ભૂકંપ વધુને વધુ ઘાતક કેમ બની રહ્યા છે, પાણી સાથે ધરતીકંપને શું સંબંધ છે?

    • લેેખક, લુઈ બારુચો
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

બુધવારે વેનેઝુએલામાં એક જ મિનિટના અંતરે 7.2 અને 7.5ની તીવ્રતાના બે ઘાતક ધરતીકંપના આંચકા આવતાં ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ અને લોકો ફફડી ગયા હતા.

યુએસ જિયોલૉજિકલ સર્વે (યુએસજીએસ)ના જણાવ્યા પ્રમાણે, બીજો ભૂકંપ 1900 પછી દેશમાં આવેલો સૌથી પ્રચંડ ભૂકંપ હતો અને તેમાં હજ્જારો લોકો માર્યા ગયા હોઈ શકે છે.

ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં આવતા ધરતીકંપો વારંવાર એ જ સવાલ ઉઠાવે છેઃ શું ધરતીકંપનું પ્રમાણ વધી ગયું છે, શું ધરતીકંપો વધુ વિનાશક બની ગયા છે અને શું તે માટે ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે?

બ્રિટિશ જિયોલૉજિકલ સર્વેના સિસ્મોલૉજિસ્ટ ડૉક્ટર રિચર્ડ લકેટ બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસને જણાવે છે તેમ, વેનેઝુએલામાં ઘણા ધરતીકંપ આવતા રહે છે, પણ બુધવારે આવ્યો એવા પ્રચંડ ભૂકંપો ભાગ્યે જ આવતા હોય છે.

છેલ્લાં 100 વર્ષોમાં છ કે તેથી વધુ તીવ્રતાના ફક્ત સાત ભૂકંપ જ નોંધાયા છે, જેમાં 1967માં આવેલા 6.6ની તીવ્રતાના ધરતીકંપનો સમાવેશ થાય છે, જેના લીધે કારકાસમાં જાનહાનિ થઈ હતી.

"અત્યંત ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અમુક અંશે ઘાતક નીવડતો હોય છે."

અને બુધવારનો ભૂકંપ પૃથ્વીની સપાટીની નજીક જ ઉદ્ભવ્યો હોવાથી ધરતી વધુ ધ્રુજી હતી.

સ્વિસ સિસ્મોલૉજી સર્વિસનાં ડૉક્ટર વેરેના સિમોન બીબીસી ન્યૂઝના "ધ ક્લાઇમેટ ક્વેશ્ચન" કાર્યક્રમમાં જણાવે છે કે, જ્યારે પૃથ્વીના પોપડામાં એકઠું થયેલું દબાણ અચાનક મુક્ત થાય, તે સમયે ધરતીકંપ આવે છે.

સામાન્યપણે જ્યાં ટૅક્ટૉનિક પ્લેટો મળતી હોય, એ જગ્યામાં રહેતી તિરાડો કે નબળા પ્રદેશો ફૉલ્ટ તરીકે ઓળખાય છે. આ ફૉલ્ટ ખડકોના આ ભાગોને ખસવામાં મદદ કરે છે.

સિમોન "ક્લાઇમેટ ક્વેશ્ચન"માં જણાવે છે, "જ્યારે આ પ્લેટો ખસે અને એકબીજા સામે દબાણ સર્જે, ત્યારે ઘર્ષણ સર્જાઈ શકે છે... અને પછી તે એકાએક સરકી જાય છે."

"પ્લેટોનું આ અચાનક સરકવું એટલે ધરતીકંપ."

ટૅક્ટૉનિક પ્લેટો ખસવાની પ્રક્રિયા ભૌગોલિક સમયકાળના આધારે થતી હોય છે, તેમાં હજ્જારો કે લાખો વર્ષો લાગતાં હોય છે. આથી, ભૂકંપોનો એકંદર દર અને તીવ્રતા મોટાભાગે સ્થિર જણાય છે.

સિમોન કાર્યક્રમમાં જણાવે છે કે, પરંતુ "ઘણા ફૉલ્ટ્સ વાસ્તવમાં તૂટી પડવાની ગંભીર સ્થિતિની અત્યંત નજીક હોવાથી પરિસ્થિતિમાં નાનો અમથો ફેરફાર પણ તેમને સરકાવવા માટે પૂરતો હોઈ શકે છે."

અને વિજ્ઞાનીઓ હવે ક્લાઇમેટ ચેન્જ આ પરિસ્થિતિને પ્રભાવિત કરી રહ્યું છે કે કેમ, તેના પર વધુને વધુ સંશોધન કરી રહ્યા છે.

પાણી સાથે ધરતીકંપની તીવ્રતાને કોઈ સંબંધ છે ખરો?

અમેરિકાની કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના ઍસોસિએટ પ્રોફેસર શૉન ગૅલન બીબીસીને જણાવે છે, "જો ફૉલ્ટ્સ તૂટી પડવાની સ્થિતિમાં હોય, તો ક્લાઇમેટ ચેન્જ એ નક્કી કરવામાં ભાગ ભજવશે કે, ધરતીકંપ ક્યારે આવશે."

તેની એક સૌથી સુસ્પષ્ટ કડી પાણી સાથે જોડાયેલી છે.

આલ્પ્સમાં તાપમાન વધવાને કારણે ગ્લેશિયર્સ (હિમનદી)ને ઘણું નુકસાન પહોંચ્યું છે.

સિમોન નોંધે છે કે, "આપણે 2000થી લઈને અત્યાર સુધીમાં સ્વિસ ગ્લેશિયર્સનો લગભગ 40 ટકા જેટલો હિસ્સો ગુમાવી ચૂક્યા છીએ." જ્યારે અન્ય ગ્લેશિયર્સમાં પણ ફેરફારો થયા છે.

અને મોન્ટ બ્લાન્ક (મોં બ્લાં - પર્વત) પ્રદેશમાં તેમણે કરેલા સંશોધનમાં એક મહત્ત્વનો ફેરફાર જોવા મળ્યો હતો.

સિમોને ધ ક્લાઇમેટ ક્વેશ્ચનમાં જણાવ્યું હતું કે, "2015 પહેલાં અમે નવ વર્ષમાં બસ્સો-ત્રણસો જેટલા ભૂકંપ જ નોંધ્યા હતા. પરંતુ, 2015 પછી ભૂકંપની ગતિવિધિમાં તીવ્ર વધારો થયો છે."

આ સંબંધ ખડકોની તિરાડોમાં ઊતરતા બરફના ઓગળી ગયેલા પાણીને કારણે સર્જાય છે, જે ફૉલ્ટ્સ પરનું ઘર્ષણ ઘટાડી શકે છે, જેના કારણે ટૅક્ટૉનિક પ્લેટો માટે ખસવું સહેલું બને છે.

સિમોન કાર્યક્રમમાં કહે છે, "જ્યારે દબાણયુક્ત પાણી તેમની વચ્ચે જાય છે, ત્યારે તે પ્લેટો પ્રમાણમાં સહેલાઈથી સરકી જાય છે અને તે પછી ધરતીકંપ આવી શકે છે."

સદ્ભાગ્યે, અત્યાર સુધી આ ભૂકંપો નાના સ્તરના રહ્યા છે.

સિમોન જણાવે છે કે, "અમે નોંધેલો સૌથી મોટો ધરતીકંપ 3.1ની તીવ્રતાનો હતો. તે બિલકુલ હાનિકારક નહોતો."

આ દરમિયાન, ઓગળી રહેલાં ગ્લેશિયરો પૃથ્વીના પોપડા પર પડતું વજન પણ ઘટાડે છે, જેના કારણે તે ઓછો બરડ (બટકણો) થઈ જાય છે.

ગૅલને કાર્યક્રમમાં જણાવ્યા પ્રમાણે, "તે ઉપર આવેલા ફૉલ્ટ પરના વજનમાં બદલાવ લાવે છે."

એ જ રીતે, પાણીમાં થતા ફેરફારો (ભારે વરસાદથી લઈને દુકાળ) દબાણની પુનઃ વહેંચણી કરી શકે છે.

અભ્યાસો અમુક પ્રદેશોમાં વિશાળ તળાવોના બાષ્પીભવનને ભૂકંપની ગતિવિધિ સાથે સાંકળે છે.

યુએસજીએસના ડૅવિડ આર શેલી બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસને જણાવે છે તેમ, "કેટલાક અભ્યાસો દર્શાવે છે કે, ક્લાઇમેટ ચેન્જ ખાસ કરીને હાઇડ્રોલૉજિક સાઇકલ (જળચક્ર) માંં ફેરફાર કરે છે અને તેની અસર ભૂકંપના સમય પર પડી શકે છે. પરંતુ, સામાન્યપણે આ અસરો ભૂકંપના એકંદર દરને વધારતી નથી."

"એકંદર દર હજુયે પ્લેટ ટૅક્ટૉનિક્સ (પૃથ્વીના ઉપલા પડની મહાકાય પ્લેટોની ગતિવિધિની પ્રક્રિયા) દ્વારા નિયંત્રિત છે, જે ક્લાઇમેટ ચેન્જથી સ્વતંત્ર રીતે કાર્યરત હોય છે."

ક્લાઇમેટ ચેન્જને પગલે પાણીના જથ્થામાં થતા ફેરફારોની અસરમાં પણ સ્થળના આધારે વ્યાપક ભિન્નતા પ્રવર્તે છે.

ગૅલન ક્લાઇમેટ ક્વેશ્ચનમાં જણાવે છે, "કેટલાક વિસ્તારો એવા હશે, જ્યાં આ પરિવર્તનોને કારણે... ફૉલ્ટ્સમાં ભૂકંપ આવવાની શક્યતા ઘટી જશે. જ્યારે અન્ય પ્રદેશોમાં તેની વિરોધી અસર વર્તાઈ શકે છે."

અને એક તરફ, જ્યાં પુરાવા સૂચવે છે કે, ગ્લોબલ વૉર્મિંગને લીધે ધરતીકંપના સમય અને આવર્તન (ફ્રિક્વન્સી)માં ફેરફાર થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ, "આપણે ક્લાઇમેટ ચેન્જને કારણે ધરતીકંપની પ્રવૃત્તિમાં વૈશ્વિક સ્તરે વધારો થવાની શક્યતા જોઈ રહ્યા નથી."

વસ્તી વધારો અને ભૂકંપને શું સંબંધ છે?

સિમોન પણ તેમની સાથે સંમત થતાં આલ્પ્સ સાથે સંકળાયેલાં જોખમોની બાબતમાં કહે છે, "હાલના તબક્કે તો, ડરવા જેવું નથી."

"ધરતીકંપનો આંચકો જેટલો નાનો, કેટલાક મોટા ભૂકંપો આવવાની શક્યતા પણ એટલી જ વધી શકે છે, પરંતુ તેમાં હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે."

જોકે, શેલી બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસને કહે છે, "ભૂકંપ વારંવાર નથી આવી રહ્યા - પરંતુ, જેમ-જેમ દુનિયાની વસ્તી વધી રહી છે, તેમ-તેમ વધુને વધુ લોકો તથા માળખાકીય સુવિધાઓ સામે સંભવિત ભૂકંપોનું જોખમ તોળાઈ રહ્યું છે.

"ઍન્જિનિયરિંગનાં સુધરેલાં ધોરણો આ જોખમો સામે આંશિક રીતે ઝીંક ઝીલી શકે છે, પણ આ ધોરણોમાં વૈશ્વિક સ્તરે ભિન્નતા જોવા મળે છે."

"જોકે, જો સમુદાયો અગાઉથી જ ક્લાઇમેટ ચેન્જની અસરો (જેમકે, પૂર કે દુકાળ)નો સામનો કરી રહ્યા હોય, તો એવી સ્થિતિમાં તે વસ્તી પર ભૂકંપોની અસરો વધુ ગંભીર બની શકે છે."

એટલું જ નહીં, ભૂકંપનાં આવર્તનો (ફ્રિક્વન્સી) કે તીવ્રતા વધ્યા વિના પણ ક્લાઇમેટ ચેન્જ જોખમ ધરાવતા વિસ્તારોને સંકટમાં મૂકી શકે છે અને ભૂસ્ખલન જેવી હોનારતો સર્જી શકે છે, એવો વિજ્ઞાનીઓનો મત છે.

લકેટ બીબીસી ન્યૂઝ વર્લ્ડ સર્વિસને જણાવે છે, "ભૂકંપની તીવ્રતા (સાઇઝ) તથા આવર્તનો વૈશ્વિક સ્તરે વધી રહ્યાં નથી, પણ જે રીતે વધુને વધુ લોકો ભૂકંપનું જોખમ ધરાવનારા પ્રદેશોમાં (મોટાભાગે ગીચ વસ્તી ધરાવતાં શહેરો અને નગરોમાં) વસવાટ કરી રહ્યા છે, એ જોતાં ભૂકંપો વધુ વિનાશક બની રહ્યા છે."

આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ ભૂકંપનું જોખમ ધરાવનારા વિસ્તારોની સંવેદનશીલતા વધારી શકે છે અને ભૂસ્ખલન જેવી ગૌણ હોનારતોને વેગ આપી શકે છે.

ગૅલન એ વાત સાથે સંમત થાય છે કે, આ ગૌણ આપત્તિઓ નોંધપાત્ર હોઈ શકે છે.

તેઓ ક્લાઇમેટ ક્વેશ્ચનમાં જણાવે છે, "એક પ્રેરક ઘટનાને લીધે વિનાશક ભૂસ્ખલન અને અન્ય અસરો ઉદ્ભવી શકે છે."

"આપણે ભૂકંપ અને ક્લાઇમેટ ચેન્જ વચ્ચેનો આ સંબંધ સમજવા લાગ્યા છીએ." એમ જણાવતાં તેઓ પૃથ્વીને એક એવી "પરસ્પર જોડાયેલી વ્યવસ્થા" તરીકે વર્ણવે છે, જ્યાં સપાટીના ફેરફારો અને ઊંડી પ્રક્રિયાઓ એકમેક સાથે પ્રતિક્રિયા કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન