ડોનાલ્ડ ટ્રમ્પે કોના કહેવા પર ઈરાન પર હુમલા બંધ કર્યા? - ન્યૂઝ અપડેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર ઈરાન પર સંભવિત હુમલાને રોકવાની જાહેરાત કરી છે.

ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર ઈરાન પર સંભવિત હુમલાને રોકવાની જાહેરાત કરી છે.

આ પહેલાં, ન્યૂઝ વેબસાઇટ ઍક્સિયોસના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી.

આ દરમિયાન તેમણે ઈરાન વિરુદ્ધ સંભવિત લશ્કરી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરી અને બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને ઓછો કરવાની અપીલ કરી.

અહેવાલ મુજબ , કતાર, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), તુર્કી અને પાકિસ્તાન પણ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસોમાં રોકાયેલા હતા.

દરમિયાન, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પરની તેમની પોસ્ટમાં દાવો કર્યો હતો કે ઈરાન અને કેટલાક અન્ય મધ્ય પૂર્વીય દેશોએ તેમને હુમલાઓ રોકવા વિનંતી કરી હતી.

હકીકતમાં, તણાવ ઘટાડવાના પ્રયાસોના ભાગ રૂપે, કતારના મધ્યસ્થીઓએ શનિવારે ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી, ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ઓમાની અધિકારીઓ સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી.

આ બેઠકોમાં હોર્મુઝની સામુદ્રધુનીને ફરીથી ખોલવા માટેના સંભવિત કરારની ચર્ચા કરવામાં આવી હતી.

ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે પ્રસ્તાવિત કરારમાં હોર્મુઝ સામુદ્રધુનીને કોઈપણ અવરોધ વિના ખોલવાનો સમાવેશ થાય છે.

અમેરિકાએ તેના નાગરિકોને ચેતવણી આપી, ગમે ત્યારે મધ્ય પૂર્વ છોડવા માટે તૈયાર રહો

અમેરિકાએ તેના નાગરિકોને ચેતવણી આપી, ગમે ત્યારે મધ્ય પૂર્વ છોડવા માટે તૈયાર રહો

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમેરિકાની સરકારે મધ્ય પૂર્વમાં રહેતા તેના નાગરિકોને સતર્ક રહેવા અને જો આ ક્ષેત્રમાં તણાવ વધે તો ત્યાંથી નીકળવા માટે તૈયાર રહેવા અપીલ કરી છે.

આ અપીલ એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના મીડિયામાં એવા સમાચાર છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સપ્તાહના અંતે ઈરાન પર નવા અને વધુ ઘાતક હુમલાઓનો પ્લાન બનાવી શકે છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે તેમના સુરક્ષા એલર્ટમાં જણાવ્યું કે, "મધ્ય પૂર્વની બહાર સ્થિત અમેરિકા રાજદ્વારી સુવિધાઓ સહિત અમેરિકાનાં ઠેકાણાંને નિશાન બનાવવામાં આવ્યાં છે."

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ઈરાન અને તેના સમર્થક સમૂહ અમેરિકા અને વિશ્વભરમાં વસતા અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી શકે છે.

અગાઉ, ઈરાને અમેરિકા પર તણાવ વધારવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે કોઈપણ પ્રાદેશિક દેશ તેની સાથે સહયોગ કરશે તો તે "યુદ્ધની લપેટમાં આવી જશે."

શનિવારે જાહેર કરાયેલા અમેરિકન સુરક્ષા એલર્ટમાં જણાવાયું, "મધ્ય પૂર્વમાં રહેતા અમેરિકન નાગરિકોએ સાવધાની રાખવી જોઈએ, વધુ સતર્ક રહેવું જોઈએ અને ફ્લાઇટ રદ થવા અને સમયાંતરે એરસ્પેસ બંધ હોવા સાથે સંભવિત મુસાફરી વિક્ષેપો માટે તૈયાર રહેવું જોઈએ"

પેરુમાં પ્રવાસી વિમાન ક્રેશ, ક્રૂ સહિત 13 લોકોનાં મોત

પેરુમાં પ્રવાસી વિમાન ક્રેશ, ક્રૂ સહિત 13 લોકોના મોત

ઇમેજ સ્રોત, Mariajulia VAREMAN / AFP via Getty Images

શનિવારે પેરુમાં એક નાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ 13 લોકોનાં મોત થયાં હતાં. સ્થાનિક મીડિયા અહેવાલો અને પેરુના અધિકારીઓએ અકસ્માતની પુષ્ટિ કરી છે.

અહેવાલો અનુસાર, સેસ્ના કારવાં સી-208 વિમાન શનિવારે દક્ષિણ પેરુમાં વિશ્વ પ્રસિદ્ધ નાઝકા લાઇન્સ ઉપર ઉડાન ભરી રહ્યું હતું ત્યારે તે ક્રૅશ થયું હતું. વિમાનમાં 11 પ્રવાસીઓ અને બે પાઇલટ સવાર હતા.

પેરુની સરકારી સમાચાર એજન્સી અનુસાર, મૃતકોમાં બે જર્મન, બે સ્પેનિશ અને સાત ઇટાલિયન પ્રવાસીઓ હતા. અકસ્માતનું કારણ હાલમાં અજ્ઞાત છે અને તપાસ ચાલુ છે.

પોલીસ મેજર જૉર્જ એન્ડ્રેડે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે અકસ્માત અત્યંત ગંભીર હતો અને કોઈના બચવાની શક્યતા નથી.

તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહ મળી આવ્યા છે.

પિસ્કો ઍરપૉર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી, સ્થાનિક સમય મુજબ બપોરે 1:00 વાગ્યે આ અકસ્માત થયો હતો. વિમાન નાઝકા લાઇન્સ પર પ્રવાસીઓને લઈ જઈ રહ્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્રૅશ થયેલું વિમાન સ્થાનિક ઍરલાઇન ઍરોડિયાનાનું હતું.

ઍરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે સંબંધિત અધિકારીઓની સૂચના અનુસાર તેના ફ્લાઇટ શેડ્યૂલની સમીક્ષા કરશે.

નોંધનીય છે કે નાઝકા લાઇન્સ પર પ્રવાસી વિમાનોને લગતા અકસ્માતો પહેલા પણ બન્યા છે.

2022માં અહીં એક નાનું પ્રવાસી વિમાન ક્રૅશ થયું હતું, જેમાં સાત લોકો માર્યા ગયા હતા. 2010માં આ જ વિસ્તારમાં થયેલા વિમાન દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયાં હતાં.

નાઝકા લાઇન્સ પેરુમાં એક પ્રખ્યાત પર્યટનસ્થળ છે અને તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવામાં આવ્યો છે.

અહીં, પ્રવાસીઓ રણ પર બનાવેલા હજારો વર્ષ જૂના વિશાળ ચિત્રો જોવા માટે નાના વિમાનોમાં હવાઈ પ્રવાસ કરે છે.

રશિયા: મૉસ્કોમાં રેસ્ટોરાંની બહાર વિસ્ફોટ - ત્રણ લોકોનાં મોત, 21 ઘાયલ

રશિયા: મૉસ્કોમાં રેસ્ટોરાંની બહાર વિસ્ફોટ - ત્રણ લોકોના મોત, 21 ઘાયલ

ઇમેજ સ્રોત, Natalia Kolesnikova/Anadolu via Getty Images

રશિયાની રાજધાની મૉસ્કોમાં રવિવારે સાંજે એક ઇટાલિયન રેસ્ટોરાંની બહાર થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને 21 લોકો ઘાયલ થયા છે.

રશિયન રાજ્ય મીડિયાએ સુરક્ષા અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે વિસ્ફોટ ઘરે બનાવેલા વિસ્ફોટક ઉપકરણ દ્વારા થયો હતો.

માહિતી અનુસાર, વિસ્ફોટ શહેરના મધ્યમાં કુડ્રિંસ્કાયા સ્ક્વેર પાસે સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે થયો હતો.

રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી સમિતિના જણાવ્યા અનુસાર, એક મહિલા વિસ્ફોટકો સાથે રેસ્ટોરાંમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ સુરક્ષા ગાર્ડ્સે તેને અટકાવી દીધી.

આ દરમિયાન, એક વિસ્ફોટ થયો જેમાં મહિલા સુરક્ષા ગાર્ડ અને રેસ્ટોરાંમાં હાજર અન્ય એક વ્યક્તિનું મોત થયું.

ઘટના સમયે ત્યાં એક ખાનગી કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું.

હાલમાં, અધિકારીઓએ કાર્યક્રમમાં સામેલ લોકોની યાદી જાહેર કરી નથી કે તેમણે કહ્યું નથી કે હુમલાનું સંભવિત લક્ષ્ય કોણ હતું.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ પછી ઘણા લોકોને લોહીથી લથપથ હાલતમાં રેસ્ટોરાંમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે તાજેતરના વર્ષોમાં, મૉસ્કો અને તેની આસપાસ વરિષ્ઠ રશિયન લશ્કરી અધિકારીઓની અનેક હત્યાઓ થઈ છે, જેના માટે મૉસ્કો યુક્રેન પર આરોપ લગાવતું રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન