રાજકોટ : સોશિયલ મીડિયામાં મળેલી યુવતી લગ્ન બાદ 'ગે' નીકળતા હત્યા, શું છે સમગ્ર મામલો?

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનથી પૂર્વે આશરે 4 કિલોમીટર દૂર ગામની સીમમાં મસ્કત ફાટક પાસે એક મૃતદેહ મળ્યો હતો. આ મૃતદેહ એકદમ કોહવાઈ ગયેલી સ્થિતિમાં હતો. પોલીસને શંકા જતાં, તેમણે રાજકોટ સરકારી હૉસ્પિટલ ખાતે ફોરેન્સિક પૉસ્ટમૉર્ટમ કરાવ્યું હતું. જેમાં સ્ત્રીનાં કપડાંવાળો મૃતદેહ એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું હતું.

પૉસ્ટમૉર્ટમમાં જાણવા મળ્યું કે, સ્ત્રીનાં કપડાં પહેરેલી આ ટ્રાન્સજેન્ડર વ્યક્તિનું મોત અકસ્માતથી નહીં, પરંતુ માથાના ભાગે એક કરતાં વધારે ઇજાઓ થવાને કારણે થયું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા CCTV ફૂટેજ ચેક કરવામાં આવતાં આ મામલાનું રહસ્ય ખોલતી પહેલી કડી પોલીસને મળી હતી.

પોલીસે કારખાનામાં કામ કરતા 20 વર્ષીય પિયૂષ ઉર્ફે બબલુ ખરવારની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરતાં અનેક હકીકતો સામે આવી હતી.

શું છે સમગ્ર મામલો?

રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસનોટમાં જણાવાયું છે કે, આ મૃતકનું નામ ચંદન કુમાર હતું અને મહિલાનાં નામે સોશિયલ મીડિયા ઍકાઉન્ટ ધરાવતા હતા.

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ હત્યા અંગે માહિતી આપતાં જણાવ્યું કે, "શાપર પોલીસ સ્ટેશનથી આશરે 4 કિમી દૂર વેરાવળ ગામની સીમમાં મસ્કત ફાટક પાસે મળેલી લાશને જોતાં પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગતું હતું કે આ કોઈ મહિલાની લાશ છે. પરંતુ જ્યારે તે લાશનું પૉસ્ટમૉર્ટમ કરાવવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ મહિલા નહીં પણ પુરુષની લાશ છે."

"તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ હતી. પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં આ બાબતે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો, પરંતુ પૉસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આ ફરિયાદને ખૂનના ગુનામાં પરિવર્તિત કરવામાં આવી હતી."

"ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી અને ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ જોતાં આરોપીની ઓળખ થઈ હતી. આરોપીનું નામ પિયૂષ છે અને તે ગાઝીપુર (ઉત્તર પ્રદેશ)નો રહેવાસી છે."

વિજયસિંહ ગુર્જરે વધુમાં જણાવ્યું કે, "આરોપી પિયૂષ એક સમયે હૈદરાબાદમાં ઍલ્યુમિનિયમની બારીઓ બનાવવાનું કામ કરતો હતો. આ દરમિયાન ફેસબુક પર તેને 'નિશા કુમાર' નામના આઇડીથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. તેમજ ઇન્સ્ટાગ્રામ પર 'પૂનમ' નામની આઇડીથી પણ રિક્વેસ્ટ આવી હતી. આ બંને આઇડીના પ્રોફાઇલ પિક્સ સરખા જ હતા."

તેમણે ઉમેર્યું કે, "પિયૂષને શરૂઆતમાં એવું જ લાગ્યું કે આ આઇડી કોઈ સ્ત્રીનું છે. ત્યારપછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ત્યારબાદ તે નિશા કુમાર (ચંદન)ને મળવા ગયો અને બંને હૈદરાબાદમાં ત્રણ મહિના સુધી એક રૂમમાં સાથે રહ્યા હતા." આ દરમિયાન એક મોટું રહસ્ય અકબંધ રહ્યું હતું.

"લગ્ન પહેલાં શારીરિક સબંધ નહીં બનાવીએ"

રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર કહે છે કે, "મહિલા તરીકે પોતાનો પરિચય આપનાર ચંદને પિયૂષને કહ્યું હતું કે, 'વૈષ્ણોદેવીની મારી એક માનતા છે કે લગ્ન પહેલાં હું શારીરિક સંબંધ નહીં બાંધું.' આ બહાનું બતાવીને બંને ત્રણ મહિના સુધી સાથે રહ્યાં અને ત્યાર પછી તેમણે લગ્ન કરવાનું નક્કી કર્યું."

"લગ્ન થયાં પછી આરોપી પિયૂષને ખબર પડી કે ચંદન મહિલા નહીં પણ પુરુષ છે. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં પિયૂષ હૈદરાબાદ છોડીને પોતાના વતન જતો રહ્યો હતો."

પોલીસ પ્રેસનોટ અનુસાર, મૃતક ચંદન કુમાર પિયૂષની પાછળ-પાછળ તેના ગામે પણ પહોંચી ગયા હતા. ત્યાં જઈને પણ વિવાદ ઊભો થતાં, તેનાથી કંટાળીને આરોપી રાજસ્થાનના ભીવંડી ખાતે જતો રહ્યો હતો.

હૈદરાબાદથી ગાજીપુર, ત્યાંથી રાજસ્થાન અને આખરે રાજકોટ

ત્યાં આરોપી પિયૂષ બિલ્ડિંગોમાં પ્લાસ્ટર માટેના ફોલ્ડિંગ પાઇપ લગાવવાના કામમાં લાગી ગયો હતો. મૃતક ચંદનકુમાર ત્યાં પણ પહોંચી ગયા હતા. ત્યાં પણ તેમનો પિયૂષ સાથે ઝઘડો થયો અને મારામારી થઈ હતી. મામલો વધુ ન બગડે અને નોકરી ગુમાવવી ન પડે તે માટે પિયૂષે મૃતકને પોતાની સાથે રહેવાની પરવાનગી આપી હતી. પરંતુ આ સમય દરમિયાન પણ તેમની વચ્ચે અવારનવાર મારામારી થતી રહેતી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, "તેવામાં એક રાત્રે જ્યારે મૃતક સૂતો હતો, ત્યારે આરોપીએ તેનાં કપડાં હટાવીને એક વીડિયો બનાવી લીધો હતો."

"ચંદન જાગી જતાં પિયૂષે તેને વીડિયો બતાવીને કહ્યું કે, 'તું સ્ત્રી નથી, આ તેનો પુરાવો છે.' આ સાંભળતાં જ ચંદન એકદમ ઉશ્કેરાઈ ગયો અને તેણે પિયૂષનો મોબાઈલ તોડી નાખ્યો. તે પછી પિયૂષ રાજસ્થાનથી રાજકોટ આવી ગયો હતો."

પોલીસ પ્રેસનોટ અનુસાર, ચંદને તેની પાછળ-પાછળ અહીં પણ આવીની વાટ પકડી હતી. 21 જૂને બપોરના સમયે તે પડવલાના કારખાનામાં ઉપરની ઓરડીમાં પિયૂષ આરામ કરતો હતો. ત્યાં પહોંચીને સીધી જ મારામારી શરૂ કરી દીધી હતી.

"બંને વચ્ચે સામસામે મારામારી થઈ, જેમાં પિયૂષે ચંદનને અર્ધબેભાન કરી દીધો. ત્યારબાદ તેને કારખાનેથી પકડીને રેલ્વે ટ્રેક તરફ લઈ ગયો અને શાપર બાજુ આવતા ટ્રેક પાસે એક અજ્ઞાત જગ્યાએ ખાડામાં ફેંકી દીધો હતો."

પ્રેસનોટ અનુસાર, "ત્યાં પિયૂષે તેના માથા અને મોઢાના ભાગે મોટા પથ્થર ફટકારીને જીવલેણ ઇજાઓ પહોંચાડી તેનું મોત નીપજાવ્યું હતું. ત્યારબાદ લાશ ઉપર પથ્થરો મૂકીને પિયૂષ ફરીથી કારખાને આવી ગયો અને રાબેતા મુજબ કામે લાગી ગયો હતો."

દાઢી બનાવતાં જોઈ ગયો હતો આરોપીનો નાનો ભાઈ

પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, "મૃતકના હાથ પર પિયૂષના નામનું ટેટૂ પણ હતું, જેના દ્વારા તેની ઓળખ સ્થાપિત કરવામાં મદદ મળી હતી. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. આરોપી લગ્ન પહેલાં ત્રણ મહિના સુધી મૃતક સાથે રહ્યો હોવા છતાં તેને ખ્યાલ નહોતો આવ્યો કે મૃતક મહિલા નહીં પણ પુરુષ છે."

"એક વાર આરોપીના નાના ભાઈએ ચંદનને શૅવિંગ કરતાં જોઈ લીધો હતો, ત્યારે મૃતકે ગુસ્સામાં પોતાના જ હાથ પર બ્લેડ મારી દીધી હતી, જેનાથી નાનો ભાઈ ડરી ગયો હતો અને કોઈને કશું કહ્યું નહોતું."

સમલૈંગિક બાબતો વિશે પુછાતાં રાજકોટ પોલીસ વડાએ કહ્યું હતું કે, "આરોપીના જણાવ્યા મુજબ મૃતક 'ગે' હતો, જોકે આ બાબતે આગળની પૂછપરછ હજુ ચાલુ છે."

"સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ તેની બધી તસવીરો મહિલા તરીકેની જ છે. મૃતક મહિલાની જેમ જ શૃંગાર કરતો હતો અને બેથી ત્રણ જીન્સના પેન્ટ એક સાથે પહેરતો હતો, જેથી તેનું શરીર મહિલા જેવું દેખાય."

"મૃતક આરોપીને છોડવા નહોતો માંગતો અને સતત એક વર્ષ સુધી તેનો પીછો કરતો રહ્યો. તેનાથી કંટાળીને જ આ ઝઘડો થયો હતો અને અંતે હત્યામાં પરિણમ્યો હતો."

બીબીસી ગુજરાતીએ આરોપીના પરિવાર અને તેના ભાઈ સાથે વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેમણે કૉલ રિસીવ કર્યો નહોતો. તેમનો સંપર્ક થતાં જ તેમનો પક્ષ પણ આ અહેવાલમાં સામેલ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન