રાજકોટ : ધીરેન્દ્ર શાસ્ત્રીના 'દિવ્ય દરબાર'માં વિરોધ કરવા પહોંચે એ પહેલાં પુરુષોત્તમ પીપરિયાની પોલીસે અટકાયત કરી – ન્યૂઝ અપડેટ

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, રાજકોટ,

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, ધારાશાસ્ત્રી પુરુષોત્તમ પીપરિયાની રાજકોટ પોલીસે અટકાયત કરી હતી
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

રાજકોટમાં બાગેશ્વર ધામના 'બાબા' ધીરેન્દ્ર શાસ્ત્રીના કથા-પ્રવચન અને 'દિવ્ય-પ્રેત દરબાર'માં જવા નીકળેલા અને ધીરેન્દ્ર શાસ્ત્રી પર 'અંધશ્રદ્ધા' ફેલાવવાનો આરોપ કરનારા ધારાશાસ્ત્રી પુરુષોત્તમ પીપરિયાની પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.

નોંધનીય છે કે રાજકોટના રેસકૉર્સ ગ્રાઉન્ડ ખાતે 5-7 જૂન સુધી એમ ત્રણ દિવસ સુધી 'સનાતન સેતુ શ્રી હનુમંત કથા' નામના કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં મધ્ય પ્રદેશના છત્તરપુર જિલ્લાના ગઢા ગામમાં આવેલા બાગેશ્વર ધામના 'બાબા' ધીરેન્દ્ર શાસ્ત્રી કથા-પ્રવચન કરી રહ્યા છે.

આમ, ત્રણ વર્ષ બાદ ફરી એક વાર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ ફરી આવ્યા બાદ તેમના પર ભારત જન વિજ્ઞાન જાથા અને રાજકોટના ધારાશાસ્ત્રી પુરુષોત્તમ પીપરિયાએ લોકોને દિવ્ય દરબાર' અને 'પ્રેત દરબાર' નામના કાર્યક્રમનું આયોજન કરીને કથિત ચમત્કારોના દાવા કરી લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપો કર્યા હતા.

હવે રવિવારે સમાચાર આવી રહ્યા છે કે પોલીસે પરસોત્તમ પીપરિયા 'દિવ્ય દરબાર'માં પહોંચે એ પહેલાં અટકાયત કરી હતી.

પીપરિયાએ પોતાની અટકાયત અંગે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "મારી અટકાયત કરવાનું કહે છે કાં હું ઘરમાં રહું એવું કહેવામાં આવ્યું છે. મને બંધારણે અધિકાર આપ્યા છે, જે અંતર્ગત કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવતું હોય તો એનો પર્દાફાશ થવો જોઈએ. મેં અરજી પણ કરેલી છે, જો બાબા બાગેશ્વરને અંધશ્રદ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય તો તેના આલોચક તરીકે મને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ."

"તેને બદલે મને હાલ જવાની મનાઈ ફરમાવે છે અને અટકાયત કરવાની વાત કરે છે. એ મારી દૃષ્ટિએ મારા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે."

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર બિપિન ટંકારિયાએ શૅર કરેલી માહિતી મુજબ પોલીસે પીપરિયાની અટકાયત 'કાયદો-વ્યવસ્થા ન જોખમાય' એ હેતુસર કરાઈ હોવાની માહિતી આપી છે.

ઉપરાંત અટકાયત વખતે પોલીસ અને પુરુષોત્તમ પીપરિયા વચ્ચે દલીલો થતી પણ જોવા મળી હતી.

ટેસ્ટમૅચ : બીજા દિવસની રમત બંધ રહી ત્યારે અફઘાનિસ્તાનનો સ્કોર પાંચ વિકેટના ભોગે 113 રન

ટેસ્ટમૅચ : બીજા દિવસની રમત બંધ રહી ત્યારે અફઘાનિસ્તાનનો સ્કોર પાંચ વિકેટના ભોગે 113 રન – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને અફધાનિસ્તાન વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટમૅચના બીજા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. ભારતીય ટીમે રવિવારે 564 રન બનાવીને પોતાની પારી ઘોષિત કરી હતી.

ત્યાર પછી બેટિંગ કરવા ઉતરેલી અફધાનિસ્તાનની ટીમે પાંચ વિકેટ ગુમાવી દીધી છે અને રમત બંધ રહી ત્યારે તેની ટીમ 113 રન બનાવી ચૂકી હતી. અફઘાનિસ્તાન હજુ ભારતથી 451 રન પાછળ છે.

ભારત તરફથી માનવ સુથારે ત્રણ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ ઝડપી હતી.

આ ટેસ્ટમૅચમાં ભારત મજબૂત સ્થિતિમાં નજરે પડે છે.

આ મૅચ ન્યૂ ચંડીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

કૉંગ્રેસે જણાવ્યું કે 'ઇન્ડિયા' ગઠબંધનની બેઠકમાં કેટલા પક્ષો સામેલ થશે

કૉંગ્રેસે જણાવ્યું કે 'ઇન્ડિયા' ગઠબંધનની બેઠકમાં કેટલા પક્ષો સામેલ થશે? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

વિપક્ષના 'ઇન્ડિયા' ગઠબંધનની બેઠક સોમવારે દિલ્હીમાં થવા જઈ રહી છે. કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે તેમાં 23 રાજનૈતિક પક્ષો સામેલ થશે.

તેમણે ઍક્સ પર લખ્યું, "23 રાજનૈતિક પક્ષોએ સોમવાર, 8મી જૂન, 2026ના રોજ બપોરે 12 કલાકે, નવી દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્બલમાં થનારી ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. કેટલાંક દળોએ પોતાનાં કારણોથી આ વિશેષ બેઠકમાં સામેલ થવાની અસમર્થતા વ્યક્ત કરી છે."

તેમણે લખ્યું, "જોકે, આ બેઠકમાં સામેલ ન થનારા પક્ષોએ મોદી સરકારની એ તમામ નીતિઓ અને કાર્યવાહીનો જોરદાર વિરોધ કર્યો છે, જે લાખો ભારતીયો પાસેથી તેમનો વોટનો અધિકાર છીનવી લે છે અને સંવિધાન પર રોજ હુમલો કરે છે, તપાસ એજન્સીઓ મારફતે વિપક્ષી નેતાઓને નિશાન બનાવે છે અને કરોડો ભારતીયોની રોજગારને ગંભીર નુકસાન પહોંચાડે છે."

જયરામ રમેશે કહ્યું કે ભારતની માફક 'ઇન્ડિયા' ગઠબંધન પોતાની વિવિધતા સાથે એક બનીને ઊભું છે.

કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકે હવે શું બોલ્યા?

કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકે હવે શું બોલ્યા? – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images

કૉક્રોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજિત દીપકેએ કહ્યું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 'આખી એક પેઢી સાથે અન્યાય' કર્યો છે.

તેમણે રવિવારે ફરી એક વખત તમના રાજીનામાની માગ કરી હતી.

અભિજિત દીપકે ઍક્સ પર લખ્યું, "ધર્મેન્દ્ર પ્રધાને એક આખી પેઢી સાથે અન્યાય કર્યો છે. જો આવનારા સાત દિવસમાં તેમને પદ પરથી નહીં હઠાવવામાં આવે, તો અમારે રસ્તા પર પ્રદર્શન કરવા માટે મજબૂર થવું પડશે."

તેમણે રવિવારે બાદમાં ઇન્સ્ટાગ્રાર લાઇવ મારફતે લોકો સાથે જોડાવાની વાત પણ કરી.

અમેરિકન સેનાએ ઈરાનનાં બે ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો

અમેરિકન સેનાએ ઈરાનનાં બે ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો

ઇમેજ સ્રોત, Gailan Haji / Middle East Images / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, સેન્ટકૉમે કહ્યું કે આ ડ્રોન હોર્મુઝ સામુદ્રધુનીમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ અવરજવર માટે જોખમી બની રહ્યાં હતાં (પ્રતીકાત્મક તસવીર)

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ કહ્યું કે મધ્યપૂર્વમાં તહેનાત અમેરિકન સુરક્ષા દળોએ રવિવારે બે ઈરાની ડ્રોન તોડી પાડ્યાં છે.

સેન્ટકૉમે ઍક્સ પોસ્ટમાં લખ્યું કે "આજે મધ્યપૂર્વમાં તહેનાત અમેરિકન દળોએ ઈરાનના એકતરફી હુમલા કરનારાં બે ડ્રોન તોડી પાડ્યાં છે. આ ડ્રોન હોર્મુઝ સામુદ્રધુનીમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ અવરજવર માટે જોખમી બની રહ્યાં હતાં."

ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે. બંને દેશની સેના એકબીજા પર યુદ્ધવિરામનો આરોપ મૂકી રહી છે.

આ અગાઉ શનિવારે બહેરીન અને કુવૈત પર ઈરાન તરફથી હુમલો કરાયો હોવાના સમાચાર મળ્યા હતા.

ઈરાનનું કહેવું હતું કે આ હુમલા ઈરાની રડાર ઠેકાણાં પર અમેરિકાએ કરેલા હુમલાના જવાબમાં કરાયા હતા.

અમેરિકાના ઓહાયોમાં ગોળીબાર, અનેક લોકોને ગોળી વાગી

અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક ફૅસ્ટિવલ પાસે અનેક લોકોને ગોળી વાગી છે

ઇમેજ સ્રોત, SETH HERALD/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક ફૅસ્ટિવલ પાસે અનેક લોકોને ગોળી વાગી છે

અમેરિકાના ઓહાયો રાજ્યમાં એક ફૅસ્ટિવલ પાસે અનેક લોકોને ગોળી વાગી છે. આ માહિતી સ્થાનિક પોલીસે આપી છે.

આ ઘટના ઓહાયોના ટોલેડો શહેરની છે.

ટોલેડો પોલીસ વિભાગનું કહેવું છે કે તેને ઑલ્ડ વેસ્ટ ઍન્ડ ફૅસ્ટિવલ પાસે ગોળીબારની માહિતી મળી હતી. ત્યાં પહોંચતાં પોલીસને 'ગોળીબારથી પ્રભાવિત અનેક લોકો' મળ્યા, જેમાં 'અનેક લોકો'ને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવાયા છે.

પોલીસે હજુ સુધી ઘાયલોની સંખ્યા ગણાવી નથી, પરંતુ ટોલેડોના મેયર વેડ કૅપઝુકિએવિચે સ્થાનિક સમાચાર ચૅનલ ડબલ્યુટીએએલ-11ને જણાવ્યું કે માનવામાં આવે છે કે આઠ લોકોને ગોળી વાગી છે અને બધા ઘાયલોના જીવ બચી જવાની આશા છે.

પોલીસ વિભાગનું કહેવું છે કે તે આ ઘટનામાં સામેલ 'હુમલાખોર કે હુમલાખોરો'ની શોધ કરી રહી છે.

ઘરેલુ ગૅસના ભાવ 29 રૂપિયા વધ્યા, કૉંગ્રેસે શું કહ્યું?

ત્રણ મહિનામાં ઘરેલુ ગૅસના ભાવમાં આ બીજી વાર વધારો થયો છે. આ અગાઉ સાત માર્ચે દરેક સિલિન્ડર પર 60 રૂપિયાનો વધારો કરાયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ત્રણ મહિનામાં ઘરેલુ ગૅસના ભાવમાં આ બીજી વાર વધારો થયો છે

શનિવારે રાતે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 29નો વધારો થયો છે. આ વધારાની અસર દેશભરમાં ઘરેલુ ગૅસની કિંમત પર પડશે.

ત્રણ મહિનામાં ઘરેલુ ગૅસના ભાવમાં આ બીજી વાર વધારો થયો છે. આ અગાઉ સાત માર્ચે દરેક સિલિન્ડર પર 60 રૂપિયાનો વધારો કરાયો હતો.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, એલપીજીના ભાવ વધ્યા બાદ સાત જૂન, એટલે કે રવિવારથી દિલ્હીમાં 14.2 કિલો એલપીજી સિલિન્ડરની કિંમત 942 રૂપિયા થઈ ગઈ છે.

તો વધારા બાદ કૉંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કૉંગ્રેસે ઍક્સ પર લખ્યું કે 'મોંઘવારી માણસ' મોદી'ની ચાબુક ફરી વીંઝાઈ છે. હવે ઘરેલુ ગૅસ સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો છે. મોદીનો ફન્ડા સ્પષ્ટ છે- 'જનતા પાસેથી વસૂલી કરો, ધનિક મિત્રોની તિજોરી ભરો.'

એનટીએએ નીટ યુસીની ફરી પરીક્ષા સંબંધિત 'પેપરલીક'ના દાવા પર શું કહ્યું?

એનટીએ 21 જૂને નીટ યુજી 2026ની પરીક્ષા ફરી લેશે

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, એનટીએ 21 જૂને નીટ યુજી 2026ની પરીક્ષા ફરી લેશે (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ નીટ યુજી 2026ની ફરી લેવાનાર પરીક્ષાના 'પેપરલીક'ના દાવાને ફગાવીને તેને 'ખોટો, નકલી અને ભ્રામક' ગણાવ્યો છે.

એનટીએએ શનિવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે "એનટીએના ધ્યાનમાં આવ્યું છે કે સોશિયલ મીડિયા અને મૅસેજિંગ પ્લૅટફૉર્મ પર કેટલાક મૅસેજ પ્રસારિત થઈ રહ્યા છે કે નીટ (યુજી) 2026ની ફરીથી પરીક્ષાનાં પ્રશ્નપત્ર 'લીક', પેપર સુધી પહેલાંથી પહોંચ કે 'વેચાણ'નો દાવો થઈ રહ્યો છે. આ દાવો સંપૂર્ણ ખોટો, નકલી અને ભ્રામક છે."

એજન્સીનું કહેવું છે કે "આવા દાવા 'સંગઠિત નકલી જૂથ' તરફથી ફેલાવાય છે, જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોની ચિંતાનો ફાયદો ઉઠાવે છે."

એજન્સીએ કહ્યું કે "તેમનો ઉદ્દેશ નકલી 'પ્રશ્નપત્ર' વેચીને પૈસા રળવાનો હોય છે."

આ સિવાય એજન્સીએ કહ્યું કે આવા દાવા ફેલાવનાર ચૅનલો અને સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે કાર્યવાહી કરાઈ રહી છે. તેમજ વિદ્યાર્થી અને તેમના પરિવારોનો અપીલ છે કે તેઓ 'લાલચમાં ન આવે'.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે નીટ યુજીની પરીક્ષા, પેપરલીકના આરોપ બાદ રદ કરાઈ હતી. બાદમાં ફરી વાર પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ છે.

એનટીએ 21 જૂને નીટ યુજી 2026ની પરીક્ષા ફરી લેશે. પેપરલીક મામલે અત્યાર સુધીમાં કુલ નવ લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન