You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ફ્લાયદુબઈના કો-પાઇલટની યોજના વિમાનને ઇઝરાયલના ઍરપૉર્ટ કે ઇમારત સાથે અથડાવવાની હતી - રિપોર્ટ્સ
- લેેખક, ડૅવિડ ગ્રિટન
- પદ, બીબીસી ન્યૂઝ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
અમેરિકા અને ઇઝરાયલના અહેવાલો અનુસાર ફ્લાયદુબઈ વિમાનને હાઇજૅક કરવાનો પ્રયાસ કરવાના આરોપી કો-પાઇલટની અલગ યોજના હતી.
આરોપી કો-પાઇલટે વિમાનને તેલ અવીવના બેન ગુરિયન ઍરપૉર્ટ અથવા શહેરની કોઈ ઊંચી ઇમારત સાથે અથડાવવાની યોજના બનાવી હતી એવો આ રિપોર્ટ્સમાં દાવો કરાયો છે.
આ અહેવાલો અનુસાર ઓમાનના આ આરોપીનો કોઈ સંગઠન સાથે સંબંધ સ્થાપિત થયો નથી અને તે આ કામને એકલો અંજામ આપવાનો ઇરાદો રાખતો હતો.
સંયુક્ત આરબ અમીરાતના ઍટોર્ની જનરલે જણાવ્યું છે કે ગત બુધવારે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઇટ FZ1073માં કો-પાઇલટે 'આતંકી હુમલો' કરવાનો પ્રયાસ કર્યો હતો.
તેણે કૉકપિટમાં રાખેલી ઇમરજન્સી ક્રૅશ ઍક્સ (કુહાડી)થી કૅપ્ટન મચ્છર પર હુમલો કર્યો હતો અને તેમને ઘાયલ કરી દીધા હતા.
પાઇલટ કૉકપિટનો દરવાજો ખોલવામાં સફળ થયા પછી મુસાફરોએ કો-પાઇલટ પર કાબૂ મેળવ્યો. વિમાનમાં સવાર અન્ય ક્રૂ મૅમ્બર્સે વિમાનને સાઉદી અરેબિયામાં લૅન્ડ કર્યું હતું.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો હતો કે કો-પાઇલટનું ઇસ્લામિક ઉગ્રવાદી વિચારોમાં બ્રેઇનવૉશ થયું હતું.
તેમણે કહ્યું હતું કે કૅપ્ટન, મુસાફરો અને અન્ય ક્રૂ મૅમ્બર્સે 9/11 જેવી તબાહી ટાળી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કો-પાઇલટ વિશે બીજી કઈ માહિતી મળી?
ફ્લાયદુબઈ ફ્લાઇટના કો-પાઇલટ વિશે વધુ માહિતી બહાર આવી છે. ઘણા અહેવાલોમાં તેની ઓળખ હમામ અલ-હમામી તરીકે થઈ છે. યુએઈમાં તેની પૂછપરછ કરાઈ રહી છે અને ઇઝરાયલી અધિકારીઓને તપાસ અંગે માહિતી આપવામાં આવી રહી છે.
ઇઝરાયલી મીડિયાએ આ તપાસથી પરિચિત સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કર્યા પછી કો-પાઇલટની યોજના બધું સામાન્ય હોવાનો ડોળ કરવાની અને વિમાનને ઇઝરાયલી હવાઈ ક્ષેત્રમાં લઈ જવાની હતી.
અહેવાલો અનુસાર, કો-પાઇલટની યોજના બૅન ગુરિયન ઍરપૉર્ટ પર વિમાનને લૅન્ડ કરવાની પરવાનગી મેળવવાની અને પછી તેના ઇરાદાઓને પૂર્ણ કરવાની હતી.
અહેવાલો અનુસાર, તેણે 180થી વધુ મુસાફરોને લઈ જનારા બૉઇંગ 737 મૅક્સ વિમાનને ઍરપૉર્ટ અથવા સેન્ટ્રલ તેલ અવીવમાં કોઈ ઊંચી ઇમારત સાથે ટકરાવી દેવાની યોજના બનાવી હતી.
તેની યોજના 11 સપ્ટેમ્બર, 2001ના રોજ યુનાઇટેડ સ્ટેટ્સમાં થયેલા અલ-કાયદાના હુમલા જેવી જ હોવાનું કહેવાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેણે એકલા જ આ પ્લાન ઘડ્યો હોવાની શક્યતા છે. તેઓ કોઈ ઉગ્રવાદી સંગઠન કે વિદેશી સરકાર માટે કામ કરતા હોવાના હજુ સુધી કોઈ પુરાવા નથી.
અહેવાલો અનુસાર, કો-પાઇલટે તપાસકારોને એમ પણ કહ્યું હતું કે તેણે અગાઉ તેલ અવીવ જતી ફ્લાઇટને હાઇજૅક અને ક્રૅશ કરવાની યોજના બનાવી હતી, પરંતુ બાદમાં તેણે આ યોજના છોડી દીધી, કારણ કે વિમાનમાં બેસેલી એક વ્યક્તિ તેની પરિચિત હતી.
યુએઈ કે ઇઝરાયલી અધિકારીઓ તરફથી આ મામલે અત્યારે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
યુએઈના ઍટોર્ની જનરલ હમાદ અલ-શમસીએ શનિવારે જણાવ્યું હતું કે તપાસમાં ઘટનાની સંપૂર્ણ વિગતો, હેતુ અને સંડોવાયેલાં કોઈ પણ કનેક્શન્સ જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ થયા પછી તારણો જાહેર કરવામાં આવશે.
સુરક્ષા ખામીઓ અંગે પ્રશ્નો
આ ઘટનાએ સુરક્ષામાં મોટી ખામીઓ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે, જેમાં ફ્લાયદુબઈએ કો-પાઇલટને કેવી રીતે નોકરી પર રાખ્યો અને ઇઝરાયલી મુસાફરોથી ભરેલા વિમાનને તેલ અવીવ લઈ જવાની તેને પરવાનગી કેવી રીતે મેળવી તે સહિતનો સમાવેશ થાય છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓમાનની સરકારી ઍરલાઇન, ઓમાન ઍરે કો-પાઇલટને ઉડાણ ભરવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
તેના ઉગ્રવાદી વિચારો અંગે ચિંતાઓ ઊભી થઈ એ પછી તેને ફ્લાઇટની જગ્યાએ ઍડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલી નોકરી આપવામાં આવી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, એ પછી યુએઈની ફ્લાયદુબઈ કંપનીએ તેને નોકરી આપી દીધી. કંપનીની સામાન્ય સુરક્ષા તપાસમાં તેમના ઉગ્રવાદ સાથે જોડાયેલા હોવાના કોઈ સંકેતની તપાસ નહોતી કરવામાં આવી.
ઇઝરાયલી ઉડ્ડયન નિયમો અનુસાર, ઓમાન સહિત જે દેશોના ઇઝરાયલ સાથે ઔપચારિક રાજદ્વારી સંબંધો નથી, તેના પાઇલટ્સ ઇઝરાયલ માટે ફ્લાઇટ્સ ચલાવી શકતા નથી.
પ્રાદેશિક અધિકારીઓએ રવિવારે ઍસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે ફ્લાઇટ FZ1073 ઉડાણ ભરે તે પહેલાં યુએઈના અધિકારીઓએ ઇઝરાયલને મુસાફરો અને ક્રૂની યાદી પૂરી પાડી હતી.
ઇઝરાયલની સ્થાનિક સુરક્ષા એજન્સી શિન બેટે જણાવ્યું હતું કે વિદેશી ઍરલાઇન્સની આવી યાદીઓ તપાસવા માટે પરિવહન મંત્રાલય જવાબદાર છે.
પરંતુ પરિવહનમંત્રી મીરી રેગેવે જણાવ્યું હતું કે તેમના મંત્રાલયને મુસાફરો અને ક્રૂની યાદી આપવામાં આવી નથી. તેમણે ઉમેર્યું હતું કે વિદેશી ઍરલાઇન ફ્લાઇટ્સની સુરક્ષા શિન બેટ અને વિદેશમાં કાર્યરત્ ગુપ્તચર એજન્સી મોસાદ પર નિર્ભર છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના વડાને ઇઝરાયલમાં આવનારી વિદેશી નાગરિક ફ્લાઇટ્સનાં 'તમામ સુરક્ષા પાસાં'ની સમીક્ષા કરવા જણાવ્યું છે.
ઑસ્ટ્રેલિયન સત્તાવાળાઓ કો-પાઇલટના ઑસ્ટ્રેલિયા સાથેના સંબંધોની પણ તપાસ કરી રહ્યા છે. સૂત્રોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું છે કે તેણે 2015થી 2017ની વચ્ચે ત્યાં અભ્યાસ કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન