સીજેપીનો દાવો - અભિજિત દીપકેને પોલીસ લઈ ગઈ, દિલ્હી પોલીસે ફગાવ્યો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રવક્તા સૌરવ દાસે દાવો કર્યો છે કે પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેને પોલીસ લઈ ગઈ છે.
દિલ્હીમાં જંતરમંતરથી સંસદ સુધી ચલો સંસદ કૂચનું એલાન કરવામાં આવ્યું હતું, તે દરમિયાન આમ બન્યું છે. સૌરવ દાસે તમામ સાંસદોને અપીલ કરી છે કે તેઓ રસ્તા પર ઉતરી આવેલા વિદ્યાર્થીઓનું સમર્થન કરે.
તેમણે દાવો કર્યો છે કે પોલીસ શાંતિપૂર્વક પ્રદર્શન કરતા લોકોને મારી રહી છે.
દિલ્હીમાં સંસદ કૂચને લઈને અંધાધૂંધીનો માહોલ છે ત્યારે પીટીઆઈના અહેવાલ પ્રમાણે ગૃહમંત્રી અમિત શાહે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે મુલાકાત કરી છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે દિલ્હીમાં એક મહિનાથી વિરોધપ્રદર્શનો ચાલી રહ્યા છે. સીજેપીના નેજા હેઠળ હજારો લોકોએ આજે સંસદ તરફ જવાનો પ્રયાસ કર્યો હતો.
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે અમિત શાહ ધર્મેન્દ્ર પ્રધાનને તેમની સંસદ ભવનના કૉમ્પ્લેક્સમાં આવેલી ઓફિસમાં મળ્યા હતા. આ મિટિંગ શેના વિશે હતી તે જાણી શકાયું નથી.
અગાઉ સીજેપીએ કહ્યું હતું કે દીપકેને પોલીસ લઈ ગઈ હતી પરંતુ દિલ્હી પોલીસે સીજેપીના દાવાને ફગાવી દીધો હતો.
દિલ્હી પોલીસે એક્સ પોસ્ટમાં લખ્યું છે કે "સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ પર ભ્રામક સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિજિત દીપકેની દિલ્હી પોલીસે અટકાયત કરી છે."
"સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવે છે કે આ આરોપો સંપૂર્ણપણે ખોટા છે અને તેઓ સ્ટેજ પર હાજર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ પહેલા સીજેપીના સ્થાપક અભિજિત દીપકે અને સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલિ જે અંગમોએ સોમવારે સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેમને રોક્યાં હતાં. તેમણે પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે ટીયર ગૅસનો ઉપયોગ કર્યો હતો.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા મુજબ બંનેના નેતૃત્વમાં પ્રદર્શનકારી સંસદ તરફ આગળ વધતા જોવા મળ્યા, પરંતુ પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. પોલીસે ત્યાં બેરિકેડ લગાવ્યા હતા.
આમ છતાં પ્રદર્શનકારીઓએ આગળ વધવા પ્રયાસ કર્યો ત્યારે પોલીસે આંસુ ગૅસનો ઉપયોગ કર્યો હતો. તેનાથી પ્રદર્શનકારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
કૉક્રોચ જનતા પાર્ટીએ સોમવારે સંસદ ભવન સુધી માર્ચ કરવાની જાહેરાત કરી છે, પરંતુ દિલ્હી પોલીસે કહ્યું કે આવી કૂચને કોઈ મંજૂરી આપવામાં નથી આવી.
આ દરમિયાન ક્રૉકોચ જનતા પાર્ટી (સીજેપી)ના પ્રવક્તા સૌરભ દાસે દાવો કર્યો છે કે તેઓ અને પાર્ટીના અન્ય એક પ્રવક્તા આશુતોષ રાંકા કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાને મળવા જઈ રહ્યા છીએ.
સૌરભ દાસે દાવો કર્યો કે સરકારે સવારે વાતચીત માટે સંપર્ક કર્યો હતો.
તેમણે ઍક્સ પર લખ્યું કે "હું અને આશુતોષ રાંકા સીજેપી તરફથી જે.પી. નડ્ડાને મળવા જઈ રહ્યા છીએ. સરકારે સવારે વાતચીત માટે અમારો સંપર્ક કર્યો હતો. અમારી માગ સ્પષ્ટ છે. મોટી સંખ્યામાં યુવા એકઠા થઈ રહ્યા છે."

ઇમેજ સ્રોત, Pavan Kanth Digavalli
કેટલાક વિપક્ષી નેતાઓએ પણ સીજેપીની કૂચને ટેકો આપ્યો છે અને તેમાં જોડાવાની વાત કરી છ, પરંતુ દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને સંસદ ભવન તરફ જવા દેશે કે નહીં તે સવાલ છે.
કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)એ જંતર-મંતરથી સંસદ ભવન સુધી કૂચનું એલાન કર્યા પછી સુરક્ષા દળો સાથે ઘર્ષણ થયું છે.
સમાચાર એજન્સી એએનઆઇના વીડિયોમાં જોવા મળે છે કે રેપિડ ઍક્શન ફર્સ (આરએએફ)ના કેટલાક જવાનો કેટલાક આંદોલન સમર્થકોને વેરવિખેર કરવા માટે લાઠીચાર્જ કરી રહ્યા છે.
આ ઉપરાંત સુરક્ષા કર્મચારીઓ સાથે દલીલબાજી થતી હોય તેવી તસવીરો પણ આવી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે એક ટ્વીટ કરી કહ્યું છે કે તેણે કોઈ હિંસક કે અટકાયત સંબંધી કાર્યવાહી કરી નથી.
જંતર-મંતર પર હાજર બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ જણાવ્યું કે સવારથી જ મોટી ભીડ એકઠી થઈ છે.
અભિજિત દીપકેએ ભૂખ હડતાળ સમાપ્ત કરી

ઇમેજ સ્રોત, Reuters
કૉક્રોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ સોમવારે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી છે.
સમાચાર એજન્સી એએનઆઇએ શૅર કરેલા વીડિયોમાં અભિજિત દીપકે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરતા જોવા મળે છે.
શનિવારે સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને પોલીસ જંતર-મંતરથી ઉઠાવીને હૉસ્પિટલે લઈ ગઈ, ત્યાર પછી દીપકે ભૂખ હડતાળ પર બેઠા હતા.
દરમિયાન જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને વિખેરવા માટે આરએએફ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી આંસુ ગૅસના સેલ છોડવામાં આવ્યા હોય તેવા વીડિયો પણ આવ્યા છે.
બીજી તરફ વાંગચુકે સફદરજંગ હૉસ્પિટલને પત્ર લખીને સંસદ માર્ચમાં સામેલ થવાની મંજૂરી માગી છે.
તેમણે હૉસ્પિટલને પત્રમાં લખ્યું કે, "આજે મને સારું લાગી રહ્યું છે અને મારી તબિયતને લગતા બધા પેરામીટર્સ સામાન્ય છે. તેથી મારો આપને અનુરોધ છે કે મને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે, ભલે થોડા સમય માટે પણ, જેથી હું આજે સંસદકૂચમાં સામેલ થઈ શકું. હું તેના માટે આપનો ખૂબ આભારી રહીશ."
કૉક્રોચ જનતા પાર્ટીએ કહ્યું - 'આજે અમને કોઈ નહીં રોકી શકે'

કૉક્રોચ જનતા પાર્ટીએ કહ્યું કે તે કોઈ પણ હાલતમાં સંસદ સુધી શાંતિપૂર્વક કૂચ કરશે. સીજેપીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે, "જોરદાર વરસાદ અને ભારે સુરક્ષા... પરંતુ આજે કૉક્રોચને કોઈ નહીં રોકી શકે."
જંતર-મંતરની કેટલીક તસવીરો પણ આવી છે જેમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જોવા મળે છે.
દિલ્હીસ્થિત જંતર-મંતર પર ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ઍસોસિયેશન (આઇસા)નાં ત્રણ સભ્યો - નેહા, આમીન અને મનીષે 23 દિવસથી ચાલતી ભૂખ હડતાળ સોમવારે સમાપ્ત કરી છે.

વિવિધ સામાજિક કાર્યકરો, નેતાઓ અને જનપ્રતિનિધિઓની અપીલ પછી સંગઠનના વિદ્યાર્થીઓએ પોતાની હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.
આઇસા મુજબ ભૂખ હડતાળ સમાપ્ત કરાવવા માટે સાંસદ મનોજ ઝા, રાજારામસિંહ અને અમરારામના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું. આ ઉપરાંત યોગેન્દ્ર યાદવ, ઍડ્વોકેટ પ્રશાંત ભુષણ, પ્રોફેસર અતુલ સુદ, અભિનેતા પ્રકાશ રાજ, અભિનેત્રી શબાના આઝમીએ પણ ભૂખ હડતાળ સમાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.

ઇમેજ સ્રોત, AISA
સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ રવિવારે બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે અમે સવારે નવ વાગ્યે હજારોની સંખ્યામાં નીકળીશું. અમારી જે માગણીઓ છે, તે અમે ત્યાં રાખીશું. અમે પ્રયાસ કરીશું કે અમારા ડેલિગેશનને અંદર જવા દેવામાં આવે, જેથી અમે અમારી વાત મૂકી શકીએ.
દીપકેએ કહ્યું કે "આટલું બેરિકોડિંગ હોવા છતાં અમે નીકળી શકીશું, કારણ કે હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પોલીસ અમને શા માટે રોકે? અમે કંઈ ખોટું થોડું કરી રહ્યા છીએ."
દરમિયાન સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે કહ્યું છે કે તેમની કેટલીક શરતો માની લેવામાં આવે તો તેઓ પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરવા તૈયાર છે.
તેમણે સોમવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક સંદેશ લખ્યો અને પોતે ગેરકાયદે પોલીસના કબજામાં હોવાનો દાવો કર્યો હતો.
તેઓ નીટ પરીક્ષામાં કથિત ગોટાળા અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણી સાથે ભૂખ હડતાળ પર બેઠા હતા, પરંતુ 18 જુલાઈએ દિલ્હી પોલીસ તેમને જંતર-મંતરથી બળજબરીથી ઉઠાવી ગઈ અને સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. હૉસ્પિટલમાં પણ તેમની ભૂખ હડતાળ ચાલુ છે.
સોનમ વાંગચુકે કઈ શરતો રાખી?

ઇમેજ સ્રોત, Getty Images
સોનમ વાંગચુકે ત્રણ શરતો રાખી છે. તેમનું કહેવું છે કે તેમાંથી કોઈ પણ એક શરત માનવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પોતાની ભૂખ હડતાળ નહીં તોડે.
તેમણે કહ્યું કે, જો કેન્દ્ર સરકાર હાલની શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારે અથવા સાંસદ તેમને ખાતરી આપે કે તેઓ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે, તો તેઓ 20 જુલાઈએ પોતાની અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ સમાપ્ત કરશે.
આજે તેમની ભૂખ હડતાલનો 23મો દિવસ છે.
તેમણે એવું પણ લખ્યું છે કે જો સાંસદ અને કૉક્રોચ પાર્ટીના નેતા સંસદ પહોંચે અને રાજકીય પક્ષો આશ્વાસન આપે કે આ મુદ્દો સંસદમાં ઉઠાવાશે, તો હું મારી ભૂખ હડતાળ સમાપ્ત કરીશ.
અથવા, તબિયત અથવા બીજાં કારણોથી મારા માટે ઉપવાસ ચાલુ રાખવા શક્ય ન હોય, તો હું મારી ભૂખ હડતાળ સમાપ્ત કરીશ, એવી શરતે કે અલગ-અલગ દળોના સાંસદ અને નેતા મને હૉસ્પિટલે આવીને આવું આશ્વાસન આપે.
તેમણે 19 જુલાઈની તારીખવાળા પત્રમાં લખ્યું છે કે "સફદરજંગ હૉસ્પિટલમાં મારી ગેરકાયદે હિરાસતમાં મારી અવરજવર, અભિવ્યક્તિ અને તમામ પ્રકારના કૉમ્યુનિકેશનની સ્વતંત્રતા પર રોક લગાવાઈ છે."
રવિવારે બપોરે દિલ્હી હાઇકોર્ટે વાંગચુકને હૉસ્પિટલમાંથી રજા આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યાર પછી તેમનાં પત્ની ગીતાંજલિએ જણાવ્યું કે તેઓ તેમના પતિ વતી સંસદ તરફની કૂચમાં જોડાશે.
દિલ્હી પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Pavan Kanth Digavalli
દિલ્હી પોલીસે રવિવારે સાંજે એક ઍડવાઇઝરી જારી કરીને કહ્યું કે સોમવારે કોઈ પણ પ્રકારની કૂચની મંજૂરી આપવામાં નથી આવી.
નવી દિલ્હીના ડીસીપી સચીન શર્માએ જણાવ્યું કે "20 જુલાઈએ પ્રસ્તાવિત કૂચ અંગેના અહેવાલો વિશે સ્પષ્ટતા કરી દઉં કે આવી કોઈ કૂચ માટે દિલ્હી પોલીસને અરજી નથી મળી અને કોઈ મંજૂરી પણ આપવામાં નથી આવી."
નવી દિલ્હીમાં બીએનએસએસની કલમ 163 હેઠળ પ્રોહિબિટરી ઑર્ડર લાગુ છે. તેના હેઠળ જંતર-મંતર પર નિર્ધારિત પ્રદર્શનના સ્થળને છોડીને ક્યાંય પણ પાંચ અથવા વધારે લોકોના એકઠા થવાની કે માર્ચ કાઢવાની મનાઈ છે.
દિલ્હી પોલીસે સામાન્ય લોકોને પણ આ કૂચમાં સામેલ ન થવા અપીલ કરી છે.
પોલીસે જણાવ્યું કે સોમવારથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને જનતાની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવવા અને મહત્ત્વના સરકારી સંસ્થાનોની સુરક્ષા માટે વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















