અમદાવાદ: નવ વર્ષની અંધ બાળકી ખુલ્લી ગટરમાં પડી ગઈ, હજુ સુધી કેમ નથી મળી?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

"મમ્મી મને પકડ, પકડ, એવો બે વાર અવાજ આવ્યો..."- આ શબ્દો પારૂબહેનના છે જેમની અંધ બાળકી અમદાવાદના પિરાણા-પીપળજ રોડ પર શનિવારે બપોરે ઊંડી ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી.

આજે બે દિવસ પૂર્ણ થયા હોવા છતાં આ બાળકીની ભાળ મળી નથી અને રૅસ્ક્યૂ ઑપરેશન ચાલી રહ્યું છે.

ફાયર વિભાગના કર્મચારીઓ બે દિવસથી બાળકીને શોધી રહ્યા છે.

જે બાળકી પડી ગઈ તેનાં બીજા બે ભાઈ-બહેન પણ અંધ છે, તેમને જરા પણ દેખાતું નથી.

અંધ બાળકી કેવી રીતે ગટરમાં પડી ગઈ?

બાળકીનાં માતા પારૂબહેન
ઇમેજ કૅપ્શન, બાળકીનાં માતા પારૂબહેન

બાળકીનાં માતા પારૂબહેને બીબીસી ગુજરાતી સાથે આ અંગે વાત કરી હતી.

તેઓ કહે છે, "અમે કેનાલે નાહવા ગયા હતા અને પછી નાહી-ધોઈને ઘરે જતા હતા. રિક્ષામાંથી અમે જ્યારે ઊતર્યા ત્યારે એ મારી પાછળ ઊભી હતી. એ પાછળ થોડી ખસી હશે અને પછી પડી. મને ખ્યાલ ન આવ્યો કે ત્યાં ખાડો છે કે ગટર છે."

પારૂબહેન કહે છે, "ત્યાં થોડું ઘાસ હતું. એ મેં હઠાવ્યું ત્યાં એની બે ચીસો સંભળાઈ અને એ કહેતી હતી કે મમ્મી મને પકડ, મને પકડ. મેં ઘાસ હઠાવ્યું પણ એ છોકરી અંદર ચાલી ગઈ. અંદર ઊતરાય એવું હતું નહીં અને એ અમને દેખાઈ પણ નહીં."

તેમનું કહેવું છે કે, "આજે ત્રણ દિવસ થવા આવ્યા અને મારી છોકરી હજી સુધી મળી નથી. અમને કોઈ પાણી પણ પાતું નથી."

રૅસ્ક્યૂ ઑપરેશન કરનારનું શું કહેવું છે?

જમાલપુર ફાયર સ્ટેશનના અધિકારી પ્રિતેશદાન ગઢવીએ આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.

તેઓ કહે છે કે, "આ શનિવારની ઘટના છે અને અમને 112 મારફતે કૉલ મળ્યો હતો. ચાર વાગ્યે ઘટના બની હતી અને અમે અહીં આવ્યા હતા."

"આ ગટર 30-35 ફૂટ ઊંડી છે. અમે અંદર માણસો ઉતાર્યા છે. પણ બાળકી મળી નથી. પછી અમે આ લાઇન જ્યાં-જ્યાં જાય છે એ જગ્યાએ પણ ચૅક કર્યું છે પરંતુ હજુ સુધી બાળકી મળી નથી."

આ કામગીરીમાં છ લોકો અને એક ઑફિસર 24 કલાક કામ કરી રહ્યા છે પરંતુ હજુ સુધી બાળકી મળી નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન