"કામ કરું છું એમાં ધ્યાન પરોવાતું નથી..." – પિત્ઝા, વેફર્સ જેવા ખોરાકથી શું એકાગ્રતા ઘટે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લૉરેન પોટ્સ
- પદ, બીબીસી ફૂડ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
શું તમને એકાગ્રતા રાખવામાં મુશ્કેલી પડે છે? આવું થાય ત્યારે ઊંઘ, પાણી પીવું અને અન્ય શારીરિક પ્રવૃત્તિઓ પર આપણું ધ્યાન જાય છે પરંતુ સંશોધકોનું કહેવું છે કે આ સમસ્યા પાછળ આપણો ખોરાક પણ જવાબદાર હોઈ શકે છે.
વધુ પ્રમાણમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી હૃદયરોગ અને ટાઇપ-2 ડાયાબિટીસ જેવી બીમારીઓનું જોખમ વધી શકે છે એ તો તમે જાણતા હશો.
પરંતુ સંશોધકો કહે છે કે તેનાથી મગજની કાર્યશૈલી અને તેના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.
શું આવો ખોરાક ખાવાથી એકાગ્રતા ઘટે?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરમાં થયેલું સંશોધન કંઈક આ તરફ જ ઇશારો કરે છે.
2026માં 2100થી વધુ પુખ્તવયના લોકો પર થયેલા એક સંશોધનમાં એ વાત સામે આવી છે કે જે લોકો વધુ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાય છે એ લોકો એકાગ્રતા અને પ્રોસેસિંગ સ્પીડ માપતા ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શકતા નથી.
આ સંશોધનનાં મુખ્ય લેખિકા અને મોનાશ યુનિવર્સિટીનાં ડૉ. બાર્બરા કારદોસો કહે છે કે, "અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવામાં દર 10 ટકાના વધારાએ અમે લોકોની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં મોટો ઘટાડો જોયો છે."
આ 10 ટકાનો વધારો એટલે કે તમારા રોજિંદા ડાયટમાં એક વેફરનું પૅકેટ ઉમેરવું.
જોકે, આ ક્ષેત્રમાં થતાં બીજાં સંશોધનોની જેમ જ આ ઑબ્ઝર્વેશનલ સ્ટડી છે, જેનાથી સંશોધકો માત્ર એક લિંક જોડી શક્યા છે. કારદોસો અને તેમની ટીમ કહે છે કે તેનાથી તેનાં કારણો અને અસરો પર વધુ પ્રકાશ પડતો નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તારણો પરથી અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ એ મગજના સ્વાસ્થ્ય પર શું અસરો કરે છે એ સાબિત કરી શકાતું નથી પરંતુ તેનાથી વધુ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ ખાવું અને ખરાબ એકાગ્રતાશક્તિ વચ્ચે લિંક મળે છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને મગજ સહિત અન્ય કઈ બીમારીઓ સાથે જોડવામાં આવી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
મગજમાં થતા અન્ય ફેરફારો સાથે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને જોડતાં સંશોધનો પણ વધી રહ્યાં છે.
એક સમીક્ષામાં સૂચવાયું હતું કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના અતિશય સેવનને ડિપ્રેશન સાથે પણ સંબંધ છે. બીજા સંશોધનમાં અલ્ઝાઇમરનું જોખમ વધુ હોવાનું કહેવાયું છે. જ્યારે અન્ય લોકોએ આ પ્રકારના ખોરાકને ડિમેન્શિયા સાથે પણ જોડ્યો છે.
હૅલસિંકી યુનિવર્સિટીએ પણ 33650 લોકો પર એક સંશોધન કર્યું હતું. તેમાં પણ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના ઊંચા દર અને મગજની રિવૉર્ડ સિસ્ટમના મુખ્ય ભાગ એવા ન્યુક્લિયસ ઍકમ્બન્સમાં માળખાગત ફેરફારો વચ્ચે સંબંધ જોવા મળ્યો હતો.
આ સંશોધનના લેખક અને ડૉક્ટરલ રિસર્ચર આર્સેને કાન્યામિબ્વા સમજાવે છે કે, "મગજના આ ભાગ આપણે ખોરાક કઈ રીતે લઈએ છીએ, તેની સાથે સંપૂર્ણપણે સંકળાયેલા છે. ભૂખથી લઈને સંતોષ અને આનંદ સુધી આ બધું જોડાયેલું છે."
"આથી અમારું તારણ એ હતું કે આ દુષ્ચક્ર ગંભીર છે અને આપણે જાણતા નથી કે પહેલાં તેમાં શું આવે છે. પણ એવું લાગે છે કે જેમ અલ્ટ્રા- પ્રોસેસ્ડ ફૂડ વધુ ખવાય એમ તમને એ વધુને વધુ ખાવાની ઇચ્છા થાય છે."
શું અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડનું વળગણ થઈ જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
કાન્યામિબ્વા કહે છે કે, એવા કોઈ નક્કર પુરાવા નથી કે ફક્ત અલ્ટ્રા પ્રોસેસિંગ ફૂડ આપણને તેની વધુને વધુ ઇચ્છા કરાવે છે.
જોકે, એ વિશે પૂરતાં સંશોધનો છે કે ખાંડ અને ફેટવાળા, મીઠાવાળા ખોરાકો જેમ કે પિત્ઝા, ડૉનટ્સ વગેરે એ આપણા મગજમાં કેટલાક ડ્રગ્સની જેમ રિવૉર્ડ પાથવેને ઍક્ટિવેટ કરે છે.
પરંતુ ફૂડ અને ડ્રગ્સ એ એકસમાન નથી. તેઓ કહે છે કે "અતિશય ઇચ્છા થવી અને ઍડિક્શન થઈ જવું તેમાં ફર્ક છે."
કાન્યામિબ્વાનું કહેવું છે કે ખોરાકનું વ્યસન થઈ જવું એ કૉન્સેપ્ટની વૈજ્ઞાનિક સમુદાયમાં ઘણી ચર્ચા છે.
ખોરાકની વધુ પડતી ઇચ્છા થવી એ આંશિક રીતે આ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડની બનાવટને કારણે થઈ શકે છે.
આ પ્રકારનો ખોરાક એ સામાન્ય રીતે ખૂબ સ્વાદિષ્ટ હોય છે અને સરળતાથી ખાઈ શકાય તેવો હોય છે.
તેના કારણે પાચન પણ ઝડપી બને છે અને મગજની રિવૉર્ડ સિસ્ટમ પર પણ અસર પડે છે.
"એવું શક્ય છે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડના સતત સંપર્કમાં રહેવાથી મગજ પર એવી અસર થાય છે કે આ પ્રકારના ખોરાકની આદત વધુ પડે છે."
શું આપણે ધ્યાન રાખવાની જરૂર છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સંશોધકોનું કહેવું છે કે થોડું ધ્યાન રાખવાની જરૂર છે, પરંતુ ગભરાવાની જરૂર નથી.
આ ક્ષેત્રમાં સંશોધન હજુ શરૂઆતના તબક્કામાં છે અને પ્રાણીઓ કરતાં મનુષ્યો પર વધુ અભ્યાસ થાય એ જરૂરી છે એવું કાન્યામિબ્વા કહે છે.
આમાં એક વ્યાવહારિક તત્ત્વ પણ છે. 2026ના વિશ્વમાં સંપૂર્ણપણે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડને દૂર કરવું એ અવાસ્તવિક છે અને ઘણા લોકો માટે એ સસ્તો અને અનુકૂળ ખોરાક છે.
યુનાઇડેટ કિંગ્ડમના લોકો જે કૅલરી લે છે તેમાંથી અડધી કૅલરી અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડમાંથી આવે છે.
વધુમાં બધા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ એકસરખી રીતે બનતાં નથી. બેકડ બીન્સ એ ફાઇબરનો સારો સ્ત્રોત છે.
કાન્યામિબ્વા એ એવાં ભવિષ્ય સામે જોઈ રહ્યાં છે જ્યાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ અને મગજના સ્વાસ્થ્યનો સંબંધ વધુ સારી રીતે સ્પષ્ટ થઈ શકે.
એ વૈજ્ઞાનિકો પર છે કે આના પર તેઓ વધુ સારી રીતે કોઈ અભ્યાસ કરે અને તેમાં જે અનિશ્ચિતતા છે તેને ઓછી કરવાની કોશિશ કરે.
એવું નીતિનિર્માણ પણ જરૂરી છે કે જ્યાં વધુ સ્વાસ્થ્યપ્રદ ખોરાકની પસંદગી સસ્તી પડે અને તેના સુધી વધુ લોકોની પહોંચ હોય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






























