ટીઆરપી ગેમ ઝોન ફાયર: રાજકોટ મહાનગરપાલિકાએ ચાર અધિકારીઓને નોકરીમાંથી ડિસમિસ કર્યા - ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 25 મે 2024ના રોજ રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ ફાટી નીકળતાં બાળકો સહિત 27 લોકોનાં મૃત્યુ થયાં હતાં
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

27 લોકોનો ભોગ લેનારી રાજકોટ શહેર ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં ફાટી નીકળેલી આગની ઘટનાનાં બે વર્ષ બાદ આખરે આ મામલામાં રાજકોટ મહાનગરપાલિકાએ ચાર અધિકારીને નોકરીમાંથી ડિસમિસ કરી દીધા છે.

આ સાથે જ એક કર્મચારીને નોકરીમાંથી રુખસદ આપી દેવાઈ છે. શહેરના તત્કાલીન ચીફ ફાયર ઑફિસર ઈલેશ ખેરને પણ નોકરીમાંથી ડિસમિસ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

નોંધનીય છે કે આ મામલામાં ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો જાહેર હિતની અરજીની શુક્રવારે થયેલી સુનાવણી દરમિયાન મહાનગરપાલિકાના વકીલ જી.એચ. વર્કે હાઇકોર્ટને જાણ કરી હતી કે મહાનગરપાલિકાએ ટીઆરપી ગેમ ઝોન ફાયરની ઘટના બાદ આઠ અધિકારીઓને નોકરીમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને ખાતાકીય તપાસને અંતે ટાઉન પ્લાંનિંગ શાખાના ત્રણ અધિકારીઓ—ગૌતમ જોશી, જયદીપ ચૌધરી અને મુકેશ મકવાણાને નોકરીમાંથી ડિસમિસ કરી દેવામાં આવ્યા છે.

સરકારી વકીલે જણાવ્યું હતું કે આ ઉપરાંત કાલાવડ રોડ ફાયર સ્ટેશનના તત્કાલીન ફાયર ઑફિસર રોહિત વિગોરાને પણ નોકરીમાંથી ડિસમિસ કરાયા છે. સાથે સાથે ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી રાજેશ મકવાણાને સેવામાંથી 'રિમૂવ' કરવામાં આવ્યા છે.

ટીઆરપી ગેમ ઝોન રાજકોટ મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર 10માં આવેલ હતો. ગૌતમ જોશી વોર્ડ નંબર 10ના તત્કાલીન આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર હતા જયારે જયદીપ ચૌધરી તે જ વોર્ડમાં ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયર હતા. મુકેશ મકવાણા વર્ડ નંબર 10માં ગૌતમ જોશીના પુરોગામી હતા. રાજેશ મકવાણા વોર્ડ નંબર 1, 8 અને 9ના તત્કાલિન એટીપીઓ હતા.

રાજકોટ મહાનગરપાલિકાના એસ્ટાબ્લિશમેન્ટ ડિપાર્ટમેન્ટના મૅનેજર વિવકે મહેતાએ બીબીસીને જણાવ્યું કે નોકરીમાંથી ડિસમિસ અને રિમુવ કરવાના હુકમો 8 જૂન, 2026ના રોજ કરવામાં આવ્યા હતા અને તે જ દિવસથી અમલી બની ગયા છે. તેમણે ઉમેર્યું કે આ અધિકારીઓ પૈકી ત્રણ મહાનગરપાલિકાના બીજા વર્ગના ઑફિસર હતા, જયારે ફાયર ઑફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયર ત્રીજા વર્ગના ઑફિસર્સ હતા.

નોંધનીય છે કે પોલીસે આ મામલામાં આઠ અધિકારીઓ સામે આરોપનામું દાખલ કર્યું છે અને હાલ આ કેસ રાજકોટની ડિસ્ટ્રિકટ ઍન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો છે.

રાજપાલ યાદવને ચેક બાઉન્સ કેસમાં ત્રણ માસની સજા, આટલો દંડ ભરવો પડશે

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગત ફેબ્રુઆરી માસમાં રાજપાલ યાદવને દિલ્હી હાઇકોર્ટે આત્મસમર્પણ માટે કહ્યું હતું

દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે બોલીવૂડ ઍક્ટર રાજપાલ યાદવ વિરુદ્ધ દાખલ ચેક બાઉન્સના ઘણા કેસોમાં તેમની સજાને જાળવી રાખી છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લાઇવ લૉ અનુસાર, જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ રાજપાલ યાદવને સાત કેસોમાં ત્રણ-ત્રણ માસની સાધારણ કેદની સજા સંભળાવી. કોર્ટે નિર્દેશઆપ્યો કે તમામ સજા એક સાથે ચાલશે.

ફેબ્રુઆરીમાં રાજપાલ યાદવને દિલ્હી હાઇકોર્ટે આત્મસમર્પણ માટે કહ્યું હતું, જોકે, બાદમાં તેમની સજા પર વચગાળાનો સ્ટે આવ્યો હતો.

શુક્રવારે કોર્ટે રાજપાલ યાદવને દરેક મામલાાં ફરિયાદીને 1.05 કરોડ રૂપિયાની ચુકવણી કરવાનો નિર્દેશ આપ્યો.

આ સિવાય, ફરીયાદીને 1,04,75,000 રૂ. અને રાજ્યને 25 હજાર રૂ. આપવાનો પણ આદેશ આપ્યો.

કોર્ટે રાજપાલ યાદવનાં પત્ની રાધા યાદવને દરેક મામલામાં ફરીયાદીને 5,00,51,380 રૂ. આપવાનો નિર્દેશ આપ્યો.

કોર્ટે કહ્યું કે સેશન્સ કોર્ટે સમાધાન અંતર્ગત રાજપાલ યાદવ તરફથી પહેલાં જ ફરીયાદીને અપાયેલી ચુકવણીને ધ્યાનમાં રાખી હતી અને દંડ નક્કી કરવામાં ટ્રાયલ કોર્ટ તરફથી કોઈ ભૂલ નથી થઈ.

જસ્ટિસ શર્માએ કહ્યું કે મામલાની સુનાવણી દરમિયાન ફરિયાદીને પહેલાંથી જ 2.25 કરોડ રૂપિયાની ચુકવણી કરી દેવાઈ છે. આ રકમ અંતિમ દંડ અને વળતર નક્કી કરતી વખતે ગણતરીમાં લેવાશે.

મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના વકીલ અવનીશ સિક્કાએ એએનઆઇને કહ્યું કે આ આદેશ માનવા કે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે રાજપાલ યાદવને બે મહિનાનો સમય અપાયો છે.

સ્પેનનાં જંગલોની આગમાં 12 લોકોનાં મોત, દક્ષિણ યુરોપમાં હિટવેવ

દક્ષિણ યુરોપમાં સતત હિટવેવની પરિસ્થિતિને કારણે કેટલાક ભાગોમાં જંગલોમાં આગ લાગી ગઈ છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, દક્ષિણ યુરોપમાં સતત હિટવેવની પરિસ્થિતિને કારણે કેટલાક ભાગોમાં જંગલોમાં આગ લાગી ગઈ છે

સ્પેનના દક્ષિણ-પૂર્વી પ્રાન્ત અલ્મેરિયાના લૉસ ગાયાર્દોસ વિસ્તારમાં લાગેલી જંગલની આગમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે. આ ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

કેટલાક મૃતકો તે વાહનોની અંદર મળ્યા જે આગની ચપેટમાં આવી ગયાં હતાં.

પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે આગ વિજળીની લાઇનને કારણે લાગી તે પડી ગઈ હતી અને જોતજોતાંમાં આગ જંગલમાં ફેલાઈ ગઈ.

જોકે, અધિકારીઓએ અત્યાર સુધી આગ લાગવાના કારણની આધિકારિક પુષ્ટિ નથી કરી.

દક્ષિણ યુરોપના કેટલાક ભાગોમાં હિટવેવને કારણે તાપમાન લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે અને કેટલાક વિસ્તારોમાં જંગલોમાં આગ લાગી ગઈ છે.

ફ્રાન્સ, પોર્ટુગલ અને સ્પેનમાં ફાયર વિભાગના સેંકડો કર્મચારીઓ આગની મોટી ઘટનાઓ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જ્યારે હજારો લોકોએ પોતાનાં ઘર છોડવા પડ્યાં છે.

અંદાલુદિયાના ક્ષેત્રીય પ્રમુખે આ ઘટનાને "ત્રાસદી" ગણાવી છે.

તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર એક સંદેશમાં કહ્યું કે, "અમારા હૃદય ભારે છે અને અમે ઊંડા દુ:ખમાં છીએ."

ઇમર્જેન્સી સેવા અનુસાર આગને કારણે કેટલાક રસ્તાઓ બંધ કરવા પડ્યા છે અને લગભગ 1,000 લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં આવ્યા છે.

ઇંગ્લૅન્ડે ભારતને હરાવીને સિરીઝ જીતી, ભારતીય બૅટ્સમૅનોના પ્રદર્શન પર સવાલો

ઇંગ્લૅન્ડ, આઇસીસી, ક્રિકેટ, ટી20, ભારત, બીબીસી, ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

ઇંગ્લૅન્ડે પહેલી વાર ભારત સામે ટી20 સિરીઝ જીતી લીધી છે. તે સાથે જ હવે ભારતને ટી20 મૅચોમાં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે.

બ્રિસ્ટલમાં રમાયેલી ચોથી ટી20 મૅચમાં ભારતે ઇંગ્લૅન્ડને 159 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ઇંગ્લૅન્ડના ફિલ સૉલ્ટ અને કૅપ્ટન હૅરી બ્રુકે બીજી વિકેટ માટે અણનમ 144 રનની ભાગીદારી કરી અને માત્ર 13.5 ઓવરમાં જ મેચ જિતાડી દીધી. હૅરી બ્રુકે 35 બૉલમાં 79 રન અને ફિલ સોલ્ટે 42 બૉલમાં 59 રન બનાવ્યા હતા.

પાંચ મૅચની સિરીઝમાં ઇંગ્લૅન્ડ હવે 3-0થી અજેય લીડ ધરાવે છે. પ્રથમ મૅચ વરસાદને કારણે રદ થઈ હતી તે પછી ઇંગ્લૅન્ડે આગામી ત્રણ મૅચ જીતી લીધી હતી.

આ સિરીઝ પહેલાં ભારતની સતત હાર અને આયર્લૅન્ડ સામે મળેલી બે આંચકાજનક હારને કારણે કૅપ્ટન શ્રેયસ અય્યર પર દબાણ વધી ગયું છે.

તેમણે જૂનની શરૂઆતમાં જ ટીમની કૅપ્ટનશિપ સંભાળી હતી.

સૌરવ ગાંગુલી હવે આઇસીસી હૉલ ઑફ ફેમમાં સામેલ, સચીન તેંડુલકરે આપી પ્રતિક્રિયા
સૌરવ ગાંગુલી, આઇસીસી, હોલ ઑફ ફેમ, બીબીસી, ગુજરાતી,

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીને બુધવારે તેમના 54માં જન્મદિવસ પર એક સારા સમાચાર મળ્યા હતા.

એડિનબર્ગમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)ની વાર્ષિક કૉન્ફરન્સમાં લેવાયેલા નિર્ણય બાદ, તેમનો આઇસીસીના પ્રતિષ્ઠિત 'હોલ ઑફ ફેમ'માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સન્માન મેળવનારા તેઓ તાજેતરના ભારતીય ક્રિકેટર બન્યા છે.

ગાંગુલીના સમાવેશ સાથે જ આઇસીસી હોલ ઑફ ફેમમાં સામેલ થનારા ભારતીય ખેલાડીઓની સંખ્યા હવે 12 પર પહોંચી ગઈ છે.

આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતા ગાંગુલીએ આઇસીસી અને તેના ચૅરમૅન જય શાહનો આભાર માન્યો હતો અને આ માન્યતાને પોતાના માટે એક "બહુ મોટું સન્માન" ગણાવ્યું હતું.

સચીન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેમને અભિનંદન આપતાં લખ્યું કે 14 વર્ષની ઉંમરથી અમે એકબીજાને જાણ્યા પછી, હવે કોઈ મોટું સરપ્રાઇઝ બાકી રહેતું નથી.

સચીને લખ્યું, સૌરવ ગાંગુલીને અભિનંદન. આઇસીસી હોલ ઑફ ફેમમાં તમારા સમાવેશથી હું ખૂબ જ ખુશ છું.

ઈરાન યુદ્ધ: હોર્મુઝમાંથી પસાર થતાં જહાજોની સંખ્યામાં ઘટાડો, ઈરાનનો દાવો - 14 નાગરિકો માર્યા ગયા

ઈરાન વૉર, હોર્મુઝ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, @CENTCOM

અમેરિકા અને ઈરાન વચ્ચે ગુરુવારે પણ હુમલાઓનો સિલસિલો યથાવત રહ્યો હતો. આ દરમિયાન નિરીક્ષકોએ જણાવ્યું કે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

અમેરિકાનો દાવો છે કે તેણે 90 લશ્કરી સ્થળો પર હુમલો કર્યો, જેમાં હોર્મુઝ નજીકનાં કેટલાંક સ્થળોનો પણ સમાવેશ થાય છે. ઈરાનનો દાવો છે કે છેલ્લા બે દિવસમાં અમેરિકાના હુમલામાં 14 નાગરિકો માર્યા ગયા છે.

ઈરાની સરકારી મીડિયાએ પ્રાંતીય ડેપ્યુટી ગવર્નરને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે બુશહર ન્યૂક્લિયર પ્લાન્ટની આસપાસનાં કેટલાંક લક્ષ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, અમેરિકાએ તાજેતરના આ હુમલાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી.

ઈરાને કહ્યું કે તેણે જવાબી કાર્યવાહીમાં કુવૈત, બહેરીન અને કતારમાં અમેરિકાનાં બેઝને નિશાન બનાવ્યાં. ગુરુવારે પાછળથી સરકાર તરફી મીડિયા અનુસાર ઈરાને કુવૈત, જોર્ડન અને ઇરાકમાં પણ વધુ હુમલા કર્યા હતા.

આ દરમિયાન, ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના છ દિવસ સુધી ચાલેલા અંતિમ સંસ્કાર કાર્યક્રમો પછી તેમની દફનવિધિ કરવામાં આવી હતી.

ઈરાનના ઉત્તરપૂર્વીય શહેર મશહદમાં, ઈરાની ધ્વજ લહેરાવતા લોકોનાં મોટાં ટોળાં રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. કેટલાક લોકોએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાનથી મારી નાખવાની ધમકીવાળાં પોસ્ટરો પણ હાથમાં લીધાં હતાં.

28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા શરૂઆતના હુમલામાં આયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું હતું.

ફિફા વર્લ્ડકપ: ફ્રાન્સ મોરોક્કોને હરાવીને સેમિફાઇનલમાં પહોંચ્યું

ફિફા વર્લ્ડકપ, ફ્રાંસ, ફૂટબોલ, બીબીસી, સ્પોર્ટ્સ, ગુજરાતી, સેમિફાઇનલ

ઇમેજ સ્રોત, Getty Images

ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને હરાવીને ફ્રાન્સ ફિફા વર્લ્ડકપના સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. મંગળવારે સેમિફાઇનલમાં ફ્રાન્સનો મુકાબલો સ્પેન અથવા બેલ્જિયમ સામે થશે.

ફ્રાન્સે મોરોક્કો સામે 2-0થી આ મૅચ જીતી હતી.

આ વર્લ્ડકપમાં ફ્રાન્સ માટે એમ્બાપેએ પોતાનો આઠમો ગોલ કર્યો હતો. મૅચની શરૂઆતમાં એમ્બાપે પેનલ્ટી ચૂકી ગયો હોવા છતાં, ફ્રાન્સે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

એમ્બાપેએ 60મી મિનિટે પેનલ્ટી એરિયાના કિનારાથી શાનદાર કર્લિંગ શૉટ મારીને ફ્રાન્સને લીડ અપાવી હતી.

છ મિનિટ પછી ઉસ્માન ડેમ્બેલેએ બીજો ગોલ કરીને ફ્રાન્સને 2-0ની લીડ અપાવી.

વર્લ્ડકપમાં એમ્બાપેએ આઠ ગોલ સાથે આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીની બરાબરી કરી દીધી છે.

વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બનવાની દોડ પણ રોમાંચક બની ગઈ છે. 27 વર્ષીય એમ્બાપેના નામે હવે 20 વર્લ્ડકપ ગોલ છે, જ્યારે 39 વર્ષીય મેસ્સીના નામે રેકૉર્ડ 21 ગોલ છે.

બે વખતના વિશ્વ ચૅમ્પિયન ફ્રાન્સ જે 2022 વર્લ્ડકપ ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિના સામે હારી ગયું હતું, હવે મંગળવારે ડલ્લાસમાં સેમિફાઇનલમાં સ્પેન અથવા બેલ્જિયમનો સામનો કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન