તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ભારતીય મહિલા પહેલવાન મનીષા ભાનવાલાએ ઇતિહાસ રચ્યો, વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ - ન્યૂઝ અપડેટ
શુક્રવારે કઝાખસ્તાનના અસ્તાનામાં મનીષા ભાનવાલાએ ઇતિહાસ રચ્યો હતો. તેઓ વર્લ્ડ રેસલિંગ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા બન્યાં છે.
29 વર્ષીય મનીષાએ 59 કિલોગ્રામ વજન વર્ગની રોમાંચક ફાઇનલમાં શાનદાર વાપસી કરતાં અમેરિકાનાં એબિગેલ નેટને 8-6થી હરાવ્યાં હતાં.
મનીષાએ બિન-ઑલિમ્પિક વજન વર્ગમાં પોતાના અભિયાનની શરૂઆત પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં કૅનેડાનાં લૉરેન્સ બ્યુરેગાર્ડને "વિક્ટરી બાય ફૉલ" દ્વારા હરાવીને કરી હતી.
ક્વૉર્ટર ફાઇનલમાં ભારતીય પહેલવાને મંગોલિયાની બોલોરતુઇયા ખુરેલખૂને 6-0થી હરાવી હતી.
સમાચાર એજન્સી PTIના જણાવ્યા અનુસાર, ત્યારબાદ સેમિફાઇનલમાં હરિયાણાનાં આ પહેલવાને સ્થાનિક ખેલાડી અલ્ટિન શગાયેવાને ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે હરાવીને ફાઇનલમાં સ્થાન બનાવ્યું હતું.
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતનારાં મનીષા બીજાં ભારતીય પહેલવાન છે. તેમના પહેલાં સુશીલ કુમારે 2010માં મૉસ્કોમાં 66 કિલોગ્રામ વજન વર્ગમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
વર્તમાન ચૅમ્પિયનશિપમાં મનીષા મહિલા કુશ્તીમાં પદક જીતનારાં ચોથી ભારતીય છે. તેમના પહેલાં નીલમ સિરોહી (રજત, 50 કિગ્રા), કાજલ ઢોચક (રજત, 76 કિગ્રા) અને તનુ શર્મા (કાંસ્ય, 72 કિગ્રા) પદક જીતી ચૂક્યાં છે.
બદ્રીનાથથી દહેરાદૂન આવી રહેલું હેલિકૉપ્ટર ક્રૅશ, પાઇલટ સહિત છનાં મૃત્યુ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં શુક્રવારે બદ્રીનાથથી દહેરાદૂનના સહસ્રધારા પરત ફરી રહેલા એક હેલિકૉપ્ટરને અકસ્માત નડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જિલ્લા વહીવટી તંત્ર પ્રમાણે અકસ્માતમાં હેલિકૉપ્ટરમાં સવાર પાંચ મુસાફરો અને પાઇલટનાં મૃત્યુ થઈ ગયાં.
દુર્ઘટના જોશીમઠ પાસે હાથી પહાડ અને ચાઈ ગામની ઉપર ઉચ્ચ હિમાલય ક્ષેત્રમાં થઈ.
પાઇલટ હિમાંશુ સભરવાલ દિલ્હીના રહેવાસી હતા.
બીબીસીના સહયોગી પત્રકાર ઇમરાન કુરેશીએ જણાવ્યું કે હેલિકૉપ્ટરમાં સવાર પાંચેય મુસાફરો કર્ણાટકના હતા.
જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી તરફથી જાહેર કરાયેલા અહેવાલ પ્રમાણે, સૈન્યની 9 ઇન્ડિપેન્ડેન્ટ માઉન્ટેન બ્રિગેડની ટીમ બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી.
ટીમે હેલિકૉપ્ટરમાં સવાર તમામ છ લોકોનાં મૃત્યુની વાતની પુષ્ટિ કરી. અકસ્માતમાં હેલિકૉપ્ટર સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થયું હતું.
વડા પ્રધાન મોદી ગુજરાતમાં, કહ્યું - 'ભારતનો ઝડપી વિકાસ આખા વિશ્વ માટે એક આશા'
વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગુજરાતના બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા.
ગુજરાતના મુખ્ય મંત્રીની વૉટ્સઍપ ચૅનલ પર જાહેર કરેલી માહિતી અનુસાર શુક્રવારે વડા પ્રધાનના હસ્તે બનાસકાંઠાના ભીલડી ખાતેથી 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'ના 24મા હપ્તાનું વિતરણ કરાયું હતું.
આ ઉપરાંત વિવિધ 'વિકાસલક્ષી પ્રકલ્પો'નાં ખાતમુહૂર્ત-લોકાર્પણ અને નવી રેલ સેવાઓનો પ્રારંભ કરાયો હતો.
જાહેર કરાયેલી માહિતી અનુસાર, "પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત 9.34 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18,600 કરોડથી વધુની સહાય ડીબીટી મારફતે સીધી જમા કરાવાઈ હતી."
વડા પ્રધાન મોદીએ આ મુલાકાત દરમિયાન શુક્રવારે કહ્યું હતું કે, "પાછલાં 12 વર્ષથી અમે ખેતીમાં સાયન્સ અને ટૅક્નૉલૉજીનો પણ વ્યાપક સમાવેશ કર્યો છે. અમે ખેતીને, પશુપાલકોને વૈજ્ઞાનિકતા સાથે જોડ્યાં છે."
"અમે પશુપાલનને માત્ર પરંપરા નહીં, પરંતુ ખેડૂતની આવક વધારવા અને ગામને સમૃદ્ધ બનાવવાનું મજબૂત સાધન બનાવી રહ્યા છીએ."
તેઓ આગળ કહેલું કે, "હું માત્ર બે વાત જ જાણતો હતો, જનસેવાથી રાષ્ટ્રસેવા અને ગુજરાતના વિકાસથી દેશનો વિકાસ. અનિશ્ચિતતાથી ભરપૂર વિશ્વમાં ભારતનો ઝડપી વિકાસ આખા વિશ્વ માટે એક નવી આશા છે."
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરોએ જાહેર કરેલી પ્રેસ રિલીઝ પ્રમાણે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પહોંચીને પુષ્પાંજલિ અર્પિત કરશે. એ બાદ એકતાનગર ખાતે 400 કરોડ રૂ.ના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ ખુલ્લા મૂકશે."
ભૂટાન : વાદળ ફાટ્યા બાદ પશ્ચિમ બંગાળ અને આસામના અનેક વિસ્તારોમાં હાઈ ઍલર્ટ
ભૂટાનના શિંટાફૂ સરોવરમાં ગ્લૅશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)ની ઘટના બાદ સંકોષ નદીનું જળસ્તર વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ અને આસામના કેટલાક વિસ્તારોમાં હાઈ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પશ્ચિમ બંગાળ સરકારના મંત્રી નિશીથ પ્રમાણિકે જણાવ્યું હતું, "કૂચબિહાર, તુફાનગંજ અને બક્સીરહાટના ચાના બગીચાઓ તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ સંકોષ અને બ્રહ્મપુત્ર નદીઓમાં સંભવિત પૂરના જોખમને ધ્યાનમાં રાખીને તરત જ સુરક્ષિત સ્થળોએ ખસી જવું જોઈએ."
સેન્ટ્રલ વૉટર કમિશને ભૂટાનના શિંટાફૂ સરોવરમાં ગ્લૅશિયર લેક ફાટવાથી આવેલા પૂરના અહેવાલોને પગલે પશ્ચિમ બંગાળ અને આસામ માટે ચેતવણી જાહેર કરી છે.
સંકોષ નદીનું જળસ્તર અચાનક વધી શકે છે. તેના કારણે આગામી 6 થી 8 કલાકમાં પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને આસામના ધુબરી જિલ્લામાં અસર થવાની શક્યતા છે.
પશ્ચિમ બંગાળ અને આસામમાં સંકોષ નદીના કિનારે આવેલા આ બંને જિલ્લાના સ્થાનિક અધિકારીઓને સતર્ક રહેવા, પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને જરૂરી સાવચેતીનાં પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ દ્વારા શૅર કરવામાં આવેલા વીડિયોમાં પશ્ચિમ બંગાળના જોખમગ્રસ્ત વિસ્તારોમાં સિવિલ ડિફેન્સના કર્મચારીઓ લાઉડસ્પીકર મારફતે લોકોને ચેતવણી આપતા જોવા મળે છે.
ચેતવણીમાં કહેવામાં આવી રહ્યું છે: "ભૂટાનમાં વાદળ ફાટવાની ઘટનાને કારણે વિસ્તારમાં પૂરની સંભાવના છે, તેથી સૌએ સાવચેતી રાખવી."
ભૂટાનના શિંટાફૂ સરોવરમાં ગ્લૅશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડના સંભવિત પ્રભાવનો સામનો કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓ અંગે અલીપુરદ્વારના એસપી અમિતકુમાર શૉએ સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું, "સૌપ્રથમ હું જિલ્લાના લોકોને કહેવા માગું છું કે ગભરાવાની બિલકુલ જરૂર નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. અમે ભૂટાનના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. અમારી પોલીસ ટીમ, જિલ્લા મૅજિસ્ટ્રેટ, બ્લૉક ડેવલપમેન્ટ અધિકારીઓ અને તેમની ટીમો, તમામ સંબંધિત એજન્સીઓ તથા અન્ય પક્ષો પરસ્પર સંકલન સાથે કાર્ય કરી રહ્યા છે."
એસપીએ વધુમાં જણાવ્યું, "અમે શાળાઓને રાહત કેન્દ્રોમાં પરિવર્તિત કરીને અંદાજે 4,000 થી 5,000 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. આ ઉપરાંત 6,000 થી વધુ લોકોને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે."
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર લખ્યું, "ભૂટાનમાં ગ્લૅશિયલ સરોવર ફાટવાથી પડી શકે તેવી સંભવિત અસર પર અમે ધુબરી અને કોકરાઝારના તમામ સંવેદનશીલ મહેસૂલી વર્તુળોમાં સતત નજર રાખી રહ્યા છીએ."
આઈપીએલ : મુંબઈ ઇન્ડિયન્સે રૉબિન ઉથપ્પાને બેટિંગ કોચ બનાવ્યા
મુંબઈ ઇન્ડિયન્સે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બૅટ્સમૅન રૉબિન ઉથપ્પાની આઈપીએલ માટે બેટિંગ કોચ તરીકે નિમણૂક કરી છે.
મુંબઈ ઇન્ડિયન્સે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "અમારી પ્રથમ સિઝનનો ભાગ બનવાથી લઈને લાંબા અનુભવ પછી ફરી વાપસી કરવા સુધી, રૉબિનને રમત અંગે ઊંડી સમજ છે."
"તેમનું કમ્યુનિકેશન કૌશલ્ય ઉત્તમ છે અને યુવા ખેલાડીઓને યોગ્ય દિશા આપવાની ક્ષમતા ધરાવે છે. પલટનમાં તમારું ફરી સ્વાગત છે, રૉબિન. તમે અમારા નવા બેટિંગ કોચ છો."
આ સાથે જ ટીમે ન્યૂઝીલૅન્ડના ભૂતપૂર્વ ઝડપી બૉલર મિચેલ મૅક્લેનઘનને બૉલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ મુંબઈ ઇન્ડિયન્સ માટે આઈપીએલમાં પણ રમી ચૂક્યા છે.
મુંબઈ ઇન્ડિયન્સે ઍક્સ પર લખ્યું, "તેઓ ચાહકોના સૌથી પ્રિય ખેલાડીઓમાંના એક રહ્યા છે. તેમણે હંમેશાં ટીમ પ્રત્યે પોતાની સમર્પિતતા દર્શાવી છે અને મુંબઈ ઇન્ડિયન્સની ભાવનાને પોતાના રમતમાં ઉતારી છે. મિચેલ મૅકલેનઘન, ઘર વાપસી પર તમારું સ્વાગત છે."
ટ્રમ્પે બ્રાઝિલમાં થયેલી ચૂંટણીને ગણાવી 'શરમજનક'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલની ચૂંટણીને 'શરમજનક' અને 'બ્રાઝિલના લોકો માટે અપમાનજનક' ગણાવી છે.
વૉશિંગ્ટનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું, "મેં ચૂંટણીમાં કોઈનો પક્ષ લીધો નહોતો, પરંતુ બ્રાઝિલમાં જે કંઈ થયું, તે મેં જોયું ત્યારે તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ હતું."
બ્રાઝિલના નેતા લુઇસ ઇનાસિયો લૂલા દા સિલ્વાએ શાનદાર વાપસી કરીને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત મેળવી છે.
આ જીત સાથે વર્કર્સ પાર્ટીના 80 વર્ષીય નેતા લૂલાને ચોથી વખત રાષ્ટ્રપતિ બનવાની તક મળી છે.
તેમણે દેશની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કટ્ટર જમણેરી મનાતા પ્રતિસ્પર્ધી અને લિબરલ પાર્ટીના નેતા ફ્લાવિયો બોલ્સોનારોને નજીવા અંતરથી હરાવ્યા.
લગભગ તમામ મતોની ગણતરી પૂર્ણ થયા બાદ, રવિવારે લેટિન અમેરિકાના સૌથી મોટા લોકતંત્રમાં યોજાયેલી ચૂંટણીના બીજા તબક્કામાં લૂલાને 51.76 ટકા મત મળ્યા હતા.
જ્યારે જેલમાં બંધ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના પુત્ર ફ્લાવિયો બોલ્સોનારોને 48.24 ટકા મત મળ્યા હતા.
લૂલાની જીત અનેક ચૂંટણી સર્વેક્ષણોના અંદાજોથી વિપરીત રહી હતી. આ સર્વેક્ષણોમાં બોલ્સોનારોને નજીવી સરસાઈ દર્શાવવામાં આવી હતી.
આ મહિનાની શરૂઆતમાં યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં 45 વર્ષીય સેનેટર ફ્લાવિયો બોલ્સોનારોએ લગભગ બે ટકાના અંતરથી સરસાઈ મેળવી હતી.
ઇઝરાયેલ ચૂંટણી : કતાર-તુર્કી પાસેથી ફંડિંગના નેતન્યાહૂની પાર્ટીના આરોપ પર વિપક્ષે શું કહ્યું?
ઇઝરાયેલમાં વિપક્ષના મુખ્ય નેતા ગાદી આઇઝનકોટ અને આરબ નેતૃત્વવાળી પાર્ટીઓના નેતાઓએ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની આકરી ટીકા કરી છે.
નેતન્યાહૂએ ચૂંટણીમાં પોતાના ગઠબંધનની બહુમતી ગુમાવ્યા બાદ વિદેશી હસ્તક્ષેપનો આરોપ મૂક્યો હતો.
નેતન્યાહૂની લિકુડ પાર્ટીએ ઇઝરાયેલની આરબ નેતૃત્વવાળી પાર્ટીઓ પર ચૂંટણી "ચોરી" કરવાનો આરોપ મૂક્યો હતો. દેશની આંતરિક સુરક્ષા એજન્સી 'શિન બેટ' એ બાબતની તપાસ કરી રહી છે કે શું આ પાર્ટીઓને કતાર અને તુર્કી પાસેથી ગેરકાયદેસર નાણાં મળ્યાં હતાં કે નહીં.
કતારના વિદેશ મંત્રાલયે આ આરોપોને "હાસ્યાસ્પદ અને ખતરનાક" ગણાવીને ફગાવી દીધા હતા. તેણે ઇઝરાયેલી નેતાઓ પર દોહા વિરુદ્ધ દુષ્પ્રચારની ઝુંબેશ ચલાવવાનો આરોપ પણ મૂક્યો હતો.
અંતિમ પરિણામોથી સ્પષ્ટ થયું છે કે ન તો નેતન્યાહૂના ગઠબંધનને કે ન તો યહૂદી વિપક્ષને સંસદમાં બહુમતી મળી છે.
'જોઇન્ટ લિસ્ટ' અને 'રાઅમ' નામની બે આરબ પાર્ટીઓએ અપેક્ષાથી વિપરીત પ્રદર્શન કરતાં 120 સભ્યોવાળી સંસદમાં રેકૉર્ડ 19 બેઠકો જીતી છે. આરબ મતદારોમાં મતદાન વધ્યા બાદ આ પરિણામ સામે આવ્યું છે.
આથી આ પાર્ટીઓ સરકાર રચવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની સ્થિતિમાં આવી ગઈ છે. નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો મળી હતી, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ગાદી આઇઝનકોટના ગઠબંધને 48 બેઠકો મેળવી હતી.
ગુરુવારે લિકુડ પાર્ટીએ આરોપ મૂક્યો હતો કે, આરબ પાર્ટીઓને મત આપવા માટે મતદારોને "લાંચ આપવામાં આવી" હતી. તે પહેલાં કેન્દ્રીય ચૂંટણી સમિતિના પ્રમુખે સુરક્ષા એજન્સી શિન બેટને વિદેશી હસ્તક્ષેપ અંગેની 'ગંભીર શંકાઓ'ની તપાસ કરવા કહ્યું હતું.
બંને આરબ પાર્ટીઓએ આ આરોપોને કડક શબ્દોમાં નકારી કાઢ્યા હતા. જોઇન્ટ લિસ્ટે જણાવ્યું કે, આ આરોપોનો કોઈ આધાર નથી.
નેતન્યાહૂના વિવેચકોનું માનવું છે કે આ વિવાદ આરબ પાર્ટીઓની કાનૂની માન્યતા પર સવાલ ઊભા કરવાનો પ્રયાસ છે. તેના કારણે આઇઝનકોટ માટે આ પાર્ટીઓ સાથે ગઠબંધન કરવું રાજકીય રીતે અશક્ય બની શકે છે. હાલમાં સત્તા સુધી પહોંચવા માટે તેમના ગઠબંધન પાસે આ જ એક માર્ગ છે.
ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું કે, કેન્દ્રીય ચૂંટણી સમિતિ સમક્ષ એવો દાવો કરવામાં આવ્યો હતો કે કતારે આરબ સમુદાયોમાં મતદાન વધારવાના હેતુથી ફંડિંગ કર્યું હતું.
કતારના વિદેશ મંત્રાલયે આ દાવાઓને 'સંપૂર્ણપણે' ફગાવી દીધા હતા. નેતન્યાહૂ અને તેમની લિકુડ પાર્ટીએ આ આરોપોને 'રાજકીય ભૂકંપ' અને 'લોકશાહી પર હુમલો' ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે તેનો હેતુ તેમની દક્ષિણપંથી સરકારને સત્તામાંથી દૂર કરવાનો છે.
જોકે બાદમાં શિન બેટે સ્પષ્ટ કર્યું હતું કે તેની તપાસમાં કાયદેસર રીતે મતદાન કરનાર તમામ લોકોને શંકાના ઘેરામાં રાખવામાં આવ્યા નથી.
બીજી તરફ કેન્દ્રીય ચૂંટણી સમિતિના કાર્યકારી મહાનિર્દેશક ડીન લિવનેએ જણાવ્યું કે ચૂંટણીની નિષ્પક્ષતાના વ્યવસ્થિત ઉલ્લંઘનના આરોપોનો 'કોઈ આધાર નથી.'
તપાસ અંગે માહિતી આપવામાં આવ્યા બાદ આઇઝનકોટે કહ્યું, "હજુ એ નક્કી કરવું ઉતાવળભર્યું હશે કે શું થયું હતું અથવા ખરેખર કંઈ થયું પણ હતું કે નહીં."
તેમણે નેતન્યાહૂ પર "ચૂંટણીનાં પરિણામોની માન્યતા ખતમ કરવા માટે સુનિયોજિત અને સંગઠિત અભિયાન ચલાવવાનો" આરોપ મૂક્યો હતો.
અમેરિકાની મધ્યવર્તી ચૂંટણી : અત્યાર સુધી 4.3 કરોડથી વધુ મતદાતાઓએ કર્યું મતદાન
અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણી થવામાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે. આ ચૂંટણીથી નક્કી થશે કે આગામી બે વર્ષ સુધી અમેરિકી સંસદ (કૉંગ્રેસ) પર કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે. તે પહેલાં જ 4.3 કરોડથી વધુ અમેરિકન નાગરિકો મતદાન કરી ચૂક્યા છે.
યુનિવર્સિટી ઑફ ફ્લૉરિડાની ઇલેકશન લૅબના આંકડા મુજબ, દરરોજ 40 થી 50 લાખ લોકો સમય પહેલાં મતદાન કરી રહ્યા છે. આ આંકડો અગાઉની મોટાભાગની ચૂંટણીઓની સરખામણીમાં ઘણો વધુ છે.
ઇલેકશન લૅબના ડેટાબેસનું સંચાલન કરતા પ્રોફેસર માઇક મૅક્ડૉનાલ્ડના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ટૅક્સાસમાં સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે વધુ મતદાન થયું છે. હિસ્પાનિક સમુદાયોમાં પણ સામાન્ય કરતાં ઘણું વધુ મતદાન જોવા મળ્યું છે.
કુલ મળીને આ વખતે મતદાનનો આંકડો વર્ષ 2020 અથવા 2018ની ચૂંટણીઓથી પણ આગળ નીકળી શકે છે. વર્ષ 2018ની મધ્યાવધિ ચૂંટણી દરમિયાન મતદાનનો રેકૉર્ડ બન્યો હતો, જેણે વર્ષ 1914નો રેકૉર્ડ પાછળ છોડી દીધો હતો.
મૅક્ડૉનાલ્ડના જણાવ્યા મુજબ, ટૅક્સાસમાં 2022ની ચૂંટણીઓની તુલનામાં અત્યાર સુધી લગભગ 17.5 લાખ વધુ લોકો મતદાન કરી ચૂક્યા છે. આ રાજ્યમાં 58 લાખથી વધુ બૅલેટ નાખવામાં આવી ચૂક્યા છે.
ટૅક્સાસ એક મહત્ત્વપૂર્ણ ચૂંટણી રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. અહીંનાં પરિણામો નક્કી કરી શકે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ કાર્યકાળના બાકીના સમય દરમિયાન સેનેટ પર કઈ પાર્ટીનું નિયંત્રણ રહેશે.
જે રાજ્યોમાં મતદાતાઓને નોંધણી દરમિયાન પોતાની રાજકીય પાર્ટીની માહિતી આપવી જરૂરી હોય છે, ત્યાંના આંકડા દર્શાવે છે કે ડેમૉક્રેટિક પાર્ટીના મતદાતાઓના મતમાં વધારો થયો છે. જ્યારે રિપબ્લિકન પાર્ટીના પ્રારંભિક મતદાનના આંકડા વર્ષ 2022ની આસપાસ જ સ્થિર રહ્યા છે.
મૅક્ડૉનાલ્ડના જણાવ્યા અનુસાર, એવા મતદાતાઓમાં પણ પ્રારંભિક મતદાન વધ્યું છે, જેઓએ કોઈ વિશિષ્ટ રાજકીય પાર્ટી સાથે પોતાની નોંધણી કરાવી નથી. જોકે, આ આંકડા પરથી એ જાણી શકાતું નથી કે તેમણે કયા ઉમેદવારોને મત આપ્યો છે.
ગુરુવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, પ્રારંભિક મતદાનમાં 44 ટકા મત ડેમૉક્રેટિક પાર્ટીના મતદાતાઓએ આપ્યા છે, જ્યારે 31.2 ટકા મત રિપબ્લિકન પાર્ટીના મતદાતાઓએ આપ્યા છે.
જ્યારે 24.7 ટકા મત એવા મતદાતાઓના છે, જેઓએ કોઈ રાજકીય પાર્ટી સાથે પોતાનું જોડાણ નોંધાવ્યું નથી. જોકે, આ આંકડા માત્ર તે લગભગ અડધાં રાજ્યોના છે, જ્યાં મતદાતાઓ માટે રાજકીય પાર્ટી સાથેનું જોડાણ દર્શાવવું જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન