કાશ્મીર અંગે સર્જિયો ગોરના નિવેદન બાદ પાકિસ્તાને અમેરિકન રાજદ્વારી અધિકારીને બોલાવ્યા, શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Reuters
ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી અને મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત અને તેમના એક નિવેદન બાદ પાકિસ્તાને અમેરિકન રાજદ્વારી અધિકારીને બોલાવ્યા છે.
શ્રીનગરમાં ઓમર અબ્દુલ્લા સાથેની મુલાકાત બાદ દક્ષિણ અને મધ્ય એશિયા માટેના અમેરિકાના વિશેષ દૂત સર્જિયો ગોરે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જમ્મુ-કાશ્મીરને લઈને કહ્યું હતું કે, "આ ભારતનો મહત્ત્વપૂર્ણ ભાગ છે."
સર્જિયો ગોરની મુલાકાત બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ઇસ્લામાબાદમાં અમેરિકાના ચાર્જ ડી'અફેર્સને બોલાવ્યા હતા.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "આજે ઇસ્લામાબાદમાં અમેરિકન ચાર્જ ડી'અફેર્સને વિદેશ મંત્રાલયમાં તલબ કરવામાં આવ્યા હતા અને ભારતસ્થિત અમેરિકન રાજદૂત દ્વારા જમ્મુ અને કાશ્મીરની મુલાકાત દરમિયાન ત્યાંની સ્થિતિ અંગે આપવામાં આવેલાં તથ્યાત્મક રીતે ખોટાં નિવેદનો સામે કડક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો."
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે, "પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને 'ભારતનો ભાગ' ગણાવવાની કડક નિંદા કરી છે અને તેને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. પાકિસ્તાને ભારપૂર્વક જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર એક આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય વિવાદિત પ્રદેશ છે, જેનો અંતિમ ઉકેલ સંયુક્તરાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવો અને કાશ્મીરી લોકોની ઇચ્છા અનુસાર થવાનો બાકી છે."
ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે લાંબા સમયથી મતભેદ અને તણાવ રહ્યા છે. ભારત જમ્મુ-કાશ્મીરને પોતાનો 'અભિન્ન ભાગ' માને છે, જ્યારે પાકિસ્તાન આ મુદ્દામાં સંયુક્તરાષ્ટ્રના 'હસ્તક્ષેપ'ની તરફેણ કરે છે.
5 ઑગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને રદ કરી હતી.
આ વર્ષે જાન્યુઆરીમાં સર્જિયો ગોરે ભારત ખાતે અમેરિકાના રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારથી તેઓ ભારતનાં અનેક રાજ્યોની મુલાકાત લઈ ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જમ્મુ-કાશ્મીરની મુલાકાત દરમિયાન સર્જિયો ગોરે બુધવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લા સાથેનો ફોટો પણ શૅર કર્યો હતો.
તેમણે લખ્યું, "જમ્મુ અને કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાને મળવાની અને તેમની પ્રાથમિકતાઓ વિશે વધુ જાણવાનો મોકો મળ્યો, તે આનંદની વાત છે. અમે આર્થિક સહકારને વધુ મજબૂત બનાવવા અને બંને દેશોને લાભ થાય તેવી તકો ઊભી કરવા અંગે ચર્ચા કરી."
ત્યારબાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું, "અહીં આવીને આનંદ થયો છે. જેમ તમે જાણો છો, હું ભારતમાં અમેરિકાનો રાજદૂત છું. આ ભારતનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. હું અહીં પ્રથમ વખત આવ્યો છું."
સર્જિયો ગોરના આ નિવેદનની સોશિયલ મીડિયા પર પણ વ્યાપક ચર્ચા થઈ રહી છે.
પત્રકાર રાહુલ શિવશંકરએ પણ સર્જિયો ગોરે "અભિન્ન" શબ્દને બદલે "મહત્ત્વપૂર્ણ" શબ્દનો ઉપયોગ કેમ કર્યો તે અંગે ટિપ્પણી કરી હતી.
તેમણે ઍક્સ પર લખ્યું, "રાજદ્વારીઓ પોતાના શબ્દોની પસંદગી ખૂબ જ સાવધાનીપૂર્વક કરે છે. સર્જિયો ગોર ભારત ખાતે અમેરિકાના દૂત છે, પરંતુ તેઓ એથી પણ વધુ છે. તેઓ દક્ષિણ અને મધ્ય એશિયાઈ મામલાઓ માટે અમેરિકાના દૂત તરીકે પણ કાર્ય કરે છે. તેથી જ્યારે તેઓ 'મહત્ત્વપૂર્ણ' શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે તેના અનેક વ્યાપક અર્થ હોઈ શકે છે."
કૅન્યામાં હેલિકૉપ્ટર ક્રૅશ : ઇક્વાડોરના ઇન્ટેલિજન્સ ચીફ, તેમનાં પત્ની સહિત સાત લોકોનાં મોત

ઇમેજ સ્રોત, EPA
કૅન્યામાં બુધવારે થયેલી એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં ઇક્વાડોરના ઇન્ટેલિજન્સ ચીફ અને તેમનાં પત્નીનું મોત થયું છે. આ અકસ્માતમાં પાંચ અમેરિકન નાગરિકો સહિત કુલ સાત લોકોના જીવ ગયા છે.
અમેરિકાના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં પાંચ અમેરિકન નાગરિકો પણ માર્યા ગયા છે.
સાત મૃતકોમાં ઇક્વાડોરના ઇન્ટેલિજન્સ ચીફ મિશેલ સેન્સી કૉન્ટોગી અને તેમનાં પત્ની સ્ટેફની હોલિહાનનો સમાવેશ થાય છે.
કૅન્યા સિવિલ એવિએશન ઑથૉરિટીના જણાવ્યા અનુસાર, હેલિકૉપ્ટરે લુઇસાબાના એક સંરક્ષિત વન્ય જીવ વિસ્તારમાંથી ઇવાસો ન્યીરો નદી તરફ મુસાફરી માટે ઉડાન ભરી હતી. ઇવાસો ન્યીરો કેન્યાના અનેક વિસ્તારોમાંથી પસાર થતી એક મહત્ત્વપૂર્ણ નદી છે.
ઑથૉરિટીએ વધુમાં જણાવ્યું હતું કે કેન્યાના પરિવહન મંત્રાલય અને એર ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન વિભાગ આ દુર્ઘટનાની તપાસ કરશે. તપાસ દરમિયાન હેલિકૉપ્ટર દુર્ઘટનાનું કારણ શું હતું અને તે કયા સંજોગોમાં બની હતી, તેની સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે.
ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ 'આર્થિક જંગ' શરૂ કરી, શું જાહેરાત કરી?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ એક "અભૂતપૂર્વ અને અત્યંત આકરું આર્થિક અભિયાન" શરૂ કરવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર દાવો કરતા લખ્યું કે તેમણે ઈરાનને સમજૂતી માટે સૌથી વધારે તક આપી હતી, પરંતુ ઈરાન તેનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યું.
તેમણે કહ્યું, "આજે હું કોઈપણ દેશ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી આકરી આર્થિક કાર્યવાહીની જાહેરાત કરી રહ્યો છું. આ મોટા પાયે આર્થિક યુદ્ધ અને ઈરાનને અલગ કરવાની ઝુંબેશ હશે."
અગાઉની માફક તેમણે જણાવ્યું કે ઈરાનની સૈન્ય અને આર્થિક શક્તિને નબળી પાડવામાં આવશે. તેમણે ચેતવણી આપી કે જે દેશ તેમની આર્થિક સંસ્થાઓ, કારોબાર, ઍરપૉર્ટ કે સરકારી એજન્સીઓ મારફતે ઈરાનને કોઈ પણ પ્રકારની આર્થિક મદદ કરશે, તેને ભારે આર્થિક નુકસાન ઉઠાવવું પડશે.
ટ્રમ્પે ખાસ કરીને ઑઇલની દાણચોરી, તેલના ટૅન્કરોની અદલાબદલી, રોકડ મારફતે નાણાં મોકલવા, મની ઍક્સચેન્જ કંપનીઓના ઉપયોગ અને જહાજોને ખોટી કંપનીઓનાં નામે રજિસ્ટર કરવા જેવી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો.
પોતાના નિવેદનના અંતમાં ટ્રમ્પે આ અભિયાનની સરખામણી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નોર્મંડી ખાતે અમેરિકન સૈનિકોના ઉતરાણ સાથે કરી હતી. તેમણે અમેરિકાના સહયોગી દેશોને અપીલ કરી હતી કે તેઓ ઈરાનથી ઊભા થઈ રહેલા જોખમને સમાપ્ત કરવા માટે અમેરિકાનો સાથ આપે.
ટ્રમ્પે આ સમગ્ર કાર્યવાહીને "ઐતિહાસિક પગલું" ગણાવ્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























