આજથી ગાજવીજ સાથે ગુજરાતમાં પડશે વરસાદ, કયા જિલ્લામાં તોફાન સાથે પડશે વરસાદ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં એકંદરે તીવ્ર તડકો અને ભીષણ ગરમીનું જોર યથાવત્ હોય એવું અનુભવાઈ રહ્યું છે, ત્યારે હવે લોકો મે મહિનાની ભીષણ ગરમી વેઠ્યા બાદ આગામી ટૂંક સમયમાં ચોમાસાની રાહતની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

આ દરમિયાન ચોમાસાએ ભારતનું મુખ્ય ભૂમિ તરફ પોતાની આગેકૂચ ચાલુ રાખી છે.

ભારતના હવામાન વિભાગે જાહેર કરેલા લેટેસ્ટ બુલેટિન પ્રમાણે ચોમાસું અરબી સમુદ્રમાં આગામી બે-ત્રણ દિવસ સુધી આગળ વધે એવી સાનુકૂળ સ્થિતિઓ જળવાયેલી છે.

28 મેની સ્થિતિ પ્રમાણે, ચોમાસું 1 જૂનની આસપાસ અથવા તે બાદ કેરળ પર પહોંચે તેવી શક્યતા છે. ત્યાર બાદ જો સ્થિતિ સારી રહી તો ચોમાસું જલદી પ્રગતિ કરશે. જો હવામાનનાં પરિબળો અનુકૂળ નહીં હોય તો ગુજરાત સુધી પહોંચવામાં સમય લાગે તેવી શક્યતા છે.

બીજી તરફ, સ્કાયમેટના જી. પી. શર્માના જણાવ્યા પ્રમાણે ચોમાસાની પ્રગતિ હાલ ધીમી પડી ગઈ છે. આ ઉપરાંત તેની શરૂઆત પણ હજી થોડી મોડી થાય તેવી શક્યતા છે.

ઉપરાંત, 29 મેના રોજ હવામાન વિભાગે ચોમાસાના ચાર માસ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાનું પૂર્વાનુમાન જાહેર કર્યું હતું.

ચોમાસાની આગળ વધવાની ગતિ નબળી પડી?

હવામાન વિભાગે ગુજરાત માટે 29 મેના રોજ બપોરે 12 વાગ્યે જાહેર કરેલા બુલેટિન પ્રમાણે, આગામી બે-ત્રણ દિવસ સુધી દક્ષિણપશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વ, લક્ષદ્વીપ વિસ્તાર, દક્ષિણપશ્ચિમ, મધ્યપૂર્વ અને પશ્ચિમમધ્ય બંગાળની ખાડી, દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના અન્ય વિસ્તારો અને ઉત્તરપૂર્વ બંગાળની ખાડીના અમુક ભાગોમાં આગળ વધે તે માટેની સાનુકૂળ પરિસ્થિતિઓ છે.

મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારો પર સમુદ્રની સપાટીથી 1.5 કિમી ઉપર અપર ઍર સાયક્લૉનિક સર્કુલેશન જળવાયેલું છે.

મધ્ય પાકિસ્તાન પરના સાયક્લૉનિક સર્કુલેશનથી પશ્ચિમ રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કચ્છની સમાંતરે આવેલા પૂર્વ અરબી સમુદ્ર પર સમુદ્રની સપાટીથી 0.9 કિમી ઉપર ટ્રફ જળવાયેલું છે.

પ્રદેશના નીચલા વિસ્તારોમાં દક્ષિણપશ્ચિમી અને પશ્ચિમી હવાઓનું જોર યથાવત્ છે.

ગુજરાતમાં ક્યાં પડી શકે છે ભારે વરસાદ?

હવામાન વિભાગના બુલેટિન મુજબ આગાહીના પ્રથમ દિવસ એટલે કે અત્યારથી 30 મેના રોજ સવારના સાડા આઠ વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની પ્રબળ સંભાવના છે.

એ બાદ 30 મેના રોજ, સાડા આઠ વાગ્યા બાદથી, હવામાન વિભાગની આગાહી મુજબ કેટલાક જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ ગાજવીજ અને 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ જિલ્લામાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર અને ગીર સોમનાથ સામેલ છે.

આ તમામ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ માટેનો યેલો ઍલર્ટ જાહેર કરાયો છે.

આ ઉપરાંત, 31 મેના રોજ અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં 40-50 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ જિલ્લા માટે વિભાગે ગાજવીજ સાથે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.

તથા 31 મે માટે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને ગીર સોમનાથમાં છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ જિલ્લાઓ માટે વિભાગે ગાજવીજ સાથે વરસાદ અંગે યેલો ઍલર્ટ જાહેર કર્યો છે.

ઉપરાંત, ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે વરસાદ મામલે વિભાગે આ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે યેલો ઍલર્ટ જાહેર કરાયો છે.

1 જૂનના રોજ દાહોદ, મહીસાગર, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ અને વીજળી સહિત છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. વિભાગે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.

ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ મધ્યમ મેઘગર્જના, વીજળી સહિત 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ જિલ્લામાં વિભાગે ગાજવીજ સાથે વરસાદ માટે યેલો ઍલર્ટ જાહેર કર્યો છે.

આ ઉપરાંત વિભાગે દાહોદ, મહીસાગર, પંચમહાલ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ માટેની ચેતવણી પણ જાહેર કરી છે, જે માટે યેલો ઍલર્ટ જાહેર કરાયો છે.

2 જૂન માટેની આગાહી મુજબ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દિવસે વિભાગે ગાજવીજ સાથે વરસાદ માટે આ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યો છે.

2 જૂનના રોજ પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છનાં છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત આ જ દિવસે, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને આણંદ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. જે માટે યેલો ઍલર્ટ પણ જાહેર કરાયો છે.

3 જૂન માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

4 જૂનના રોજ પણ 3 જૂનની માફક એ જ જિલ્લાઓમાં છૂટાંછવાયાં સ્થળોએ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમ મેઘગર્જના સહિત હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન