ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, કઈ તારીખથી કયા જિલ્લામાં નવો રાઉન્ડ શરૂ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતા છે અને આગામી દિવસોમાં કેટલાક જિલ્લાના વધારે વિસ્તારોમાં વરસાદ જોવા મળે એવી શક્યતા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ બાદ રાજ્યમાં ફરીથી વરસાદમાં થોડો વધારો થશે અને કેટલાક જિલ્લાઓમાં બંધ થઈ ગયેલો વરસાદ ફરીથી શરૂ થવાની શક્યતા છે.
જુલાઈ મહિના દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી જ્યારે કેટલાક જિલ્લાઓમાં હજી પણ પૂરતો વરસાદ પડ્યો નથી.
હાલ ઉત્તર ભારત અને પૂર્વોત્તર ભારતમાં સારો વરસાદ પડી રહ્યો છે અને ઉત્તર પ્રદેશની આસપાસ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે. આ સિસ્ટમ આગળ વધીને રાજસ્થાન પર આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં 1 જૂનથી 6 ઑગસ્ટ સુધીમાં સામાન્ય કરતાં 13 ટકા વધારે વરસાદ થયો છે. રાજ્યમાં સરેરાશ વધારે વરસાદ થયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પૂરતો વરસાદ થયો નથી.
ગુજરાતમાં કઈ તારીખથી વરસાદનું જોર વધશે?

ઇમેજ સ્રોત, imd
ગુજરાતમાં 8 ઑગસ્ટના રોજથી ફરીથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. જે બાદ ત્રણેક દિવસ સુધી વધારે વિસ્તારોમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા છે.
8 ઑગસ્ટથી 10 ઑગસ્ટ સુધી વરસાદમાં વધારો નોંધાશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા નથી. માત્ર હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદનો થવાની શક્યતા છે.
વરસાદનો વધવાનો અર્થ એ છે કે વધારે વિસ્તારોમાં વરસાદ પડશે, પરંતુ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા નથી. હાલ રાજ્ય પર કોઈ મોટી સિસ્ટમ આવે તેવી સંભાવના નથી એટલે સાર્વત્રિક વરસાદની સંભાવના પણ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ખાસ કરીને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હાલ જે વરસાદની સ્થિતિ છે તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.
ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસામાં વધારે વરસાદ બંગાળની ખાડી કે મધ્ય ભારત પરની મોટી સિસ્ટમો રાજ્યની પાસેથી કે ઉપરથી પસાર થાય ત્યારે પડે છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 15 ઑગસ્ટ સુધી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય અને સાર્વત્રિક વરસાદ પડે તથા ભારેથી અતિભારે વરસાદ આવે તેવી શક્યતા નથી.
ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ વધી શકે છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે 8થી 10 ઑગસ્ટ દરમિયાન વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર જિલ્લાના ઘણાં સ્થળોએ હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા જિલ્લામાં હાલ છૂટોછવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે આ જિલ્લાઓમાં પણ 8થી 10 ઑગસ્ટ દરમિયાન ઘણાં સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ ઉપરાંત આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં પણ વરસાદ થોડો વધે તેવી સંભાવના છે.
અહીં ઉપરોક્ત ત્રણ દિવસોમાં કેટલાંક સ્થળોએ હળવોથી મધ્ય પ્રકારનો વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં આ દિવસોમાં વરસાદમાં કોઈ વધારો થવાની શક્યતા નથી.
એટલે કે અહીં વાદળો દેખાઈ શકે છે અને છૂટોછવાયો વરસાદ કોઈ સ્થળોએ થઈ શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 જૂનથી 6 ઑગસ્ટ સુધીમાં સામાન્ય કરતાં 13 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે. જેમાં કચ્છ જિલ્લામાં 41 ટકા, દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે 84 ટકા, પોરબંદર જિલ્લામાં 66 ટકા તથા જામનગર જિલ્લામાં 46 ટકા જેટલી વરસાદની ઘટ છે.
ગુજરાતમાં 6 ઑગસ્ટની સ્થિતિ પ્રમાણે 13 જિલ્લામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની ઘટ વધારે છે.
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?
ગુજરાતમાં આગામી 10 દિવસો સુધી વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના દેખાતી નથી.
હવામાનનાં વિવિધ મૉડલો બંગાળની ખાડી કે બીજા વિસ્તારોમાં આગામી 10 દિવસ સુધીમાં કોઈ મોટી સિસ્ટમ બને તેવી શક્યતા દર્શાવતાં નથી.
15 ઑગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે, પરંતુ તે છૂટોછવાયો હશે અને વધારે વરસાદ પડે તેવી શક્યતા નથી.
સામાન્ય રીતે ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં ચોમાસાનો સૌથી વધારે વરસાદ પડતો હોય છે.
જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે અને વાવણી હજી થઈ શકી નથી એવા વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો માટે કપરી સ્થિતિ થવાની શક્યતા છે.
હાલની સ્થિતિ પ્રમામે ઉત્તર ભારત, મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થશે અને મૉન્સૂન ટ્રફ આગામી દિવસોમાં હિમાલયની તળેટીના વિસ્તારોમાં પહોંચતા રાજ્યમાં નવો વરસાદની રાઉન્ડ આવે તેવી સંભાવના ઓછી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























