબ, તેઓ જંતુનાશક દવાના ખર્ચમાં બચત કરી શકે છે, કારણ કે નીંદણ ધ્યાનમાં આવે ત્યારે જ નોઝલ ચાલુ થાય છે. અગાઉ બધા પર એકસાથે સ્પ્રે કરવામાં આવતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ ઉમેરે છે કે ખેતીના કામકાજમાં આ નવી પદ્ધતિ ઉમેરવાથી રોકાણ સામે ઘણી વાર વધારે વળતર મળે છે.
તેઓ કહે છે, "છંટકાવની ટૅકનિક સંદર્ભે ઓછી કિંમતે સારું કામકાજ કરી શકાય એવા વિકલ્પો ઉપલબ્ધ થયા છે. દાખલા તરીકે, તે તમારા રેકૉર્ડને બહેતર બનાવવામાં મદદરૂપ એક ઍપ્લિકેશન હોઈ શકે છે."
સમગ્ર ઉત્તર અમેરિકાના ખેડૂતો આ નવી રીતનો ઉપયોગ કરી રહ્યા છે.
મૅકકિન્સેના 2024ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ઉત્તર અમેરિકાના 57 ટકા ખેડૂતો ઊપજ વધારતી નવી ટૅક્નૉલૉજી આગામી બે વર્ષમાં અજમાવે તેવી શક્યતા છે.
અમેરિકાના ખેતી વિભાગના 2022ના એક અન્ય અહેવાલમાં જણાવાયું હતું કે દેશમાં ખેતરોની સંખ્યા ઘટી રહી છે ત્યારે બાકી બચેલાં ખેતરોમાં વધુને વધુ પ્રમાણમાં ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે.
વર્મોન્ટના સ્વીટલૅન્ડ ફાર્મ્સનાં અને ખેડૂત નોરાહ લેકના કહેવા મુજબ, સફળ પાક લેવા માટે ખેતીમાં "આગળ-પાછળની ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડે છે."
નોરાહ લેકે તાજેતરની લણણી અથવા ઊપજ વધારવા, પાછલાં વર્ષો સાથે તેની સરખામણી માટે માઇક્રોસૉફ્ટ ઍક્સેલનો ઉપયોગ કર્યો હતો.
નોરાહ લેક કહે છે, "અમે જેટલી બ્રોકોલીનું વાવેતર કર્યું હતું, તેમાંથી ખરેખર કેટલી ઉત્પન્ન થઈ એ હું જાણવા ઇચ્છતી હતી."
સૉફ્ટવૅરને આધારે ખેડૂતોને માર્ગદર્શન
નોરાહ લેક શતાવરી, ટામેટાં અને ઝુકીની જેવાં શાકભાજી તેમજ પેસ્ચર્ડ મીટ ઉગાડે છે. તેઓ આજકાલ ટેન્ડ નામની કંપનીનાં સૉફ્ટવૅર અને ઍપ્લિકેશન્શનો ઉપયોગ કરી રહ્યા છે.
તેઓ એવા કપરાં કામોને ટૅક્નૉલૉજી વડે ડિજિટાઇઝ અને સરળ કરવા ઇચ્છતા હતા. જેથી તેઓ તેને તેમના સેલફોન અથવા કોમ્પ્યુટર પર નિહાળી શકે.
હવે તેઓ લણણીના આંકડાને ટેન્ડમાં નોંધી શકે છે. આગામી લણણી માટે પાકનું શ્રેષ્ઠ વાવેતર તથા વ્યવસ્થાપન કેવી રીતે કરવું તેની વિગત તેમજ સલાહ તે સૉફ્ટવૅર તેમને આપી શકે છે.
નોરાહ લેક કહે છે, "આપણે જે ચોક્કસ પાક લેવા માગતા હોઈએ તેના રો ફીટને આધારે કેટલું બિયારણ મંગાવવું જોઈએ તેની ગણતરી માટે આપણે ટેન્ડનો ઉપયોગ કરી શકીએ."
ખેડૂતો માટે તેમની પસંદગીની ટૅક્નૉલૉજી મોટા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
સ્વિટ્ઝર્લૅન્ડસ્થિત કૃષિ ટૅક્નૉલૉજીની વિરાટ કંપની સિજેન્ટા ખેડૂતોને ક્રૉપવાઇઝ સૉફ્ટવૅર ઑફર કરે છે. તે સૉફ્ટવૅર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેટેલાઇટ ઇમેજોનો ઉપયોગ કરીને ખેડૂતોને પાક સંબંધી માર્ગદર્શન આપે છે અથવા તો તેમને કટોકટી સંબંધી ચેતવણી આપે છે.
સિજેન્ટા ગ્રૂપના વડા માહિતી અધિકારી ફિરોઝ શેખ કહે છે, "એ ખેડૂતને જણાવી શકે છે કે તમારે તમારા ખેતરના દક્ષિણપૂર્વ ખૂણાની મુલાકાત લેવી જરૂરી છે, કારણ કે તેમાં જીવાતના પ્રકોપ જેવી કોઈ સમસ્યા સર્જાઈ છે. સિસ્ટમમાં 20 વર્ષના હવામાન પૅટર્ન ડેટાને મશીન લર્નિંગ મૉડલમાં પણ ફીડ કરવામાં આવ્યો છે. તેથી ક્યા પ્રકારની પરિસ્થિતિનું શું પરિણામ આવે છે તે આપણે ચોકસાઈપૂર્વક જાણી શકીએ છીએ."
એ ડેટા વડે ખેડૂતો તેમના પાકને કવર કરી શકે છે. દાખલા તરીકે, તેમના મોટા ભાગના વાવેતરને ખતમ કરી શકે તેવું હિમ પડવાનું હોય તો ખેડૂત તેની સામે સાવચેતીનાં પગલાં લઈ શકે છે.
કેટલું પાણી વાપરવું તેની સલાહ પણ ટૅક્નૉલૉજી આપે
આબોહવાની પરિસ્થિતિમાં વિવિધ પાકની હાલત કેવી થશે, તેની ઊંડી સમજ ખેડૂતોને આપવા માટે જર્મનીમાં જીન-પાસ્કલ લુત્ઝે નોમેઝની સ્થાપના કરી છે.
તેનું સૉફ્ટવૅર આ વર્ષે રજૂ થવાનું છે. જીન-પાસ્કલ લુત્ઝ કહે છે, "અમે વિવિધ વાતાવરણમાં ફિલ્ડ ટેસ્ટ્સ કર્યા પછી અમારા કોમ્પ્યુટર મૉડલ દ્વારા સિમ્યુલેશન બનાવ્યા છે, જેથી ગ્રાહકોને કેટલું પાણી વાપરવું, મહત્તમ ઊપજ કેવી રીતે મેળવવી તે વિશે વધુ સારી સમજ મળી શકે."
યુનિવર્સિટી ઑફ વર્મોન્ટના કૃષિશાસ્ત્રી અને માટી નિષ્ણાત હીથર ડર્બીના જણાવ્યા મુજબ, આ ટૅક્નૉલૉજીનો પ્રભાવ ગ્રાહકો પર પડી શકે છે. માર્કેટમાં વધારે ઉત્પાદન લાવવાથી કિંમતમાં ઘટાડો થઈ શકે છે.
હીથર ડર્બી કહે છે, "પાકમાં નિષ્ફળતા ટાળવા માટે ખેડૂતને મદદ મળે તો તેનાથી ખેતી માટે વધુ નિયંત્રિત વાતાવરણ અને ભરોસાપાત્ર તથા સલામત ખાદ્ય પ્રણાલીનું સર્જન થઈ શકે છે."
ફરી સાસ્કાચેવાનમાં પાછા ફરીએ. જેક લેગી નોંધે છે કે વૃદ્ધ ખેડૂતો મોટા પરિવર્તનનો પ્રતિકાર કરે તે શક્ય છે, પરંતુ યુવા ખેડૂતો ટૅક્નૉલૉજી તરફ વળી રહ્યા છે.
ખેડૂતોએ પરિવર્તનને આવકારવું જોઈએ, એમ જણાવતાં તેઓ કહે છે, "તેનો વિચાર કરો. આમાંના કેટલાક ખેતરો કરોડો ડૉલરનો વ્યવસાય છે, જે બહુવિધ પરિવારોને આધાર આપી રહ્યા છે. આપણે આપણને ઉપયોગી થાય તેવી ટૅક્નૉલૉજી અપનાવવાની જરૂર છે."
"મેં એક વાર કોઈને એવું કહેતા સાંભળ્યા હતા કે તમે ખેતીને વ્યવસાય ગણતા હો તો તે જીવનનો એક મહાન માર્ગ છે, પરંતુ તમે ખેતીને જીવનનો એક માર્ગ ગણતા હો તો તે એક ભયાનક વ્યવસાય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન