'કૂતરાંના ડર વગર જીવવાનો બધાને હક', રખડતાં કૂતરાં પર સુપ્રીમ કોર્ટે હવે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sunil Ghosh/Hindustan Times via Getty Images
સુપ્રીમ કોર્ટે રખડતાં કૂતરાંને લઈને પોતાનો પહેલો નિર્દેશ પરત ખેંચવાનો ઇન્કાર કરી દીધો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દાખલ ઘણી અરજીઓને ફગાવી દીધી.
સમાચાર એજન્સી પીટીઆઈ અને લાઇવ લૉ પ્રમાણે જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એનવી અંજારિયાની ખંડપીઠે પોતાના નિર્દેશોને બદલવાની માંગ ઠુકરાવી દીધી.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે (2025) નવેમ્બરમાં પોતાના આદેશમાં કહ્યું હતું કે હૉસ્પિટલો, બસ સ્ટેશનો, સ્કૂલો, રેલવે સ્ટેશનો જેવી સાર્વજનિક જગ્યાઓ પરથી પકડાયેલાં કૂતરાંને રસીકરણ કે નસબંધી બાદ તેને તે જ જગ્યાએ પાછા નહીં છોડવામાં આવે.
બીજા શબ્દોમાં, સાર્વજનિક સ્થાનોથી પકડવામાં આવેલાં રખડતાં કૂતરાંને હવે શેલ્ટર હોમમાં જ રાખવામાં આવશે.
કોર્ટે ઍનિમલ વેલફેર બોર્ડ ઑફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (એસઓપી)ને પડકારનારી અરજીઓને પણ ફગાવી દીધી.
મંગળવારે પોતાના ચુકાદામાં કોર્ટે બાળકો પર કૂતરાંના હુમલાની ઘણી ચિંતાજનક ઘટનાઓ સાથે જોડાયેલા રિપોર્ટનો ઉલ્લેખ કર્યો.
કોર્ટે કહ્યું કે નાનાં બાળકોને નોચવામાં આવ્યાં, વૃદ્ધો પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાં સુધી કે વિદેશી યાત્રીઓ પણ શિકાર બન્યા.
કોર્ટે લોકોને કૂતરાંના હુમલાથી સુરક્ષિત રાખવામાં મળેલી વિફળતા બદલ રાજ્ય સરકારો અને પ્રશાસનિક અધિકારીઓને જવાબદાર ગણ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ-બાવળા હાઇવે પર મોરૈયા ગામ નજીક કલરની ફૅક્ટરીમાં ભીષણ આગ

ઇમેજ સ્રોત, sachin pithva
અમદાવાદ-બાવળા હાઇવે પર આવેલા મોરૈયા ગામ નજીક આવેલી કલરની ફૅક્ટરીમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
બીબીસી સહયોગી સચિન પીઠવાના જણાવ્યા અનુસાર, આગ લાગતા જ ફૅક્ટરી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને દૂરથી જ આગનો ધુમાડો દેખાતો હતો.
આ ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
પ્રાથમિક માહિતી મુજબ ફૅક્ટરીમાં રહેલા કેમિકલ અને કલરના જ્વલનશીલ પદાર્થને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ફાયર વિભાગ દ્વારા ફેક્ટરીમાં હાજર કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
આ અહેવાલ છપાય છે ત્યાં સુધી, કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, જોકે આગના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો : ગુજરાતના કેટલાક પેટ્રોલપંપ પર લાઇનો લાગી

ઇમેજ સ્રોત, faruk kadri
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મંગળવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલપંપ ખાતે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
તો કેટલાક વિસ્તારોમાં તો વાહનચાલકો પ્લાસ્ટિકના કૅરબા લઈને લાઇનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા.
રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ બીજો વધારો છે.
બીબીસી સહયોગી ફારૂક કાદરી અનુસાર, અમરેલીના બાબરાના તમામ પેટ્રોલપંપ પર લાગી લાંબી લાઇનો જોવા મળી રહી છે.
તેમજ વડિયા, મહુવા રોડ પર આવેલા પેટ્રોલપંપ અને સાવરકુંડલાના એક પેટ્રોલપંપ સિવાયના મોટા ભાગના પેટ્રોલપંપો બંધ જોવા મળ્યા હતા
તો બીબીસી સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના લીંબડી ગામમાં આવેલા પેટ્રોલપંપ પર ડીઝલ લેવા માટે લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી
ત્યારે, બીજી તરફ બનાસકાંઠા અને વાવ થરાદના મોટા ભાગના પેટ્રોલપંપ જથ્થો ન હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
તેમજ ભાભરમાં પણ પેટ્રોલપંપ પર વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. આ સાથે જ પેટ્રોલ-ડીઝલમાં થયેલા ભાવવધારા પર કૉંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી.
કૉંગ્રેસે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું ,"'મોંઘવારીમેન' મોદીનું હન્ટર ફરી એક વાર જનતા પર પડ્યું. પેટ્રોલ અને ડીઝલ 90 પૈસા મોંઘું કરવામાં આવ્યું છે. મોદીએ છેલ્લા 4 દિવસમાં 4 રૂપિયાનો ભાવવધારો કર્યો છે. આ વધારા સાથે દેશમાં પેટ્રોલ 109 રૂપિયા અને ડીઝલ 96 રૂપિયા પર પહોંચી ગયું છે. આ તો માત્ર શરૂઆત છે. ચૂંટણી પૂરી થઈ ગઈ છે, એટલે 'મોંઘવારીમેન' વધારે વસૂલી કરશે."
પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરી વધ્યા, હવે એક લિટરની કિંમત આટલી થઈ

ઇમેજ સ્રોત, ani
મંગળવારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 87 પૈસા અને ડીઝલના ભાવમાં 91 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો. એક અઠવાડિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ બીજો વધારો છે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર , દિલ્હીમાં પેટ્રોલના ભાવ રૂ. 97.77 પ્રતિ લિટરથી વધીને રૂ. 98.64 પ્રતિ લિટર થયો છે. ડીઝલનો ભાવ હવે રૂ. 90.67થી વધીને 91.58 પ્રતિ લિટર થયો છે.
આ પહેલા શુક્રવારે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ત્રણ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
મુંબઈમાં પેટ્રોલ 91 પૈસા વધીને 107.59 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 94 પૈસા વધીને 94.08 રૂપિયા પ્રતિ લિટર થયું છે.
જ્યારે કોલકાતામાં પેટ્રોલના ભાવમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે, જેમાં 96 પૈસા વધીને 109.70 રૂપિયા પ્રતિ લિટર થયો, જ્યારે ડીઝલના ભાવ 94 પૈસા વધીને 96.07 રૂપિયા પ્રતિ લિટર થયા.
ચેન્નાઈમાં પેટ્રોલ 82 પૈસા વધીને 104.49 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 86 પૈસા વધીને 96.11 રૂપિયા પ્રતિ લિટર થયું છે.
ટ્રમ્પનો દાવો : તેઓ આજે ઈરાન પર હુમલો કરવાના હતા, પરંતુ...

ઇમેજ સ્રોત, Alex Wong/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે મંગળવારે ઈરાન પર સૈન્ય હુમલોને રોક્યો છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું કે કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓએ તેમને આ હુમલો રોકવા કહ્યું હતું.
તેમણે ટ્રુથ સોશિયલ પર લખ્યું , "મને કતારના અમીર તમીમ બિન હમદ અલ થાની, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ અને યુએઇના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા ઈરાન પર આવતી કાલે થનારા અમારા સૈન્ય હુમલાને રોકી રાખવા કહેવામાં આવ્યું છે, કારણ કે હાલમાં ગંભીર વાટાઘાટ ચાલી રહી છે."
"તેઓ માને છે કે એક એવો કરાર થશે જે અમેરિકા, મધ્યપૂર્વ અને અન્ય દેશોને સ્વીકાર્ય હશે. આ કરારમાં સૌથી મહત્ત્વની વાત એ હશે કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો નહીં હોય."
ટ્રમ્પે લખ્યું, "આ નેતાઓ પ્રત્યે સન્માનને કારણે મેં સંરક્ષણમંત્રી પીટ હેગસેથ, જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફના ચૅરમૅન જનરલ ડેનિયલ કેન અને અમેરિકાના સૈન્યને સૂચના આપી છે કે અમે કાલે ઈરાન પર હુમલો નહીં કરીએ. પરંતુ મેં તેમને એમ પણ કહ્યું છે કે જો સ્વીકાર્ય કરાર ન થાય તો તાત્કાલિક ઈરાન પર મોટો હુમલો કરવા માટે તૈયાર રહે."
ઈરાન પર ટ્રમ્પનું તાજેતરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમની લોકપ્રિયતા ઘટી રહી છે. સર્વેક્ષણો દર્શાવે છે કે અમેરિકનો યુદ્ધથી ખાસ ખુશ નથી.
સોમવારે જાહેર થયેલા ન્યૂ યૉર્ક ટાઇમ્સ/સીએના એક સર્વે મુજબ, લગભગ 64% મતદારો માને છે કે ઈરાન સાથે યુદ્ધ કરવાનો નિર્ણય ખોટો હતો.
આ આંકડા દર્શાવે છે કે મધ્યસત્ર ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટા પડકારનો સામનો કરવો પડી શકે છે.
અમેરિકા : સેન ડિએગોની સૌથી મોટી મસ્જિદમાં ગોળીબાર, ત્રણ લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Michael Ho Wai Lee/Anadolu via Getty Images
સોમવારે અમેરિકાના સેન ડિએગોમાં એક મસ્જિદમાં ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત થયાં છે. પોલીસે જણાવ્યું હતું કે મસ્જિદની બહાર એક કારમાં બે કિશોર પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા.
કૅલિફોર્નિયાના ક્લેરમૉન્ટ વિસ્તારમાં આવેલી આ ઇસ્લામિક સેન્ટર સેન ડિએગોની સૌથી મોટી મસ્જિદ છે.
આ કેસની તપાસ હેટ ક્રાઇમ તરીકે કરવામાં આવી રહી છે. પોલીસવડા સ્કૉટ વૉલે જણાવ્યું હતું કે સેન ડિએગો ઇસ્લામિક સેન્ટરમાં થયેલા ગોળીબારને "હેટ ક્રાઇમ" તરીકે ગણવામાં આવી રહ્યો છે અને "હેટ સ્પીચ સ્પષ્ટપણે સામેલ હતી."
તેમણે જણાવ્યું હતું કે બે શંકાસ્પદ વ્યક્તિ, જેમની ઉંમર 17 અને 19 વર્ષની હોવાનું માનવામાં આવે છે, તે બહાર એક કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસની શરૂઆતની તપાસમાં એવું જણાય છે કે તે શંકાસ્પદ લોકોએ પોતાને ગોળી મારી હતી.
એક પ્રત્યક્ષદર્શીએ બીબીસીના યુએસ પાર્ટનર સીબીએસ ન્યૂઝને જણાવ્યું: "મેં લગભગ 30 રાઉન્ડ ગોળીઓના અવાજ સાંભળ્યા. ગોળીબારનો અવાજ એવો સંભળાતો હતો કે તે કોઈ સેમિ-ઑટોમેટિક હથિયારનો હોય."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેન ડિએગો ઇસ્લામિક સેન્ટરમાં થયેલા ગોળીબારને "અત્યંત ભયાનક" ગણાવ્યો હતો. તેમણે કહ્યું, "મને પ્રાથમિક માહિતી આપવામાં આવી છે, પરંતુ અમે તેના પર ફરીથી ગંભીરતાથી વિચાર કરીશું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























