જેઠા સોલંકી : કોડીનારના આ પૂર્વ ધારાસભ્ય ભાજપ છોડી ફરી કૉંગ્રેસમાં કેમ જોડાયા?

જેઠા સોલંકીને કૉંગ્રેસનો ખેસ પહેરાવી રહેલા રણદીપ સુરજેવાલા ગુજરાત બીબીસી કૉંગ્રેસ ગુજરાતી ન્યૂઝ અપડેટ ભાજપ
ઇમેજ કૅપ્શન, જેઠા સોલંકીને કૉંગ્રેસનો ખેસ પહેરાવી રહેલા રણદીપ સુરજેવાલા
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં લાંબાગાળાથી સત્તાથી દૂર રહેલા અને ફરી બેઠા થવાની કોશિશ કરી રહેલા કૉંગ્રેસ પક્ષ માટે સૌરાષ્ટ્રથી એક 'સારા સમાચાર' છે.

કોડીનાર (SC) વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક નેતાઓમાં મોટું નામ ગણાતા જેઠા સોલંકી ભાજપ છોડીને ફરી કૉંગ્રેસમાં સામેલ થયા છે.

જેઠા સોલંકી 2012માં ભાજપ તરફથી કોડીનારના ધારાસભ્ય બન્યા હતા.

સૌરાષ્ટ્રમાં કૉંગ્રેસ પાસે હાલમાં માત્ર એક જ ધારાસભ્ય છે એટલી કફોડી સ્થિતિ છે.

એવામાં જેઠા સોલંકી હવે કૉંગ્રેસમાં કેમ જોડાયા? તેમનું અને ભાજપ-કૉંગ્રેસનું શું કહેવું છે? રાજકીય વિશ્લેષકો જેઠા સોલંકીના આ પક્ષાંતરને કેવી રીતે જુએ છે?

જેઠા સોલંકીએ કૉંગ્રેસમાં જોડાવા અંગે શું કહ્યું?

જેઠાભાઈ સોલંકી જેઠા સોલંકીને કૉંગ્રેસનો ખેસ પહેરાવી રહેલા રણદીપ સુરજેવાલા ગુજરાત બીબીસી કૉંગ્રેસ ગુજરાતી ન્યૂઝ અપડેટ ભાજપ

રાજકોટના હેમુ ગઢવી હૉલ ખાતે ગઈકાલે કૉંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. તેમાં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પ્રભારી રણદીપ સુરજેવાલા સહિત તમામ મોટા નેતાઓ હાજર હતા.

આ બેઠકમાં જ કોડીનારના ભાજપના પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકી કૉંગ્રેસમાં સામેલ થયા હતા.

જેઠા સોલંકીએ કૉંગ્રેસમાં જોડાયા પછી કહ્યું હતું કે, "કોડીનારના સમગ્ર સમાજના લોકોની એવી લાગણી હતી કે જેઠાભાઈ કૉંગ્રેસમાં જોડાય. તેના કારણે મેં આ નિર્ણય લીધો છે."

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું હતું કે, "કોડીનારની સ્થિતિ સૌ જાણે છે. કોડીનારમાં અસામાજિક તત્ત્વોનું રાજ ચાલે છે. સામાન્ય માણસોનું કામ થતું નથી એટલા માટે મેં ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે."

તેમણે ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી પર પણ આરોપો લગાવ્યા હતા. જેઠા સોલંકીએ આરોપ લગાવ્યો કે "દીનુ બોઘા સોલંકી લોકોને હેરાન કરી રહ્યા છે."

આ મુદ્દે અમે કોડીનારથી બીબીસી સહયોગી દિલીપસિંહ મોરી મારફતે દીનુ બોઘા સોલંકીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓ આફ્રિકા હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. તેમનો જ્યારે સંપર્ક થશે ત્યારે તેમનો પક્ષ અહીં ઉમેરીશું.

જેઠા સોલંકીએ કહ્યું હતું કે, "હું 1981થી જાહેર જીવનમાં છું અને જમીન સાથે જોડાયેલો છું અને લોકોના કામ કરું છું. કોડીનારની સ્થિતિ ખરાબ છે. ખેડૂતોને માટે અપાર મુશ્કેલી છે, બિયારણો-ખાતરો મળતાં નથી. અમારા વડીલોએ ઊભી કરેલી સંસ્થાઓ ખાનગી કંપનીઓને આપી દેવામાં આવી છે. લોકો ત્રસ્ત છે."

તેમણે કહ્યું હતું કે, "જિલ્લા પંચાયતથી લઈને ધારાસભ્ય સુધીમાં હું કુલ છ ચૂંટણી લડ્યો છું. હું ભાજપમાં હોવ કે કૉંગ્રેસમાં, પ્રજાએ મને ક્યારેય હારવા દીધો નથી."

આ મામલે ભાજપ-કૉંગ્રેસનું શું કહેવું છે?

બીબીસી ગુજરાતીએ કોડીનાર જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ પૂજાભાઈ વંશ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "જેઠાભાઈ સોલંકી જવાબદાર અને પીઢ આગેવાન છે અને મૂળ કૉંગ્રેસના જ કાર્યકર છે. એમના આવવાથી ગીર-સોમનાથ જિલ્લામાં જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રમાં પણ કૉંગ્રેસ મજબૂત થશે."

પૂજાભાઈએ કહ્યું હતું કે, "જેઠાભાઈએ ભાજપમાં રહીને પણ લોકો માટે સંઘર્ષ કર્યો છે અને બોલતા રહ્યા છે. જેઠાભાઈએ જે નિર્ણય લીધો છે એ લોકોની માગ હતી. અત્યારે કોડીનારની પ્રજા કંટાળી, થાકી છે. મધ્યમવર્ગ પીસાઈ રહ્યો છે. કોડીનારમાં સત્તાધારી ભાજપના લોકો જ લોકોને હેરાન કરે છે."

તેમણે કહ્યું હતું કે જેઠાભાઈ ગીર-સોમનાથ જ નહીં, અમરેલીમાં પણ જાણીતા આગેવાન છે અને તમામ વર્ગો, સમાજનું તેમને સમર્થન છે.

આ મુદ્દે અમે ભાજપના કોડીનાર જિલ્લા પ્રમુખ સંજય પરમાર સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "જેઠાભાઈ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા હતા. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ત્યારે ભાજપે તેમને પક્ષવિરોધી પ્રવૃત્તિ માટે સસ્પેન્ડ કર્યા હતા."

જોકે, કોડીનારમાં 'અસામાજિક તત્ત્વો કબજો' હોવા અંગેના જેઠા સોલંકીના આરોપોને તેમણે નકાર્યા હતા. તેમણે જેઠા સોલંકી દ્વારા દીનુ બોઘા સોલંકી પર લગાવવામાં આવેલા આરોપો પણ ફગાવ્યા હતા.

જેઠા સોલંકી, દીનુ બોઘા સોલંકીનું કોડીનારમાં કેવું પ્રભુત્વ છે?

દીનુ બોઘા સોલંકી જેઠા સોલંકીને કૉંગ્રેસનો ખેસ પહેરાવી રહેલા રણદીપ સુરજેવાલા ગુજરાત બીબીસી કૉંગ્રેસ ગુજરાતી ન્યૂઝ અપડેટ ભાજપ
ઇમેજ કૅપ્શન, ભાજપના નેતા દીનુ બોઘા સોલંકી

જેઠા સોલંકી 1980થી રાજકારણમાં સક્રિય છે અને એક વાર કોડીનારના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

રાજકારણની શરૂઆતમાં તેઓ અમરેલી જિલ્લા પંચાયતમાં ચૂંટાયા હતા. તેઓ ગુજરાત સરકારના સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે.

જ્યારે દીનુ બોઘા સોલંકી કોડીનારથી સતત ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2009માં તેઓ જૂનાગઢના સાંસદ પણ બન્યા હતા.

1998, 2002 અને 2007માં તેઓ ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે.

વરિષ્ઠ સ્થાનિક પત્રકાર અરવિંદભાઈ સૂચક બીબીસી ગુજરાતીને જણાવે છે એ પ્રમાણે, "જેઠા સોલંકી પહેલેથી સામાજિક કાર્યકર રહ્યા છે અને આજની તારીખે પણ આર્થિક સ્થિતિ સારી નથી."

તેઓ કહે છે કે, "સ્થાનિક રાજકારણ એ જેઠા સોલંકીની કાયમ સામે રહ્યું છે. અહીં દીનુ બોઘા સોલંકીનો કાયમ દબદબો રહ્યો છે. તેમનો સામાજિક, રાજકીય, આર્થિક દરેક રીતે હજુ દબદબો કાયમ છે. બંનેને સૈદ્ધાંતિક વાંધા હતા અને તેથી જેઠાભાઈ તેમને સાથ નહોતા આપતા."

અરવિંદભાઈ જણાવે છે કે, "કોડીનારમાં કૉંગ્રેસ પાસે હવે કોઈ મોટા ચહેરા નથી. જેઠાભાઈ જો કૉંગ્રેસમાં રહીને સક્રિય થાય તો કૉંગ્રેસને ફાયદો થશે. તેઓ હજુ પણ માણસો ભેગા કરી શકે છે. દલિત નેતા હોવા છતાં તેમને સર્વ સમાજ સાથે સારા સંબંધો છે અને સમર્થન પણ છે."

તેઓ વધુમાં કહે છે કે, "આજે માત્ર તાલુકા પંચાયતમાં ભાજપનું રાજ નથી. પરંતુ નગરપાલિકાથી લઈ બધી જગ્યાએ તેમનું રાજ છે. અહીં બધે દીનુ સોલંકીનો દબદબો યથાવત્ છે."

2012ની ચૂંટણીમાં ભાજપ તરફથી લડેલા જેઠા સોલંકીને 63,319 મત મળ્યા હતા અને કૉંગ્રેસના ઉમેદવાર મોહન વાળાને 54,842 મત મળ્યા હતા. જેઠા સોલંકીએ 8,477 મતોથી જીત મેળવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન