You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અયોધ્યા રામમંદિર : 'દાનથી સંપત્તિઓ ઊભી કરી લીધી' - આઠ આરોપી કોણ છે અને તેમના પર શું આરોપો છે?
- લેેખક, અરશદ અફઝલ ખાન
- પદ, અયોધ્યાથી, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
અયોધ્યામાં રામમંદિરના દાન સંદર્ભે કથિત ગોટાળાના કેસમાં એસઆઈટીનો પ્રાથમિક રિપોર્ટ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને સુપરત કર્યા બાદ ગુરુવારે મોડી સાંજે આઠ લોકો સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.
અયોધ્યાના એસએસપી ગૌરવ ગ્રોવરે બીબીસી હિન્દીને જણાવ્યું હતું કે રામ મંદિરમાં દાનપેટીઓમાંથી રોકડ અને કિંમતી વસ્તુઓની કથિત ચોરીના સંદર્ભમાં આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
આઠેય આરોપીઓની કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગામી એક કે બે દિવસમાં તેમને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે આ મામલે તેઓ 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' અલગ તારવીને જ રહેશે.
યોગી આદિત્યનાથે શું કહ્યું?
યોગી આદિત્યનાથે આજે કહ્યું હતું કે, "અયોધ્યા વિશે અમે કહ્યું હતું કે SIT ની રચના કરવામાં આવી છે. એસઆઈટી રિપોર્ટ આવતાની સાથે જ અમારી કાર્યવાહી શરૂ થઈ જશે. તમે જોયું છે કે, એસઆઈટી રિપોર્ટ આવ્યો અને તરત જ કાર્યવાહી શરૂ થઈ ગઈ."
"હું તમને ખાતરી આપું છું કે, અમે જે કહ્યું તે કરીશું. દૂધનું દૂધ અને પાણીનું પાણી અમે કરીને રહીશું."
તેમણે વધુમાં કહ્યું, "લોકોની શ્રદ્ધા સાથે છેડછાડ સ્વીકાર્ય નથી. જે કોઈ સનાતન આસ્થા સાથે છેડછાડ કરશે તેને તેનું પરિણામ ભોગવવું પડશે. કોઈને પણ છૂટ આપી શકાય નહીં."
આ ઉપરાંત યોગી આદિત્યનાથે રામ મંદિરના દાનની ચોરીનો આરોપ લગાવનારાઓ અંગે પણ નિવેદન આપ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "રામ ભક્તોની અગ્નિપરીક્ષા ન કરો. તેમની શ્રદ્ધા સાથે રમત રમવાનું બંધ કરો. જો કોઈ તથ્યો નથી, કોઈ સ્પષ્ટ પુરાવા નથી, તો આરોપો અને પ્રતિ-આરોપો બંધ કરો. અને જો પુરાવા હોય, તો તેને એસઆઈટી સમક્ષ રજૂ કરો."
તેમણે કહ્યું, "સરકાર એસઆઈટીની ભલામણો અનુસાર કાર્યવાહી કરી રહી છે અને જ્યારે વરિષ્ઠ અધિકારીઓની ટીમ કામ કરી રહી હોય, ત્યારે રાજકીય નિવેદનો બંધ કરવા જોઈએ."
રામમંદિર દાન કૌભાંડની તપાસ માટે એસઆઈટીની રચના
એફઆઈઆરમાં જેમના નામ છે એ બધા આરોપીઓ એ ટીમનો ભાગ હતા જેણે 40 દાન પેટીઓ યાત્રાળુ સુવિધા કેન્દ્રમાં પહોંચાડ્યા પછી તેમાંથી મળેલા દાનની ગણતરી કરી હતી.
તપાસ એજન્સીઓ મંદિરના ભંડોળના કથિત દુરુપયોગમાં તેમની ભૂમિકાની તપાસ કરી રહી છે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કૃષ્ણ મોહનની ફરિયાદ પર રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં આ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
આ કેસ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે જે કર્મચારી દ્વારા ચોરી, ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી અને ગુનાહિત કાવતરું ઘડવા સંબંધિત છે.
એફઆઈઆરમાં ટિન્નુ યાદવ, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, અવિનાશ શુક્લા, મનીષ યાદવ, સુભાષ શ્રીવાસ્તવ, કરુણેશ પાંડે અને રામશંકર મિશ્રાના નામ છે.
ટીનુ યાદવ દેખરેખની ભૂમિકામાં હતા, જ્યારે બાકીના બધા પૈસા ગણવાનું કામ કરતા હતા.
ફરિયાદ મુજબ, આરોપીઓએ ભક્તોના દાનની ઉચાપત કરવાનું અને ટ્રસ્ટ ફંડનો દુરુપયોગ કરવાનું કાવતરું ઘડ્યું હતું. આ કેસમાં મંદિર પરિસરમાં સ્થિત દાનપેટીઓમાંથી એકત્રિત કરાયેલા ભંડોળના કથિત દુરુપયોગનો સમાવેશ થાય છે.
13 જૂને નાણાકીય અનિયમિતતાના આરોપો સામે આવ્યા બાદ ટ્રસ્ટની માંગ પર એસઆઇટીની રચના કરવામાં આવી હતી.
આ સમિતિનું નેતૃત્વ વિજય વિશ્વાસ પંત કરી રહ્યા છે. પેનલમાં કિરણ એસ. અને નાણા વિભાગના વિશેષ સચિવ નીલરત્ન કુમારનો પણ સમાવેશ થાય છે.
સમિતિને પ્રક્રિયાગત ખામીઓની ઓળખ કરવાનું અને તેની પાછળ કોઈ મોટું કાવતરું છે કે કેમ તેની તપાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
જેમની ધરપકડ થઈ એ આરોપીઓ કોણ છે?
1. રામાશંકર યાદવ (ટિન્નૂ)
જવાબદારીઓ: દાનપેટીઓનું નિરીક્ષણ કરવું અને તેને બૅઝમેન્ટમાં પહોંચાડવી.
આરોપ: દાનપેટીઓમાંથી કરોડો રૂપિયાની ચોરી અને અયોધ્યાની આસપાસ સંપત્તિઓ ખરીદવી
2. લવકુશ મિશ્રા
જવાબદારી: મળેલી ભેટ અને રોકડ રકમની ગણતરી કરવી.
આરોપ: ભેટોની ચોરી કરીને કરોડોની સંપત્તિ ભેગી કરી. ઘરમાંથી 12 લાખ રોકડા મળી આવ્યા.
૩. અનુકલ્પ મિશ્રા
જવાબદારી: કાઉન્ટિંગ રૂમમાં રોકડ ગણતરી.
આરોપ: કાઉન્ટિંગ રૂમમાંથી પૈસા ચોરીને બાથરૂમમાં છુપાવ્યા, લાખોની સંપત્તિ ભેગી કરી.
4. સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવ
જવાબદારી: કૅશ કાઉન્ટિંગ સ્ટાફના પ્રભારી
આરોપો: દેખરેખમાં બેદરકારી અને ચોરીમાં સંડોવણી
5. કરુણેશ પાંડે
જવાબદારી: દાનને કાઉન્ટિંગ રૂમ સુધી લાવવું અને તેની ગણતરી કરવી.
આરોપ: દાન ચોરી કરીને અયોધ્યાની આસપાસ મિલકતો ખરીદવી
6. મનીષ યાદવ
જવાબદારી: દાનપેટીઓમાંથી મળેલી રોકડ રકમની ગણતરી કરવી.
આરોપ: દાનની ચોરી, ઘરમાંથી 36 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા
7. અવિનાશ શુક્લા
જવાબદારી: દાનને કાઉન્ટિંગ સેન્ટરમાં લાવવું અને તેની ગણતરી કરવી.
આરોપ: દાનના પૈસા ચોરીને મિલકતો ખરીદવી.
8. રામાશંકર મિશ્રા
જવાબદારી: દાનપેટીઓને કાઉન્ટિંગ સેન્ટરમાં લઈ જવી અને તેનું નિરીક્ષણ કરવું.
આરોપ: અન્ય આરોપીઓ સાથે મળીને દાનના નાણાંની ઉચાપત.
દાન સંબંધિત પ્રશ્નો પર નાયબ મુખ્યમંત્રી ગુસ્સે થયા
રામ મંદિરના નિર્માણ માટે એકત્રિત કરાયેલા દાન વિશે પૂછવામાં આવતા ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠક આજે ગુસ્સે થઈ ગયા.
પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું , "હું પૂછું છું કે શું બાબરી મસ્જિદ માટે દાન એકઠું થયું હતું? શું તે એકઠું થયું હતું? તેના વિશે પૂછો, શું કોઈ પૂછે છે?"
તેમણે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ પર 'તુષ્ટિકરણની રાજનીતિ' કરવાનો આરોપ લગાવ્યો.
નાયબ મુખ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર સામે 'ઝીરો ટૉલરન્સ' માટે પ્રતિબદ્ધ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન