મેલોનીએ કહ્યું 'આ સ્વીકાર્ય નથી', ઇટાલીનાં વડાં પ્રધાને કયા વીડિયોની ટીકા કરી - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીએ ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતામાર બેન-ગ્વિરે પોસ્ટ કરેલા એક વીડિયોની ટીકા કરી છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, ''ઇઝરાયલના મંત્રી બેન ગ્વિરે શેર કરેલી તસ્વીરો સ્વીકાર્ય નથી. આ જરા પણ સ્વીકાર્ય નથી કે આ પ્રદર્શનકારીઓ, જેમાં કેટલાક ઇટાલિયન નાગરિકો પણ છે, તેમની સાથે આવું વર્તન કરવામાં આવે. આ માનવીય ગરિમાનું ઉલ્લંઘન છે.''
''ઇટાલી સરકાર આમાં સામેલ ઇટાલિયન નાગરિકોને તાત્કાલિક મુક્ત કરવા માટે સર્વોચ્ચ સ્તર પર બધાં જરૂરી પગલાં લઈ રહી છે.''
''ઇટાલી આ પ્રદર્શનકારીઓ સાથે થયેલા વર્તન અને ઇટાલી સરકારની સ્પષ્ટ માગોની સંપૂર્ણ રીતે અવગણના થવા પર માફી માગે છે. આ કારણે વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહયોગ મંત્રાલય આ સમગ્ર મામલે ઔપચારિક સ્પષ્ટીકરણ માગવા માટે તરત ઇઝરાયલના રાજદૂતને રજૂ થવા કહેશે.''
ઇઝરાયલના દક્ષિણપંથી રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી ઇતમાર બેન-ગ્વિરે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ હાથકડી પહેરવા અને ઘૂંટણિયે બેઠા કાર્યકર્તાઓની મજાક ઉડાવતા જોઈ શકાય છે.
ઇઝરાયલની નૌસેનાએ ગાઝા તરફ રાહત સામગ્રી લઈ જતી બોટ્સના કાફલા (ફ્લોટિલા)માં સવાર પેલેસ્ટાઇન સમર્થક કાર્યકર્તાઓ સાથે જે વર્તન થયું તેની આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકા થઈ છે.
તેલ અને ગૅસની અછતના સમાચાર પર હિન્દુસ્તાન પેટ્રોલિયમે શું કહ્યું?

ઇમેજ સ્રોત, GE
દેશની અગ્રણી તેલ કંપનીઓમાંની એક, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)એ તેલ અને ગૅસની અછતના અહેવાલોને નકારી કાઢ્યા છે.
આ સાથે, તેણે એમ પણ કહ્યું છે કે દેશભરમાં તેના રિટેલ નેટવર્કમાં સપ્લાય અંગે કોઈ સમસ્યા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કંપનીએ જણાવ્યું હતું કે તેનું કામકાજ સામાન્ય છે અને કોઈપણ વિક્ષેપ વિના આગળ વધી રહ્યું છે.
ઈરાન સંકટને કારણે દેશમાં તેલ અને ગૅસ પુરવઠાની અછત સર્જાઈ છે, અને દેશના ઘણા વિસ્તારો ગૅસની અછતનો સામનો કરી રહ્યા છે.
જોકે, એચપીસીએલે જણાવ્યું છે કે ઈંધણની અછતના અહેવાલો ભ્રામક છે. કટોકટી એવી નથી જેવી દર્શાવવામાં આવી રહી છે.
કંપનીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "એચપીસીએલ સ્પષ્ટતા કરવા માંગે છે કે ઈંધણની અછત અને પુરવઠામાં વિક્ષેપ અંગેના અહેવાલો ભ્રામક છે અને વાસ્તવિક પરિસ્થિતિને પ્રતિબિંબિત કરતા નથી"
"એચપીસીએલનાં રિટેલ આઉટલેટ્સ પર ઈંધણ પુરવઠો સંપૂર્ણપણે સામાન્ય છે અને નિયમિત ભરપાઈ અને અવિરત કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે."
"કેટલાંક સ્થળોએ ગ્રાહકોની સંખ્યા વધી અને લાઇન જોવા મળી રહી છે, તે મુખ્યત્વે મે મહિના દરમિયાન સિઝનલ માંગને કારણે છે. વધુમાં, ઘણા ગ્રાહકો એચપીસીએલ રિટેલ આઉટલેટ્સને પસંદ કરી રહ્યા છે કારણ કે કેટલાક ખાનગી રિટેલ આઉટલેટ્સ પર ઈંધણ પ્રમાણમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યું છે."
ટ્રમ્પ સરકારે ક્યુબાના નેતા રાઉલ કાસ્ત્રો પર અમેરિકન નાગરિકોની હત્યાનો આરોપ લગાવ્યો

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાએ ક્યુબાના નેતા રાઉલ કાસ્ત્રો પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં 1996માં બે વિમાન તોડી પાડવા અને અમેરિકન નાગરિકોની હત્યાનું કાવતરું ઘડવાનો સમાવેશ થાય છે.
બુધવારે રજૂ કરાયેલા એક કેસમાં અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે કાસ્ત્રો સહિત અન્ય પાંચ લોકોએ ક્યુબા-અમેરિકન સંગઠન બ્રધર્સ ટુ ધ રેસ્ક્યુના બે વિમાનોને તોડી પાડવામાં ભૂમિકા ભજવી હતી.
આ ઘટનામાં ચાર લોકો માર્યા ગયા હતા, જેમાં ત્રણ અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થાય છે. 94 વર્ષીય કાસ્ત્રો તે સમયે ક્યુબાની સેનાના વડા હતા.
આ વિમાન દુર્ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે આકરી આલોચના થઈ હતી.
અમેરિકા તરફથી ક્યુબાની સરકાર પર દબાણ વધારવા જેવી બાબતો વચ્ચે ક્યુબાના રાષ્ટ્રપતિ મિએલ ડિએસ-કનેલે આ આરોપોને "રાજકીય ચાલ" ગણાવ્યા.
તેમણે કહ્યું કે આનો કોઈ કાનૂની આધાર નથી.
મિયામીના ફ્રીડમ ટાવર ખાતે બોલતા, અમેરિકાના કાર્યકારી એટર્ની જનરલ ટોડ બ્લાંશે જણાવ્યું હતું કે રાઉલ કાસ્ત્રો પર વિમાનને તોડી પાડવાનો અને ચાર અલગ-અલગ હત્યાના આરોપો પણ લગાવવામાં આવશે.
માર્યા ગયેલા લોકોમાં આર્માન્ડો અલેજાન્દ્રે જુનિયર, કાર્લોસ આલ્બર્ટો કોસ્ટા, મારિયો મૅન્યુઅલ ડી લા પેના અને પાબ્લો મોરાલેસનો સમાવેશ થાય છે.
બ્લાંશે કહ્યું કે, "અમેરિકા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ તેના નાગરિકોને ભૂલતા નથી અને ભૂલશે પણ નહીં."
આ આરોપો અમેરિકન કોર્ટમાં ચલાવવામાં આવશે. કેટલાક આરોપોમાં આજીવન કેદ સુધીની સજા છે, જ્યારે હત્યાના આરોપમાં મહત્તમ મૃત્યુદંડ કે આજીવન કેદની સજા છે.
આ મુદ્દો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે અમેરિકા ક્યુબાના એક-પક્ષીય કમ્યુનિસ્ટ વ્યવસ્થા પર રાજકીય અને આર્થિક સુધારા માટે દબાણ વધારી રહ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























