ગુજરાતમાં આજથી ભારે પવન સાથે વરસાદ પડશે, 10 જિલ્લામાં કરા પડવાની આગાહી

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

શનિવારે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવામાનમાં પલટો આવ્યો હતો અને કેટલાંક સ્થળોએ વરસાદી ઝાપટા પડતાં ગરમીના અસહ્ય ઉકળાટથી લોકોને કામચલાઉ રાહત મળી હતી.

હવે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદ અને ચોમાસાની આગેકૂચ અંગેની આગાહી જાહેર કરી છે.

નોંધનીય છે કે ચોમાસું ભારતની મુખ્ય ભૂમિની વધુને વધુ નજીક આવતું જઈ રહ્યું છે, જોકે, હજુ સુધી હવામાન વિભાગે ભારતની મુખ્ય ભૂમિ પર ચોમાસું ક્યારે પહોંચશે એ સંદર્ભે કોઈ તારીખની જાહેરાત નથી કરી.

સામાન્યપણે, ચોમાસું 1 જૂનની આસપાસ ભારતમાં બેસતું હોય છે.

આ અહેવાલમાં જાણીએ કે આખરે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં કયા જિલ્લામાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે તેમજ ચોમાસાની આગેકૂચની હાલ શું સ્થિતિ છે?

ચોમાસું ક્યાં સુધી પહોંચ્યું?

હવામાન વિભાગે શનિવારે બપોરના બે વાગ્યે જાહેર કરેલા બુલેટિન પ્રમાણે દક્ષિણપૂર્વ ચોમાસું આગળ વધ્યું હોવાનું કહેવાયું છે.

માહિતી મુજબ, દક્ષિણપૂર્વ ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુ, કોમોરિન વિસ્તાર, દક્ષિણપશ્ચિમ, દક્ષિણપૂર્વ અને મધ્યપૂર્વ બંગાળની ખાડી અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના અમુક ભાગોમાં આગળ વધ્યું છે.

આગામી 4-5 દિવસોમાં દક્ષિણપૂર્વ ચોમાસું દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર, લક્ષદ્વીપ ટાપુ, કેરળ અને તામિલનાડુના કેટલાક ભાગો, દક્ષિણપશ્ચિમ,મધ્યપશ્ચિમ, મધ્યપૂર્વ અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના વધુ કેટલાક ભાગોમાં અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના અમુક ભાગોમાં અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના બાકીના ભાગોમાં આગળ વધે તે માટેની અનુકૂળ પરિસ્થિતિઓ છે.

ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

શનિવારે મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર, ખાનપુર અને કડાણા ખાતે વહેલી સવારથી કાળાંડિબાંગ વાદળો છવાયેલાં જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત સંતરામપુર અને ગોધરચુથાના મુવાડા ગામે વરસાદી ઝાપટા પડ્યા હતા.

આ ઉપરાંત દાહોદના સંજેલી તાલુકામાં પણ વાતાવરણમાં પલટો આવેલો જોવા મળ્યો હતો. વહેલી સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરેલી અને છૂટોછવાયો વરસાદ પડતો જોવા મળ્યો હતો.

દાહોદ જિલ્લાના ફતેપુરમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત, અરવલ્લીના માલપુર ખાતે હવામાનમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારથી વરસાદ પડતો જોવા મળ્યો હતો. જે બાદ લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી.

અરવલ્લી જિલ્લાના જ શામળાજીના વાંસેરાકંપા પંથકમાં વહેલી સવારે વરસાદનું ઝાપટું પડ્યું હતું. મોડાસા સહિત આસપાસના વિસ્તારોમાં કાળાંડિબાંગ વાદળો છવાયેલાં જોવા મળ્યાં હતાં.

ગુજરાત: કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?

હવામાન વિભાગે ગુજરાત માટે જાહેર કરેલી આગાહી સંબંધિત બુલેટિનમાં આપેલી વિગતો મુજબ, 30 મેના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપી ખાતે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ ગાજવીજ અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત ગીર સોમનાથ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ ગાજવીજ અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગાહીના બીજા દિવસે એટલે કે 31 મેના રોજ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની સંભાવના છે. જે અંગે હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.

તથા 31 મેના રોજ પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ જિલ્લાઓ માટે વિભાગે ગાજવીજ સાથે વરસાદ અંગે યેલો ઍલર્ટ જાહેર કર્યો છે.

વીડિયો જુઓ

ઉપરાંત એ જ દિવસે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે.

અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં 31 મેના રોજ છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરાઈ છે.

1 જૂન માટેની આગાહી મુજબ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લાના છૂટાંછવાયાં સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.

ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી ખાતે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ ગાજવીજ સહિત 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ જિલ્લામાં વિભાગે ગાજવીજ સાથે વરસાદ માટે યેલો ઍલર્ટ જાહેર કર્યો છે.

આ સિવાય સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ ગાજવીજ સહિત 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

આ ઉપરાંત વિભાગે સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદનો ઍલર્ટ જાહેર કરાયો છે.

2 જૂન માટેની આગાહી મુજબ, નર્મદા, ડાંગ અને તાપી જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ 50-60 કિમી પ્રતિ કલાકની ગતિએ ફૂંકાતા પવનોની સાથે હળવી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. વિભાગે આ જિલ્લા માટે ગાજવીજ સાથે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.

ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત, નર્મદા, ડાંગ અને તાપી ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

3 જૂન માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઉપરાંત, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અને તાપી ખાતે કેટલાંક સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

4 અને 5 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતના 10 જિલ્લામાં કરા પડે તેવી શક્યતા

ગુજરાતમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ અને ગાજવીજ સાથે કરા પડવાની આગાહી પણ કરાઈ છે.

હવામાન વિભાગ મુજબ, ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં કરા પડી શકે છે.

એટલે કે ગુજરાતના 10 જિલ્લામાં કરા પડે તેવી શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન